જૂનાગઢના નવાબી પરિવારની બદનક્ષીનો મામલો શું છે જેમાં પાકિસ્તાની યૂટ્યૂબરની ધરપકડ કરાઈ

ઇમેજ સ્રોત, Aliya Dilawar Khanji
- લેેખક, શુમાઇલા ખાન
- પદ, ઇસ્લામાબાદ સંવાદદાતા
મુદસ્સિર ખાન નામના એક યુટ્યૂબરને કરાચીના એક જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટે માનહાનિના કેસ સંબંધે નેશનલ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NCCIA)ની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. હવે તેમના રિમાન્ડ બે દિવસ વધારવામાં આવ્યા છે.
આ કેસ ગયા જૂન મહિનામાં અપલૉડ કરવામાં આવેલા એક યુટ્યૂબ વીડિયો સંબંધિત છે. એ વીડિયોમાં જૂનાગઢના ભૂતપૂર્વ નવાબના રાજવી પરિવાર વિશે કથિતપણે બદનક્ષીભરી અને ગેરમાર્ગે દોરી શકાય તેવી માહિતી આપવામાં આવી હતી.
NCCIAના જણાવ્યા મુજબ, મુદસ્સિર ખાનની 22 જાન્યુઆરીએ ઇસ્લામાબાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે તેમને 24 જાન્યુઆરીએ કરાચી લાવવામાં આવ્યા હતા. તેમને જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ (સાઉથ) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને અદાલતે તેમને 28 જાન્યુઆરી સુધી સાયબર ક્રાઇમ વિભાગની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે જૂનાગઢના મરહૂમ નવાબ દિલાવર ખાનજીનાં પુત્રી અને કરાચીનાં રહેવાસી નવાબઝાદી આલિયા દિલાવર ખાનજીની ફરિયાદના આધારે પ્રસ્તુત કેસ નોંધવામાં આવ્યો હતો. એફ.આઈ.આર. (FIR)માં જણાવવામાં આવ્યું છે કે મુદસ્સિર ખાન વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ ઇલેક્ટ્રોનિક ક્રાઈમ્સ ઍક્ટ (PECA)ની કલમ 20, 21-ડી અને 26-એ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, Aliya Dilawar Khanji
નવાબઝાદી આલિયા ખાનજીએ તેમની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે યુટ્યૂબર મુદસ્સિર ખાને તેની વીડિયો ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તે વીડિયોમાં ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેની ભાષા અપમાનજનક હતી અને નવાબ ખાનજીના પરિવારનું ચારિત્ર્યહરણ કરવામાં આવ્યું હતું. બીબીસીએ ટિપ્પણી માટે અલીમુર્તઝા ખાનજીનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
NCCIAના તપાસ અધિકારી આમેરઅલી ખોસોએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "વીડિયોમાં આલિયા ખાનજી અને જૂનાગઢ નવાબ પરિવાર માટે અપમાનજનક તથા હલકી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ પ્રારંભિક ટેકનિકલ વિશ્લેષણમાં થઈ છે. આ કારણે પ્રસ્તુત વીડિયો ઓનલાઇન બદનક્ષીના દાયરામાં આવે છે."
આલિયા ખાનજીએ બીબીસીને જણાવ્યું હતું કે વિવાદાસ્પદ વીડિયો નિહાળ્યા પછી તેમનાં માતા, એટલે કે જૂનાગઢના શાહબેગમ, ગંભીર માનસિક પીડાનો ભોગ બન્યાં હતાં અને ગત વર્ષે ડિસેમ્બરમાં તેમનું અવસાન થયું હતું. આલિયા ખાનજીના જણાવ્યા મુજબ, વિવાદનું મૂળ જૂનાગઢના ભૂતપૂર્વ રાજવી પરિવારમાં ઔપચારિક પદવીઓ વિશેના દાવા પર કેન્દ્રિત છે.
તેમણે જણાવ્યું હતું કે, "મોટાભાઈના મૃત્યુ પછી મારાં માતાએ જૂનાગઢ સ્ટેટ કાઉન્સિલ અને પરિવારના વરિષ્ઠ સભ્યોની સર્વસંમતિથી મને જૂનાગઢના નવાબ બેગમ તરીકે મનોનીત કરી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આક્ષેપ કર્યો હતો કે પદવી સંબંધી મતભેદોને કારણે તેમના તથા તેમનાં માતા વિરુદ્ધ સતત અને દુર્ભાવનાપૂર્ણ ઝુંબેશ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે વીડિયોથી એવી છાપ સર્જાઈ હતી કે તેમાં આપવામાં આવેલી માહિતી નવાબ પરિવારના કોઈ સભ્યએ જ આપી હશે; એ કારણે પરિસ્થિતિ ખાસ કરીને વધુ પીડાદાયક બની છે.
જૂનાગઢના નવાબ પરિવારમાં કૌટુંબિક વિવાદ?

ઇમેજ સ્રોત, Aliya Dilawar Khanji
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નવાબઝાદી આલિયા ખાનજી એ જૂનાગઢ રાજ્યના ભૂતપૂર્વ રાજવી પરિવારનાં સભ્ય છે. 1947માં જૂનાગઢના પાકિસ્તાન સાથે જોડાણની વાત અને પછી તેનું ભારતમાં ભળી જવું એ દક્ષિણ એશિયાના ઇતિહાસમાંના સૌથી વધુ સંવેદનશીલ તથા વિવાદાસ્પદ રાજકીય પ્રકરણો પૈકીનું એક માનવામાં આવે છે.
જૂનાગઢનું નવાબી ખાનદાન ત્યારથી પાકિસ્તાનમાં જ રહે છે. નવાબઝાદી આલિયા ખાનજીના પિતા નવાબ દિલાવર ખાનજીએ 1976થી 1977 સુધી પાકિસ્તાનના સિંધના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી.
સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, ઓનલાઇન બદનક્ષી અને ઉત્પીડન સંબંધી કેસ ચાલી રહ્યો છે તેમાં આ પ્રકરણમાં આરોપીના સહયોગી અને આલિયા ખાનજીના ભત્રીજા અલીમુર્તઝા ખાનજીની ભૂમિકા બાબતે પણ તપાસ ચાલી રહી છે.
યુટ્યૂબર મુદસ્સિર ખાનના વકીલ હમ્મદ અહમદ ખાને બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ કેસ મૂળભૂત રીતે એક આંતરિક કૌટુંબિક વિવાદનો છે. તેમણે કહ્યું હતું, "બંને પક્ષો દેશવટો (નિર્વાસન) ભોગવતા જૂનાગઢ રાજ્યના નવાબ હોવાનો તેમજ અલગથી મનોનીત કરવામાં આવ્યા હોવાનો દાવો કરે છે."
વકીલે દલીલ કરી હતી કે પ્રસ્તુત કેસમાં મુદસ્સિર ખાનનો 'એક સાધન તરીકે ઉપયોગ' કરવામાં આવ્યો હતો અને તેમને એક તૈયાર સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી. તે પ્રારંભે ઑડિયો રેકોર્ડિંગ સ્વરૂપમાં હતી અને પછીથી તેને વીડિયો સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
"તેમને કહેવામાં આવ્યું હતું કે આ જૂનાગઢને ભારતના એક રજવાડા તરીકે પ્રસ્તુત કરતી ઐતિહાસિક કથા છે," એમ કહેતાં વકીલે ઉમેર્યું હતું કે તેમાં સામેલ વ્યક્તિઓને યુટ્યૂબર જાણતો ન હતો. એ લોકો જૂનાગઢના નવાબના બિરુદ માટેના દાવેદારો છે કે કેમ તેની પણ યુટ્યૂબરને ખબર ન હતી.
બચાવ પક્ષના મતાનુસાર, એક મિત્રએ તે સ્ક્રિપ્ટ યુટ્યૂબર મુદસ્સિર ખાનને સોંપી હતી અને સારા હેતુસર તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી હતી. વકીલે એવો દાવો પણ કર્યો હતો કે આલિયા ખાનજીએ એફ.આઈ.આર.માં અલીમુર્તઝા ખાનજીનું નામ સાંકળવા માટે પ્રસ્તુત વીડિયોનું આયોજન કર્યું હોય અથવા તો અલીમુર્તઝા ખાનજીએ પોતે યુટ્યૂબરને કન્ટેન્ટ બનાવવા કહ્યું હોય તે શક્ય છે.
"બંને પરિસ્થિતિમાં આરોપી યુટ્યૂબર નિર્દોષ છે," એમ કહેતાં વકીલ હમ્મદ અહમદ ખાને દલીલ કરી હતી કે માહિતી તથ્યપૂર્ણ છે અને પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવી છે, એવી માન્યતાને આધારે કન્ટેન્ટ બનાવવામાં આવ્યું હોય તો તે PECAના કાયદા હેઠળ ગુનાના દાયરામાં આવશે નહીં.
તેમણે બીબીસીને એવું પણ જણાવ્યું હતું કે છેલ્લી સુનાવણી વખતે NCCIAએ અલીમુર્તઝા ખાનજીના નિવાસસ્થાને તપાસ તથા જપ્તી માટે કોર્ટની પરવાનગી માંગી હતી, પરંતુ કોર્ટે તે વિનંતી ફગાવી દીધી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












