ખેડૂતોના મિત્રો એવાં આ પાંચ શિકારી પક્ષીઓની વસ્તી કેમ ઘટી રહી છે?

ઇમેજ સ્રોત, Nirav Bhatt
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં પક્ષીઓના સંવર્ધન માટે કામ કરતી બર્ડ કોન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત (બીસીએસજી) નામની અમદાવાદની સંસ્થાએ તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં શિકારી પક્ષીઓનો સર્વે હાથ ધર્યો.
તે જ રીતે ગાંધીનગરની પ્રનિધિ ટ્રસ્ટ નામની સંસ્થાએ કચ્છના નાના રણમાં આ બે દિવસ દરમિયાન શિકારી પક્ષીઓનો સઘન સર્વે કર્યો. બંને સર્વેનો હેતુ સરખો હતો—ગુજરાતમાં શિકારી પક્ષીઓની પ્રજાતિઓ અને તેમની વસ્તીનો અંદાજ મેળવી તેમના વિષે પ્રાથમિક આંકડા અને માહિતી એકત્રિત કરવી.
કાળી પાંખો, લાલ આંખો અને કપાસ જેવી સફેદ છાતી ધરાવતા કપાસી પક્ષીઓને ગુજરાતમાં ખેડૂતોના ખેતર પર ઊડતાં ઊડતાં જો કોઈ શિકાર નજરે ચડી જાય તો તેને પકડવા હવામાં એકદમ સ્થિર થઈ જાય અને પછી નિશાન સધાતાં રૉકેટની માફક નીચે આવી તીડ, ઉંદર કે ગરોળીને પકડી લે છે.
તે જ રીતે રાખોડી પાંખો અને છાતીએ કેસરી ચટ્ટાપટ્ટા ધાવતો શકરો બાજ પણ ગુજરાતના વાડી વિસ્તારોમાં બહુ સહેલાઈથી દેખાઈ જતું પક્ષી છે જે નાનાં પક્ષીઓ પાછળ ઝડપભેર ઊડી હવામાં જ શિકાર કરે છે અને જો કોઈ વૃક્ષની ડાળ પર તે બેસવા આવે તો લેલા કે કાબરો દેકારો કરી તેના આગમનની અન્ય પક્ષીઓને ચેતવણી આપી દે છે.
ગુજરાતમાં કેટલી પ્રજાતિનાં શિકારી પક્ષીઓ જોવા મળે છે?

ઇમેજ સ્રોત, Devvratsinh Mori
બીસીએસજીના જોઈન્ટ સેક્રેટરી ડૉ. દેવવ્રતસિંહ મોરી કહે છે કે દુનિયામાં શિકારી પક્ષીઓની લગભગ 250 પ્રજાતિઓ છે અને તેમાંથી 65 જેટલી પ્રજાતીનાં પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. વળી, ભારતની 65 પ્રજાતીઓમાંથી 54 જેટલી પ્રજાતિનાં પક્ષીઓ ગુજરાતમાં જોવા મળે છે.
દર વર્ષે સેંકડો પ્રજાતિઓના પક્ષીઓ યુરોપ તેમ જ મધ્ય અને ઉત્તર એશિયાના ઠંડા પ્રદેશના તેમનાં રહેઠાણો છોડી શિયાળો ગાળવા ગુજરાત આવે છે. તેમાં પાણી કે પાણી કાંઠાના પક્ષીઓ અને શિકારી પક્ષીઓ મુખ્ય છે.
નિષ્ણાતો કહે છે કે કપાસી અને શકરો બાજ જેવાં સ્થાનિક શિકારી પક્ષીઓ સિવાય પણ બાજ અને ગરુડ કુળનાં યાયાવર શિકારી પક્ષીઓ પણ ખેડૂતોના મિત્રો છે કારણ કે તે પાકને નુકસાન કરતા કીટકો, ઉંદરો અને પક્ષીઓને આરોગી જાય છે. પરિણામે ખેડૂતોને જંતુનાશક દવાઓ છાંટવાની જરૂરિયાત ઘટે છે તેમ જ અનાજ વગેરે પાકોને ચણી જનાર પક્ષીઓની વસ્તી પણ નિયંત્રણમાં રહે છે.
પરંતુ ડૉ. મોરી કહે છે કે ખેડૂતોને થોડી ચિંતા થાય તેવા સમાચાર એ છે કે શિકારી પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે. તેઓ કહે છે, "દુનિયામાં મોટા ભાગનાં શિકારી પ્રજાતિનાં પક્ષીઓની વસ્તીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ એક ચિંતાનો વિષય છે કારણ કે શિકારી પક્ષીઓ આહાર શૃંખલામાં સૌથી ઉપર હોય છે અને તેની વસ્તીમાં ઘટાડો આહાર શૃંખલામાં કયાંક વિક્ષેપનો સંકેત આપે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના કેટલાક વરિષ્ઠ પક્ષીનીરીક્ષકોના મતે પટ્ટી પટ્ટાઇ, ઉજળી પટ્ટાઇ, લર્જી, ઘાસીયો ઝૂમ્મસ અને નાનો ટપકીવાળો ઝૂમ્મસ જેવાં યાયાવર શિકારી પક્ષીઓ પણ કપાસી અને શકરા બાજની માફક ખેડૂતોના મિત્રો છે.
પટ્ટી પટ્ટાઈ

ઇમેજ સ્રોત, Nirav Bhatt
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અંગ્રેજીમાં મોન્ટેગુઝ હેરિયર તરીકે ઓળખાતું પટ્ટી પટ્ટાઈ પક્ષી પૂર્વ યુરોપ અને મધ્યએશિયામાં શિયાળા દરમિયાન બરફ પડતાં ભારત આવી જાય છે જ્યાં વાતાવરણ પ્રમાણમાં ઓછું ઠંડુ હોય છે. બાજ કુળના પટ્ટી પટ્ટાઈ પક્ષીઓ દિવસ દરમિયાન ઘાસનાં મેદાનો અને ખેતરો પર ખોરાકની શોધમાં ઊડ્યા કરે છે અને પછી રાતવાસો કરવા સાંજે એક જગ્યાએ બેસી જાય છે.
ગુજરાતના વન વિભાગમાંથી મુખ્ય વન સંરક્ષક તરીકે નિવૃત થયેલ ગુજરાતના અગ્રણી પક્ષીનીરીક્ષકો પૈકીના એક એવા ઉદય વોરાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ભાવનગરના વેળાવદરમાં આવેલ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન પટ્ટાઈ જાતિના પક્ષીઓની શિયાળા દરમિયાન વિશ્વની સૌથી મોટી વસાહત બની જાય છે.
ઉદય વોરાએ કહ્યું, "આ પક્ષીઓ તેમનો ખોરાક આજુબાજુનાં ખેતરોમાંથી મેળવે છે અને રાતવાસો વેળાવદરમાં કરે છે. બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના વૈજ્ઞાનિકોના એક સંશોધન અનુસાર વેળાવદરમાં શિયાળાના સિત્તેરેક દિવસના રોકાણ દરમિયાન પટ્ટાઈ આશરે પંદરેક લાખ તીડ અને તીતીઘોડા આરોગી જાય છે. જો આ પક્ષીઓ તેમને ન ખાય તો ખેડૂતોએ તીડ અને તીતીઘોડાને નિયંત્રણમાં રાખવા જંતુનાશક દવા છાંટવી પડે અને તે માટે તેમણે ખર્ચ કરવો પડે."
પરંતુ પ્રાકૃતિક જગમાં થતા ફેરફારનું મુલક્યાંન કરતી ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોન્ઝર્વેશન ઑફ નેચર (આઈયુસીએન) નામની સંસ્થા અનુસાર દુનિયામાં માત્ર ત્રણ લાખથી સાડા પાંચ લાખ પટ્ટી પટ્ટાઈ પક્ષીઓ હોવાનો અંદાજ છે.
આ સંસ્થાના જણાવ્યા અનુસાર આ પક્ષીની વસ્તી ઘટી રહી છે.
ઊજળી પટ્ટાઈ

ઇમેજ સ્રોત, Devvratsinh Mori
અંગ્રેજીમાં પેલિડ હેરિયર તરીકે ઓળખાતું ઊજળી પટ્ટાઈ પક્ષી પટ્ટી પટ્ટાઇનું માસિયાઈ ભાઈ છે. તે પણ ગુજરાતમાં શિયાળો ગાળવા આવે છે અને તે દરમિયાન જીવાતોનો ખાત્મો બોલાવે છે.
સુરેન્દ્રનગરસ્થિત પક્ષીનીરક્ષક નીરવ ભટ્ટ જણાવે છે, "આ પક્ષીના ખોરાકમાં પણ અંદાજે 40 ટકા તો તીડ અને તીતીઘોડા જ હોય છે. પરંતુ તે ઉપરાંત આ પક્ષી નાનાં પક્ષીઓનો પણ શિકાર કરે છે."
નીરવ ભટ્ટ જણાવે છે કે ઉજળી પટ્ટાઈ દેખાવમાં પટ્ટી પટ્ટાઈ કરતાં વધારે ઉજળાં લાગે છે. વળી, પટ્ટી પટ્ટાઈની પાંખોમાં ચટ્ટાપટ્ટા હોય છે જયારે ઉજળી પટ્ટાઈની પાંખોમાં આવા ચટ્ટાપટ્ટા હોતા નથી. ઉપરાંત ઊજળી પટ્ટાઈના શરીરનો બાંધો થોડો વધારે મજબૂત લાગે છે.
આઈયુસીએન અનુસાર વિશ્વમાં માત્ર 18000થી 30000 જેટલાં આ પ્રકારનાં પુખ્ત વયનાં પક્ષીઓ બચ્યાં છે અને વસ્તીના આ આંકડામાં પણ ઘટાડાનું વલણ છે. આઈયુસીએનના રેડ લિસ્ટમાં ઊજળી પટ્ટાઈને "લગભગ ભયમાં મુકાયેલ" પ્રજાતિઓની શ્રેણીમાં મુકવામાં આવ્યાં છે.
મોટી લર્જી

ઇમેજ સ્રોત, Nirav Bhatt
આ પણ બાજ કુળનું નાનું પક્ષી છે અને તેનું અંગ્રેજી નામ છે કોમન કેસ્ટ્રલ. નર મોટી લર્જીની પાંખો ઘાટા બદામી રંગની અને માથું ભૂરા રંગનું હોય છે જયારે માદાની પાંખો પ્રમાણમાં આછા બદામી રંગની અને ચટ્ટાપટ્ટાવાળી હોય છે.
નીરવ ભટ્ટ કહે છે કે મોટી લર્જી ચકલાંઓનું દુશ્મન ગણાય છે. તેઓ કહે છે, "આ પક્ષીનો મુખ્ય ખોરાક કીટકો અને ગરોળીઓ છે. પરંતુ મોટી લર્જી નાના કાદની બધી જ ચકલીઓની દુશ્મન પણ છે."
નીરવ ભટ્ટ કહે છે કે મોટી લર્જી પક્ષીઓ શિયાળા દરમિયાન ગુજરાત આવી જાય છે અને ઘાસની વિડિઓ તેમ જ ખેતીવાડીના ખેતરોમાં ખોરાકની શોધ કરે છે. ઉનાળો આવતા આ ઋતુપ્રવાસી પક્ષીઓ યુરોપ અને મધ્ય તેમ જ ઉત્તર એશિયામાં આવેલ તેમના પ્રજનનઋતુના રહેઠાણોમાં પાછા ફરે છે જે ભારતથી પાંચ હજાર કિલોમીટર જેટલા દૂર હોઈ શકે છે.
આઈયુસીએન અનુસાર મોટી લર્જીની વૈશ્વિક વસ્તી 43 લાખથી 67 લાખ જેટલા પુખ્ત પક્ષીઓ છે જો કે વસ્તીમાં વલણ ઘટાડાનું છે. રેડ લિસ્ટમાં તેને લિસ્ટ કન્સર્નની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે.
ઘાસિયો ઝૂમ્મસ (સ્ટૅપ્પી ઇગલ)

ઇમેજ સ્રોત, Devvratsinh Mori
મધ્ય એશિયાનું આ ગરુડ કુળનું પક્ષી ગુજરાતમાં શિયાળો ગાળવા આવે છે. પક્ષીજગતની ઓનલાઇન લાઈબ્રેરી ગણાતા ઈ-બર્ડ પ્લેટફોર્મ અનુસાર ઘાસિયો ઝૂમ્મસ ઘાસનાં મેદાનો, ઝાડી-ઝાંખરાવાળાં ખુલ્લાં વનપ્રદેશો, રણપ્રદેશો, જળપ્લાવિત વિસ્તારો અને પર્વતોમાં રહે છે.
નીરવ ભટ્ટ કહે છે કે ઘાસિયા ઝૂમ્મસ ખેડૂતોને ભરપૂર મદદ કરનાર પક્ષી છે. તેઓ કહે છે, "આ પક્ષી ખુલ્લાં મેદાનોમાં રહેનાર પક્ષી છે અને શિયાળામાં ગુજરાતનું મહેમાન બને છે. આ પક્ષીઓ મોટે ભાગે ઉંદરો પર નભે છે પરંતુ અન્ય પક્ષીઓનો શિકાર પણ કરતાં રહે છે. કચ્છમાં જર્બીલ (વગડામાં રહેતા ઉંદર)ના દર નજીક ઘાસિયા ઝૂમ્મસ એકઠા થાય છે."
આઈયુસીએન અનુસાર ઘાસિયા ઝૂમ્મસની વૈશ્વિક વસ્તી 50,000થી 75000 જેટલી છે પરંતુ વસ્તીના આ આંકડામાં ઘટાડાનું વલણ છે. રેડ લિસ્ટમાં તેને 'ભયગ્રસ્ત" પ્રજાતિની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે.
ટપકીવાળો ઝૂમ્મસ (ઇન્ડિયન સ્પોટેડ ઇગલ)

ઇમેજ સ્રોત, Nirav Bhatt
ગરુડ કુળનું આ પક્ષી ભારતનું સ્થાનિક નિવાસી પક્ષી છે. નીરવ ભટ્ટ કહે છે કે ટપકીવાળો ઝૂમ્મસ શિયાળા દરમિયાન ગુજરાત આવે છે. નીરવ ભટ્ટ કહે છે, "આ પક્ષીનો મુખ્ય ખોરાક ઉંદર છે અને તે રીતે તે ખેડૂતોનું મિત્ર છે."
આઈયુસીએન અનુસાર ટપકીવાળા ઝૂમ્મસ ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને કંબોડીયામાં પણ વસે છે.
આ પક્ષીની પ્રકૃતિક જગતમાં સ્થિતિનું આઇયુસીએન દ્નારા 2025માં જ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને દુનિયામાં માત્ર દસેક હજાર જેટલા જ ટપકીવાળા ઝૂમ્મસ હોવાનું તારણ છે.
જો કે વસ્તીમાં ઘટાડાનું વલણ હોવાનું આઈયુસીએન જણાવે છે. રેડ લિસ્ટમાં ટપકીવાળા ઝૂમ્મસને "નીઅર થ્રેટન્ડ" શ્રેણીમાં મુકવામાં આવ્યા છે.
શિકારી પક્ષીઓની વસ્તી કેમ ઘટી રહી છે?
બીસીએસજીના જોઈન્ટ સેક્રેટરી ડૉ. મોરી કહે છે કે શિકારી પક્ષીઓની વસ્તી ઘટવા પાછળ મુખત્વે માનવસર્જિત કારણો જવાબદાર છે.
તેઓ કહે છે, "સૌથી મોટું કારણ છે જંતુનાશકોનો વધારે પડતો ઉપયોગ. બીજું મોટું કારણ છે આ પક્ષીઓને પકડી લઈ માણસો માટે શિકાર કરાવવાની પ્રવૃત્તિ. ખાસ કરીને આરબ દેશોમાં ફાલ્કનરી (બાજ કુળના પક્ષીઓને તાલીમ આપી માણસો માટે શિકાર કરાવવાની પ્રવૃત્તિ) માટે શિકારી પક્ષીઓને કે તેના બચ્ચાઓને પકડી લેવામાં આવે છે."
નીરવ ભટ્ટ કહે છે કે શિકારી પક્ષીઓ સામે તેમના લાંબા અંતરના ઋતુ પ્રવાસના માર્ગોમાં ઊભાં થયેલ જોખમો તેમની વસ્તીના ઘટાડા માટે જવાબદાર છે.
તેઓ ઉમેરે છે, "અમુક દેશોમાં બંદૂકની ગોળીઓથી વીંધી નાખીને તેમનો શિકાર કરવામાં આવે છે તો અમુક દેશોમાં તેમને આડકતરી રીતે ઝેર અપાય છે. ઉદાહરણ તરીકે ધાન ચરી જનાર પિપિટ્સ (ધાનચીડીઓ) અને લાર્કસ (ચંડુલો)ને ઝેર આપી મારી નાખવામાં આવે છે. શિકારી પક્ષીઓ આ રીતે મરી ગયેલ પક્ષીઓને ખાતા તે પણ મોતને ભેટે છે. તે જ રીતે મોંગોલિયા જેવા દેશોમાં ઉંદરોના ઉપદ્રવને ખાળવા તેમને ઝેર અપાય છે અને આવા ઉંદરો ખાનાર શિકારી પક્ષીઓ પણ મૃત્યુ પામે છે. ભારત જેવા દેશોમાં શિકારી પક્ષીઓ વીજળીના તાર સાથે અથડાઈ જવાથી કે વીજળીનો ઝટકો લાગી જવાથી પણ મૃત્યુ પામવાનું જોખમ ઊભું થયું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












