ગુજરાત: જેમને પદ્મશ્રી મળશે એ 'હાજી રમકડું'નું નામ કમી કરવા ભાજપના કૉર્પોરેટરે જ અરજી કરી

ઇમેજ સ્રોત, Hanif Khokhar
હજુ એક દિવસ અગાઉ જ જેમના નામનું પદ્મશ્રી માટે એલાન થયું એ જૂનાગઢના લોકકલાકાર અને ઢોલકવાદક હાજી રમકડુંનું નામ મતદારયાદીમાંથી કમી કરવા માટે અરજી અપાઈ હોવાનું સામે આવતા વિવાદ થયો છે.
એમાં પણ આ અરજી ભાજપના જ ચૂંટાયેલા કૉર્પોરેટરે કરી હોવાનું સામે આવતાં વિવાદ વકર્યો છે. તો સાથે જ ગુજરાતમાં સતત વિવાદોમાં રહેલી ચૂંટણીપંચની SIR પ્રક્રિયા સામે પણ વધુ એક વખત શંકા ઘેરી બની છે.
અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે પણ આવી જ ઘટના ઘટી હતી.
સમગ્ર મામલો શું છે એ સમજવા માટે બીબીસી ગુજરાતીએ તમામ પક્ષો સાથે વાતચીત કરી હતી. પોતાનું નામ કમી થવાની અરજી અંગે 'હાજી રમકડું' એ શું કહ્યું? ભાજપના કૉર્પોરેટરે અરજી કરવા પાછળ શું દલીલ આપી?
સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
જૂનાગઢથી બીબીસી ગુજરાતીના સહયોગી હનીફ ખોખરે આપેલી માહિતી અનુસાર કૉંગ્રેસના નેતા લલિત પરસાણાએ દાવો કર્યો હતો કે હાજીભાઈ તથા તેમના પરિવારના અન્ય સભ્યો સામે વાંધાઅરજી કરવામાં આવી છે. લલિત પરસાણા એ જૂનાગઢ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા છે.
તેમણે કહ્યું હતું કે, "ફૉર્મ નં. 7 એ ભાજપના ઘણા નેતાઓ ભરી રહ્યા છે. અગાઉ અમારા કૉંગ્રેસના નેતાઓ સામે પણ ફૉર્મ નં.7 જૂનાગઢમાં ભરવામાં આવ્યા છે. અમારા ચૂંટણી એજન્ટના ધ્યાને આવ્યું કે જૂનાગઢના ખ્યાતનામ કલાકાર હાજીભાઈ તથા પરિવારના સભ્યો સામે પણ વાંધાઅરજી કરવામાં આવી છે. હાજીભાઈ તથા પરિવારનાં અન્ય સભ્યો ઇકબાલભાઈ, એજાજભાઈ, અચિતાબહેન અને હનીફભાઈ સામે પણ વાંધાઅરજી કરવામાં આવી છે."
તેમણે ફૉર્મ નં.7 દેખાડીને ભાજપના કૉર્પોરેટર સંજય મણવર સામે આરોપો કર્યા હતા કે તેમણે આ ફૉર્મ ભર્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો, "ભાજપની એક જ મુરાદ છે કે મુસ્લિમો સહિત અન્ય સમાજના લોકો કે જે તેમને મત નથી આપી રહ્યા તેમનો અધિકાર છીનવી લેવામાં આવે. જે લોકો આવું કૃત્ય કરે છે તેમની સામે તેમણે કાયદેસરની કાર્યવાહીની માગ કરી હતી."
'હાજી રમકડું'એ શું પ્રતિક્રિયા આપી?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
આ મામલે પ્રખ્યાત ઢોલકવાદક હાજીભાઈ રમકડુંએ પણ પ્રતિક્રિયા આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે, "હું વર્ષોથી જૂનાગઢના આઠ નંબરના વૉર્ડમાં રહું છું. સાઠ-સિત્તેર વર્ષથી અમારો પરિવાર અહીં રહે છે. મારો જન્મ પણ થયો છે. મને પદ્મશ્રી પણ આપવાના છે. મારી પાસે તમામ પુરાવા છે. આવી ખોટી અરજીઓ ન કરવી જોઈએ."
હાજી રમકડુંના જમાઈ ભીખુભાઈ પરમારે કહ્યું હતું, "એવી વાંધાઅરજી મૂકવામાં આવી છે કે તેઓ અહીંથી સ્થળાંતર કરી ગયા છે. અમે 70 વર્ષથી અહીં રહીએ છીએ અને અમે કોઈ સ્થળાંતર કર્યું નથી. ભારત સરકારે તેમને પદ્મશ્રીનું સન્માન આપ્યું છે. આ દુ:ખદ છે."
અરજી કરનાર ભાજપના કૉર્પોરેટરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૂનાગઢના ભાજપના કૉર્પોરેટર સંજય મણવરનાં નામ અને સંપર્ક નંબર સાથે આ અરજી થઈ હતી. આ મુદ્દે તેમણે પણ મીડિયા સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપી હતી.
મણવરે કહ્યું હતું કે, "હાજીભાઈ જૂનાગઢનું જ નહીં, પરંતુ રાષ્ટ્રનું ગૌરવ છે. અમે હાજીભાઈના નામ સામે કોઈ વાંધો નથી લીધો. તેમનું નામ ખરેખર મીર હાજીભાઈ કાસમભાઈ છે. તેમના ફૉર્મમાં હાજીભાઈ રાઠોડ નામ છે. એટલા માટે મેં વાંધો ઉઠાવ્યો છે. જો એવું હોય તો બીએલઓએ સુધારો કરવો જોઈએ."
આ મામલે બીબીસી ગુજરાતીએ જૂનાગઢ ચૂંટણીઅધિકારી અને કલેક્ટર અનિલ રાણાવાસિયાનો સંપર્ક કરવાની સતત કોશિશ કરી હતી પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
જોકે, અગાઉ શાહબુદ્દીન રાઠોડ સમયે થયેલા વિવાદ વખતે ચૂંટણી અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે, "રજિસ્ટ્રેશન ઑફ ઇલેક્ટર્સ રૂલ્સ 1960ની કલમ 20 અને કલમ 21 મુજબ એનો નિયમ મુજબ જ નિકાલ કરાશે. નામ કમી કરાવવા માટેની જે પણ વાંધા અરજી મળી છે, તેમાં સુનાવણીની યોગ્ય તક આપ્યા પછી જ એ અનુસાર નામ કમી થઈ શકે છે, ફૉર્મ રજૂ કરવામાત્રથી ક્યારેય, કોઈ પણ મતદારનું નામ કમી થતું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












