મશરૂમનું રહસ્ય, જેને ખાધા બાદ 'પરી જેવા હજારો વેંતિયા લોકો' દેખાવા લાગે છે

ઇમેજ સ્રોત, Colin Domnauer
- લેેખક, રેચલ ન્યૂઅર
- પદ, બીબીસી ન્યૂઝ
ચીનની એક હૉસ્પિટલમાં દર વર્ષે એક વિચિત્ર બીમારીથી પીડાતા આવે છે. તેમને બહુ નાના નાના પરી જેવા લોકો દેખાય છે, જે દરવાજા નીચે આવેલી જગ્યાએથી નીકળી જાય છે, દીવાલો પર ચડે અને ફર્નિચર સાથે ચોંટી જતા દેખાય છે.
દર વર્ષે સેંકડો દર્દીઓ આવી વિચિત્ર ફરિયાદો લઈને હૉસ્પિટલમાં આવે છે. તેનું કારણ મશરૂમ છે. તેનું નામ છે 'લેનમાઓઆ એશિયાટિકા'. આ મશરૂમ જંગલોમાં પાઇન વૃક્ષો સાથે જોવા મળે છે.
ચીનના યુન્નાન પ્રાંતમાં આ મશરૂમ બજારોમાં વેચાય છે. જૂન અને ઑગસ્ટ વચ્ચે તેની સિઝન દરમિયાન રેસ્ટોરાંના મેનુમાં હોય છે અને ઘરોમાં ખવાય છે. આસપાસના લોકો તેને ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી હોંશેહોંશે ખાય છે.
જોકે મશરૂમને ખાતી વખતે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેને યોગ્ય રીતે રાંધવાં જોઈએ. જો આવું ન કરાય તો હૈલુસિનેશન શરૂ થઈ જાય, એટલે કે ભ્રમણા.
યૂટા યુનિવર્સિટી અને યૂટા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના બાયૉલૉજી ડૉક્ટરેટ વિદ્યાર્થી કૉલિન ડોમનાઉર કહે છે, "યુન્નાનમાં એક મશરૂમ હૉટપૉટ રેસ્ટોરાંમાં સર્વરે 15 મિનિટનો ટાઇમર સેટ કર્યો અને ચેતવણી આપી કે 'ટાઇમર બંધ થાય તે પહેલાં ખાશો નહીં, નહીં તો તમને નાના નાના લોકો દેખાશે."
આ મશરૂમ પર સંશોધન કરી રહેલા કૉલિન કહે છે કે અહીંની સંસ્કૃતિમાં આ મશરૂમ અને તેને સંબંધિત હૈલુસિનેશન સામાન્ય બાબાત છે, પરંતુ યુન્નાન અને કેટલાંક પસંદગીનાં સ્થળો સિવાય આ મશરૂમ મોટા ભાગના લોકો માટે એક રહસ્ય રહે છે.
'કપડાં અને વાસણો પર નાના નાના લોકો દેખાય છે'

ઇમેજ સ્રોત, Colin Domnauer
કૉલિન ડોમનાઉરે આ મશરૂમ અંગે પહેલી વાર તેમના સ્નાતકના અભ્યાસ દરમિયાન તેમના માયકૉલૉજી શિક્ષક પાસેથી જાણ્યું.
તેઓ કહે છે, "એ વિચિત્ર હતું કે કોઈ મશરૂમ એવું હોય કે તમને પરીકથા જેવો ભ્રમ પેદા કરી શકે. આ અલગ-અલગ સંસ્કૃતિ અને સમયમાં નોંધાયું છે. હું તેના વિશે વધુ જાણવા માટે વધુ ઉત્સુક હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે કૉલિન આ મશરૂમના દાયકાઓ જૂનાં રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જાણવા માગે છે કે આ ભ્રમ કયા રસાયણને કારણે થાય છે અને તે આપણને માનવમન વિશે શું શીખવી શકે છે.
ફૂગ શોધતી અને નોંધ કરતી સંસ્થા ફૂગ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ડાયરેક્ટર ગિયુલિયાના ફુર્સી કહે છે, "આ સાઇકેડેલિક મશરૂમ વિશે ઘણું સાંભળ્યું છે અને ઘણા લોકોએ તેને શોધવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે ક્યારેય મળ્યું નથી."
આ મશરૂમનો ઉલ્લેખ કેટલાક દસ્તાવેજોમાં કરાયો છે. 1991ના એક પેપરમાં ચાઇનીઝ ઍકેડૅમી ઑફ સાયન્સના બે સંશોધકોએ યુન્નાનમાં એવા લોકોના કેસ જણાવ્યા જેમને ચોક્કસ મશરૂમ ખાધા પછી "લિલિપુટિયન હૈલુસિમેન્શન" દેખાતા હતા. આનો અર્થ કે અત્યંત નાના લોકો, પ્રાણીઓ અથવા કાલ્પનિક જીવો દેખાવા. આ નામ ગુલિવર્સ ટ્રાવેલ્સ પુસ્તકના નાના લોકો લિલિપુટ ટાપુ પરથી આવ્યું છે.
સંશોધકોએ લખ્યું છે કે આ ભ્રમનો અનુભવ કરતા દર્દીઓએ કહ્યું કે આ નાના લોકો દરેક જગ્યાએ ફરી રહ્યા હતા. તેઓ સામાન્ય રીતે દસથી વધુ સંખ્યામાં દેખાતા હતા. તેઓ કપડાં પહેરતી વખતે કપડાં પર અને જમતી વખતે વાસણો પર પણ દેખાતા હતા. જ્યારે આંખો બંધ હોય ત્યારે તેઓ વધુ સ્પષ્ટ દેખાતા હતા.
મશરૂમનું 'ગાંડપણ' અને શોધવાના પ્રયાસો

ઇમેજ સ્રોત, Colin Domnauer
અગાઉ 1960ના દાયકામાં ગૉર્ડન વૉસન અને રોજર હાઇમને પાપુઆ ન્યૂ ગિનીમાં કેટલાંક આવાં મશરૂમ અંગે જાણ્યું હતું. આ બંનેએ સાઇલોસાયબિન મશરૂમની પશ્ચિમી દુનિયાને ઓળખ કરાવી હતી.
તેઓ એક એવા મશરૂમની શોધમાં હતા, જેના વિશે 30 વર્ષ પહેલાં આવેલા મિશનરીઓએ કહ્યું હતું કે સ્થાનિક લોકો તેનાથી "પાગલ" થઈ જાય છે. એક માનવશાસ્ત્રીએ પાછળથી તેને "મશરૂમ ગાંડપણ" કહ્યું હતું.
ગૉર્ડન અને રોજરને ખબર નહોતી કે તેઓ જે શોધી રહ્યા છે તે આજે ચીનથી આવતા અહેવાલો સમાન જ છે. તેમણે મશરૂમના નમૂના એકત્રિત કર્યા અને સ્વિસ કેમિસ્ટ આલ્બર્ટ હૉફમૅનને મોકલ્યા, પરંતુ હૉફમૅનને તેમાં કોઈ ચોક્કસ રસાયણ ન મળ્યું. ટીમે વિચાર્યું કે આ ફક્ત વાર્તાઓ છે અને પછી આગળ વધુ સંશોધન ન કર્યું.
2015માં સંશોધકોએ આ મશરૂમને સત્તાવાર રીતે "લાનમાઓઆ એશિયાટિકા" નામ આપ્યું, પરંતુ એ અંગે વધુ માહિતી ન આપી કે તેને ખાવાથી ભ્રમ પેદા થાય છે.
આના પર સંશોધન કરી રહેલા વિદ્યાર્થી કૉલિન ડોમનાઉરનું પ્રથમ લક્ષ્ય આ મશરૂમની યોગ્ય ઓળખ કરવાનું હતું. 2013માં તેઓ પીક સિઝનમાં યુન્નાન ગયા. તેમણે મોટાં મોટાં મશરૂમ બજારોની મુલાકાત લીધી અને વેપારીઓને પૂછ્યું કે કયા મશરૂમ ખાવાથી લોકો નાના દેખાય છે? વિક્રેતાઓએ હસતાં હસતાં આ ખાસ મશરૂમ દેખાડ્યાં અને કૉલિને લૅબમાં જઈને તેની તપાસ કરી.
ઉંદરો પર મશરૂમનું પરીક્ષણ થયું. ઉંદરોમાં પણ એવો જ ફેરફાર દેખાયો, જેવો માણસમાં જોવા મળ્યો હતો. પ્રથમ તો ઉંદરોમાં ભારે ઉત્તેજના જોવા મળી, પરંતુ પછી તે સુસ્ત થઈ ગયા અને વધુ હલનચલન ન કર્યું.
કૉલિને એવી અફવા સાંભળી હતી કે ફિલિપાઇન્સમાં આવાં જ મશરૂમ હોય છે. આ મશરૂમ નાનાં અને આછાં ગુલાબી હતાં, જ્યારે ચીનમાં જોવા મળતાં મશરૂમ મોટાં અને લાલ હોય છે.
જોકે, આનુવંશિક પરીક્ષણથી જાણવા મળ્યું કે બંને એક જ પ્રજાતિનાં છે. ડિસેમ્બર 2025માં તેમના સુપરવાઇઝર પાપુઆ ન્યૂ ગિની ગયા, જેથી ગૉર્ડન અને રોજરવાળા મશરૂમ શોધી શકે, જોકે એ ન મળ્યાં અને મશરૂમનું રહસ્ય હજુ પણ વણઉકેલ્યું છે.
મશરૂમ ખાધા બાદ લાંબા સમય હૉસ્પિટલમાં રહેવું પડે

ઇમેજ સ્રોત, Colin Domnauer
ખાસ વાત એ છે કે આ મશરૂમથી થતા આભાસની અસર ખૂબ જ લાંબા સમય સુધી રહે છે. સામાન્ય રીતે દર્દીઓને 12થી 24 કલાક અને ક્યારેક તો એક અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રહેવું પડે છે. આટલી લાંબી અસર અને અને આડઅસરો (જેમ કે બેભાન થવું અને ચક્કર આવવા)ને કારણે કૉલિને હજુ સુધી કાચાં મશરૂમ ખાધા નથી.
લાંબા સમય સુધી ચાલતી આ અસરને કારણે ચીન, ફિલિપાઇન્સ અને પાપુઆ ન્યૂ ગિનીના લોકો નશા માટે તેને શોધે છે.
આ મશરૂમનો અભ્યાસ કરવાથી વૈજ્ઞાનિકોને સમજવામાં મદદ મળી શકે છે કે મગજમાં આવા હૈલુસિનેશન (આભાસ) ક્યાંથી ઉદ્ભવે છે. આનાથી કદાચ નવી સારવાર પણ મળી શકે.
1909થી 2021 સુધી 226 કેસ એવા નોંધાયા હતા જેમાં દર્દીઓએ મશરૂમ ખાધું ન હતું, પરંતુ છતાં તેમને નાના લોકો નજરે આવ્યા હતા. આમાંથી ત્રીજા ભાગના દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા ન હતા.
ઍથનો ફાર્માકોલૉજિસ્ટ ડેનિસ મૅકેના કહે છે, "હવે આપણે સમજીએ શકીએ કે મગજમાં આ આભાસ ક્યાંથી શરૂ થાય છે. તેનાથી નવી દવાઓ બનવાની શક્યતા છે. જોકે, હજુ એ જોવાનું બાકી છે કે તબીબી સારવારમાં આનો ઉપયોગ થઈ શકે છે કે કેમ."
વૈજ્ઞાનિકો માને છે કે દુનિયામાં હજુ સુધી ફૂગની પાંચ ટકાથી ઓછી પ્રજાતિની ઓળખ થઈ છે. જ્યારે ઇકૉસિસ્ટમ સતત ઘટી રહી છે, ત્યારે હજુ પણ નવી શોધ માટે નોંધપાત્ર અવકાશ છે.
ગિયુલિયાના ફુર્સી કહે છે કે ફૂગમાં મોટી માત્રામાં રાસાયણિક અને દવાનો ખજાનો છે. શોધવા માટે હજુ ઘણું બધું બાકી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












