બૅટ્સમેન પાણી પીવા ગયો અને રનઆઉટ થઈ ગયો, ક્રિકેટના ઇતિહાસમાં વિચિત્ર રીતે આઉટ થવાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટ મૅચમાં ઘણી વખત વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે, ખાસ કરીને રન આઉટ વખતે આવું થતું હોય છે. બંગાળ અને સર્વિવિસ વચ્ચે હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી મૅચમાં પણ આવો જ એક બનાવ બન્યો છે, જેમાં બંગાળના કૅપ્ટન અભિમન્યુ ઇશ્વરન બહુ કમનસીબ રીતે આઉટ થયા છે.
મહત્ત્વની વાત એ છે કે અભિમન્યુએ 81 રન બનાવી લીધા હતા અને તેઓ પોતાની 28મી ફર્સ્ટ ક્લાસ સદી બનાવવાની નજીક હતા ત્યારે વિચિત્ર રીતે રન આઉટ થયા હતા.
અભિમન્યુ ઇશ્વરન કેવી રીતે રન આઉટ થયા?

ઇમેજ સ્રોત, Getty Images
ઇશ્વરન 81 રનના સ્કોર પર હતા ત્યારે તેમણે 41મી ઓવરના છેલ્લા બૉલનો સામનો કર્યો. દડો સીધો બૉલર આદિત્ય કુમાર પાસે ગયો. આ દરમિયાન બૉલ ડેડ થઈ ગયો છે એવું માનીને અભિમન્યુ ઇશ્વરને પાણી પીવા માટે ક્રિઝ છોડી હતી.
અભિમન્યુ ક્રિઝની બહાર નીકળીને ડ્રીંક માટે પેવિલિયન તરફ ચાલવા લાગ્યા. તેઓ કોઈ રન લેવાનો પ્રયાસ કરતા ન હતા. પરંતુ બૉલર આદિત્યની આંગળી સાથે ટકરાઈને બૉલ સીધો સ્ટમ્પમાં ગયો અને બૅલ્સ પડી ગઈ. આ દરમિયાન અભિમન્યુ ઈશ્વરન ક્રિઝની બહાર હતા તેથી સર્વિસિસ દ્વારા અપીલ કરવામાં આવી. મેદાન પરના અમ્પાયરોએ થર્ડ અમ્પાયરનો મત માગ્યો અને અંતે અભિમન્યુને આઉટ જાહેર કરવામાં આવ્યા.
અભિમન્યુ ઇશ્વરનને આ રીતે રન આઉટ થવા બદલ અફસોસ જરૂર થયો, પરંતુ તેમણે કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળ્યું હતું. ત્યાર પછી દિવસના અંતે અભિમન્યુએ પોતાની ભૂલ સ્વીકારી અને હરીફ ટીમે તેમને પાછા બોલાવવા જોઈતા હતા તેવી વાતને ફગાવી દીધી હતી.
'મારી જ ભૂલ હતી'

ઇમેજ સ્રોત, Getty Images
ઈએસપીએનના અહેવાલ પ્રમાણે અભિમન્યુએ કહ્યું કે, ઇનિંગ એકદમ બરાબર ચાલતી હતી. પરંતુ ભૂલના કારણે મને પણ નવાઈ લાગી. કેટલાકને કદાચ લાગ્યું હશે કે સામેની ટીમે ખેલદીલી દેખાડીને મને પાછો બોલાવવાની જરૂર હતી, પરંતુ તેનો સવાલ જ નથી. તે સંપૂર્ણપણે મારી ભૂલ હતી. મને લાગ્યું કે બૉલરે બૉલ પકડી લીધો છે અને આપોઆપ આગળ વધી ગયો."
ક્રિકેટમાં કોઈ બૅટ્સમેન ડ્રીંક લેવા માટે ક્રિઝ છોડીને પેવિલિયન તરફ આગળ વધે અને ત્યારે જ રન આઉટ થઈ જાય તેવી આ જવલ્લે જ બનતી ઘટના છે.
બંગાળ અને સર્વિસિસ વચ્ચે 22 જાન્યુઆરીએ શરૂ થયેલી રણજી મૅચમાં બંગાળે પ્રથમ દાવમાં 519 રન બનાવ્યા હતા જ્યારે સર્વિસિસે આઠ વિકેટના ભોગે 126 રન બનાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડોમેસ્ટિક ક્રિકેટમાં રન આઉટની આવી ઘટના દુર્લભ જણાય છે જેમાં કોઈ ખેલાડી બૉલ ડેડ થયાનું માનીને ક્રિઝની બહાર જાય અને નોન-સ્ટ્રાઈકર છેડા પર બેલ્સ પડી જાય.
આ કેસમાં બૅટ્સમેનનો રન દોડવાનો કોઈ ઈરાદો ન હતો. પરંતુ બૉલ ડૅડ થાય તે પહેલાં તેમણે ક્રિઝની બહાર ચાલવાનું શરૂ કર્યું અને આ દરમિયાન બૉલરે પોતાના ફોલો થ્રુમાં દડાને સ્પર્શ કર્યો જે સીધો સ્ટમ્પ સાથે અથડાયો હતો.
આ મૅચમાં બંગાળે સર્વિસિસ સામે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઇશ્વરન અને સુદીપ ચેટરજીએ ઓપનિંગમાં જ 151 રનની ભાગીદારી બનાવી હતી. સુદીપ ચેટરજીએ બેવડી સદી ફટકારીને ટીમને મજબૂતી આપી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












