'વિદેશમાં નોકરીનો વાયદો કરે છે અને...' પશ્ચિમ આફ્રિકાના હજારો લોકો માનવતસ્કરીનો ભોગ કેવી રીતે બને છે?

વિદેશમાં કામનો વાયદો, પુરુષો સાથે સહશયન, મધ્ય ગિની, ફરાના પ્રદેશ, પશ્ચિમ આફ્રિકા, માનવતસ્કરી, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ફોડાય મુસાએ લગભગ બે વર્ષથી તેમનાં બાળકોને જોયાં નથી
    • લેેખક, સૈદુ બહ
    • પદ, બીબીસી આફ્રિકા આઇ, મકેની

પોતાના પુત્રનો છેલ્લો વૉઇસ મૅસેજ સાંભળીને ફોડાય મુસા ભાંગી પડ્યા હતા.

76 સેકન્ડ લાંબા મૅસેજમાં યુવકના સ્વરમાંથી હતાશા ટપકે છે. તે રડતો-કકળતો પિતા પાસે મદદ માગી રહ્યો છે.

"આ સાંભળવું ઘણું મુશ્કેલ છે. તેનો અવાજ સાંભળીને મને ઘણું દુઃખ થાય છે," એમ મુસાએ બીબીસી આફ્રિકા આઇને જણાવ્યું હતું. પુત્ર-પુત્રીને કૌભાંડીઓની જાળમાંથી છોડાવવા તેમની શોધમાં નીકળેલા મુસાને પોલીસ એકમે મદદ કરી હતી.

મધ્ય ગિનીના ફરાના પ્રદેશમાં આવેલા તેમના અંતરિયાળ ગામમાંથી મુસાના 22 વર્ષના પુત્ર, 18 વર્ષની પુત્રી તેમજ અન્ય પાંચ લોકોની ફેબ્રુઆરી, 2024માં એજન્ટો દ્વારા ભરતી કરવામાં આવી હતી. એજન્ટોએ તેમને વિદેશમાં કામ અપાવવાનું વચન આપ્યું હતું.

નોકરી કદી મળી નહીં અને કથિત ભરતીકર્તાઓ માનવતસ્કરો નીકળ્યા. આ ગ્રૂપને સરહદ પાર સિયેરા લિયોન લઈ જવામાં આવ્યું અને ત્યાં તેમને બંધક બનાવી દેવાયાં.

"મને ઘણો આઘાત લાગ્યો છે. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યાં છે. તમે મારી આંખોમાં જોશો, તો તમને મારી પીડા દેખાશે," એમ મુસાએ કહ્યું હતું.

ગિનીસ્થિત વૈશ્વિક પોલીસ એજન્સી ઇન્ટરપોલે આ કેસ હાથમાં લીધો અને તેણે સિયેરા લિયોનમાં આવેલા તેમના એકમ પાસે મદદ માગી. આથી, ગત ઑગસ્ટમાં મુસાએ તેમનાં બાળકોને શોધવા માટે મધ્ય સિયેરા લિયોનનો પ્રવાસ ખેડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર પશ્ચિમ આફ્રિકાનાં હજારો લોકો ક્યૂનેટ તરીકે જાણીતા માનવતસ્કરીના કૌભાંડનો ભોગ બની રહ્યાં છે.

હૉંગકૉંગમાં સ્થપાયેલી ક્યૂનેટ સ્વયં એક કાયદેસરની વેલનેસ અને લાઇફસ્ટાઇલ કંપની છે - તે લોકોને તેનાં ઉત્પાદનો ખરીદવા અને તેમનું ઑનલાઇન વેચાણ કરવા માટે સાઇનઅપ કરવાની પરવાનગી આપે છે.

તેનું બિઝનેસ મૉડલ કેટલીક આલોચનાનો સામનો કરી ચૂક્યું છે. જોકે, પશ્ચિમ આફ્રિકામાં ગુનાખોર ટોળકીઓ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છાવરવા એક આવરણ તરીકે તેના નામનો ઉપયોગ કરે છે.

અમેરિકા, કૅનેડા જેવા દેશમાં કામની લાલચ

વિદેશમાં કામનો વાયદો, પુરુષો સાથે સહશયન, મધ્ય ગિની, ફરાના પ્રદેશ, પશ્ચિમ આફ્રિકા, માનવતસ્કરી, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આ પ્રકારનાં બિલબોર્ડ્ઝ પશ્ચિમ આફ્રિકાનાં લોકોને ક્યૂનેટ નોકરીદાતાનો સ્વાંગ રચતા કૌભાંડીઓથી સાવધ રહેવા માટે ચેતવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તસ્કરો લોકોને અમેરિકા, કૅનેડા, દુબઈ અને યુરોપ જેવાં સ્થળોએ કામની તકો શોધી આપવાનું વચન આપીને તેમને નિશાન બનાવે છે. તેમને નોકરી શરૂ થાય તે પહેલાં વહીવટી ખર્ચ માટે મોટી રકમની ચુકવણી કરવાની હોવાનું જણાવે છે.

લોકો નાણાં ચૂકવી દે, તે પછી મોટા ભાગે તેમને પાડોશી દેશમાં તસ્કરીથી પહોંચાડવામાં આવે છે અને તેમને કહેવામાં આવે છે કે જો તેઓ અન્ય લોકોને આ યોજનામાં સામેલ કરશે, તો જ તેઓ વિદેશમાં પ્રવાસ ખેડી શકશે.

પણ, ભોગ બનેલા પીડિતો પરિવાર અને મિત્રોને લાવે, તો પણ નોકરી મળતી નથી.

ક્યૂનેટે સ્વયં આ સમગ્ર પ્રદેશમાં એક અભિયાન ચલાવ્યું છે, જેમાં બિલબોર્ડ્ઝ અને મીડિયામાં કરાતી જાહેરાતોનો સમાવેશ થાય છે. તે તમામ જાહેરાતો પર લખ્યું છે - "ક્યૂનેટ કૌભાંડોની વિરુદ્ધ છે" અને કંપનીએ માનવતસ્કરીમાં સંડોવાયેલી હોવાના આરોપોને ફગાવી દીધા છે.

મુસા અને તેમનો પરિવાર તસ્કરોને પહેલાં જ 25,000 ડૉલર (19,000 પાઉન્ડ) આપી ચૂક્યા હતા, તેમાં જોડાવાની ફી તથા તેમનાં સંતાનોને ઘરે પરત લાવવા માટે ખર્ચાયેલાં વધારાનાં નાણાંનો સમાવેશ થાય છે. મુસા પોતે સિયેરા લિયોન જાય, એ જ તેમની છેલ્લી આશા હતી.

સિયેરા લિયોન પોલીસ અંતર્ગત ઇન્ટરપોલના એન્ટિ-ટ્રાફિકિંગ યુનિટના હેડ ઑફ ઇન્વેસ્ટિગેશન્સ મહમૂદ કોન્ટેહે જણાવ્યું હતું કે, તેમના એકમ માટે આ કેસ પ્રાથમિકતા ધરાવતો હતો.

તેમણે બીબીસીને જણાવ્યું હતું, "આ ગેરકાયદેસર ક્રૉસિંગ પૉઇન્ટ્સ પરથી અમારી દરેક સરહદ પાર કરવી આ તસ્કરો માટે સાવ સરળ છે."

માકેનીના એક સ્થળે મોટી સંખ્યામાં યુવક-યુવતીઓને કેદ કરવામાં આવ્યાં હોવાની કોન્ટેહને બાતમી મળી, ત્યારે પોતાનાં બાળકોને શોધવાની આશાએ મુસા પોલીસે પાડેલા દરોડામાં જોડાઈ ગયા.

દરોડાના સ્થળે ભોંય પર કપડાં વિખરાયેલાં પડ્યાં હતાં. એવું લાગતું હતું કે, દરેક રૂમમાં 10થી 15 વ્યક્તિ સૂતી હતી.

ઇન્ટરપોલની ટીમે તે સ્થળે હાજર તમામ લોકોને એકઠાં કર્યાં અને જોયું કે, ત્યાં કેટલાંક 14 વર્ષનાં બાળકો પણ રહેતાં હતાં.

કોન્ટેહે કહ્યું હતું, "મોટા ભાગના ગિનીના નાગરિકો છે. તેમાંથી માત્ર એક જ સિયેરા લિયોનનો નાગરિક છે. બાકીના તમામ ગિનીના નાગરિકો છે."

તેમાં મુસાનાં બાળકો નહોતાં. જોકે, એક યુવકે કહ્યું કે, મુસાનાં બાળકો આગલા અઠવાડિયે ત્યાં જ હતાં. આ સાંભળીને છેલ્લા એક વર્ષમાં મુસાને પ્રથમ વખત પોતાનાં સંતાનો જોવા મળવાની આશા જન્મી.

સમૂહના લોકોને તપાસાર્થે પોલીસ સ્ટેશન લઈ જવાયા અને તે પછી 19ને ગિનીમાં તેમના ઘરે પરત મોકલી દેવાયા.

પોલીસ કહે છે કે, છેલ્લા એક વર્ષમાં તેમણે આવા 20 કરતાં વધુ દરોડા પાડ્યા હતા, જેમાં માનવતસ્કરીના સેંકડો પીડિતોને ઉગારી લેવાયા હતા.

ઘણી વખત તસ્કરો પીડિતોને સરહદ પાર લઈ જતા હોય છે, પરંતુ 23 વર્ષનાં સિયેરા લિયોનનાં વતની અમિનાતા (સુરક્ષા માટે નામ બદલવામાં આવ્યું છે) જેવા અન્ય લોકો તેમના દેશની અંદર જ તસ્કરીનો શિકાર બને છે.

દૂર પાછળ માકેનીના વુસુમ પર્વતોના ઢોળાવોના પરિદૃશ્ય આગળ પ્લાસ્ટિકની એક ખુરશી પર બેઠેલાં અમિનાતાએ બીબીસીને જણાવ્યું હતું કે, 2024ના મધ્ય ભાગમાં એક મિત્રે તેમનો પરિચય ક્યૂનેટનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરતા લોકો સાથે કરાવ્યો હતો.

અમિનાતા ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયાં અને તેમને જણાવવામાં આવ્યું કે, અમેરિકામાં આગળ અભ્યાસ અને જોબ માટે જતાં પહેલાં તેમણે એક કોર્સ કરવાનો રહેશે.

'તમારું શરીર વેચવું પડે અને પુરુષો સાથે સહશયન કરવું પડે'

વિદેશમાં કામનો વાયદો, પુરુષો સાથે સહશયન, મધ્ય ગિની, ફરાના પ્રદેશ, પશ્ચિમ આફ્રિકા, માનવતસ્કરી, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, માકેની ખાતેના ઘરમાંથી મળી આવેલા મોટાભાગના લોકો ગિનીના નાગરિકો હતા

એકમાત્ર શરત એ હતી કે, યોજનામાં જોડાવા માટે તેમણે 1,000 ડૉલર ચૂકવવાના હતા.

આ કાયદેસર હોવાનું જાણીને તેમના પરિવારે અમિનાતાની કૉલેજ ફી માટે બચાવી રાખેલાં નાણાં તેમને આપ્યાં.

"જ્યારે પ્રથમ વખત તેઓ તમારી ભરતી કરે છે, ત્યારે તેઓ તમને ખવડાવે છે, તમારી કાળજી લે છે. પણ સમય પસાર થાય, તે સાથે આ બધું બંધ થઈ જાય છે," એમ અમિનાતાએ બીબીસીને જણાવ્યું હતું અને આગળ કહ્યું હતું કે, આવા સમયે તેમણે અસ્તિત્વ ટકાવી રાખવા માટે "વધારાના પ્રયાસો" કરવા પડ્યા હતા.

"તમારે તમારું શરીર વેચવું પડે છે અને પુરુષો સાથે સહશયન કરવું પડે છે, જેથી તમને પૈસા મળે, જેથી તમે સ્વયંની કાળજી લઈ શકો."

અમિનાતાએ કહ્યું કે, તેમને જણાવવામાં આવ્યું હતું કે, જો તેઓ પ્રવાસ ખેડવા માગતાં હોય, તો તેમણે આ યોજનામાં અન્ય લોકોની ભરતી કરવી પડશે.

આમ કરવા માટે તસ્કરોએ અમિનાતાને આંતરરાષ્ટ્રીય નંબર આપ્યો હતો, જેથી જ્યારે અમિનાતા સામેની વ્યક્તિનો સંપર્ક કરે, ત્યારે તે વ્યક્તિને એવું લાગે કે, અમિનાતા વિદેશમાં જ રહે છે.

અમિનાતાએ કહ્યું હતું, "તેઓ તમને ઍરપૉર્ટ લઈ જાય છે અને તમે પ્રવાસ કરનારા યાત્રી જેવા સારાં કપડાં પહેરો છો. તેઓ તમને પાસપૉર્ટ આપે છે, તમને પ્રવાસના ખોટા કાગળો આપે છે."

તે પછી તેઓ તમારો ફોટો લે છે, જેથી તમે તેને તમારા મિત્રો અને પરિવારોને મોકલી શકો."

હજુયે અમેરિકામાં નોકરી મળશે, એ આશાએ અમિનાતાએ છ મિત્રો અને સંબંધીઓને આ યોજનામાં જોડાવા માટે તૈયાર કર્યાં હતાં. પણ આવું કશું ન થયું.

"મને ઘણું ખરાબ લાગ્યું, કારણ કે, તેમના પૈસાનું પાણી થયું અને મારા કારણે તેમણે નુકસાન વેઠવું પડ્યું."

અમિનાતાને લગભગ એક વર્ષ સિયેરા લિયોનની રાજધાની ફ્રીટાઉનનાં કોઈ પરાં વિસ્તારમાં રાખવામાં આવ્યાં હતાં.

જ્યારે અમિનાતા બીજા કોઈની ભરતી કરવામાં નિષ્ફળ રહ્યાં, તે પછી તો તસ્કરોને જાણે અમિનાતા કોઈ કામનાં ન લાગ્યાં અને આથી જ, જ્યારે અમિનાતાએ ભાગવાનું નક્કી કર્યું, ત્યારે કોઈએ તેમને અટકાવ્યાં નહીં.

આટલું બધું થયા પછી ઘરે પરત ફરવું, ખાસ કરીને ત્યારે, જ્યારે સૌને લાગતું હતું કે, તેઓ વિદેશમાં વસી ગયાં છે, ઘણું અઘરું હતું.

"મને ઘરે પરત ફરતાં બીક લાગી રહી હતી," એમ અમિનાતાએ જણાવ્યું હતું.

"મેં મારાં મિત્રોને જણાવ્યું હતું કે, હું વિદેશ ગઈ હતી. મેં મારા પરિવારને પણ આમ જ કહ્યું હતું. મને એ પૈસાનો વિચાર આવતો હતો, જે તેમણે મને ત્યાં જવા માટે આપ્યા હતા."

માનવતસ્કરીના કેસ

આ પ્રકારનાં શ્રમ કૌભાંડોના પીડિતોની સંખ્યા અંગે કોઈ આંકડા ઉપલબ્ધ નથી, પણ આવી વિદેશી નોકરીઓ વાસ્તવિક માની બેસનારા લોકોને છેતરનારી ટોળકીઓ વિશે સમગ્ર પશ્ચિમ આફ્રિકાના માધ્યમોમાં સતત સમાચારો પ્રગટ થતા રહે છે.

માકેનીમાં ત્રણ દિવસમાં પાડવામાં આવેલા ડઝનબંધ દરોડામાં બીબીસી પોલીસ સાથે જોડાઈ હતી અને બુર્કિના ફાસો, ગિની, આઇવરી કોસ્ટ અને માલી જેવા દેશોમાંથી આ પ્રદેશમાં તસ્કરી કરીને લવાયેલા સેંકડો લોકોની મુલાકાત લીધી હતી.

પોલીસે કહ્યું હતું કે, તેમણે કુલ 12 શકમંદ તસ્કરોની ધરપકડ કરી હતી.

જોકે વાસ્તવિકતા એ છે કે આવા મામલામાં જૂજ કાર્યવાહીઓ સફળ રહે છે અને આ પ્રદેશમાં સંસાધનોની અછતનો સામનો કરી રહેલા અધિકારીઓએ આ પ્રકારનાં કૌભાંડોને ડામવા માટે ઘણી મુશ્કેલીઓ વેઠી પડે છે.

અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે, જુલાઈ, 2022 (જ્યારે સિયેરા લિયોનનો માનવતસ્કરી વિરોધી અધિનિયમ પસાર થયો) અને એપ્રિલ, 2025ની વચ્ચે માનવતસ્કરીના કેવળ ચાર મામલામાં અપરાધ સાબિત થયો હતો.

મુસાને કદી તેમનાં બાળકો ન મળ્યાં અને સપ્ટેમ્બરના અંતમાં તેમની પાસે ખાલીહાથે ગિની પરત ફરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

ઇન્ટરપોલના કોન્ટેહે બીબીસીને જણાવ્યું હતું કે, તસ્કરોએ ફોડાયનાં બાળકોને થોડા જ સમય પછી છોડી મૂક્યાં હતાં.

તે પછી બીબીસીએ પુષ્ટિ કરી કે, મુસાનાં પુત્રી ગિની પરત ફર્યાં હતાં, પણ તેઓ તેમના ગામમાં પાછાં ન ગયાં અને તેમણે મુલાકાત આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

તેમણે તેમના પિતાનો સંપર્ક સાધ્યો નથી, જે આ કૌભાંડનો શિકાર બનેલાં ઘણાં પીડિતોએ અનુભવવી પડતી શરમ દર્શાવે છે.

મુસાના પુત્રના કોઈ સમાચાર મળ્યા નથી.

તેમના પિતા માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે.

"જે કંઈ પણ થયું, તે પછી હવે હું એટલું જ ઈચ્છું છું કે, આ બધાનો અંત આવે અને હું મારાં સંતાનોને જોઈ શકું," એમ મુસાએ જણાવ્યું હતું.

"અમે ઈચ્છીએ છીએ કે, તેઓ હવે ગામમાં પરત ફરે - હું ઈચ્છું છું કે, તેઓ મારી સાથે અહીં રહે."

(પૉલ માઇલ્સ, ક્રિસ વોલ્ટર, ઓલિવિયા એક્લેન્ડ અને તામાસિન ફોર્ડનું ઉમેરારૂપ રિપોર્ટિંગ)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન