પતિની હત્યા કર્યા પછી અશ્લીલ ફિલ્મ જોવાના આરોપસર પત્નીની ધરપકડ, પોલીસ અને આરોપીનાં માતા શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગરિકીપતિ ઉમાકાંત
- પદ, બીબીસી માટે
એક મહિલાએ તેના નજીકના દોસ્ત સાથે મળીને પોતાના "પતિની હત્યા કરી અને પછી આખી રાત અશ્લીલ ફિલ્મ જોઈ" હોવાના સમાચારે સનસનાટી ફેલાવી દીધી છે.
આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લાના દુગ્ગિરાલા મંડળના ચિલમુરુ બનેલી આ ઘટના બાબતે દુગ્ગિરાલાના એસઆઇ વેંકટ રવિએ બીબીસીના વિગતવાર માહિતી આપી હતી.
મૃતકના સંબંધી શિવરામ તથા શિવરામકૃષ્ણ તેમજ હત્યાની આરોપી મહિલાનાં માતા સાથે પણ બીબીસીએ વાત કરી હતી.
ચિલુમુરુના રહેવાસી લોકમ નાગરાજુ (45)નાં લગ્ન કૃષ્ણા જિલ્લાના બંટુમિલી મંડળના અટ્ટામુરુ ગામનાં રહેવાસી લક્ષ્મી માધુરી સાથે 2007માં થયાં હતાં. તેમને બે પુત્ર છે.
નાગરાજુ પહેલાં પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હતા અને કેટલાંક વર્ષો સુધી તેમણે ડુંગળીનો વેપાર પણ કર્યો હતો. જોકે, પોતાના પતિ ડુંગળીનો વેપાર કરે માધુરીને ગમતું ન હતું.
મૃતકના પરિવારજનોએ કહ્યું હતું, "માધુરીએ પાંચ વર્ષ પહેલાં વિજયવાડાના એક સિનેમાઘરમાં અને પછી એક પ્રાઇવેટ માર્કેટમાં કામ કર્યું હતું."
તેમના કહેવા મુજબ, "એ દરમિયાન માધુરીની મુલાકાત સત્તેનાપલ્લીના ગોપી નામના એક પુરુષ સાથે થઈ હતી. ગોપી હૈદરાબાદમાં કાર ટ્રાવેલનો બિઝનેસ કરે છે. માધુરીએ તેમના પતિ નાગરાજુને ગોપીની સાથે કામ કરવા કહ્યું હતું. તેથી નાગરાજુ હૈદરાબાદ ચાલ્યા ગયા હતા."
મૃતકના પરિવારજનોએ બીબીસીને એમ પણ કહ્યું હતું કે "હૈદરાબાદમાં રહેતા નાગરાજુને શંકા પડી હતી કે ગોપી આજુબાજુમાં જ રહે છે અને માધુરીને મળતો રહે છે. તેથી નાગરાજુ હૈદરાબાદની નોકરી છોડીને પોતાના ઘરે પાછા ફર્યા હતા. તેઓ આસપાસની દુકાનોમાં નાની-મોટી વસ્તુઓ સપ્લાય કરવાનો નાનકડો ધંધો કરતા હતા. તેનાથી પતિ-પત્ની વચ્ચેના મતભેદમાં વધારો થયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રણ મહિના પહેલાં કરી હતી પોલીસમાં ફરિયાદ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માધુરીએ ત્રણ મહિના પહેલાં દુગ્ગિરાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માધુરીએ આરોપ મૂક્યો હતો કે નાગરાજુ તેમને હેરાન કરી રહ્યા છે. પોલીસે બન્ને પરિવારોને બોલાવ્યા હતા અને તેમની હાજરીમાં માધુરી તથા નાગરાજુને સમજાવીને પાછા મોકલ્યા હતા.
જોકે, મૃતકના પિતા અને સંબંધીઓની ફરિયાદ અનુસાર, સમાધાન બાદ પણ તેમના વૈવાહિક જીવનમાં સંઘર્ષ ચાલતો રહ્યો હતો.
એસઆઇ વેંકટ રવિએ બીબીસીને કહ્યું હતું, "માધુરીએ તેમના ગાઢ દોસ્ત ગોપી સાથે મળીને નાગરાજુની હત્યાની યોજના ઘડી હતી. તેમણે 18 જાન્યુઆરીની રાતે બિરયાનીમાં 20 ગોળીઓ ભેળવીને તે બિરયાની નાગરાજુને ખવડાવી હતી. એ પછી માધુરીએ ગોપી સાથે મળીને નાગરાજુની હત્યા કરી હતી."
મૃતક નાગરાજુના પિતાએ ગાંધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું પણ વેંકટ રવિએ જણાવ્યું હતું.
વેંકટ રવિના કહેવા મુજબ, "નાગરાજુ મૃત્યુ પામ્યો હોવાની ખાતરી થયા પછી ગોપી ચાલ્યો ગયો હતો અને માધુરી સવારે ચાર વાગ્યા સુધી પોતાના ફોન પર પોર્ન વીડિયો નિહાળતી રહી હતી. એ પછી તેણે આજુબાજુમાં રહેતા લોકોને જગાડ્યા હતા અને જણાવ્યું હતું કે હૃદયરોગના હુમલાને કારણે નાગરાજુનું મોત થયું છે."
નાગરાજુના ભાઈ શિવરામકૃષ્ણએ બીબીસીને કહ્યું હતું, "ગામમાંના અમારા સગા નાગરાજુને જોવા ગયા ત્યારે જોયું તો નાગરાજુના નાક તથા કાનમાંથી લોહી વહી રહ્યું હતું. તેથી તેમને શંકા પડી હતી અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી."

ઇમેજ સ્રોત, Getty Images
પોસ્ટમૉર્ટમમાં શું જાણવા મળ્યું?
પોલીસે નાગરાજુના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે પાંસળીઓ તૂટવાથી તથા શ્વાસ રુંધાવાને કારણે નાગરાજુનું મૃત્યુ થયું હતું.
વેંકટ રવિએ કહ્યું હતું, "અમે આરોપીની ધરપકડ કરી છે અને તેને પૂછપરછ કરી રહ્યા છીએ."
'પતિ મને અશ્લીલ ફોટા દેખાડતા અને સતામણી કરતા'
માધુરીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમના પતિ નાગરાજુએ તેમને પોર્ન વીડિયો જોવાની આદત પાડી દીધી હતી.
મંગલાગિરી ગ્રામ્ય ક્ષેત્રના સીઆઇ વેંકટ બ્રહ્મમે બીબીસીને જણાવ્યું હતું કે મૃતક નાગરાજુના પિતા દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદને આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
અલબત્ત, આરોપી માધુરીના સંબંધીઓ માધુરી પર મૂકવામાં આવેલા આરોપોનો ઇનકાર કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે તેમની દીકરીને જે કંઈ થયું તેના કરતાં વધારે બદનામ કરવામાં આવી રહી છે, એમ વેંકટ બ્રહ્મમે જણાવ્યું હતું.
વેંકટ બ્રહ્મમે બીબીસીને જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કશું સ્પષ્ટ કહી શકાય નહીં. ગોપીને પૂછપરછ કરવામાં આવશે ત્યારે સત્ય બહાર આવશે. આરોપી સાથે ગોપીની મિલીભગત હોવાનું કહેવાય છે.
તેઓ ખોટી વાત ફેલાવી રહ્યા છેઃ માધુરીનાં માતા

ઇમેજ સ્રોત, Getty Images
માધુરીનાં માતાએ બીબીસીને કહ્યું હતું, "મારી દીકરી વિરુદ્ધ અત્યંત દુર્ભાવનાપૂર્ણ દુષ્પ્રચાર કરાઈ રહ્યો છે."
"મારી દીકરી અને જમાઈ વચ્ચે મતભેદ હતા. માધુરી ઘણી વાર પિયર આવતી રહેતી અને બાળકો સાથે અન્યાય થશે, એમ કહીને મન વાળી લેતી હતી. ત્રણ મહિના પહેલાં પંચાયત પણ થઈ હતી. છેલ્લે શું થયું હતું તેની મને ખબર નથી, પરંતુ તેઓ દુષ્પ્રચાર કરી રહ્યા છે. મારી દીકરી આવું કરે જ નહીં. તેઓ પોલીસ તપાસ પૂર્ણ થયા પહેલાં જ બધું કહી રહ્યા છે. આ અન્યાય છે. મારી દીકરીનું અપમાન કરી રહ્યા છે," એમ માધુરીનાં માતાએ કહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












