મધ્ય પ્રદેશમાં ગુમ થઈ રહેલી હજારો છોકરીઓ અને મહિલાઓ, ક્યાં ભૂલ થઈ રહી છે – ગ્રાઉન્ડ રિપોર્ટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મધ્યપ્રદેશ, મહિલા,

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, કુમોદિનીનાં માતા ઉર્મિલા મિશ્રાએ જણાવ્યું કે તેમની દીકરી ગુમ થયાંની વાતને 13 વર્ષ વીતી ચૂક્યાં છે, પરંતુ અત્યાર સુધી કોઈ સગડ નથી મળ્યા
    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં પોતાના કાચા-પાક્કા મકાનની સામે બેઠેલા સનત મિશ્રા કહે છે, "બહુ શોધી અમે...જેણે જ્યાં કહ્યું ત્યાં ગયા...પરંતુ કંઈ ખબર પડી નહીં. મારી બહેન ગુમ થઈ તેને 13 વર્ષ થઈ ગયાં."

તેમના અવાજમાં થાક વર્તાય છે. બહેનનો ઉલ્લેખ કરતાં તેમની આંખો જાણે કે અતીતમાં ખોવાઈ જાય છે.

એ ઘટના બન્યાને એક દાયકાથી વધારે સમય પસાર થઈ ગયો છે અને પરિવારમાં કુમોદિનીની ચર્ચા થાય છે ત્યારે ઘરમાં સન્નાટો પ્રસરી જાય છે.

સનતનાં બહેન કુમોદિની મિશ્રા 2012માં એક રાતે પોતાના ઘરેથી મામાના ઘરે ટીવી જોવા માટે રવાના થયાં હતાં. એ વખતે રાતના લગભગ સાડા આઠ થયા હતા, પરંતુ કુમોદિની મામાના ઘરે પહોંચી શક્યાં નહીં.

પરિવારનું કહેવું છે કે એક એ દિવસ હતો અને એક આજનો દિવસ છે. તેમને કુમોદિનીના કોઈ સમાચાર મળ્યા નથી.

કુમોદિની ક્યારેક પાછી આવશે એવી આશામાં મિશ્રા પરિવાર તેમના ઘરના દરવાજા ખુલ્લા જ રાખે છે.

'શું મારો આત્મા નહીં રડતો હોય?'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મધ્યપ્રદેશ, મહિલા,

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, કુમોદિનીનાં માતા ઉર્મિલા મિશ્રાને હજુ પણ આશા છે કે તેમની દીકરી પરત ફરશે

માતા ઉર્મિલાની આંખો કુમોદિનીના ઉલ્લેખ સાથે જ ભીની થઈ જાય છે. કરચલીભર્યા ચહેરામાં તેઓ તેને છૂપાવવાના પ્રયાસ કરે છે અને બહુ આગ્રહ કરીએ ત્યારે અમારી સાથે વાત કરે છે.

ઘણી હિંમત એકઠી કરીને તેઓ કહે છે, "દીકરી ગુમ થયાને 13 વર્ષ થઈ ગયાં. શું મારો આત્મા નહીં રડતો હોય? ઘરમાં તેની પસંદની વાનગી બને છે ત્યારે કોળિયો મારા ગળેથી નીચે ઉતરતો નથી."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"આ એક એવી તકલીફ છે, જેની આદત ભલે ગમે તેટલો સમય પસાર થઈ જાય તો પણ છૂટતી નથી," તેઓ કહે છે.

જોકે, કુમોદિની એકલાં નથી. આંકડા જણાવે છે કે મધ્ય પ્રદેશના લગભગ પ્રત્યેક જિલ્લામાં તમને એવી કથા મળી આવે છે કે જ્યાં ઘરેથી ગુમ થઈ ગયેલી છોકરીઓ અને મહિલાઓની પ્રતિક્ષા તો છે, પરંતુ કોઈ પ્રત્યુત્તર નથી.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે 2019થી 2021 દરમિયાન માત્ર મધ્ય પ્રદેશમાં જ છોકરીઓ અને મહિલાઓ ગુમ થવાના લગભગ બે લાખ કેસ નોંધાયા છે, જે દેશમાં સૌથી વધારે છે.

મધ્ય પ્રદેશ સરકારના આંકડા મુજબ, જાન્યુઆરી 2024થી જૂન 2025 દરમિયાન મધ્ય પ્રદેશમાં લગભગ 23,129 છોકરીઓ તથા મહિલાઓ ગુમ થઈ છે. એટલે કે રોજ લગભગ 43 છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે.

પ્રસ્તુત આંકડા દર્શાવે છે કે આ માત્ર કેટલાક પરિવારોની પીડા નથી, પરંતુ એક જંગી સમસ્યા છે.

આંકડો આટલો મોટો કેમ છે અને આવી ઘટનાઓ પાછળનું કારણ શું છે, એવો સવાલ અમે રાજ્યની મહિલા સુરક્ષા શાખાને કર્યો ત્યારે શાખામાં પદસ્થ મધ્ય પ્રદેશના એડીજી અનિલકુમારે અનેક કારણ આપ્યાં હતાં.

તેમણે કહ્યું હતું, "2013 પછી સગીર વયનાં બાળકો ગુમ થાય કે તરત જ અપહરણની ધારાઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે છે. અમે જોયું છે કે મધ્ય પ્રદેશમાં ગૂમ થવાના લગભગ 42 ટકા કિસ્સાઓમાં કિશોરીઓ ઘરેથી નારાજ થઈને ચાલી જતી હોય છે. લગભગ 15 ટકા કિસ્સામાં છોકરીઓ તેમની મરજીથી તેમનાં સગાંઓના ઘરે જાય છે અને 19થી 20 ટકા કિસ્સાઓમાં તે પ્રેમી સાથે ચાલી જાય છે."

તેમના જણાવ્યા અનુસાર, હરિયાણા અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં લગ્ન માટે છોકરીઓને વેચવાના મામલા "બહુ ઓછા" છે અને એક હજારમાં એક હોય તેવું જોવા મળ્યું છે.

પોલીસ શું કહે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મધ્યપ્રદેશ, મહિલા,

મધ્ય પ્રદેશ પોલીસ એવો દાવો પણ કરે છે કે 18 વર્ષથી ઓછી વયની છોકરીઓને શોધવા માટે પોલીસ 'ઑપરેશન મુસ્કાન' નામનું ખાસ અભિયાન ચલાવી રહી છે.

એડીજીના જણાવ્યા અનુસાર, આ અભિયાનને લીધે પૅન્ડિંગ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે અને તેની માસિક સમીક્ષા પણ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે 2013ના તેના એક ચુકાદામાં 18 વર્ષથી ઓછી વયનાં પ્રત્યેક બાળકના ગુમ થવાની ફરિયાદ સંબંધે એફઆઈઆર ફરજિયાત નોંધવાનો આદેશ આપ્યો હતો.

એ પછી 2015માં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 'ઑપરેશન મુસ્કાન' અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તેનો હેતુ ગૂમ થયેલાં દરેક બાળકને બચાવીને તેનું પુનર્વસન કરવાનો છે.

જોકે, 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓ ગુમ થવાના સવાલ બાબતે અનિલકુમારે કહ્યું હતું, "જુઓ, અમારી પાસે કોઈ સંકલિત વિગત નથી. 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓ ગુમ થવાની ફરિયાદ તો નોંધાય છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં એફઆઈઆર નોંધાતી નથી. માનવ તસ્કરી કે અપહરણ જેવા ગુનાઓ જોડાયેલા હોય એવા કિસ્સામાં જ એફઆઈઆર નોંધાય છે."

પોલીસ જણાવે છે કે 18 વર્ષથી વધુ વયની મહિલાઓના મામલામાં મોટાભાગે એફઆઈઆર નોંધાતી જ નથી. તેથી તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશનની ફાઇલ્સ પૂરતી મર્યાદિત થઈ જાય છે.

મિશ્રા પરિવારને તેની સામે વાંધો છે, કારણ કે સનત મિશ્રાનાં બહેન 2012માં એટલે કે સગીર વયનાં બાળકોના ગુમ થવાના કિસ્સામાં એફઆઈઆર ફરજિયાત નોંધવાનો નિયમ 2013માં અમલી બન્યો તેના એક વર્ષ પહેલાં ગુમ થયાં હતાં.

સનત મિશ્રા કહે છે, "અમે પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. જેના પર શંકા હતી તેમને બરાબર પૂછપરછ કરવામાં આવી નથી. મહિલા પોલીસને બોલાવવામાં આવી ન હતી. અમારો મામલો ગંભીર ન ગણવામાં આવતો હોવાનું અમને શરૂઆતથી જ લાગે છે."

ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓના કિસ્સામાં આવી ફરિયાદ સામાન્ય છે. અનેક પરિવારો કહે છે કે પ્રારંભિક કલાકો અને દિવસોમાં ઝડપભેર કામ થતું નથી અને એ જ વિલંબ શોધને મુશ્કેલ બનાવી દે છે.

પોલીસ વિભાગમાં દૃષ્ટિકોણનો મુદ્દો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મધ્યપ્રદેશ, મહિલા,

મધ્ય પ્રદેશના રાજકારણમાં મહિલાઓને લાંબા સમયથી સૌથી મહત્ત્વપૂર્ણ મતદાતા સમૂહો પૈકીની એક માનવામાં આવે છે.

છેલ્લા બે દાયકાથી રાજ્યમાં મોટાભાગે બીજેપી જ સત્તા પર રહી છે અને પક્ષે તેના ચૂંટણી પ્રચારમાં મહિલાઓને કેન્દ્રમાં રાખીને અનેક યોજનાઓ પણ શરૂ કરી છે.

ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના કાર્યકાળમાં 'લાડલી લક્ષ્મી' અને પછી 'લાડલી બહના' જેવી પૈસા સીધી એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરતી બે યોજનાઓનો સરકારે જોરદાર પ્રચાર કર્યો હતો તેમજ તેને ચૂંટણી જીતવાનો મુખ્ય આધાર પણ બનાવી હતી.

સામાજિક કાર્યકર અર્ચના સહાયનું કહેવું છે કે આવી યોજનાઓ આર્થિક સહાયને ભલે વેગ આપતી હોય, પરંતુ મહિલાઓની સલામતી, આવાગમન અને ખાસ કરીને ગુમ થવાની ઘટનાઓને અટકાવવા જેવા સંવેદનશીલ મુદ્દે રાજ્ય સરકારે કોઈ નક્કર સુધારા કર્યા નથી.

પોલીસ માળખાગત સુવિધામાં રોકાણ, યોગ્ય તપાસ પ્રણાલી, વિલંબિત રિપોર્ટિંગ અટકાવવાનાં પગલાં, માનવ તસ્કરી રોકવા અને વ્યાપક પલાયન ધરાવતા જિલ્લાઓમાં વિશેષ દેખરેખ તંત્ર સહિતના તમામ મોરચે રાજ્યની કામગીરી બાબતે સતત સવાલ ઉઠતા રહ્યા છે.

તેનું પરિણામ એ આવ્યું છે કે મહિલાઓ ગુમ થવાના કિસ્સા વધી રહ્યા છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે મહિલાઓ સંબંધી કલ્યાણકારી વચનોથી મત તો મળે છે, પરંતુ સુરક્ષા સંબંધી જટિલ મુદ્દાઓ બાબતે જવાબદારી નક્કી કરવા માટે જે પ્રકારના સાતત્ય તથા ઇચ્છાશક્તિ જોઈએ તેનો લાંબા સમયથી અભાવ છે.

અર્ચના સહાય છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં બાળકો તથા મહિલાઓ સાથે કામ કરી રહ્યાં છે. તેમના કહેવા મુજબ, ગુમ થવાના આ મોટા આંકડા માત્ર વ્યક્તિગત કારણસરના નથી.

અર્ચના કહે છે, "સગીર છોકરીઓના કિસ્સામાં મધ્ય પ્રદેશે થોડું સારું કામ કર્યું છે, પરંતુ 18 વર્ષથી વધુ વયની મહિલાઓ ગુમ થઈ જાય છે ત્યારે મોટાભાગના મામલામાં ગુનો ગણવામાં આવતો નથી. વહીવટીતંત્રનું વલણ એવું હોય છે કે મહિલા ક્યાંક ગઈ હશે અને પાછી આવી જશે. તેને શોધવાના પ્રયાસ ગંભીરતાથી કરવામાં આવતા નથી. આ વલણની સમસ્યા છે અને તેથી જ ગુમ થયેલી મહિલાઓની સંખ્યા ખૂબ વધારે થઈ ગઈ છે."

સરકાર બદલાતી રહે કે ફરી સત્તા સંભાળે, પરંતુ જે પરિવારોની દીકરીઓ કે મહિલાઓ આજ સુધી ઘરે પાછી ફરી નથી તેમના માટે આ રાજકીય વાયદાઓ તથા જાહેરાતો મોટાભાગે કાગળ પર લખેલી ઠાલી વાતો જ લાગે છે.

અલબત, આ ડરામણી પરિસ્થિતિ વચ્ચે કેટલીક ઘટનાઓ આશા પણ બંધાવે છે.

ઘરે પાછી ફરી, પરંતુ હજુ પણ ભયભીત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મધ્યપ્રદેશ, મહિલા,

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, ઘરે પરત ફરેલાં ફૂલે (નામ બદલ્યું છે) જણાવ્યું કે તેમને સારી નોકરીના નામે ફોસલાવીને વેઠિયણ બનાવાઈ હતી

ડિંડોરી જિલ્લાની ફૂલ (નામ બદલ્યું છે) નામની છોકરી આ વર્ષે જાન્યુઆરીમાં તેના ગામની એક પરિચિત વ્યક્તિએ આપેલા બહેતર નોકરી અને જિંદગીના વચનમાં ફસાઈને દિલ્હી ચાલી ગઈ હતી.

અમે ફૂલને મળવા પહોંચ્યા ત્યારે એ પહાડોની તળેટીમાં આવેલા તેના કાચા મકાન સામે બિછાવવામાં આવેલા ખાટલા પર બેસીને અભ્યાસ કરવાના પ્રયાસ કરતી હતી.

બીબીસી સાથે વાત કરતાં ફૂલે કહ્યું હતું, "મને કહેવામાં આવ્યું હતું કે સારું કામ મળશે અને ઘણા પૈસા મળશે. એટલે હું દિલ્હી ગઈ હતી, પરંતુ દિલ્હી પહોંચતાની સાથે જ મને વેઠિયા મજૂરો સાથે ધકેલી દેવામાં આવી હતી."

ફૂલના જણાવ્યા મુજબ, કામનું સ્થળ તેને જેલ જેવું લાગતું હતું. રાતે રડી-રડીને ઊંઘતી હતી અને કામ કરવાના સ્થળે તેને માર પણ મારવામાં આવ્યો હતો.

એક મહિના સુધી લાંબા પ્રયાસ પછી તેને ત્યાંથી મુક્ત કરાવવામાં આવી હતી અને જૂનમાં તે ઘરે પાછી ફરી શકી હતી.

ફૂલની માતા અનીતા (નામ બદલ્યું છે) સિંગલ મધર છે. અનીતા કહે છે, "ફૂલ મળી ત્યારે મને શાંતિ થઈ. નહીં તો આટલા દિવસ સુધી એવી ચિંતા થતી હતી, ડર લાગતો હતો કે મારી દીકરીને ક્યાંક વેચી ન નાખે."

ફૂલ હવે તેના ઘરમાં છે, પરંતુ પરિવારજનો જણાવે છે કે તે મોટાભાગે ચૂપ રહે છે. ભયભીત રહે છે અને દિલ્હીમાં તેની સાથે શું થયું હતું તેની કોઈ વાત કરતી નથી.

અર્ચના કહે છે, "છોકરીઓ તથા મહિલાઓના ગુમ થવા પાછળ ગરીબી, દલાલો અને કૉન્ટ્રેક્ટર્સનું નેટવર્ક, પલાયન, સામાજિક પછાતપણું, માનવ તસ્કરી અને નિર્બળ પોલીસ વ્યવસ્થા બધું મળીને આ સંકટ સર્જે છે."

અર્ચનાના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારે અનેક યોજનાઓ તો શરૂ કરી છે, પરંતુ મહિલાઓ ગુમ થવાના કિસ્સાઓમાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેવામાં આવશે ત્યારે વાસ્તવિક સુધારો થશે.

એ સિવાય જે છોકરીઓને શોધી કાઢવામાં આવે છે તેમના સમાજમાં ફરી હળવામળવા તથા ફરીથી સામાન્ય જીવનમાં પાછા ફરવા બાબતે અર્ચના જણાવે છે કે આ સંદર્ભે પરિસ્થિતિ હજુ ખરાબ છે.

અર્ચના કહે છે, "પોલીસ છોકરીઓને શોધી કાઢે તો પણ એ છોકરીઓ સામાન્ય જીવન જીવી શકશે તેની કોઈ ગૅરંટી હોતી નથી. એ છોકરીઓના પુનર્વસન માટે સરકારી સ્તરે લેવામાં આવતાં પગલાં પૂરતાં નથી. તેમને શિક્ષણમાં મદદ, કાઉન્સેલિંગ, સમયાંતરે તેમની સ્થિતિની જાણકારી લેવી અને પાછા ફર્યા બાદ તેમની કોઈ પણ રીતે ઉપેક્ષા ન કરવામાં આવે તેનું ધ્યાન રાખવા માટે માળખાકીય સુધારા કરવા પડશે."

કુમોદિનીની કહાણી, ફૂલની વાપસી અને એ સિવાય હજારો ફાઇલોમાં નોંધાયેલાં નામ, આ બધું મળીને મહિલાઓના ગુમ થવાની એવી તસવીર બનાવે છે, જેની અવગણના કરવાનું મુશ્કેલ છે.

મધ્ય પ્રદેશના દરેક જિલ્લામાં સેંકડો પરિવારો રોજ સાંજે દરવાજા પર એવી આશામાં મીટ માંડતા હોય છે કે તેમની દીકરી કે બહેન એક દિવસ અચાનક ઘરે પાછી ફરશે.

પાછી ફરતી છોકરીઓની સંખ્યા બહુ ઓછી છે. બાકીની કહાણી પ્રતિક્ષા, અધૂરી શોધ અને એક એવી વ્યવસ્થાની છે, જેની પાસે જવાબને બદલે ખામોશી વધારે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન