બલૂચિસ્તાનના બલોચ લોકો જૂનાગઢમાં આવીને કેવી રીતે વસી ગયા, શું છે તેમનો ઇતિહાસ?

જૂનાગઢ બલૂચિસ્તાન બલોચ નવાબ મકરાણી પાકિસ્તાન ઘુરંધર ફિલ્મ વિરોધ ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, બિલ્લુભાઈ બલોચની બલૂચિસ્તાની પાઘડી બાંધવામાં મદદ કરી રહેલાં તેમનાં પત્ની સમીનાબહેન
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ,

જૂનાગઢમાં એક નામાંકિત કંપનીના કારના શોરૂમમાં કામ કરતા અબ્દુલગફાર બલોચ સામાન્ય રીતે ટી-શર્ટ અને પૅન્ટ પહેરે છે. તેઓ કાઠિયાવાડી લઢણ સાથે ગુજરાતી બોલે છે. અબ્દુલગફાર તેમના વર્તુળમાં તેમના હુલામણા નામ બિલ્લુભાઈ બલોચ તરીકે વધારે જાણીતા છે.

તેમના ઘરની દીવાલો પર તેમના ધર્મનાં પ્રતીકો દેખાય છે. પરંતુ તેમના પહેરવેશ અને બોલી પરથી કોઈ અજાણી વ્યક્તિ અંદાજ ન લગાવી શકે કે મૃદુ સ્વભાવના આ આધેડ બલોચ મુસ્લિમ છે. તેમનાં પત્ની સમીનાબહેન વિષે પણ તેવું જ કહી શકાય.

પરંતુ વાહનોના બૉડીવર્કના આ કુશળ કારીગર અને તેમનાં પત્ની, તેમના ઘરના કબાટમાં રાખેલાં પાંચ જોડી કપડાં પ્રત્યે ખાસ લગાવ ધરાવે છે. તે છે 12 ફૂટ લાંબા નેફા ધરાવતા પાયજામા, તેના ઉપર પહેરવાનાં કુર્તા અને બંડી તથા 20 ફૂટ પણ કરતાં વધારે લાંબી પાઘડી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં બિલ્લુભાઈ કહે છે, "આ કપડાં મેં બલૂચિસ્તાનથી મંગાવ્યાં છે. આ કપડાં બલૂચિસ્તાનમાં રહેતા બલોચ લોકોનો પરંપરાગત પોશાક છે. મને તે પહેરવાનો શોખ છે. હું ખાસ પ્રસંગોએ તે પહેરું છું. જૂનાગઢમાં રહેતા અન્ય કેટલાય બલોચ લોકોને પણ આ પરંપરાગત પોશાક ખૂબ જ ગમે છે અને તેઓ સારા પ્રસંગે પહેરવા માટે મારી પાસેથી ઉછીના લઇ જાય છે."

1880ના દાયકામાં જયારે કાદુ મકરાણી જૂનાગઢના નવાબ સામે બહારવટે ચડ્યા ત્યારે તેમના સાથીદારોમાંના એક હતા જમાદાર ગુલમહમ્મદ.

બિલ્લુભાઈ બલોચ આ જમાદાર ગુલમહોમ્મદના પ્રપૌત્ર છે. બિલ્લુભાઈ કહે છે, "છેલ્લાં દસ-બાર વર્ષથી હું પ્રયાસ કરી રહ્યો છું કે જૂનાગઢમાં રહેતા બલોચ લોકો તેમની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે."

જૂનાગઢનો નવાબી કાળ અને બલોચ લડવૈયાઓ

જૂનાગઢ બલૂચિસ્તાન બલોચ નવાબ મકરાણી પાકિસ્તાન ઘુરંધર ફિલ્મ વિરોધ ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, જૂનાગઢમાં આવેલ મહાબતખાનનો મકબરો. અહીં જૂનાગઢ પર 1851થી 1882 સુધી રાજ કરનારા નવાબ મહાબત ખાન બીજાની કબર છે.

જૂનાગઢ સ્થિત ઇતિહાસકાર ડૉ. પ્રધુમ્ન ખાચર કહે છે કે બલૂચિસ્તાન હાલ પાકિસ્તાનનો એેક પ્રદેશ છે ત્યાના લોકો બલોચ, બ્લોચ કે બલુચી તરીકે ઓળખાય છે.

તેઓ ઉમેરે છે કે બલુચિસ્તાનના મકરાણ પ્રાંતના લોકો મકરાણી તરીકે ઓળખાય છે. કાદરબક્ષનો પરિવાર પણ મકરાણનો વતની હોવાથી તેઓ 'કાદુ મકરાણી' તરીકે વધારે જાણીતા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ડૉ. ખાચરે જણાવ્યું, "આ મકરાણીઓ અને બલોચ એકદમ ઝનૂની સ્વભાવના અને લડાયક પ્રકૃતિના હતા. જેથી કરીને હિંદુસ્તાનમાં કમસે કમ એકાદ હજાર વર્ષથી એટલે કે ખીલજી, મુઘલો, મરાઠાઓ, બ્રિટિશરો અને સૌરાષ્ટ્ર-ગુજરાતનાં દેશી રજવાડાંઓએ તેમના લશ્કરમાં અને પોલીસતંત્રમાં તેમને રાખ્યા હતા."

ડૉ. ખાચર કહે છે, "તેમનું મુખ્ય કામ ચોકીદારી કરવાનું, રખેવાળી કરવાનું અને લશ્કરમાં અને પોલીસતંત્રમાં રહ્યું હતું. એ કેવી વફાદારીથી કામ કરતાં તેનો આપણને સરસ દાખલો કાદુ મકરાણીના ઉદાહરણ પરથી મળે છે. કાદુ મકરાણી સ્ત્રીદાક્ષિણ્ય ધરાવતા હતા અને ગરીબ વ્યકિતઓને હેરાન-પરેશાન ન કરવાની ભાવના સાથે જોડાયેલા હતા, તે જોતાં આપણને એમ લાગે છે કે આ ખુમારીવાળી કોમ છે."

ડૉ. ખાચર ઉમેરે છે કે મકરાણીઓ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ઉપરાંત જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રા વગેરે રજવાડાંઓમાં પણ નોકરીઓ કરતા હતા.

ઇણાજના બલોચ જૂનાગઢના નવાબની સામે પડ્યા

જૂનાગઢ બલૂચિસ્તાન બલોચ નવાબ મકરાણી પાકિસ્તાન ઘુરંધર ફિલ્મ વિરોધ ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Billu Bloch

ઇમેજ કૅપ્શન, ગુલમોહમ્મદ જમાદારની એક તસ્વીર.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઝવેરચંદ મેઘાણીએ 'સોરઠી બહારવટિયા ભાગ-3' નામના પુસ્તકમાં પાના નંબર 51 લખ્યું છે કે "આશરે સન 1840-50ની આસપાસ જૂનાગઢના માંગરોળના શેખના લશ્કરમાં રહેલા આરબોએ બંડ પોકાર્યું હતું, માંગરોળને લૂંટીને તેઓ નાસી છૂટ્યા. જૂનાગઢના નવાબની ચાકરીમાં રહેલા બે વિદેશી મકરાણીઓએ આ આરબોને પકડવાનું બીડું ઝડપ્યું."

"મકરાણીઓએ પેટલાદમાં આ આરબોનું પગેરું દબાવ્યું. આરબોએ લૂંટના સામાનમાં મકરાણીઓને અડધો ભાગ આપવાની લાલચ આપી. પરંતુ મકરાણીઓએ તે ન સ્વીકારી એને નવાબને વફાદાર રહ્યા. પરિણામે પેટલાદની બજારમાં ધીંગાણું થયું. તેમાં કેટલાક મકરાણીઓ મરાયા પરંતુ આરબોને લૂંટના માલ સહિત પકડવામાં મકરાણીઓ સફળ રહ્યા."

તેમની આ બહાદુરી બદલ નવાબે મકરાણીઓને ઇણાજ ગામ ગરાસમાં આપ્યું. આ ઇણાજ ગામમાં હવે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડાની ઑફિસો આવેલી છે.

મેઘાણીના પુસ્તક અનુસાર ઇણાજ ગામ મળતા મકરાણી જમાદારોએ મકરાણમાંથી તેમના સાગા-સંબંધીઓને ઇણાજ બોલાવી લીધા.

તેમાં જમાદાર અલીમહમદ અને વલીમહમદનો પણ સમાવેશ થતો હતો.

તેઓ મકરાણમાં રાજ કરનાર રિંદ કબીલાના સભ્યો હતા.

1881ના વર્ષમાં વસ્તીગણતરી આવી અને જમાદાર અલીમહમદ અને વલીમહમદને શંકા પેઠી કે તે 'ફિરંગી' સરકારનું કોઈ છળ-કપટ છે. તેથી, તેમણે વસ્તીગણતરીનો વિરોધ કર્યો. પરંતુ સમજુ માણસોની સમજાવટથી છેવટે વસ્તીગણતરીનું કામ પૂરું થયું.

પુસ્તકમાં લખ્યું છે કે ઇણાજમાં એક અંદરોઅંદરના ઝઘડા બાદ તેની તપાસ કરવા આવેલી પોલીસને અને મૅજિસ્ટ્રેટને મકરાણીઓએ ગામમાં પ્રવેશવા ન દીધા.

વાત વણસી, તેથી મકરાણીઓને ઇણાજ ખાલી કરવાનું ફરમાન કરવામાં આવ્યું. પરંતુ મકરાણીઓએ તે ન મનાતા નવાબે ઇણાજમાં ફોજ મોકલવાનો હુકમ કર્યો. તેથી, જમાદાર અલીમહમદ કાદરબક્ષ સહિત અન્ય મકરાણીઓ ફોજ સામે લડવા ઇણાજ પહોંચી ગયા હતા.

કાદુ મકરાણી બહારવટે કેમ ચડ્યા?

જૂનાગઢ બલૂચિસ્તાન બલોચ નવાબ મકરાણી પાકિસ્તાન ઘુરંધર ફિલ્મ વિરોધ ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, જુનાગઢમાં આવેલો સરદાર પટેલ દરવાજો

ઝવેરચંદ મેઘાણીએ 'સોરઠી બહારવટિયા ભાગ-3' નામના પુસ્તકમાં પાના નંબર 69 પર લખ્યું છે કે કાદુ મકરાણી પ્રાચી નજીક આવેલ અમરાપર ગામના પસાયતા એટલે કે ગામની ચોકીદારી કરવાવાળા સૈનિક હતા. તેમણે સિંહનાં બે બચ્ચાંને જીવતા પકડી નવાબને ભેટ આપતા નવાબે અમરાપરમાં કાદુ મકરાણીને 40 એકર જમીન આપી હતી.

મેઘાણીએ લખ્યું છે કે ઇણાજની લડાઈમાં ફોજ સામે ટકી ન શકતા કેટલાક મકરાણીઓ મરાયા.

તેઓ લખે છે, કાદુ મકરાણીએ સ્થિતિને પામી જઈ જમાદાર અલીમહમદને કહ્યું કે લશ્કર સામે ટકી રહેવાની શક્યતા ન હોવા છતાં લડ્યે રાખવાથી અને મોતને ભેટવાથી મકરાણીઓની નાલેશી થશે.

કાદુ મકરાણી તેમના કેટલાક સાથીદારો સાથે ઇણાજમાંથી છટકી ગયા અને 1981-82માં જૂનાગઢ સ્ટેટ સામે બહારવટે ચડ્યા.

ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે કાદુ મકરાણી અને તેના સાથીદારોએ સોરઠમાં કેટલાંય ગામ ભાંગ્યાં અને કેટલાંય ખૂન કર્યાં. મેઘાણીએ ઉમેર્યું છે કે છેવટે કાદુ મકરાણી સોરઠ છોડી મકરાણ જવા નીકળી પડ્યા અને કરાંચી પહોચી ગયા. કરાંચીથી મકરાણ જવા તેણે એક ઊંટ ભાડે કર્યું. પરંતુ ઊંટવાળાએ પોલીસને બાતમી આપી દેતાં તેઓ પોલીસના હાથે પકડાઈ ગયા.

ડૉ. ખાચર કહે છે કે કાદુ મકરાણીને 1887માં કરાચીમાં ફાંસી આપી દેવામાં આવી હતી.

કાદુ મકરાણી પકડાઈ ગયા બાદ તેમના જે સાથી બહારવટિયાઓ પકડાઈ ગયા હતા તેમના એક હતા ગુલમોહમ્મદ જમાદાર.

મેધાણીના પુસ્તક અનુસાર ગુલમોહમ્મદના પિતા સાહેબદાદ હાલના ગીર સોમનાથ જિલ્લામાં ગિરગઢડા નજીક આવેલા સનવાવ ગામના જમાદાર હતા અને ઇણાજમાં થયેલા ઘર્ષણ દરમિયાન જમાદાર અલીમહમદની પડખે ઊભા રહ્યા હતા.

પકડાઇ ગયા બાદ 14 વર્ષના ગુલમોહમ્મદ જમાદારને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ તરુણ ગુલમોહમ્મદને જોઈને નવાબે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાખી હતી. ત્યાર બાદ તેની સજા માફ કરી નવાબે જમાદાર ગુલમોહમ્મદને જંગલ ખાતામાં નોકરી આપી હતી.

જૂનાગઢમાં મકરાણી સમાજ હવે શું કરે છે?

જૂનાગઢ બલૂચિસ્તાન બલોચ નવાબ મકરાણી પાકિસ્તાન ઘુરંધર ફિલ્મ વિરોધ ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, પરંપરાગત બલોચી પહેરવેશમાં બિલ્લુભાઈ બલોચ સાથે તેમનાં પત્ની

ગુજરાત સરકારમાંથી મામલતદાર તરીકે નિવૃત્ત થયેલા અને હાલ સમસ્ત ગુજરાત બલોચ-મકરાણી સમાજના પ્રમુખ તરીકે સેવા આપતા જહાંગીર બલોચ કહે છે કે બલોચ લોકોની અખંડ ભારતનાં વિવિધ રજવાડાંઓમાં સાતસોથી આઠસો વર્ષ અગાઉ આવવાની શરૂઆત થઈ હતી.

તેમના કહેવા પ્રમાણે, ગુજરાતમાં સૌથી પહેલા જામનગરના રાજવીઓએ તેમના પર ભરોસો કર્યો .

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "જામસાહેબે અમારા લોકોને લાવીને સારું પદ આપ્યું - સેનાપતિઓ બનાવ્યા, સહસેનાપતિઓ બનાવ્યા, સુબેદાર બનાવ્યા, અમુક ગામના જાગીરદાર બનાવ્યા."

"જામસાહેબનાં ધર્મપત્નીને જૂનાગઢના નવાબે ધર્મનાં બહેન બનાવ્યાં હતાં. તેથી, જૂનાગઢના નવાબે પણ જામસાહેબ પાસેથી આ બાબત જાણી ત્યારે અમારો એક આખો સમૂહ બલૂચિસ્તાનના મકરાણ પ્રાંતમાંથી આવી જૂનાગઢમાં જૂનાગઢના નવાબની સલામતી, સુરક્ષા અને વફાદારી માટે વસ્યો... જામનગર અને જૂનાગઢમાં અમારી કોમ આશરે ચારસોથી સાડા ચારસો વર્ષ પહેલા આવી હતી."

જહાંગીર બલોચ કહે છે કે ગુજરાતના 34 જિલ્લાઓમાંથી 32માં બલોચ સમુદાયના લોકો રહે છે અને સમાજની વસ્તી અંદાજે 10 લાખ છે.

સૌથી વધારે વસ્તી જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં છે.

તેમના કહેવા પ્રમાણે, "અમે બધા અહીં આવ્યા પછી જેને જ્યાં રોજી મળી ત્યાં વસી ગયા અને જે સ્થાનિક સંસ્કૃતિ હતી તેની સાથે અમે હળીભળી ગયા. ગુજરાતમાં આવ્યા તેથી ગુજરાતી બોલીએ છીએ અને મહારાષ્ટ્રમાં મરાઠી બોલીએ છીએ. અત્યારે પોલીસતંત્રમાં અમારા સમાજના ઘણા બધા લોકો છે.... અમારો સમાજ બહુધા ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે. સાથે શિક્ષિત પણ છે. અમારા સમાજમાં કદાચ જામનગર અને તેના જેવા મોટાં શહેરોમાં તમને અમારા સમાજના પચાસ-પચાસ વકીલો જોવા મળશે, સાથે મહિલા વકીલો પણ જોવા મળશે.."

ડૉ. ખાચર કહે છે ગુજરાતી કવિઓ શૂન્ય પાલનપુરી અને ખલિલ ધનતેજવી પણ બલોચ હતા. આ ઉપરાંત કેટલાક બલોચ આગેવાનો જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ધારાસભ્યો પણ બન્યા છે.

'ધુરંધર' ફિલ્મનો જૂનાગઢના બલોચ લોકો કેમ વિરોધ કરી રહ્યા છે?

જૂનાગઢ બલૂચિસ્તાન બલોચ નવાબ મકરાણી પાકિસ્તાન ઘુરંધર ફિલ્મ વિરોધ ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, 'ધુરંધર' ફિલ્મના વિરોધમાં 11 નવેમ્બરે જૂનાગઢ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા ગયેલા બલોચ સમુદાયના આગેવાનો

'ધુરંધર' ફિલ્મમાં સંજય દત્ત પાકિસ્તાનના ચૌધરી અસ્લમ નામના એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે અને એક સંવાદમાં કહે છે કે 'તે મગરમચ્છનો ભરોસો કરે પરંતુ બલોચનો નહીં'.

બિલ્લુભાઈ અને તેમનાં પત્ની સમીનાબહેન કહે છે કે 'ધુરંધર'માં તેમના સમાજનું ચિત્રણ યોગ્ય નથી. બિલ્લુભાઈ કહે છે, "અમારી કોમ તો વફાદારી અને બહાદુરી માટે જાણીતી છે, ત્યારે કોઈ એવું કઈ રીતે કહી શકે કે બલોચનો ભરોસો ન થાય."

ગુલમહોમ્મદ જમાદારના વારસદારોએ 1973માં કાદુ મકરાણી વિશે બનેલી એક ગુજરાતી ફિલ્મમાં તેના પરિવારના ચિત્રણ બાબતે પણ વિરોધ નોંધાવ્યો હતો.

જહાંગીર બલોચ કહે છે કે આવું વિધાન તેના 'સમાજનું અપમાન' છે.

તેઓ આ વિશે કહે છે, "ફિલ્મમાં જે ચિત્રણ થયું છે તેમાં ઘણી બધી કાલ્પનિક વાતો છે. બલોચો કોઈ દિવસ પાકિસ્તાન સરકાર સામે ઝૂક્યા જ નથી. પાકિસ્તાન સરકાર સામે સ્વતંત્રતાની લડાઈ 1947થી લડે છે અને અત્યારે પણ લડી રહ્યા છે. આતંકવાદીઓનો સૌથી વધારે ખાત્મો બોલાવનાર અને સૌથી વધારે સામનો કરનાર અમારો બલોચ-મકરાણી સમુદાય છે."

"આ ફિલ્મમાં બલોચ પછાત છે તેઓ નકલી ચલણી નોટ બનાવે છે, આતંકવાદીઓને હથિયારો પૂરાં પાડે છે- તેવું ચિત્રણ થયું છે. અમને જે હલકી કક્ષાના દેખાડવાના પ્રયાસો થયા છે તેની સામે અમારો વિરોધ છે."

જૂનાગઢ બલૂચિસ્તાન બલોચ નવાબ મકરાણી પાકિસ્તાન ઘુરંધર ફિલ્મ વિરોધ ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ઇતિહાસકાર ડૉ. પ્રદ્યુમ્ન ખાચર

જૂનાગઢમાં વકીલાત કરતા એજાઝ મકરાણી કહે છે કે 'ધુરંધર'ના સંવાદોથી બલોચ-મકરાણી સમાજમાં રોષ છે.

તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું, "બલોચ-મકરાણી સમાજનો ઇતિહાસ જોવામાં આવે તો તેમાં આજ દિન સુધી બલોચ સમાજે કોઈનો ભરોસો તોડ્યો હોય કે વિવાદમાં આવ્યો હોય તેવું ક્યારેય બન્યું નથી."

ડૉ. પ્રદ્યુમન ખાચર પણ 'ઘુરંધર' ફિલ્મમાં બલોચ સમુદાય માટે બોલાયેલા સંવાદો મામલે નારાજ છે.

ડૉ. ખાચર કહે છે, "આ ખુમારીવાળી કોમે જૂનાગઢ, જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, ગીરમાં વગેરે વગેરે ઠેકાણે રજવાડાંઓમાં નોકરી કરી હતી. પરંતુ જ્યારથી કાદુ મકરાણીનું બહારવટું થયું, અને તે લાંબુ ચાલ્યું હતું. એ સમયે આ મકરાણીઓને અને બલોચોને બહુ મોટો અન્યાય બ્રિટિશ સરકારે કર્યો હતો."

"કાદુ મકરાણીએ આખી જૂનાગઢની નવાબ સરકારને હચમચાવી મૂકી હતી. ત્યાર પછી ઘણાં રજવાડાંઓ મકરાણીઓથી ડરવા પણ મંડેલાં. તો આવી વફાદાર અને લડાયક કોમ છે તેને ફિલ્મમાં આવા શબ્દોથી સંબોધવી તે મારા મતે યોગ્ય નથી."

"સૌરાષ્ટ્રનાં જે જે રજવાડાંઓમાં આ લોકો નોકરીઓ કરતા હતા તે ઘણી વફાદારીપૂર્વક કરતા હતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન