ગુજરાતના ઉમરગામ અને મહારાષ્ટ્રના પાલઘર પાસેનાં બે ગામ જમીન માટે સામસામે કેમ આવી ગયાં છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાલઘર, મહારાષ્ટ્ર
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના પાલઘરના તલાસરી તાલુકાની વેવજી અને ગુજરાતના ઉમરગામ તાલુકાની સોલસુંબા ગ્રામ પંચાયત વચ્ચે જમીન તથા સીમા બાબતે વિવાદ શરૂ થયો છે.
    • લેેખક, અલ્પેશ કરકરે
    • પદ, બીબીસી માટે

મહારાષ્ટ્ર અને ગુજરાતનો સીમાવિવાદ પાલઘરમાં ઉગ્ર બન્યો છે.

મહારાષ્ટ્રના પાલઘરના તલાસરી તાલુકાની વેવજી અને ગુજરાતના ઉમરગામ તાલુકાની સોલસુંબા ગ્રામ પંચાયત વચ્ચે જમીન તથા સીમા બાબતે વિવાદ શરૂ થયો છે.

સોલસુંબા ગ્રામ પંચાયત વહીવટીતંત્ર અને ગુજરાતના કેટલાક નાગરિકો પાલઘરના વેવજી ગ્રામ પંચાયતની સીમામાં અતિક્રમણ કરી રહ્યા હોવાનો આક્ષેપ વેવજીના લોકોએ કર્યો છે, જ્યારે સોલસુંબાનાં નાગરિકો અને ગ્રામ પંચાયત એવો દાવો કરી રહ્યા છે કે એ જમીન તેમની જ છે.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બંને જિલ્લાનાં વહીવટીતંત્રો ગામોની સીમા નક્કી કરવાનાં પગલાં લઈ રહ્યાં છે.

બંને રાજ્યોનાં વહીવટીતંત્રો દ્વારા 10 ડિસેમ્બરે સંયુક્ત વસ્તી ગણતરી હાથ ધરવાની હતી. જોકે, એ વસ્તી ગણતરી કોઈ કારણ આપ્યા વિના મુલતવી રાખવામાં આવી હોવાનો આક્ષેપ વેવજીના ગ્રામજનોએ કર્યો છે.

પાલઘર જિલ્લા વહીવટીતંત્રે આ સંદર્ભે જણાવ્યું હતું કે એ કામગીરી કોઈ સર્વેની ન હતી, પરંતુ એક સર્વે ક્રમાંકના સીમાંકન સંબંધી હતી. તેના જમીન સંપાદન સંબંધે થોડો વિવાદ હતો. હવે તે કામ પૂર્ણ થઈ ગયું છે.

ખરેખર મામલો શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાલઘર, મહારાષ્ટ્ર
ઇમેજ કૅપ્શન, વેવજી અને સોલસુંબા વિસ્તાર વચ્ચેની સીમારેખા સ્પષ્ટ નથી. તેથી અતિક્રમણને કારણે બંને રાજ્યોના નાગરિકો વચ્ચે તણાવ સર્જાઈ રહ્યો છે

પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં વેવજી, ગિરગાંવ, ઘીમાણિયા, ઝાઈ, સંભા અને અછાડ ગ્રામ પંચાયતોમાં સીમા સંબંધી વિવાદો છેલ્લાં કેટલાંક વર્ષોથી વધી રહ્યા છે. ઘણાં વર્ષોથી પડતર રહેલો આ મુદ્દો તાજેતરમાં અતિક્રમણની વધતી ઘટનાઓને કારણે વધુ ગંભીર બન્યો છે.

વેવજી અને સોલસુંબા વિસ્તાર વચ્ચેની સીમારેખા સ્પષ્ટ નથી. તેથી અતિક્રમણને કારણે બંને રાજ્યોના નાગરિકો વચ્ચે તણાવ સર્જાઈ રહ્યો છે અને વારંવાર વિવાદ થાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તલાસરી-ઉમરગામ રાજ્ય ધોરીમાર્ગ પર સર્વે નંબર 173ની જમીનનો 300 મીટરનો ત્રિકોણાકાર ટુકડો લગભગ પાંચ-છ વર્ષથી ગુજરાતની સીમામાંના જાહેર બાંધકામ વિભાગના માર્ગ સાથે જોડાયેલો છે. 300 મીટર પછી એ રસ્તો મહારાષ્ટ્રના સર્વે નંબર 204 સાથે જોડાય છે. જોકે, બંને રાજ્યોએ સીમા નક્કી કરી નથી.

પરિણામે, આ ત્રિકોણાકાર ખૂણાના આધારે મહારાષ્ટ્રની સીમા પરના 1500 મીટર વિસ્તારમાં ગુજરાત રાજ્યે અતિક્મણ કર્યું હોવાનો વેવજીના ગ્રામજનોનો દાવો છે.

ગુજરાતની સોલસુંબા ગ્રામ પંચાયતે 2019માં વેવજી ગ્રામ પંચાયતને પત્ર લખ્યો હતો અને શૈક્ષણિક સુવિધાનું કારણ દર્શાવીને સ્ટ્રીટ લાઇટ્સના થાંભલા લગાવ્યા હતા.

જોકે, એ સ્ટ્રીટ લાઇટ્સ ગુજરાતની ઇન્ડિયા કૉલોનીના રહેવાસીઓ માટેની હોવાનું સમજાયા પછી વેવજી ગ્રામ પંચાયતે મહારાષ્ટ્રની સીમામાં નાખવામાં આવેલા સ્ટ્રીટ લાઇટ્સના થાંભલા હટાવવાનું જણાવતો એક પત્ર સોલસુંબા ગ્રામ પંચાયતને લખ્યો હતો. ગ્રામ પંચાયતે એ બાબતે એક ઠરાવ પણ કર્યો હતો.

અલબત, સોલસુંબા ગ્રામ પંચાયતે તે પત્રનો જવાબ આપ્યા વિના 'અતિક્રમણ' ચાલુ રાખ્યું છે. એ ઉપરાંત સોલસુંબાના રહેવાસીઓ એવો દાવો કરી રહ્યા છે કે એ જમીન તેમની છે. આ વિવાદ છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલી રહ્યો છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાલઘર, મહારાષ્ટ્ર
ઇમેજ કૅપ્શન, સીમા નિર્ધારણના અભાવે, વેવજી ગામના સર્વે નંબર 204 અને સોલસુંબા ગામના સર્વે નંબર 173 પર બે રાજ્યોની ગ્રામ પંચાયતો દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી દાવો કરવામાં આવી રહ્યો છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતની સોલસુંબા ગ્રામ પંચાયત દ્વારા વેવજી ગ્રામ પંચાયતની હદમાં વહીવટી તથા અન્ય બાંધકામો કરીને 'અતિક્રમણ' કરવામાં આવતું હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે. તેથી વેવજીના રહેવાસીઓએ નક્કર સીમાંકનની માગણી રાજ્ય સરકાર સમક્ષ કરી છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને બંને રાજ્યોની મહેસૂલ એજન્સીઓએ સીમારેખાનું ભૌતિક ટૅકનિકલ માપન કરવાનો પ્રયાસ 2025ની 10 ડિસેમ્બરે કર્યો હતો.

પાલઘરના તલાસરી અને ગુજરાતના ઉમરગામ બંનેના મામલતદારોની હાજરીમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનોને જાણ કર્યા વિના આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ દરમિયાન સ્થાનિક નાગરિકો અને ઉપ-સરપંચો ઉઠાવેલા વાંધાઓને કારણે સમગ્ર કામગીરી અસ્થાયી રીતે સ્થગિત કરવી પડી હતી.

સીમા નિર્ધારણના અભાવે, વેવજી ગામના સર્વે નંબર 204 અને સોલસુંબા ગામના સર્વે નંબર 173 પર બે રાજ્યોની ગ્રામ પંચાયતો દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી દાવો કરવામાં આવી રહ્યો છે.

'વિવાદિત જગ્યા અમારી છે'

વેવજી ગ્રામ પંચાયતના ઉપ-સરપંચ જાણ્યા દોડિયાએ કહ્યું હતું, "આ વિવાદિત જમીન અને સીમા અમારી હદમાં આવે છે. તેમાં ગુજરાતના વહીવટીતંત્ર દ્વારા કેટલાંક કામ કરવામાં આવી રહ્યાં છે. વિવાદ હોવાને કારણે બંને રાજ્યોનાં વહીવટીતંત્રે એ વિસ્તારમાં રસ્તો બનાવ્યો નથી, પરંતુ અમારા 500 મીટર વિસ્તારમાં ગુજરાતના વહીવટીતંત્ર અને કેટલાક લોકો દ્વારા ઇમારતો બાંધવામાં આવી રહી છે."

તેમણે ઉમેર્યું હતું, "આ બાબતે અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી કામકાજ સ્થગિત રાખવું જોઈએ. બંને તાલુકા કચેરીઓના અધિકારીઓ સીમાંકન માટે 10 ડિસેમ્બરે આવ્યા હતા, પરંતુ કામ શા માટે સ્થગિત કરવામાં આવ્યું છે એ બાબતે તેમણે કશું જણાવ્યું નથી."

વેવજીના ગ્રામજનોનો આક્ષેપ છે કે ગુજરાતની સોલસુંબા ગ્રામ પંચાયતના નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટને આધારે મહારાષ્ટ્રની હદમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

શું છે સમસ્યાનું નિરાકરણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાલઘર, મહારાષ્ટ્ર
ઇમેજ કૅપ્શન, વેવજી ગ્રામ પંચાયતના ઉપસરપંચ

સંયુક્ત મોજણી માટે બંને ગામોના કેટલાક અધિકારીઓ 10 ડિસેમ્બરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ગ્રામજનોને એ બાબતે જાણ કરવામાં આવી ન હતી. જિલ્લા વહીવટીતંત્રે ભારે ગુપ્તતા જાળવી હોવાનો આક્ષેપ વેવજીના ગ્રામજનો કરી રહ્યા છે.

આકાશ ઘોડી નામના એક ગામવાસીએ કહ્યુ હતું, "રાજ્ય સરકારે શક્ય તેટલી વહેલી તકે મહારાષ્ટ્ર તથા ગુજરાતનું સીમાંકન કરવું જોઈએ. ગુજરાતનું વહીવટીતંત્ર ધીમે ધીમે ઘૂસણખોરી કરી રહ્યું છે."

"ઇમારત નિર્માણ અને વિકાસ કાર્યો ચાલી રહ્યાં છે. તેને તત્કાળ બંધ કરવા જોઈએ. અમે વારંવાર પુરાવા રજૂ કર્યા હોવા છતાં તેમાં વધારો થઈ રહ્યો છે. દરેકને વિશ્વાસમાં લઈને આ સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ."

એક સર્વે નંબરની સીમા સ્પષ્ટ કરવાની પ્રક્રિયા

આ વિવાદ અને દસમી ડિસેમ્બરના સર્વે બાબતે પાલઘરનાં જિલ્લા કલેક્ટર ઇન્દુરાણી જાખડે બીબીસીને કહ્યું હતું, "એ કોઈ સર્વે ન હતો. માત્ર એક સર્વે નંબરની સીમા સ્પષ્ટ કરવાની પ્રક્રિયા હતી. જમીન સંપાદનને કારણે એ સ્થળે વિવાદ સર્જાયો હતો અને એ પ્રક્રિયા પહેલાં જ પૂર્ણ થઈ ગઈ છે. વધુ માહિતી માટે અમારી ઑફિસ પછીથી સંપર્ક કરશે."

મહારાષ્ટ્રમાં વેવજી ગ્રામ પંચાયતની હદમાં ગુજરાતના સોલસુંબા ગામની પાસે 500થી 700 મીટર જમીનમાં અતિક્રમણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

મહારાષ્ટ્રની સીમામાં સ્ટ્રીટ લાઇટ્સ લગાવવા અને અનધિકૃત બાંધકામો કરવાનું કામ ચાલતું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

'અમે ઘૂસણખોરી કરી નથી, જમીન અમારી છે'

આ બાબતે વલસાડના જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. તેમનો જવાબ મળ્યા પછી આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.

ઉમરગામના તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલે જણાવ્યું કે, "અમે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની પણ તપાસ કરી હતી. જેમાં બંને તરફ લાભ લેતા કોઈ લાભાર્થી છે કે કે એ અંગે તપાસ કરાઈ હતી. જોકે, પ્રાથમિક તપાસમાં આવું કંઈ બહાર આવ્યું નથી."

ઉમરગામના સોળસુંબા ગામના સરપંચ કરસન ભરવાડનું કહેવું છે કે, "જ્યાં સુધી ગુજરાતની હદ છે ત્યાં સુધી જ વીજળીના થાંભલા લગાવ્યા છે. ત્યાં સુધીના મિલકતધારકો વેરો પણ ગુજરાતના ગામમાં જ ભરે છે. તેમજ આ વીજળીના થાંભલા પાંચ વર્ષથી વધુ સમય પહેલાં લગાવાયા છે. ત્યાર બાદ મહારાષ્ટ્રની હદમાં લાઇટ પણ નથી અને આ વીજના થાંભલાનું કનેક્શન કાપ્યા બાદ તેઓ વીજળી આપી શક્યા નથી."

વેવજીના ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને સીમા વિવાદ બાબતે સોલસુંબા ગ્રામ પંચાયતના સરપંચ કરસનભાઈ ભરવાડે કહ્યું હતું, "આ જમીનનું સીમાંકન કરવું જરૂરી છે. અમે અતિક્રમણ કર્યું નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે સ્ટ્રીટ લાઇટ્સ તથા ઇમારતોનું બાંધકામ જરૂર કર્યું છે, પણ એ ગુજરાતની હદમાં જ છે."

"વેવજી ગ્રામ પંચાયત દ્વારા જેના પર દાવો કરવામાં આવે છે તે જમીન અમારી હદમાં આવે છે, એવો અમારો મત છે. એ વિસ્તાર કોની હદમાં છે તે સંયુક્ત સીમાંકન પછી સ્પષ્ટ થઈ જશે. અમે માનીએ છીએ કે આ મામલે વહીવટી સ્તરે ચર્ચા થશે અને બંને રાજ્યોનાં વહીવટીતંત્રો વચ્ચે ચર્ચા પછી તેનું નિરાકરણ થઈ જશે," એવું તેમણે ઉમેર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન