ઑસ્ટ્રેલિયા : બૉન્ડી બીચ પર 'યહૂદી'ઓ પર હુમલો કરનારા પિતા-પુત્ર કોણ હતા અને શા માટે હુમલો કર્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સે પુષ્ટિ કરી છે કે બૉન્ડી બીચ પર ગોળીબારની ઘટનામાં 10 વર્ષની બાળકી સહિત 15 લોકોનાં મૃત્યુ થયાં છે.
સાથે તેમણે જણાવ્યું કે હુમલાખોર પૈકી એકનું મૃત્યુ થયું છે.
પોલીસ કમિશનર માલ લેન્યોને કહ્યું કે બંને હુમલાખોર પિતા અને પુત્ર હતા. પિતાની ઉંમર 50 વર્ષ જ્યારે કે પુત્રની ઉંમર 24 વર્ષ જણાવાઈ રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે 50 વર્ષના હુમલાખોરે પોલીસને ગોળી મારી હતી. પછી તેનું પણ મોત થયું. ત્યાં 24 વર્ષના હુમલાખોરની હાલત ગંભીર છે.
ઘટના બાદ 42 લોકોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. જેઓ ત્યાં ફરજ પર હાજર હતા.
પોલીસે જણાવ્યું કે 50 વર્ષના હુમલાખોર પાસે હથિયાર રાખવાનું લાયસન્સ હતું. તેના નામ પર 6 હથિયારો રજિસ્ટર્ડ હતાં. બૉન્ડી બીચ પાસેથી આ 6 હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે.
ઘટનાસ્થળે બે સક્રિય વિસ્ફોટ ઉપકરણો પણ મળ્યાં છે. પોલીસે તેને સુરક્ષિત રીતે નિષ્ક્રિય બનાવી દીધાં હતાં.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ન્યૂ સાઉથ વૅલ્સના પોલીસ કમિશનરે જોકે હુમલાખોર પિતા-પુત્ર વિશે વધુ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો.
પોલીસ કમિશનર લેન્યોને કહ્યું કે પિતા-પુત્ર ઑસ્ટ્રેલિયામાં લાંબા સમયથી રહેતા હતા. પિતા પાસે 2015થી હથિયારોનું લાયસન્સ છે.
તેમણે કહ્યું, "પોલીસ બંનેની પૃષ્ઠભૂમિની તપાસ કરી રહી છે. તેમના વિશે અમે બહુ ઓછું જાણીએ છીએ."
જ્યારે તેમને હુમલાખોરોની નાગરિકતા વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો.
જોકે, સ્થાનિક મીડિયામાં તેમનાં નામ સાજિદ અને નવીદ અકરમ તરીકે ચાલી રહ્યાં છે.
તેમણે માત્ર એટલું જ કહ્યું, "શૂટર્સ પૈકીનો એક 50 વર્ષનો હુમલાખોર ગન ક્લબનો સભ્ય હતો. તે કાયદેસર રીતે હથિયારોનું લાયસન્સ મેળવવા હકદાર હતો. તેની પાસે એબી કૅટેગરીનાં હથિયારોનું લાયસન્સ હતું. જેથી કે લાંબી બંદૂકોનો ઉપયોગ કરતો હતો. બંદૂકના લાઇસન્સની વાત કરીએ તો, ફાયરઆર્મ્સ રજિસ્ટ્રી બધી અરજીઓની તપાસ કરે છે."
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની આલ્બનીઝે કહ્યું છે કે હુમલા સામે તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે 'ઑસ્ટ્રેલિયાના સમાજમાં યહૂદી વિરોધી ભાવનાને પૂર્ણ રીતે સમાપ્ત કરવાનો સંકલ્પ' પણ વ્યક્ત કર્યો છે.
બૉન્ડીમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "આજે બૉન્ડી બીચ પર બે લોકો દ્વારા જાહેર સ્થળે થયેલા ગોળીબાર બાદ ત્યાં પોલીસ ઑપરેશન ચલાવાઈ રહ્યું છે."
ઘટના ઑસ્ટ્રેલિયન ઇસ્ટર્ન ડેલાઇટ ટાઇમ પ્રમાણે સાંજે 6 વાગ્યે એટલે કે ભારતીય સમયાનુસાર બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ થઈ હતી.
પોલીસે એક બંદૂકધારી ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી આપી છે અને કહેવાયું છે કે તેની સ્થિતિ ગંભીર છે.
બીબીસી સંવાદદાતા ટેન્સા વૉન્ગ અનુસાર ઘટના બૉન્ડી બીચીના ઉત્તર ભાગમાં ભીડભાડવાળી જગ્યાએ થઈ હતી.
તેઓ જણાવે છે કે, "બીચ પાછળ ઘાસવાળી જગ્યા પાસે હનુકાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યાં એક ફૂટબ્રિજ હતો, જેનો ઉપયોગ લોકો બીચ તરફ જવા માટે કરી શકતા."
બંદૂકધારીઓએ કદાચ આ બ્રિજનો ઉપયોગ નિશાન સાધવા માટે કર્યો હતો.
ટેસા વૉન્ગે કહ્યું, "ગોળીબારના લગભગ એક કલાક પહેલાં મેં બ્રિજ પાર કર્યો હતો અને જોયું કે ત્યાં ઓછામાં ઓછા 200 લોકો હાજર હતા, ત્યાં લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું હતું અને અન્ય ઘણા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી."
તેઓ કહે છે કે, "જે જગ્યાએ આ કાર્યક્રમ થઈ રહ્યો હતો એ સ્થળે ધાતુનો બૅરિયર બનાવાયો હતો. લોકોને અંદર જવા કે બહાર જવા માટે એક ગેટ હતો, જે જોવામાં બૅગ ચેક માફક હતો. એવું જણાઈ રહ્યું હતું કે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ઓછી હતી."
ક્રિસ મિન્સે જણાવ્યું કે, આ હુમલો "સિડનીના યહૂદી સમુદાય પર નિશાન સાધવા માટે કરાયો હતો."
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ કમિશનર એમ લૈન્યને જણાવ્યું કે રાત્રે ત્યાં લગભગ એક હજાર લોકો હાજર હતા, જેઓ યહૂદી તહેવાર હનુકા ઊજવી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, BBC/Isabelle Rodd
કાર્યક્રમ દરમિયાન ઓછામાં ઓછા સાત મૃતદેહો જમીન પર પડેલા દેખાઈ રહ્યા હતા.
બીબીસીને ઘટનાના એક સાક્ષીએ જણાવ્યું કે જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે તેઓ તેમનાં બાળકો સાથે બીચ પર આયોજિત હનુકા કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં.
તેમણે કહ્યું કે ગોળીબાર શરૂ થયા બાદતેઓ તેમનાં બાળકો સાથે ત્યાંથી ભાગી ગયાં.
બીબીસી માટે બ્રોન્ટેથી રિપોર્ટિંગ કરી રહેલાં ટૅબી વિલ્સને કહ્યું, "બપોરે બ્રોન્ટે બીચ પર હતી, જેવું કે કામ બાદ હું જે કરું છું, ત્યારે જ મને ગોળીબારનો અવાજ સંભળાયો. લગભગ અનુમાન પ્રમાણે 20 ધડાકાઓ હતા."
ઘટનાના વધુ એક સાક્ષીએ કહ્યું કે "શરૂઆતમાં લાગ્યું કે કોઈ ફટાકડાં ફોડે છે. પરંતુ સપનામાં પણ ન વિચાર્યું હતું કે કોઈ બૉન્ડીમાં ગોળાબીર કરી શકશે. બીચમાં ઉપસ્થિત લોકોને જ્યારે સમજણ પડી કે શું થઈ રહ્યું છે, લોકો ભાગવા લાગ્યા. હું પણ મારો જીવ બચાવવા માટે નૉર્થ બૉન્ડીની ઘાસ ધરાવતા પહાડી વિસ્તારમાં ગયો."
તેમણે કહ્યું કે કેટલાક લોકો એક આઇસક્રીમ વૅનની પાછળ સંતાઈ ગયા. ઇમર્જન્સી સેવા ત્યાં પહોંચી અને ગોળીબાર રોકાયો ત્યારે તેઓ ઘરે જવાનો પ્રયાસ કરવા લાગ્યા.
ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસહાક હર્જોગે ઑસ્ટ્રેલિયામાં બૉન્ડી બીચ પર થયેલા હુમલાની ટીકા કરી છે. તેમણે તેને 'યહૂદીઓ પર થયેલો આતંકવાદી હુમલો' ગણાવ્યો.
તેમણે ઍક્સ પર પોસ્ટ કરતાં લખ્યું, "સિડનીમાં અમારા યહૂદી બહેનો-ભાઈઓ પ્રત્યે અમારી સંવેદના છે, જેમના પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. જ્યારે કે તેઓ હનુકાની પહેલી મીણબત્તી પ્રગટાવવા ત્યાં ગયા હતાં."
"આ ભયાનક સમયમાં અમારી સંવેદના અને પ્રાર્થના સિડનીના યહૂદી સમુદાય તથા ઑસ્ટ્રેલિયાના સમુદાય સાથે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન








