અમેરિકાના H-1B અને H-4 વિઝા માટે સોશિયલ મીડિયા કેમ ચેક કરવામાં આવશે ?

બીબીસી ગુજરાતી અમેરિકા એચ-1બી વિઝા ઈમિગ્રેશન ભારતીય ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યાર પછી અલગ અલગ પ્રકારના યુએસ વિઝા માટે નિયમો સતત કડક બનતા જાય છે. H-1B વિઝા માટે એક લાખ ડૉલરની જંગી ફી નક્કી કર્યા પછી હવે વિઝાની અરજી કરનારાઓના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પણ ચેક કરવાનો નિર્ણય લેવાયો છે.

H-1B અને H-4 વિઝા માટે આ નિયમો 15મી ડિસેમ્બરથી લાગુ થવાના છે જેના કારણે ભારતીયોને સૌથી વધુ અસર થવાની શક્યતા છે.

દરમિયાન ભારતમાં ઘણા લોકોની વિઝા ઍપોઇન્ટમેન્ટની કામગીરીને અસર થઈ છે અને ઇન્ટરવ્યૂની તારીખો રિશિડ્યુલ કરવામાં આવી છે.

ભારતસ્થિત અમેરિકન દૂતાવાસે ઍક્સ પર જણાવ્યું છે કે "અમે નવી ઍપોઇન્ટમેન્ટની તારીખો મામલે આપને મદદ કરીશું. પરંતુ જૂની તારીખો પર કોઈ ઍમ્બેસી અથવા દૂતાવાસે આવશો તો પ્રવેશ આપવા દેવાશે નહીં."

સોશિયલ મીડિયા સ્ક્રીનિંગનો નિર્ણય શું છે?

બીબીસી ગુજરાતી અમેરિકા એચ-1બી વિઝા ઈમિગ્રેશન ભારતીય ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા ઍક્ટિવિટીના આધારે અમેરિકાના વિઝા નકારી પણ શકાય છે

અમેરિકાના વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે જાહેરાત કરી છે કે દરેક H-1B વિઝાધારકો અને તેમના H-4 વિઝાધારક આશ્રિતો માટે 15મી ડિસેમ્બરથી સોશિયલ મીડિયાનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવશે.

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે સોશિયલ મીડિયાની ચકાસી શકાય તે માટે અરજકર્તાઓએ પોતાના ઍકાઉન્ટનું સેટિંગ પબ્લિક કરવું પડશે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે કૉન્સ્યુલર ઑફિસરો અરજકર્તાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ, પબ્લિક પોસ્ટ ચેક કરશે અને અલગ અલગ ઑનલાઇન પ્લેટફૉર્મ તથા ડેટાબેઝ પર રહેલી વિગત એકઠી કરશે.

વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે દરેક વિઝાની ફાળવણી નૅશનલ સિક્યૉરિટીનો નિર્ણય હોય છે અને અમેરિકાના વિઝા એ કોઈ અધિકાર નહીં, પરંતુ વિશેષાધિકાર છે.

આ રીતે અમેરિકા હવે વિઝાધારકોની ડિજિટલ ફૂટપ્રિન્ટ પર નજર રાખશે. એટલે કે તમે કઈ ચીજો પોસ્ટ કરો છે, કેવી કોમેન્ટ કરો છો અને કેવી સામગ્રીને શૅર કરો છો, તેના પર યુએસની નજર રહેશે.

ભારતીયો માટે કેટલી મોટી ચિંતા

બીબીસી ગુજરાતી અમેરિકા એચ-1બી વિઝા ઈમિગ્રેશન ભારતીય ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એચ-1બી વિઝા પર એક લાખ ડૉલરની ફી નાખી છે

H-1B અને H-4 વિઝા માટે અમેરિકા જ્યારે કડક નિયમો બનાવે ત્યારે ભારતીયોને તે સીધી અસર કરે છે. કારણ કે ભારત એ સ્કિલ્ડ વર્કર્સ માટેના H-1B વિઝાનો સૌથી મોટો લાભાર્થી દેશ છે. તેમાં પણ આઈટી પ્રોફેશનલોમાં એચ-1બી વિઝાની સૌથી વધારે ડિમાન્ડ જોવા મળે છે.

USCISના ડેટા પ્રમાણે 2024માં ભારતીયોઓ લગભગ 80,500 નવા એચ-1બી વિઝા મેળવ્યા હતા જ્યારે ચીન 19600 વિઝા સાથે બીજા નંબર પર હતું.

H-1B વિઝા માટે ભારે સ્પર્ધા અને વેઇટિંગ પિરિયડ ચાલે છે ત્યારે નવા નિયમોના કારણે વિઝા માટે વધારે રાહ જોવી પડે તેવી શક્યતા છે.

લિંક્ડઇન ઍકાઉન્ટ પર પણ નજર

બીબીસી ગુજરાતી અમેરિકા એચ-1બી વિઝા ઈમિગ્રેશન ભારતીય ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના વિઝાની પ્રક્રિયા અમુક મહિના પાછળ ધકેલાઈ શકે છે

વિદેશીઓને વિઝા આપતા પહેલાં અમેરિકા હવે તેમની ઑનલાઇન ઍક્ટિવિટી પર વધારે નજર રાખી રહ્યું છે.

રૉયટર્સના તાજેતરના અહેવાલ પ્રમાણે એચ-1બી વિઝા અરજકર્તાઓની લિંક્ડઇન પ્રોફાઇલ અથવા તેમના રેઝ્યુમેને રિવ્યૂ કરવા માટે અધિકારીઓને જણાવાયું છે. આ ઉપરાંત એચ-1બી વિઝાધારકની સાથે જે પરિવારજનો અમેરિકા ટ્રાવેલ કરી રહ્યા હોય તેમનું સોશિયલ મીડિયા બૅકગ્રાઉન્ડ પણ ચકાસવાની સૂચના છે.

આ અહેવાલ મુજબ ટેકનૉલૉજી સેક્ટરમાં કામ કરતા લોકોના ઍમ્પ્લૉયમેન્ટની હિસ્ટ્રી ચકાસવામાં આવશે.

અગાઉ H-1B પર આકરી ફી ઝીંકી

બીબીસી ગુજરાતી અમેરિકા એચ-1બી વિઝા ઈમિગ્રેશન ભારતીય ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાનું કહેવું છેકે એચ-1બી વિઝા એ અધિકાર નહીં પણ વિશેષાધિકાર છે.

આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે H-1B વિઝા પર એક લાખ ડૉલરની વાર્ષિક ફી લગાવી છે જેના કારણે ભારતના આઈટી સેક્ટરના કામદારોમાં ભય ફેલાયો છે. આઈટી સેક્ટરમાં ભારત અને ચીનના કર્મચારીઓ આવે તેના કરતા અમેરિકન નાગરિકોને તક મળે તે માટે આ ફી લાદવામાં આવી હોવાનું કારણ અપાય છે.

ધ હિંદુના અહેવાલ પ્રમાણે સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવ્યા પછી ઘણા લોકોના વિઝા ઇન્ટરવ્યૂ પાછળ ધકેલવામાં આવ્યા છે. જેમ કે આગામી અઠવાડિયામાં જેમની ઍપોઇન્ટમેન્ટ નક્કી હતી, તેમને આગામી વર્ષના મે સુધી રાહ જોવા જણાવાયું છે.

15 મી ડિસેમ્બરથી સોશિયલ મીડિયા ઍકાઉન્ટનું સ્ક્રીનિંગ થવાનું છે, તેથી જેમના ઇન્ટરવ્યૂ 15 ડિસેમ્બરે નક્કી થયા હતા, તેમને માર્ચની તારીખો આપવામાં આવી છે. આ રીતે વિઝા પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.

H-1B અને H-4 વિઝા શેના માટે છે?

બીબીસી ગુજરાતી અમેરિકા એચ-1બી વિઝા ઈમિગ્રેશન ભારતીય ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં જે સ્કિલ ધરાવતા લોકોની અછત હોય, તેવી સ્કિલ માટે વિદેશી વર્કર્સને અમેરિકા લાવવા એચ-1બી વિઝાનો ઉપયોગ થાય છે. અમેરિકન કંપનીઓ તેના માટે વિદેશી કર્મચારીઓને સ્પૉન્સર કરે છે. શરૂઆતમાં H-1B વિઝા ત્રણ વર્ષ માટે હોય છે, પરંતુ પછી તેને વધુ ત્રણ વર્ષ માટે રિન્યૂ કરી શકાય છે. USCIS મુજબ તાજેતરનાં વર્ષોમાં અમેરિકા દ્વારા આપવામાં આવતા કુલ H-1B વિઝામાં 71 ટકા હિસ્સો ભારતીયોનો હોય છે.

બીજી તરફ H-1B વિઝા અને બીજા વિઝાધારકોના નિકટના પરિવારજનો અમેરિકા આવવા માગતા હોય ત્યારે તેમના માટે H-4 વિઝા હોય છે. સામાન્ય રીતે શરૂઆતમાં H-4 વિઝાધારકોને અમેરિકામાં કામ કરવાની મંજૂરી નથી હોતી, પરંતુ ચોક્કસ શરતોને આધિન રહીને તેઓ કામ કરવાની મંજૂરી માટે અરજી કરી શકે છે.

આ દરમિયાન તેઓ અમેરિકામાં અભ્યાસ કરી શકે, ડ્રાઇવર્સ લાઇસન્સ મેળવી શકે અને બૅન્ક ખાતું પણ ખોલાવી શકે છે. H-4એ ટેમ્પરરી વિઝા છે અને મુખ્ય વિઝા હોલ્ડરના વિઝાના સમયગાળા સાથે સંકળાયેલા હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન