કિંજલ દવે અને પરિવારને જ્ઞાતિ બહાર મૂકવાનો વિવાદ શું છે, આ મામલે કિંજલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Kinjal Dave/insta
ગુજરાતનાં જાણીતાં ગાયિકા કિંજલ દવે તેમની સગાઈ પછી ચર્ચામાં છે. પોતાની જ્ઞાતિ બહાર સગાઈ કરવાના કારણે કેટલાક લોકોએ તેમને જ્ઞાતિ બહાર કરવાની જાહેરાત કરી છે. કિંજલ દવેએ આ મામલે સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે.
તાજેતરમાં 6 ડિસેમ્બરે કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. એ સમયે મોટા ભાગના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં, પરંતુ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની એક બેઠકમાં કિંજલ દવેના પરિવારને નાતબહાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
કિંજલે એક વીડિયો પોસ્ટ કરીને પોતાના પરિવારનો સામાજિક બહિષ્કાર કરનારા લોકોને ઝાટક્યા છે અને કાયદેસરનાં પગલાં લેવાની ચેતવણી પણ આપી છે.
તેમણે એમ પણ કહ્યું છે કે "જેમને કોઈ પાંચ હજારના પગારમાં પણ નોકરીએ ન રાખે તેવાં કેટલાંક અસામાજિક તત્ત્વો આવું કામ કરી રહ્યાં છે."
કિંજલ દવેએ વીડિયોમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, Kinjal Dave/Insta
વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે. તેમાં તેમણે પોતાની સગાઈ પછી જ્ઞાતિમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય લેનારા સામાજિક આગેવાનોને ઝાટક્યા છે અને "દીકરીઓની પાંખો કાપવા"નો આરોપ લગાવ્યો છે.
કિંજલ દવેએ કહ્યું કે, "મારા જીવનના નવા પડાવની હું શરૂઆત કરી રહી છું, ત્યારે જેટલા લોકોએ મને શુભેચ્છા, પ્રેમ અને આશીર્વાદ આપ્યાં તે દરેકનો દિલથી આભાર માનું છું."
"મારા સગપણને લઈને ઘણા સમયથી મીડિયામાં તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. જેના વિશે હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી.પણ હવે મારા પરિવારની અને મારા પિતાની વાત થઈ રહી છે ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન નથી થતું. મને લાગ્યું કે આજે મારે બોલવું પડશે."
તેઓ આગળ કહે છે, "એક બ્રહ્મકન્યા હોવાનું મને એટલું ગર્વ છે જેને શબ્દોમાં નહીં વર્ણવી શકું. મારી આ સફરમાં મારો પરિવાર અને મારા પિતા ઢાલની જેમ મારા સપોર્ટમાં રહ્યા છે. પરંતુ કહેવાતા સભ્ય અને મૉડર્ન સમાજમાં બે-ચાર અસામાજિક તત્ત્વો છે, જેઓ અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરે છે કે દીકરીઓની મર્યાદા ક્યાં સુધી હોવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિંજલ દવેએ વીડિયોમાં કહ્યું કે, "દીકરીઓને ઊડવા માટે પાંખો મળી છે, જેને કાપવાની વાતો ચાલે છે. દીકરીઓ તેજસ જેવાં વિમાન ઉડાવે છે, યુદ્ધ કરે છે, રણ મેદાનમાં છે. સંસદમાં છે, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીમાં છે. ઑપરેશન સિંદૂરમાં બે દીકરીઓએ ગૌરવ અપાવ્યું હતું. ત્યારે શું બે-ચાર અસામાજિક તત્ત્વો નક્કી કરશે કે એક દીકરીને લાઇફ પાર્ટનર પસંદ કરવાનો હક નથી?"
"હું એક એવા પરિવારમાં જઈ રહી છું જે ભક્તિમય છે. મારા પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે મને જેવી છું તેવી આદરથી સ્વીકારી છે. રાતદિવસ નવકારમંત્ર અને ગાયત્રી મંત્રના જાપ થાય છે, એવા પરિવારમાં હું જઈ રહી છું તેનું ગૌરવ છે."
તેમણે કહ્યું કે, "હું તમામ શિક્ષિત લોકોને નમ્ર વિનંતી કરું છું કે દીકરીઓની પાંખો કાપવાની વાતો કરતા બે-ચાર અસામાજિક તત્ત્વોને સમાજમાંથી દૂર કરો. નહીંતર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે."
તેમણે કહ્યું કે, "દીકરીઓનું સારું કરવું હોય તો તેમના શિક્ષણ માટે વાત કરો. નાની નાની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે તેની વાત કરો, દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો."
સાટાપ્રથા અને કુરિવાજો પર કિંજલના પ્રહાર

ઇમેજ સ્રોત, Kinjal Dave/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કિંજલ દવેએ વીડિયોમાં સાટાપ્રથાની પણ વાત કરી છે. તેઓ કહે છે કે, "પ્રતિભા ને એ બધું તો મૉડર્ન વસ્તુ થઈ ગઈ. આપણા સમાજમાં હજુ 18મી સદીના કુરિવાજો ચાલુ છે, બાળલગ્નો ચાલે છે, સાટાપ્રથા છે જેની પીડિત હું પણ છું તે તમે જાણો છો. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. દીકરીઓને ઘૂંઘટમાં રાખવામાં આવે છે. એક તરફ દીકરીઓ વિમાન ઉડાવે છે. બીજી તરફ દીકરીઓ ઘૂંઘટમાં છે તેના પરથી ખબર પડે છે કે ક્યાં કેટલો વિકાસ છે.
"હું દરેક બ્રાહ્મણ આગેવાનને વિનંતી કરું છું કે આવાં અસામાજિક તત્ત્વોને સમાજમાંથી હઠાવો. જેટલા લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ કૉમેન્ટ કે પોસ્ટ કરશે તેની વિરુદ્ધ હું કાયદેસરનાં પગલાં લઈશ."
કિંજલ દવેએ ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં કહ્યું કે, "એક બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિનાં નીતિનિયમોથી ચાલતી હતી ત્યારે નાતના જ કેટલાક લોકોએ છેતરપિંડી કરી અમને અંધારામાં રાખ્યા. એક સગપણમાં હોય અને છતાં બીજા સમાજમાં લગ્ન કરી લે, બે-બે વર્ષ સુધી છુપાવે અને કહે નહીં. પરિવાર અને મારા પિતાની વાત આવશે ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું."
છેલ્લે તેમણે કહ્યું "આને વિશેષ મોટો મુદ્દો બનાવાની જરૂર નથી. જેઓ નાતબહાર કરવાની વાત કરે છે તેવાં અસામાજિક તત્ત્વોને કોઈ પાંચ હજારમાં નોકરીએ રાખવા તૈયાર નથી. તમે તમારું કામ સંભાળો."
બ્રહ્મ સમાજના આગેવાને કહ્યું 'બહિષ્કાર ચાલુ રહેશે'

ઇમેજ સ્રોત, Kinjal Dave/FB
પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોશી કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેનારી બેઠકમાં હાજર હતા.
જનક જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ એક સામાજિક બહિષ્કાર છે, સમાજ દ્વારા જે નિર્ણય લેવાયો તેમાં સમાજ સર્વોપરિ છે. સમાજ જ બાપ અને સમાજ જ ભગવાન છે."
કિંજલ દવેએ વીડિયોમાં કેટલાક લોકોને અસામાજિક ગણાવ્યા તેના વિશે જનક જોશીએ કહ્યું કે "આ તેમની હલકી માનસિકતા દર્શાવે છે. સમાજને અસામાજિક ગણાવવો એ જ તેનો ગુનો છે. તેમને સમાજમાં જ નથી રહેવું તો પછી ક્યાં વિરોધ કરવાની વાત આવે છે. તેમને સમાજની પડી જ નથી."
તેમણે કહ્યું કે, "કિંજલ દવે તેમની રીતે જીવે છે કોઈ તેમની સાથે ધાકધમકી કે ઝઘડા નથી કરતું. કિંજલબહેનનો આ કોઈ પર્સનલ વિરોધ નથી. તેમને ટાર્ગેટ બનાવવામાં નથી આવ્યાં. તેઓ એક જાણીતી વ્યક્તિ છે તેથી મીડિયામાં ચમકી રહ્યું છે. સામાજિક બહિષ્કારનો નિર્ણય શિહોરી આનંદવાડી ખાતે લેવાયો છે."
હવે આગળ સમાજ શું કરશે તેના વિશે તેમણે કહ્યું કે, "અમે અમારા નિવેદન પર કાયમ છીએ અને કિંજલ દવેનો બહિષ્કાર કરીશું."
જનક જોશીએ કહ્યું કે "સમાજ માટે એકવીસમી સદી ન હોય, સમાજ માટે બધી સરખી હોય."
કિંજલ દવેએ સાટાપ્રથાની વાત કરી હતી તેના વિશે જનક જોશીએ કહ્યું કે "બંધારણ ભલે બહિષ્કારની પરવાનગી નથી આપતું, પરંતુ સમાજ આપે છે. સમાજ દ્વારા તેમના પરિવારને બોલાવવામાં આવ્યા હતા જેમાં તેમના દાદા હાજર રહ્યા હતા, પરંતુ કિંજલ દવે હાજર ન હતાં."
'જ્ઞાતિઓમાં શ્રેષ્ઠતાનો ભાવ બળવત્તર બન્યો'

ઇમેજ સ્રોત, Kinjal Dave/FB
ભારતના બંધારણ પ્રમાણે દરેક પુખ્ત વયની વ્યક્તિને પોતાના મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવાની મંજૂરી મળી છે, છતાં આંતરજ્ઞાતીય લગ્નોનો વિરોધ કેમ થાય છે?
આના વિશે સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ બીબીસીને જણાવ્યું કે "એકવીસમી સદીનાં 25 વર્ષ પૂરા થવાનાં છે, છતાં આપણે ત્યાં જ્ઞાતિવાદ નબળો પડવાના બદલે મજબૂત બન્યો છે. ખાસ કરીને જ્ઞાતિઓમાં શ્રેષ્ઠતાનો ભાવ બળવત્તર થયો છે."
તેમણે કહ્યું કે "ગુજરાતમાં પરંપરા અને રૂઢિઓ મજબૂત બની છે, પછી તે જ્ઞાતિની હોય કે ધર્મની હોય. છેલ્લાં 25 વર્ષમાં જે સામાજિક વાતાવરણ રચાયું તેમાં સામાજિક સુધારણાની વાત ન આવી અને ધર્મ કેન્દ્રમાં આવ્યું."
કિંજલ દવેના કિસ્સા વિશે તેમણે કહ્યું કે, "બ્રાહ્મણો પોતાને લગ્નના કોટિક્રમમાં સર્વોચ્ચ માને છે. એટલે કે અમે બીજી જ્ઞાતિની દીકરી લઈ શકીએ, પરંતુ કોઈને આપીએ નહીં. આ ભાવના એટલી મજબૂત બની કે હવે દરેક જ્ઞાતિ પોતાના જીવનસાથી પસંદગી મેળા કરવા લાગી. માતાપિતાએ દીકરીઓના મોબાઇલ પર કંટ્રોલ કરવાનું શરૂ કર્યું. એકંદરે વાતાવરણ એવું થયું કે નવી પેઢી ભલે ભણેલી હોય, પરંતુ તેની જ્ઞાતિ અને પરિવાર રૂઢિચુસ્ત હોય તો સંઘર્ષ પેદા થાય છે."
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ કહ્યું કે, "મારી જ્ઞાતિ શ્રેષ્ઠ છે અને બીજી બધી જ્ઞાતિઓ અમારાથી ઊતરતી છે તેવી ઊંચનીચની ભાવના લગ્નોમાં સૌથી વધુ જોવા મળી છે.
તેમણે કહ્યું કે, "આપણાં શહેરોમાં રહેઠાણો પણ જ્ઞાતિ પ્રમાણે વહેંચાયેલાં છે. લગ્ન એ જ્ઞાતિને ટકાવી રાખે છે અને જ્ઞાતિ લગ્નને ટકાવે છે. આ પરંપરાગત વાતાવરણને ગુજરાતમાં પડકારવામાં નથી આવ્યું."
"આપણે ત્યાં બહુ નાની નાની વાતમાં જ્ઞાતિની લાગણીઓ દુભાય છે તેથી તેને પડકારવાની કોઈ હિંમત નથી કરતું. આજે કૉમેન્ટ કરો તો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે."
ગૌરાંગ જાની માને છે કે "જ્ઞાતિની શ્રેષ્ઠતાના ભાવને રાજકીય પીઠબળ મળ્યું છે, કારણ કે જ્ઞાતિઓના કાર્યક્રમોમાં રાજકારણીઓ જાય છે અને તેને વોટ બૅન્ક તરીકે જુએ છે. ધારાસભ્યો અને મંત્રીઓની પસંદગી પણ જ્ઞાતિના આધારે કરવામાં આવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












