કચ્છ : 'ડૉક્ટરે ત્રણ ઇન્જેક્શન સાથે આપી દીધાં', પત્નીનાં મોતના 8 મહિના બાદ પતિએ ડૉક્ટર સામે કેમ ફરિયાદ કરી?

બીબીસી ગુજરાતી કચ્છ બિદડા હૉસ્પિટલ ડૉક્ટર મહિલા ઑપરેશન પોલીસ ગુજરાત

ઇમેજ સ્રોત, Mukesh Singh Chaudhary

ઇમેજ કૅપ્શન, મુકેશસિંહનો આરોપ છે કે તેમનાં પત્ની અનુષ્કાસિંહનાં મૃત્યુ માટે 'ડૉક્ટરની બેદરકારી' જવાબદાર છે.
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

કચ્છના માંડવી તાલુકાના કોડાય પોલીસ સ્ટેશને મંગળવારે એક કેસ નોંધાયો, જે મુજબ આ વર્ષે એપ્રિલમાં કાનના ઑપરેશન બાદ ડૉક્ટરની કથિત મેડિકલ 'બેદરકારી'થી કલાકોની અંદર જ એક યુવાન મહિલાનું મોત થયું હતું. આના કારણે દોઢ વર્ષનું બાળક માતાવિહોણું થઇ ગયું છે અને મહિલાના પતિ હજુ કેટલાય સવાલોના જવાબ શોધી રહ્યા છે.

પોલીસ કેસ અનુસાર મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ચોકીદાર તરીકે નોકરી કરતા ચંદ્રપાલસિંહ ચૌધરીના દીકરા મુકેશસિંહ નર્સિંગનો અભ્યાસ પૂરો કરી પાંચેક વર્ષ પહેલાં કચ્છમાં મુન્દ્રા નજીક ટાટા ગ્રૂપના પાવર પ્લાન્ટના હેલ્થ સેન્ટરમાં નોકરીએ લાગ્યા હતા.

આ દરમિયાન ત્રણેક વર્ષ અગાઉ તેમનાં લગ્ન ગ્વાલિયરનાં અનુષ્કાસિંહ રાણા સાથે થયાં હતાં. લગ્નના એકાદ વર્ષ બાદ દંપતીના ઘરે એક દીકરાનો જન્મ થયો.

22 એપ્રિલ, 2025ના રોજ પોતાનાં લગ્નની બીજી વર્ષગાંઠ ઉજવવાં આ દંપતીએ મુંબઈ જવાનું આયોજન કર્યું હતું.

પરંતુ અનુષ્કાસિંહને એકાદ વર્ષથી કાનમાં દુ:ખાવો રહેતો હતો અને નિદાન કરાવતા ખબર પડી કે તેમના જમણા કાનના પડદામાં કાણું છે.

ડૉક્ટરે તેમને તે કાણાંવાળા પડદાનું ઑપરેશન કરાવી લેવાની સલાહ આપી.

વર્ષગાંઠ ઉજવવા મુંબઈ જતાં પહેલાં દંપતીએ તે ઑપરેશન કરાવી લેવાનું નક્કી કર્યું. તે મુજબ અનુષ્કાસિંહને 4 એપ્રિલે કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામે આવેલી 'શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હૉસ્પિટલ'માં દાખલ કરવામાં આવ્યાં.

ઑપરેશન પહેલાં અનુષ્કાસિંહના રિપોર્ટ નૉર્મલ આવ્યા. તેથી 5 એપ્રિલે સવારે આઠ વાગ્યે અનુષ્કાસિંહને ઑપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યાં. મુકેશસિંહ તેમના દોઢ વર્ષના દીકરાને ખોળામાં રમાડતા બહાર બેઠા.

અડધા-પોણા કલાક બાદ ડૉક્ટર બહાર આવ્યા અને મુકેશસિંહને કહ્યું કે 'અનુષ્કાસિંહને દવાની આડઅસર' થઈ છે, તેથી વધારે સારવાર માટે તેમને માંડવીની એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવાં પડશે.

બેભાન અવસ્થામાં જ અનુષ્કાસિંહને માંડવીની પરાગ હૉસ્પિટલ અને ત્યાંથી કચ્છના ભુજમાં આવેલી કે. કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયાં. પરંતુ ભુજ પહોંચતાં જ ત્યાંના ડૉક્ટરોએ 21 વર્ષનાં અનુષ્કાસિંહને 'મૃત જાહેર' કર્યાં.

અનુષ્કાસિંહનાં મૃત્યુના આઠ મહિના બાદ સારવારમાં કથિત 'બેદરકારી' બદલ ડૉક્ટર સામે ફોજદારી ગુનો નોંધાતા આ આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે.

હવે, આઠ મહિના બાદ નોંધવામાં આવેલી ફરિયાદમાં મુકેશસિંહે આક્ષેપ કર્યો છે કે 'ડૉક્ટરની બેદરકારી'ને કારણે તેમનાં પત્નીનું મોત થયું છે.

બીજી તરફ 'સખાવતી ધોરણે' ચાલતી બિદડા હૉસ્પિટલ દાવો કરે છે કે "અનુષ્કાસિંહને અમુક દવાની ઍલર્જી હતી તેની માહિતી મુકેશસિંહ કે અનુષ્કાસિંહે ડૉક્ટરોને ઑપરેશન પહેલાં નહોતી આપી."

ડૉક્ટરે કઈ કથિત બેદરકારી દાખવી?

બીબીસી ગુજરાતી કચ્છ બિદડા હૉસ્પિટલ ડૉક્ટર મહિલા ઑપરેશન પોલીસ ગુજરાત

ઇમેજ સ્રોત, bidada.org

ઇમેજ કૅપ્શન, માંડવીમાં બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હૉસ્પિટલ એક બહુ જાણીતું નામ છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોડાય પોલીસ સ્ટેશને 2 નવેમ્બરે નોંધાયેલી એફઆઈઆરમાં મુકેશસિંહને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે બિદડા હૉસ્પિટલમાં તેમની પત્નીનું ઑપેરેશન કાન, નાક અને ગાળાની સારવારના નિષ્ણાત ડૉ. મોહનિશ ખત્રીએ હાથ ધર્યું હતું.

ઑપેરેશન થિએટરમાં લઇ જવાયાં બાદ અનુષ્કાસિંહને ગ્લુકોઝનો બાટલો ચડાવવાનું ચાલુ કર્યું અને સાથે જ બાટલામાં Augmentin (ઔગ્મેટિન), Dynapar AQ (ડાયનાપાર એ.ક્યુ) અને Dexona (ડિક્સોના) નામનાં ત્રણ ઇન્જેકશન ભેળવામાં આવ્યાં.

જાણકારો પ્રમાણે, ઔગ્મેટિન બૅક્ટેરિયાનાં ઇન્ફૅક્શનને મટાડતી કે રોકતી દવા છે. ડાયનાપાર પીડાશામક છે, જયારે ડિક્સોના સ્ટીરોઇડ છે જે સોજો, પીડા વગેરેને રોકે છે.

મુકેશસિંહે તેમની ફરિયાદમાં કહ્યું, "ડૉ. મોહનિશ ખત્રીએ મારી પત્નીને ઑપરેશન પહેલાં ગ્લુકોઝ બૉટલ (DNS) ચડાવેલી, જેમાં ઇન્જેકશન Augmetin 1.2 gm, તથા ઇન્જેકશન Dynapar AQ અને ઇન્જેકશન Dexona, આ ત્રણ ઇન્જેકશન એક સાથે એક બૉટલમાં નાખેલાં હતાં. આ ત્રણેય ઇન્જેકશન એક સાથે બૉટલમાં આપી શકાતાં નથી."

"પ્રથમ ઑપરેશન કરનાર ડૉક્ટરને ઇન્જેકશન Augmetin 0.5 મિલી એટલે કે થોડી માત્રામાં બૉટલમાં નાખીને ચેક કરવાનું હોય છે કે દર્દીને કોઈ રિઍક્શન આવતું તો નથી ને? ત્યાર બાદ જો રિઍક્શન આવે તો બાકીનાં ઇન્જેક્શન બૉટલમાં નાખવા ન જોઈએ. તેમ છતાં ડૉક્ટરે આ ત્રણ ઇન્જેક્શન એક સાથે બૉટલમાં નાખી દેતાં મારી પત્નીને રિઍક્શન આવ્યું હતું..."

મુકેશસિંહે એવો પણ આક્ષેપ કર્યો છે કે દવાની અવળી અસર થયા બાદ વધારે સારવાર માટે તેમનાં પત્નીને બિદડા હૉસ્પિટલથી માંડવી શહેરમાં આવેલ પરાગ હૉસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં હતાં ત્યારે તેમનાં મોઢા અને નાકમાંથી સફેદ પ્રવાહી નીકળવાનું ચાલુ થઇ ગયું હતું અને તેવી ગંભીર સ્થિતિમાં પણ ડૉ. ખત્રીએ દર્દીની યોગ્ય કાળજી ન લીધી.

ફરિયાદમાં મુકેશસિંહે કહ્યું, "મારી પત્નીને બિદડા સર્વોદય હૉસ્પિટલમાંથી માંડવી પરાગ હૉસ્પિટલ મધ્યે સારવાર માટે ડૉક્ટર મોહનિશ ખત્રીએ જે ઍમ્બ્યુલન્સમાં મોકલાવેલ તે ઍમ્બ્યુલન્સમાં નિયમ મુજબ ઍક્સપર્ટ ડૉક્ટર તથા શ્વાસ લેવા માટે વૅન્ટિલેટર જેવી કોઈ સુવિધા ન હતી તેમ જ આ ઍમ્બ્યુલન્સમાં બી.પી. માપવાનું સાધન અને પલ્સ ઑકસોમીટર પણ ન હતું. જેથી મારી પત્નીને પરાગ હૉસ્પિટલ સુધી લઇ જતાં તેનાં રિઍક્શનમાં વધારો થયો હતો. આમ આ સારવારની ખામીના કારણે મારી પત્નીનું અવસાન થયું હતું."

આઠ મહિના પછી ગુનો કઈ રીતે નોંધાયો?

બીબીસી ગુજરાતી કચ્છ બિદડા હૉસ્પિટલ ડૉક્ટર મહિલા ઑપરેશન પોલીસ ગુજરાત

ઇમેજ સ્રોત, Mukesh Singh Chaudhary

ઇમેજ કૅપ્શન, મુકેશસિંહ તેમના પરિવાર સાથે

એફઆઈઆર અનુસાર પરાગ હૉસ્પિટલે અનુષ્કાસિંહની ત્રણેક કલાક સારવાર કર્યા બાદ સાડા બાર વાગ્યે મુકેશસિંહને સલાહ આપી કે વધારે સારવાર માટે તેમની પત્નીને વધારે મોટી હૉસ્પિટલમાં લઇ જવામાં આવે.

તે અનુસાર, મુકેશસિંહ તેમની પત્નીને કે. કે. પટેલ હૉસ્પિટલ લઇ ગયા, પરંતુ ત્યાં ડૉક્ટરોએ અનુષ્કાસિંહને તપાસીને મૃત જાહેર કર્યાં.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મુકેશસિંહે કહ્યું કે પોસ્ટમૉર્ટમ માટે તેમની પત્નીના મૃતદેહને કે. કે. પટેલ હૉસ્પિટલથી ભુજની જી.કે. જનરલ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો, ત્યારે પોલીસ અધિકારીઓ પણ આવી ગયેલા હતા.

મુકેશસિંહે કહ્યું, "મારે મેડિકલ ક્ષેત્ર હોવાથી શંકા હતી કે બિદડામાં ડૉક્ટરે સારવારમાં કંઇક ભૂલ કરી છે. પોસ્ટમૉર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મારી પત્નીનાં મૃત્યુનું કોઈ સ્પષ્ટ કારણ દર્શાવવામાં ન આવ્યું. તેમાં દવાના ઓવરડોઝ કે એવો પણ કોઈ ઉલ્લેખ ન હતો. પોલીસે મને કહ્યું કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મારી પત્નીનાં વિસેરાનાં સૅમ્પલની ફોરેન્સિક તપાસ માટે રાજકોટની એફ.એસ.એલ.(ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી) અને જામનગરની હૉસ્પિટલમાં મોકલવામાં આવશે. મારો દીકરો મારી સાથે હતો અને મને તેની ચિંતા અને પત્નીનાં મૃત્યુનો આઘાત હતો. તેથી, મેં ત્યારે કોઈ ફરિયાદ ન કરી."

મુકેશસિંહે ઉમેર્યું, "મારી પત્નીના અંતિમ સંસ્કારની વિધિ પૂરી થયા બાદ મારી શંકાના સમાધાન માટે મારી પત્નીની બિદડા હૉસ્પિટલ ખાતે કરવામાં આવેલી સારવારના કાગળો લેવા મારા મિત્રને મેં બિદડા હૉસ્પિટલ મોકલ્યો. તેમણે ફાઇલ મેળવી અને તેમાં રહેલા કાગળના ફોટા મને મોકલ્યા."

"મારા મોટાભાઈ પણ નર્સ છે અને મારા બનેવી પણ મેડિકલ ક્ષેત્રમાં છે. મેં તેમને તેમ જ મારા ઓળખીતા ડૉકટરોને અનુષ્કાની સારવારના કાગળ બતાવ્યા. તે બધાનો એવો અભિપ્રાય હતો કે દવાનું ઍલર્જીને કારણે રિઍક્શન આવે છે કે કેમ તે ટેસ્ટ કર્યા વગર જ આખેઆખું ઇન્જેક્શન આપી દેવાથી અને ત્રણેય ઇન્જેકશન સાથે આપી દેવાથી અનુષ્કાનું મોત થયું છે."

મુકેશસિંહે આક્ષેપ કર્યો કે અનુષ્કાસિંહને બિદડા હૉસ્પિટલથી માંડવીની હૉસ્પિટલે રિફર કરતી વખતે બિદડા હૉસ્પિટલે સારવારની ફાઇલ પણ દર્દીની સાથે ન મોકલાવી કે ન કોઈ નિષ્ણાત ડૉક્ટરને ઍમ્બ્યુલન્સમાં હાજર રાખ્યા.

મુકેશસિંહે કહ્યું, "દવાની અવળી અસરના કારણે મારી પત્નીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બિદડા હૉસ્પિટલમાં આઈ.સી.યુ. છે અને જો ડૉક્ટરે મારી પત્નીને ત્યાં જ વૅન્ટિલેટર પર મૂકી સારવાર આપી હોત તો તેના બચવાના ચાન્સ 90 ટકા હતા. પરંતુ તેમ ન થતાં બીજી હૉસ્પિટલમાં જવામાં ટાઇમ જતો રહ્યો અને મારી પત્નીનાં ફેફસાંમાં સોજો આવી જતાં છેવટે તેનું મૃત્યુ થયું."

ડૉક્ટરને ઉતાવળ હતી?

બીબીસી ગુજરાતી કચ્છ બિદડા હૉસ્પિટલ ડૉક્ટર મહિલા ઑપરેશન પોલીસ ગુજરાત

ઇમેજ સ્રોત, bidada.org

ઇમેજ કૅપ્શન, બિદડા સર્વોદય ટ્રસ્ટની હૉસ્પિટલમાં આંખ, કાન સહિતની બીમારીઓનાં ઑપરેશન થાય છે (પ્રતીકાત્મક તસવીર)

મુકેશસિંહ આક્ષેપ કરે છે કે તે દિવસે ડૉ. ખત્રી ઉતાવળમાં હતા.

તેમણે કહ્યું, "તે દિવસે બિદડા હૉસ્પિટલમાં મારી પત્ની ઉપરાંત બીજા ચાર દર્દીઓના કાનનાં ઑપરેશન થવાનાં હતાં. મને શંકા છે કે બીજા ઑપરેશન કરવાની ઉતાવળમાં ડૉક્ટરે દવાની અવળી અસર થશે કે નહીં તેનો ટેસ્ટ કર્યા વગર જ મારી પત્નીને ત્રણેય ઇન્જેક્શન એક સાથે આપી દીધાં. મને શંકા છે મારી પત્નીને Lox (લૉક્સ) ઇન્જેકશન (જે કોઈ અંગને ખોટું કરવાની દવા છે) પણ સાથે જ આપી દેવામાં આવ્યું હતું અને આ બધાનાં કારણે તેનું મૃત્યુ થયું."

મુકેશસિંહ કહે છે કે હૉસ્પિટલના કાગળ મળતા તે લઈને પોલીસ ફરિયાદ કરવા ગયા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ નોંધવાની ના પાડી.

આ વિશે તેઓ કહે છે, "પોલીસે મને જણાવ્યું કે વિસેરા સૅમ્પલના રિપોર્ટ એફએસએલમાંથી આવ્યા ન હતા અને પુરાવા વગર તેઓ ડૉક્ટર સામે ગુનો નોંધી ન શકે. તેથી, મેં પોલીસને વિનંતી કરી કે મારી પત્નીની સારવારના કાગળ સાથેનો એક ઈ-મેઇલ ભુજના સિવિલ સર્જનને કરવામાં આવે. પોલીસ તે માટે સંમત થઇ. સિવિલ સર્જને તેના અભિપ્રાયમાં જણાવ્યું કે ડૉક્ટરની બેદરકારી હતી. તેથી, પોલીસે મને દિવાળી પહેલાં જાણ કરી અને ફરિયાદ આપવા કહ્યું."

મુકેશસિંહની ફરિયાદના આધારે પોલીસે ડૉ. ખત્રી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (1) મુજબ ગુનો નોંધ્યો છે.

જો કોઈ દર્દીની સારવાર દરમિયાન જો કોઈ નોંધાયેલ ડૉક્ટરના ઉતાવળિયા કે બેદરકારીભર્યા પગલાંથી દર્દીનું મૃત્યુ થાય, પરંતુ તે હત્યા ન હોય તો ગુનો સાબિત થાય ત્યારે ડૉક્ટરને બે વર્ષ સુધીની કેદની સજા અને દંડ થઇ શકે છે.

હૉસ્પિટલ શું કહે છે?

બીબીસી ગુજરાતી કચ્છ બિદડા હૉસ્પિટલ ડૉક્ટર મહિલા ઑપરેશન પોલીસ ગુજરાત

ઇમેજ સ્રોત, bidada.org

ઇમેજ કૅપ્શન, બિદડા સર્વોદય ટ્રસ્ટની હૉસ્પિટલ

આ બાબતે બીબીસી ગુજરાતીએ શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી વિજય છેડાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે અનુષ્કાસિંહનું મૃત્યુ દુઃખદ ઘટના છે, પરંતુ તેમણે મુકેશસિંહના આક્ષેપોને ફગાવી દીધા હતા.

તેમણે કહ્યું, "તે મહિલાનું મૃત્યુ એક દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પરંતુ પતિએ ડૉક્ટર પર કરેલા આક્ષેપોમાં તથ્ય નથી."

"અમને જાણવા મળ્યું છે કે પતિ તેમના ઘરે જ પત્નીની સારવાર કરતા હતા અને અમુક દવાની તેમનાં પત્ની પર અવળી અસર થાય છે તેની તેને અને પત્ની બંનેને ખબર હતી. તેમ છતાં ઑપરેશન માટે અમારી હૉસ્પિટલમાં દાખલ થતી વખતે પતિ કે પત્નીએ આ બાબતની જાણ ડૉક્ટરને ન કરી."

વિજય છેડાએ વધુમાં કહ્યું, "આડઅસર થયા બાદ દર્દીને મોટી હૉસ્પિટલમાં સારવારની જરૂર જાણાતાં અમે તેને શિફ્ટ કરવાની તરત વ્યવસ્થા કરી અને દર્દીને બચાવવા શક્ય હતું તે બધું કર્યું. રહી વાત ત્રણેય ઇન્જેકશન સાથે આપવાની, તો આ દર્દી પછી બીજા ચાર દર્દીઓનાં ઑપરેશન તે જ દિવસે તે જ રીતે કરવામાં આવ્યાં અને તે સફળ રહ્યાં."

આ કેસની તપાસ કોડાય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેટર બી. પી. ખરાડી કરી રહ્યા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "પતિ શરુઆતથી જ ફરિયાદ કરતા હતા કે તેમની પત્નીનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે. પરંતુ પુરાવા વિના અમે તાત્કાલિક ધોરણે ડૉક્ટર સામે ગુનો નોંધી શકતા નથી. તેથી, અમે એ.ડી. (ઍક્સિડેન્ટલ ડેથ)નો કેસ નોંધી પુરાવા એકત્ર કરવા તપાસ ચાલુ કરી હતી."

"એ.ડી.ના કામે અમે ડૉ. ખત્રીનું નિવેદન નોંધ્યું હતું અને તેમાં તેમણે સ્વીકાર્યું હતું કે સંબંધિત દર્દીની સારવાર તેમણે જ કરી હતી. ત્યાર બાદ એફએસએલ અને જામનગરથી રિપોર્ટ આવી જતા અને સિવિલ સર્જનનો અભિપ્રાય પણ આવી જતા આ ઘટનામાં પ્રાથમિક દૃષ્ટિએ ગુનો બનતો હોવાથી અમે ડૉ. ખત્રી સામે ગુનો નોંધ્યો છે."

જોકે, તેમણે કહ્યું હતું કે ડૉ. ખત્રીની બુધવાર સાંજ સુધી ધરપકડ કરવામાં આવી ન હતી.

આ બાબતે બીબીસી ગુજરાતીએ ડૉ. ખત્રીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી. તેમનો પક્ષ આવશે ત્યારે અહીં ઉમેરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન