SIRનું ફૉર્મ સબમિટ થયું કે નહીં તે કેવી રીતે ખબર પડે, ઘરે બેઠા BLOનો સંપર્ક કેવી રીતે કરવો?

ઇમેજ સ્રોત, Ahmedabad Collector
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
ચૂંટણીપંચે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કાર્યવાહી શરૂ કરી છે. બીએલઓ એટલે કે બૂથ લેવલ ઑફિસરો આખા ગુજરાતમાં ઘરેઘરે જઈને SIR માટેના ઇન્યુમરેશન ફૉર્મ સોંપી રહ્યા છે.
આ દરમિયાન, મતદારોના મનમાં SIRની પ્રક્રિયા અને ફૉર્મ ભરવા અંગે ઘણી ગૂંચવણો છે.
ખાસ કરીને, ફૉર્મમાં 2002ની મતદાર યાદીમાંથી જે વિગતો ભરવાની છે, તેને કારણે અમુક લોકો મૂંઝાયા છે.
ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે SIR દરેક મતદારનો સંપર્ક કરવા માટે ત્રણ પ્રયત્નો કરશે. બીએલઓ તમને જે બે ફૉર્મ આપે તેમાંથી એક ફૉર્મ ભરીને પાછું આપવાનું છે, જ્યારે એક ફૉર્મ તમારી પાસે રાખવાનું છે.
બીએલઓનાં નામ અને મોબાઇલ નંબર તમારી સોસાયટીના સંચાલકો કે બીજા પદાધિકારીઓ પાસેથી મળી જશે.
આ ઉપરાંત ચૂંટણીપંચની હેલ્પલાઇન 1950 પર કૉલ કરી શકો છો.
SIRનું ફૉર્મ સબમિટ થયું કે નહીં કેવી રીતે ખબર પડશે?

ઇમેજ સ્રોત, CEO Gujarat/X
ભારતના ચૂંટણીપંચના વોટર્સ સર્વિસ પોર્ટલ દ્વારા ઑનલાઇન સ્ટેટસ ચેક કરી શકો છો.
તેમાં પ્રથમ જો તમે SIRનું ફૉર્મના સબમિશન વિશે જાણવા માંગો છો તો voters.eci.gov.in વેબસાઇટ પર જાઓ. જો તમે પહેલાથી જ રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો સાઇન-અપ કરીને તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો રજિસ્ટ્રેશન કરેલું હોય, તો લૉગ-ઇન પર ક્લિક કરો, તમારો મોબાઇલ નંબર/ઈપીઆઈસી નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને OTP દ્વારા લૉગ-ઇન કરો.
લૉગ-ઇન કર્યા પછી, પોર્ટલ પર 'Fill Enumeration Form' (ગણતરી ફૉર્મ ભરો) અથવા 'Special Intensive Revision (SIR) 2026' ક્લિક કરીને તમારું રાજ્ય પસંદ કરો અને તમારો EPIC (મતદાર આઈડી) નંબર દાખલ કરીને શોધી શકો છો.
જો તમારું ફૉર્મ BLO દ્વારા અપલોડ કરવામાં આવ્યું હશે, તો તમને એક સંદેશ દેખાશે કે "Your form has already been submitted..." (તમારું ફૉર્મ પહેલેથી જ સબમિટ કરવામાં આવ્યું છે).
જો ફૉર્મ અપલોડ થયું નહીં હોય, તો તમને આ સંદેશ નહીં દેખાય અને તેના બદલે એક નવું ફૉર્મ ભરવાનું પેજ ખૂલી શકે છે.
ઘરે બેઠા BLOનો સંપર્ક કેવી રીતે કરશો?

ઇમેજ સ્રોત, DY DEO Mehsana/X
ચૂંટણી કમિશનની વેબસાઇટ voters.eci.gov.in પર જાઓ. 'Services' (સેવાઓ) વિભાગમાં 'Know Your BLO & PS' પર જાવ.
ત્યારબાદ તમારું રાજ્ય અને EPIC નંબર અને કેપ્ચા કોડ નાખો. આનાથી તમને તમારા BLOનું નામ અને તેમનો મોબાઇલ નંબર તેમજ તમારા મતદાનમથકની વિગતો મળી જશે. આમ BLOનો કૉન્ટેક્ટ થઈ શકે છે.
વ્યવસાય અર્થે સ્થળાંતર કરીને બીજા તાલુકા-જિલ્લા-શહેરમાં ગયા હોય, તેમણે પોતાના નોંધાયેલ સ્થળે પાછા આવીને ફૉર્મ ભરવાની પ્રક્રિયા કરવી પડશે?
ગુજરાતના ચૂંટણીપંચની વેબસાઇટ પર મળતી માહિતી અનુસાર, વ્યવસાયના કારણે સ્થળાંતરીત મતદારોના કુટુંબના કોઇ સભ્ય પણ તેઓનું ગણતરી ફૉર્મ સંબંધ વગેરે વિગતો દર્શાવીને ભરી શકે છે.
આમ છતાં જો કુટુંબનો કોઇ જ સભ્ય નોંધાયેલ સ્થળે હાજર ન હોય તો, એન્યુમરેશન ફૉર્મ ઑનલાઇન વેબસાઇટ પરથી ભરી શકે છે. જો તેમની આર્થિક સ્થિતિ કે ડિજિટલ લિટરસીના અભાવે જાતે ફૉર્મ ભરવા સક્ષમ ના હોય તો, ગુજરાત રાજ્યમાં નજીકની મામલતદાર કચેરી ખાતેથી પણ અઠવાડિયામાં એક દિવસ આવા મતદારો માટે ઑનલાઇન ફૉર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
જે મતદારનું નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં નહીં આવે, તેમને કઇ રીતે જાણ થશે?

ઇમેજ સ્રોત, DY DEO Mehsana/X
ચૂંટણીપંચ અનુસાર, જેટલા પણ મતદારોના એન્યુમરેશન ફૉર્મ મતદાર નોંધણી અધિકારીને ન મળે તેમનાં નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં સમાવેશ થશે નહીં.
આવા લોકોને કોઇ પણ પ્રકારની નોટિસ નહીં મળે, પરંતુ આવી ડ્રાફ્ટ મતદારયાદીમાં સમાવેશ ન થયેલાં વ્યક્તિઓનાં નામની વિધાનસભા મતવિભાગ અને ભાગ વાર યાદી બનાવવામાં આવશે તથા તેને મતદાનમથક, પંચાયત, નગરપાલિકા, ERO/AEROની કચેરી ખાતે તથા CEO વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવશે.
કેવા સંજોગોમાં નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં નહી આવે?
ગુજરાતના ચૂંટણીપંચની વેબસાઇટ પર મળતી માહિતી અનુસાર, જે મતદારો દ્વારા પોતાના એન્યુમરેશન ફૉર્મ પાછા આપવામાં આવતાં નથી, કે યોગ્ય રીતે ભરવામાં આવતાં નથી (જેમકે સહી ન કરેલ હોય, વિગતો સુવાચ્ય ન હોય) તો તેઓનાં નામ મુસદ્દા મતદારયાદીમાં નહીં આવે.
માન્ય પુરાવા કયા કયા છે?

ઇમેજ સ્રોત, CEO Gujarat/X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એસઆઈઆરની પ્રક્રિયામાં મતદારો પાસેથી કેટલાંક સત્તાવાર ડૉક્યુમેન્ટને માન્ય રાખવામાં આવ્યાં છે.
આમાં જન્મ પ્રમાણપત્ર, પાસપૉર્ટ, મૅટ્રિક્યુલેશન પ્રમાણપત્ર અથવા અન્ય સરકારી દસ્તાવેજોની સૂચક યાદીનો સમાવેશ થાય છે. જે નીચે મુજબ છે.
કુલ 13 જેટલા દસ્તાવેજોની યાદી ગુજરાતના ચૂંટણીપંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે જેમાં,
1. કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને સરકાર દ્વારા અપાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચુકવણી ઑર્ડર.
2.. 1 જુલાઈ 1987 પહેલાં સરકાર/સ્થાનિક અધિકારીઓ/બૅન્ક/પોસ્ટ ઑફિસ/એલઆઈસી / પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ.
3. સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યૂ કરેલ જન્મ પ્રમાણપત્ર.
4. પાસપૉર્ટ
5 માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મૅટ્રિક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર
6. સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇશ્યૂ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
7. વન અધિકાર પ્રમાણપત્ર
8 ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યૂ કરેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર
9. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (National Register of Citizens) (જ્યાં પણ તે અસ્તિત્વમાં હોય)
10. રાજ્ય/સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર
11. સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
12. આધાર માટે, ભારતના ચૂંટણીપંચના તા. 09.09.2025ના પત્ર નં.23/2025-ERS-/Vol.I થી આપવામાં આવેલ નિર્દેશો લાગુ પડશે. (ફક્ત ઓળખ માટે)
13. 1 જુલાઈ, 2025ના સંદર્ભમાં બિહાર રાજ્યની SIRની મતદાર યાદીનો અંશ.
નોટિસ પછી પણ મતદાર પુરાવા ન આપે તો શું થશે?

ઇમેજ સ્રોત, CEO Gujarat/X
ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, હક્ક-દાવા અને વાંધા અરજીના સમયગાળા દરમિયાન મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપ્યા બાદ જો મતદાર તરફથી જરૂરી દસ્તાવેજો પ્રાપ્ત થતાં નથી તો, મતદાર નોંધણી અધિકારી દ્વારા સુનાવણી યોજી જે-તે મતદારને સંબંધિત પુરાવાઓ પૂરા પાડવા માટે યોગ્ય તક આપવામાં આવશે.
આવી સુનાવણી બાદ મતદાર નોંધણી અધિકારી જે-તે મતદારનું નામ આખરી મતદારયાદીમાંથી કમી કરવું કે રાખવું તે અંગેનો નિર્ણય લેશે.
મહિલાઓએ કેવા પુરાવા આપવાના રહેશે?

ઇમેજ સ્રોત, Ahmedabad Collector
ચૂંટણીપંચ અનુસાર, પત્ની/મહિલાઓના કિસ્સામાં જો તેઓનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં સાસરી પક્ષે કે પિયર પક્ષે હોય તો તેની વિગતો આપવાની રહેશે.
જો તેઓનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં ન હોય તો તેઓએ પોતાનાં માતા-પિતા કે દાદા-દાદીની વિગતો આપવાની રહેશે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












