ગુજરાત : શિક્ષકો SIRની કામગીરીનો વિરોધ કેમ કરે છે, શિક્ષકોને શિક્ષણ ઉપરાંત કેટલાં કામો કરવા પડે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
"ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે વૉરંટ કાઢવાના હોય છે, પરંતુ અહીં તો શિક્ષકો સામે ધરપકડનાં વૉરંટ નીકળે છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં આવું કેવી રીતે ચાલે?"
અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિક મહાસંઘના ગુજરાત પ્રાંતના પ્રમુખ મિતેષ ભટ્ટ બીબીસી સાથે વાત કરતી વખતે આ ફરિયાદ કરે છે.
તેમના કહેવા પ્રમાણે 18 નવેમ્બર સુધીમાં રાજ્ય સરકારે ઓછામાં ઓછા છ શિક્ષકો સામે ધરપકડનાં વૉરંટ જારી કર્યા છે. કારણ? ગુજરાતમાં મતદાર યાદીમાં સુધારણા કાર્યવાહીમાં બૂથ લેવલ ઑફિસર (બીએલઓ) તરીકેની કામગીરીમાં ન જોડાવું.
ગુજરાતમાં મતદાતા યાદીને ક્ષતિરહિત બનાવવા ચોથી નવેમ્બરથી મતદાર યાદીમાં સઘન સુધારણા કામગીરી (એસઆઈઆર) ચાલુ છે.
આ કાર્યવાહીમાં હજારો બૂથ લેવલ ઑફિસર્સ (બીએલઓ)ને જોડવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 90 ટકા શિક્ષકો છે.

ઇમેજ સ્રોત, UGC
બીએલઓએ દરેક મતદારના ઘરે જઈને એસઆઈઆર માટેનું ફૉર્મ સોંપવાનું હોય છે, ફૉર્મ ભરવામાં મદદ કરવાની હોય છે અને પછી ભરાયેલાં ફૉર્મ સ્વીકારીને તેની વિગતો ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે.
કોઈ શિક્ષકને બીએલઓની કામગીરી સોંપવામાં આવે ત્યાર પછી તે તેના માટે હાજર ન થાય, કામગીરી પૂરી ન કરે અને ઉપરી અધિકારીઓને જાણ ન કરે તો જે તે વિસ્તારના મામલતદાર કે મતદાર નોંધણી અધિકારીઓ આવા શિક્ષકો સામે ધરપકડ વૉરંટ કાઢતા હોય છે.
આ વૉરંટમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કે સબ-ઇન્સ્પેક્ટરને શિક્ષકની ધરપકડ કરી કચેરીમાં હાજર કરવાનો હુકમ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં શિક્ષકોમાં આના કારણે ભારે નારાજગી છે.
તેમનું કહેવું છે કે તેમની પાસે શિક્ષણ ઉપરાંત બીજા ઢગલાબંધ કાર્યો કરાવવામાં આવે છે અને આ કામોની સંખ્યા લગભગ 90 જેટલી છે.
શિક્ષકોમાં SIRનો વિરોધ કેમ?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગયા અઠવાડિયે રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ વિવિધ જગ્યાઓએ જિલ્લા કલેકટરો મારફત રાજ્ય સરકારને આવેદનપત્રો સોંપ્યા હતા.
તેમાં શિક્ષકોએ જણાવ્યું કે SIRની કામગીરી સામે તેમને સૈદ્ધાંતિક વાંધો નથી, પરંતુ તેની પ્રક્રિયા સામે વિરોધ છે. રાજકોટ જિલ્લાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શનિવારે અવદનપત્રમાં સાત માંગણીઓ ટાંકી હતી. તેમાં શિક્ષકોની ધરપકડ કરવાનાં વૉરંટ કાઢવાનું બંધ કરવામાં આવે તે માંગણી મુખ્ય હતી.
શિક્ષકોનું કહેવું છે કે આ રીતે ધરપકડનાં વૉરંટ કાઢવા એ ગુલામીની પ્રથા પાળવા સમાન છે. રાજકોટના શિક્ષકોએ તેમના આવેદનપત્રમાં માંગણી કરી કે કે, "બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો સામે વૉરંટ જેવી કાર્યવાહી સદંતર બંધ કરવામાં આવે, કારણ કે શિક્ષકો પણ ચૂંટણીપંચના કર્મચારી તરીકે રાષ્ટ્રીય ફરજ બજાવે છે."

ઇમેજ સ્રોત, District Election Officer Vadodara
મિતેષ ભટ્ટે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે શિક્ષકો બાળકોને ભણાવવાની તેમની ફરજ ઉપરાંત વધારાની કામગીરી સંજોગોને કારણે સમયસર પુરી કરી શકવામાં અસમર્થ રહે છે, માત્ર એટલા કારણથી ધરપકડનાં વૉરંટ નીકળે છે.
રાજકોટ શિક્ષિક મહાસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરેન વ્યાસ કહે છે, "વૉરંટ કાઢનારા અધિકારીઓ પણ કોઈ સમયે શાળાના વિદ્યાર્થીઓ રહ્યા હશે. પોલીસ જ્યારે શિક્ષકોની શાળામાંથી ધરપકડ કરીને લઇ જાય તો વિદ્યાર્થીઓના માનસ પર કેવી અસર થાય? શિક્ષકોના આત્મસન્માન અને સમાજમાં એક ગુરુ તરીકેની તેમની પ્રતિષ્ઠાનું શું?"
રાજકોટ સંઘે કહ્યું છે કે, "કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અનુસાર શિક્ષણ ઉપરાંત અન્ય 12 વિભાગોના કર્મચારીઓને સમાન રીતે BLOની ફરજની ફાળવણી કરવી જોઈએ પરંતુ હાલ BLO તરીકે ફરજ નિભાવનાગર કર્મચારીઓમાં "90 ટકા" શિક્ષકો જ છે."
સરકાર BLOની અલગ કૅડર કેમ નથી બનાવતી?

ઇમેજ સ્રોત, Election Commission of India
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં અંદાજે 52,000 મતદાન મથકો એટલે કે પોલિંગ બૂથ છે અને દરેક બૂથ દીઠ એક સરકારી કર્મચારીને BLO તરીકે નીમવામાં આવ્યા છે.
મિતેષ ભટ્ટે બીબીસી ગુજરાતીને કહ્યું કે "ગુજરાતની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના મળીને અંદાજે સવા બે લાખ શિક્ષકો છે અને જે 52 હજાર સરકારી કર્મચારીઓને BLO તરીકેની વધારાની ફરજ સોંપવામાં આવી છે તેમાંથી અંદાજે 32 હજાર શિક્ષકો છે."
તેમણે કહ્યું, "આ 32,000 શિક્ષકોમાંથી લગભગ 25,000 જેટલા શિક્ષકો પ્રાથમિક શાળાના છે જયારે બાકીના શિક્ષકો માધ્યમિક શાળાઓના છે. એ સત્ય છે કે રાજ્ય સરકારના મહેકમમાં શિક્ષકો સૌથી વધારે છે. અમે માનીએ છીએ કે SIR રાષ્ટ્રીય કામગીરી છે અને અમે તે કરવા માટે તૈયાર છીએ. પરંતુ બાળકોના શિક્ષણના ભોગે તે નવું થવું જોઈએ."
મિતેષ ભટ્ટે કહ્યું કે ગુજરાતમાં શિક્ષકોની લગભગ 25,000 જેટલી જગ્યાઓ ખાલી છે અને તેમાંની મોટા ભાગની પ્રાથમિક વિભાગમાં છે.
તેમણે કહ્યું, "શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવે ત્યારે બાળકોના ભણતર પર તેની ચોક્કસ વિપરીત અસર થાય છે. પહેલાનાં વર્ષોમાં શિક્ષકોને સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં આ કામગીરી સોંપવામાં આવતી. પરંતુ, પાછળ ત્રણ વર્ષથી આ કામગીરીના દિવસોમાં વધારો થયો છે અને આ વર્ષે મતદાર યાદી સુધારણાની કામગીરી 90 દિવસ ચાલવાની છે. વળી, શિક્ષકોને માત્ર મતદાર યાદી સુધારણા અને ચૂંટણી ફરજ આ બે જ વધારાનાં કામ નથી સોંપાતાં. વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત સરકાર દ્વારા શિક્ષકોને સોંપાતી કામગીરીની યાદી બહુ લાંબી છે."
મિતેષ ભટ્ટે ઉમેર્યું, "અમે હસમુખ અઢિયાના વડપણ હેઠળના વહીવટી સુધારણા પંચને રજૂઆત કરી છે કે BLOની એક અલગ કૅડર ઊભી કરવામાં આવે. શિક્ષિત બેરોજગારોને આ કામગીરી સોંપી શકાય અને BLOની ફરજ બજાવવા બદલ શિક્ષકોને વર્ષે રૂપિયા 12,000 મહેનતાણું આપવામાં આવે છે તે આવા BLOને આપી શકાય."
ગુજરાતમાં શિક્ષકોને કેટલાં પ્રકારનાં કામો સોંપાય છે?

ઇમેજ સ્રોત, Ahmedabad Collector
અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિક મહાસંઘના ગુજરાત પ્રાંતના પ્રમુખ મિતેષ ભટ્ટે કહ્યું કે ગુજરાતમાં શિક્ષકો બાળકોને ભણાવવાની તેમની મૂળ કામગીરી ઉપરાંત અંદાજે 90 પ્રકારની વધારાની કામગીરી કરે છે. તેમાં વસ્તીગણતરી, આર્થિક મોજણી, સેવા સેતુ અને ગરીબ કલ્યાણ મેળાને લગતી કામગીરી, વિશ્વ યોગ દિવસ, વન મહોત્સવ, સ્વચ્છતા પખવાડિયું વગેરેની ઉજવણી, ખેલમહાકુંભ, એકતા યાત્રા, રન ફૉર યુનિટી વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
રાજકોટ શિક્ષિક મહાસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરેન વ્યાસે કહ્યું, "પહેલા શિક્ષકો સ્વેચ્છાએ સરકારી કાર્ય્રકમઓની ઉજવણીમાં જનભાગીદારી વધારવા કામગીરી કરતા હતા. પરંતુ 2022થી સરકાર પરિપત્રો કરીને શિક્ષકોને વિવિધ સરકારી કાર્યક્રમોની જવાબદારી સોંપે છે. ઉદાહરણ તરીકે, રાષ્ટ્ર ગાનનાં 150 વર્ષની ઉજવણી જો શાળા કક્ષાએ જ કરવાની હોય તો શાળા તેના નિયમિત રીતે થતા પ્રાર્થનાના કાર્યક્રમમાં તેને સમાવી લઇ શકે. પરંતુ તેમાં સ્થાનિક લોકોને પણ જોડવાની સૂચના હોવાથી શિક્ષકોએ વધારાની કામગીરી ફરજીયાત કરવી પડે છે."
શિક્ષણ પર માઠી અસર

ઇમેજ સ્રોત, Ahmedabad Collector
મિતેષ ભટ્ટ કહે છે કે "એક તરફ સરકાર ગુણોત્સવ જેવા કાર્યક્રમથી શાળાઓના શિક્ષણનું મૂલ્યાંકન કરતી રહે છે અને બીજી તરફ શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષકોને શિક્ષણકાર્ય સિવાયની ફરજો સોંપતી રહે છે. આ બંને બાબતો વચ્ચે વિરોધાભાસ છે અને તેનું નિરાકરણ કરવું જરૂરી છે. હા, એ વાત ખરી કે શિક્ષકોને BLO તરીકેની કામગીરી શાળાના સમય સિયાવાના સમયમાં કરવાની છે . પરંતુ શિક્ષણ ઉપરાંતની કામગીરીઓ હવે લગભગ 365 દિવસ ચાલ્યા જ કરે છે."
હિરેન વ્યાસે કહ્યું કે "શિક્ષણ સિવાયની કામગીરીથી શિક્ષકોની માનસિક સ્થિતિ પર અસર થાય છે. BLOની કામગીરી ઘણી વખત તણાવ પેદા કરે છે. કારણ કે બધા લોકો સહકાર ન પણ આપે અને સામે પક્ષે અધિકારીઓ તરફથી કામગીરી પૂરું કરવાનું દબાણ હોય. એવું દબાણ લઈને શિક્ષક શાળાએ જાય ત્યારે શિક્ષણકાર્ય બગડે છે. વળી નાની શાળાઓમાં બે કે ત્રણ શિક્ષકોનું મહેકમ હોય અને તેમાંથી પણ એક-બે શિક્ષકોને BLOની ફરજ સોંપાય તો વિદ્યાર્થીઓ રઝળી પડે. મુખ્ય ફરજ ઉપરાંત વધારાની ફરજનું ભારણ વધી જાય તો કેટલાક શિક્ષકોને બાળકોનું શિક્ષણ નીચું રહેવા માટે બહાના કાઢવાનો મોકો મળી જાય છે."
મિતેષ ભટ્ટ કહે છે કે "શિક્ષકો પાસેથી અપેક્ષા રખાય છે કે તેઓ બાળકોને ભણાવવા ઉપરાંત અન્ય કામોમાં પણ નિપુણ હોય. સરકારી શિક્ષકો પર ભારે બોજ છે. વિવિધ પરીક્ષાઓના પેપર જોવા અને તેનાં પરિણામો તૈયાર કરવાની જવાબદારી સરકારી શાળાઓના શિક્ષકોની હોય છે. પ્રાઇવેટ શાળાના શિક્ષકોને આ કામગીરી કરવી પડતી નથી. તે ઉપરાંત સરકારી શાળાના શિક્ષકોને વિવિધ અન્ય કામગીરીઓ સોંપતા વાલીઓનો સરકારી શાળા પરથી વિશ્વાસ ડગમગી રહ્યો છે અને તેઓ તેમનાં બાળકોને ખાનગી શાળામાં મુકવાનું વિચારે છે."
આ બાબતે બીબીસી ગુજરાતીએ ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાળા અને મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લનો સંપર્ક કરવા કોશિશ કરી હતી, પરંતુ તેમના તરફથી તત્કાળ કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. જ્યારે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળશે ત્યારે અહીં અપડેટ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












