'ગુજરાતમાં કૉંગ્રેસ માટે ભાજપ જ નહીં આપ પણ પડકાર છે', જનઆક્રોશ યાત્રા દ્વારા કૉંગ્રેસ ભાજપને પડકારી શકશે?

કૉંગ્રેસ જનઆક્રોશ રેલી, ભાજપ, કૉંગ્રેસ અને આપની વ્યૂહરચના, મ્યુનિસિપલ કૉર્પોરેશન, શહેરી તથા ગ્રામીણ મતદારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહત્ત્વપૂર્ણ કેમ, ગુજરાત રાજકારણ, બીબીસી ગુજરાતી ઢીમા બેચરાજી ખેડૂત ખેતી પાણી વરસાદ કમોસમી વરસાદ

ઇમેજ સ્રોત, @INCGujarat

ઇમેજ કૅપ્શન, 21મી નવેમ્બરના રોજથી ઉત્તર ગુજરાતના ઢીમાના ધરણીધર મંદિરથી પ્રારંભ થનારી કૉંગ્રેસની 'જનઆક્રોશ યાત્રા' 1100 કિલોમીટરનું ભ્રમણ કરી બેચરાજી પહોંચશે.
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કૉંગ્રેસે હવે કમર કસી છે. રાજ્યમાં કૉંગ્રેસ દ્વારા 'જનઆક્રોશ યાત્રા' હાથ ધરવામાં આવી છે, જેના દ્વારા તે છેલ્લા લગભગ ત્રણ દાયકાથી સત્તારૂઢ ભાજપ સામે આક્રમક વલણ દેખાડીને જનતા પાસે જશે.

આ રીતે કૉંગ્રેસ પાર્ટી આગામી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે પાર્ટીના સંગઠનમાં પ્રાણ ફૂંકવા પ્રયાસ કરી રહી છે.

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે રાજ્યમાં મુખ્ય વિપક્ષ કૉંગ્રેસનો મુકાબલો ન કેવળ ભાજપ સાથે, પરંતુ આમ આદમી પાર્ટી સાથે પણ છે.

ગત કેટલીક ચૂંટણી દરમિયાન આપે કૉંગ્રેસના પરંપરાગત ગઢમાં ગાબડાં પાડ્યા છે અને આ વોટબૅન્ક પણ પરત મેળવવાનો આ કૉંગ્રેસનો પ્રયાસ છે તેવું પણ નિષ્ણાતોનું માનવું છે.

કૉંગ્રેસે ચાર તબક્કામાં ગુજરાતભરમાં 'જનઆક્રોશ યાત્રા' હાથ ધરી છે અને તે 60 દિવસ સુધી ચાલશે.

21મી નવેમ્બરના રોજથી ઉત્તર ગુજરાતના ઢીમાના ધરણીધર મંદિરથી પ્રારંભ થનારી આ જનઆક્રોશ યાત્રા 1100 કિલોમીટરનું ભ્રમણ કરી બેચરાજી પહોંચશે. જ્યાં પહેલા તબક્કાની યાત્રાનું સમાપન થશે.

શું છે કૉંગ્રેસની જનઆક્રોશ યાત્રા?

કૉંગ્રેસ જનઆક્રોશ રેલી, ભાજપ, કૉંગ્રેસ અને આપની વ્યૂહરચના, મ્યુનિસિપલ કૉર્પોરેશન, શહેરી તથા ગ્રામીણ મતદારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહત્ત્વપૂર્ણ કેમ, ગુજરાત રાજકારણ, બીબીસી ગુજરાતી ઢીમા બેચરાજી

ઇમેજ સ્રોત, @INCGujarat

ઇમેજ કૅપ્શન, થોડા સમય પહેલાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

કૉંગ્રેસનું કહેવું છે કે આ યાત્રા મારફતે તે ભાજપના શાસનમાં થયેલાં 'ભ્રષ્ટાચાર, ગુનાખોરી, બેરોજગારી અને મહિલાઓની સમસ્યા'ને ઉજાગર કરી રહી છે.

વર્ષ 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે, એ પહેલાં આવતાં વર્ષે શહેરી અને ગ્રામીણસ્તરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે.

આ ચૂંટણીઓ માટે મોટાભાગના ગુજરાતના નાગરિકો મતદાન કરતા હોય, તેને 'વિધાનસભા ચૂંટણીની સેમિફાઇનલ' તરીકે જોવામાં આવે છે. સાથે જ મતદારો કઈ દિશામાં વિચારી રહ્યા છે, તેનું ટ્રેલર પણ રાજકીયપક્ષો અને પોલિટિકલ ઍનાલિસ્ટને જોવા મળે છે.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાત કૉંગ્રેસનો આ પ્રયાસ સારો છે, પરંતુ તે કેટલી હદે લોકોને મૉબિલાઇઝ કરી શકશે, તે મોટો સવાલ છે, કારણ કે વર્ષ 2024ની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ પદયાત્રા કરી હતી. એમાં તેમને પરિણામ દેખાયું એટલે કૉંગ્રેસ એ રસ્તે ચાલી રહી છે."

"આમ છતાં કૉંગ્રેસ તેની અસરને કન્વર્ટ નથી કરી શકતી, તેનું તાજેતરનું ઉદાહરણ બિહાર વિધાનસભાની ચૂંટણી છે. આ યાત્રાઓ પણ સારી હતી એમ કહી શકાય, પરંતુ તે મતદાન કેન્દ્ર સુધી આકર્ષિત નથી કરી શકતી. આવું જ ગુજરાતમાં છે."

ન કેવળ ભાજપ, આપ પણ પડકાર

કૉંગ્રેસ જનઆક્રોશ રેલી, ભાજપ, કૉંગ્રેસ અને આપની વ્યૂહરચના, મ્યુનિસિપલ કૉર્પોરેશન, શહેરી તથા ગ્રામીણ મતદારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહત્ત્વપૂર્ણ કેમ, ગુજરાત રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @INCGujarat

ઘનશ્યામ શાહ માને છે કે કૉંગ્રેસની સામે મોટો પડકાર મતદાતાનો વિશ્વાસ જીતવાનો પણ છે, કારણ કે પાર્ટીના ચૂંટાઈ આવેલા નેતા ભાજપમાં જતા રહે છે. જેની અસર પાર્ટીની પાયાની વોટબૅન્ક ઉપર પડી છે.

ઘનશ્યામ શાહ કહે છે, "વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જુઓ તો કૉંગ્રેસની મૂળ વોટબૅન્ક સરકીને આપ તરફ ગઈ."

"બીજું કે, કૉંગ્રેસ પ્રજાના મુદ્દાને આક્રમક રીતે ઊભા નથી કરી શકી, એટલે જ 60 દિવસની જનઆક્રોશ રેલી દ્વારા સમગ્ર ગુજરાતમાં ફરીવળીને પોતાની વૉટબૅન્કને ફરીથી આકર્ષી શકે છે કે નહીં, તે જોવું મહત્ત્વપૂર્ણ છે."

તાજેતરના સમયમાં આમ આદમી પાર્ટીએ પોતાની વ્યૂહરચના બદલી છે અને સંગઠનમાં પ્રાણ ફૂંકવાનો પડકાર પણ છે.

ઘનશ્યામ શાહ ઉમેરે છે, "વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આપે 100 કરતાં વધુ બેઠકો ઉપર ડિપોઝીટ ગુમાવી હતી. હવે, તેણે જે બેઠકો ઉપર વધુ મત મળ્યા હતા, ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ એવી બેઠકો છે, જ્યાં ભાજપની સામે વધુ નારાજગી વધુ છે."

નવું સીમાંકન, નવા પડકાર

કૉંગ્રેસ જનઆક્રોશ રેલી, ભાજપ, કૉંગ્રેસ અને આપની વ્યૂહરચના, મ્યુનિસિપલ કૉર્પોરેશન, શહેરી તથા ગ્રામીણ મતદારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહત્ત્વપૂર્ણ કેમ, ગુજરાત રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, gpcc

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી પહેલાં ગુજરાતમાં નવા મ્યુનિસિપલ કૉર્પોરેશનની જાહેરાત થઈ ગઈ છે અને ચૂંટણી માટેની જૂની સીમારેખાઓ બદલાશે.

રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી સાથે વાતચીતમાં કહે છે, "ભાજપ તેની વ્યૂહરચનામાં માહેર છે. એટલે જ નવા મ્યુનિસિપલ કૉર્પોરેશન બન્યા બાદ ટાઉન પ્લાનિંગની નવી સ્કીમ બનશે, એટલે રિયલ ઍસ્ટેટમાં સુધારો આવશે. લિક્વિડિટી આવશે, એટલે આ વિસ્તારમાં ફિલગૂડ ફૅક્ટર ઊભું થશે, જેની અસર થશે."

"સોશિયલ મીડિયા ઉપર આપ ઍગ્રેસિવ રીતે કામ કરે છે, જેના કારણે તે ચર્ચામાં રહે છે. ભાજપ અને કૉંગ્રેસ એમ બે મોરચે ભાજપે લડવાનું છે. આપ ધીમે-ધીમે સૌરાષ્ટ્રમાં પગપેસારો કરી રહ્યું છે. નવા મ્યુનિસિપલ કૉર્પોરેશન બનવાથી અડધોઅડધ ગુજરાતનું શહેરીકરણ થઈ ગયું છે અને નવા સીમાંકન સાથે કૉંગ્રેસની પરંપરાગત વોટબૅન્ક બદલાશે, એટલે જો આ યાત્રા દ્વારા કૉંગ્રેસ પ્રજાના મુદ્દા આક્રમક રીતે ઊઠાવે તો તેને ફાયદો થઈ શકે તેમ છે."

કૌશિક મહેતા ઉમેરે છે, "કૉંગ્રેસની આ યાત્રાઓ લોકોના માનસ ઉપર અસર કરે છે કે નહીં, તેની ખબર વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી પડશે, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે આ યાત્રા થકી કૉંગ્રેસ જનસંપર્ક કરશે, તો આપ તરફ સરકતી જતી વોટબૅન્કને અટકાવવામાં તેને ચોક્કસથી ફાયદો થશે."

કૉંગ્રેસે તેની યાત્રાને ગુજરાતના ચાર ભૂભાગમાં વિભાજિત કરી છે. નવું સીમાંકન તથા શહેરીકરણ પણ કૉંગ્રેસની વ્યૂહરચનાને અસર કરશે.

ચાર તબક્કા, એક ધ્યેય

કૉંગ્રેસ જનઆક્રોશ રેલી, ભાજપ, કૉંગ્રેસ અને આપની વ્યૂહરચના, મ્યુનિસિપલ કૉર્પોરેશન, શહેરી તથા ગ્રામીણ મતદારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહત્ત્વપૂર્ણ કેમ, ગુજરાત રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @INCGujarat

ઇમેજ કૅપ્શન, કમોસમી વરસાદને કારણે ખેડૂતને થયેલા નુકસાનની માહિતી મેળવતા કૉંગ્રેસના નેતાઓ

કૉંગ્રેસ પહેલા તબક્કામાં ઉત્તર ગુજરાતથી આ જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરશે, જ્યાં તેની કૉર વોટબૅન્ક છે. બીજા તબક્કામાં મધ્ય ગુજરાતને રાખ્યું છે. સૌરાષ્ટ્રમાં બે ભાગમાં યોજાશે તથા દક્ષિણ ગુજરાતમાં તેનો છેલ્લો તબક્કો હશે.

ઘનશ્યામ શાહ કહે છે, "વર્ષ 2017માં ભાજપ ભલે 99 બેઠક ઉપર સમેટાઈ ગયું હોય કે વર્ષ 2022માં ભલે 156 બેઠક જીતી હોય, પરંતુ ભાજપવિરોધી મત ઓછા નથી થયા."

"તેનું વિભાજન થયું અને આપમાં ગયા, એટલે કૉંગ્રેસે બે મોરચે લડાઈ લડવાની છે. એક તરફ પરંપરાગત વિપક્ષ ભાજપ તો છે જ, તેની સાથે-સાથે આપ તરફ સરકતી જતી વોટબૅન્કને અટકાવવાની છે."

ઉત્તર ગુજરાતના રાજકારણ ઉપર નજીકથી નજર રાખનારા પત્રકાર કલ્પેશ મોખરિયાએ જણાવ્યું હતું, "કૉંગ્રેસ બનાસકાંઠાથી યાત્રા શરૂ કરી રહી છે, તેને પોતાની વોટબૅન્ક માનવામાં આવે છે. અહીંની લોકસભા ચૂંટણી જીત્યા પછી અહીંની વોટબૅન્ક ટકાવી રાખવી છે."

"અતિવૃષ્ઠિ અને માવઢાને કારણે બદલાયેલી પરિસ્થિતને જોતાં ખેડૂતોની નારાજગીને કૉંગ્રેસ કેટલી અંકે કરી શકે છે, તે મહત્ત્વનું છે. અન્યથા પેટાચૂંટણી સમયે જે રીતે કૉંગ્રેસના મતોમાં ગાબડું પડ્યું હતું, તે યથાવત્ રહે, તો નવાઈ નહીં."

ગેનીબહેન ઠાકોર બનાસકાંઠા વિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યાં, એ પછી ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. લગભગ 10 વર્ષથી આ બેઠક કૉંગ્રેસ પાસે હતી. એટલે કૉંગ્રેસ ગેનીબહેનની જીતનો કેટલો ફાયદો મેળવી શકે છે તે પણ જોવું રહ્યું.

શું કહે છે રાજકીય પક્ષ?

કૉંગ્રેસ જનઆક્રોશ રેલી, ભાજપ, કૉંગ્રેસ અને આપની વ્યૂહરચના, મ્યુનિસિપલ કૉર્પોરેશન, શહેરી તથા ગ્રામીણ મતદારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહત્ત્વપૂર્ણ કેમ, ગુજરાત રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BJP Gujarat/fb

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકારે રાહત પૅકેજ તથા ટેકાના ભાવે ખરીદી વધારીને ગુજરાતના ખેડૂતોને રાહત આપવા પ્રયાસ કર્યો છે

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાતમાં લોકોમાં નારાજગી વધુ છે, ત્યારે જનઆક્રોશ યાત્રા દ્વારા અમે લોકોની સમસ્યાને વાચા આપવા માટે મંચ પૂરો પાડીશું."

"ભાજપ અહીં દાયકાઓથી રાજ કરે છે, ત્યારે મહારાષ્ટ્ર અને બિહારમાં મહિલાઓને ખાસ સહાય મળે છે તો ગુજરાતની મહિલાઓને કેમ નહીં? ગૅસના સિલિન્ડરના ભાવ અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં બમણાં હોય, એનાથી વધુ અન્યાય કયો હોય શકે?"

આ સિવાય નવા મ્યુનિસિપલ કૉર્પોરેશનોનાં ગઠન અંગે કાઠવાડિયાએ ઉમેર્યું, "અડધા ગુજરાતના શહેરીકરણની વાત કરીએ તો સંખ્યાબંધ ગામડાં એવાં છે કે જે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભળવા નથી માંગતાં. યુવાનોને રોજગારી જેવા મુદ્દા પ્રાથમિકતામાં રહેશે. યાત્રા બાદ ભાજપ સામે કેવી રીતે લડવું, તેના વિશે અલગથી રણનીતિ ઘડાશે."

"આ યાત્રામાં પાર્ટીના તમામ નેતા એક મંચ ઉપર હાજર રહેશે એટલે કૉંગ્રેસના તમામ કાર્યકર્તાઓને નવું જોમ મળશે અને લોકોમાં ફરી વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે, એટલે આગામી ચૂંટણીમાં ભાજપ માટેનો લોકોનો ભ્રમ પણ તૂટી જશે."

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આપને બેઠકસંખ્યાની દૃષ્ટિએ કદાચ નોંધપાત્ર સફળતા મળી ન હતી, પરંતુ જેટલા પ્રમાણમાં તેને મત મળ્યા, તેનાથી તેને 'રાષ્ટ્રીય પાર્ટી'નો દરજ્જો મળી ગયો.

આપના પ્રવક્તા ડૉ. કરણ બારોટ કહે છે, "ખેડૂતોને લાગે છે કે તેઓ ભાજપના રાજમાં દુઃખી થયા છે અને કૉંગ્રેસ પણ તેમની પડખે ઊભી નથી રહી. અમે ખેડૂતોના પ્રશ્નોને ઉજાગર કરીએ એટલે કૉંગ્રસ પાર્ટી ભાજપ કરતાં આપનો વધુ વિરોધ કરે છે."

"જે દર્શાવે છે કે કૉંગ્રેસ પક્ષ ભાજપથી દબાયેલો છે. એટલે જ તેઓ ખેડૂતોની સમસ્યાઓને ઊઠાવવામાં નબળા પૂરવાર થયા છે. ગુજરાતના યુવાનો અને ખેડૂતો કૉંગ્રેસની બેવડી નીતિથી વાકેફ છે. એટલે આ વખત અમે આગવી રણનીતિથી સ્થાનિક સ્વરાજ તથા વિધાનસભાની ચૂંટણી લડીશું."

વિપક્ષના પ્રયાસોની વચ્ચે ભાજપ તેના ઇલેક્શન મૅનેજમેન્ટ અને શાસનવ્યવસ્થા માટે આશ્વસ્ત જણાય છે.

ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "વિપક્ષ તરીકે કૉંગ્રેસ યાત્રા કાઢે એ તેમનો અધિકાર છે, પણ ગુજરાતની જનતાને ભરમાવી નહીં શકે, કારણ કે રાજ્ય સરકારે ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને તત્કાળ પૅકેજ જાહેર કર્યા છે."

"નવા મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્થાપનાથી ગુજરાતનો વિકાસ થશે અને રોજગાર વધશે, એ વાત જનતા જાણે છે. બીજું કે, ભાજપના કાર્યકર્તાનું કમિટમેન્ટ છે, જેના કારણે ચૂંટણીની મશીનરી ગોઠવાયેલી હોય છે."

"ત્યારે ચૂંટણી સમયે પ્રજાની વચ્ચે આવતા કૉંગ્રેસના નેતાઓની રેલી ભાજપ માટે ચિંતાનો વિષય નહીં બને."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન