રાજકોટ : એવું તો શું થયું કે મામા સાથે માતાપિતા વચ્ચે સમાધાન કરાવવા આવેલો પુત્ર અનાથ થઇ ગયો?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગયા શનિવારે રાજકોટના નાગેશ્વર રોડ પર આવેલા સમેત શિખર એપાર્ટમેન્ટના લોકો સવારે કામધંધે જવાની તૈયારી કરતા હતા, તેવામાં અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો અને ચીસાચીસ થઈ.
લોકોએ જોયું તો બ્રાઉન જૅકેટમાં એક પુરુષ લોહીલુહાણ હાલતમાં હતા અને તેની નજીક કાળા ટ્રેક શૂટમાં એક મહિલા પણ લોહીથી લથબથ હતાં.
થોડી મિનિટોમાં તેમના વીસ વર્ષીય કૉલેજિયન પુત્ર દોડી આવ્યા અને દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. છેલ્લા દોઢ મહિનાથી તેમના માતાપિતા વચ્ચે ઝઘડો ચાલતો હતો.
બંને વચ્ચે સમાધાન કરાવવા માટે આ પુત્રએ પોતાના મામાની મદદથી મોડી રાત સુધી મથામણ કરી હતી. પરંતુ હવે તેમની સામે નવી હકીકત સામે આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે પતિપત્નીના ઝઘડા અને પત્નીના કથિત લગ્નેત્તર સંબંધોના કારણે આ ઘટના બની જેમાં પતિપત્ની બંનેએ જીવ ગુમાવ્યા છે.
શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
રાજકોટમાં તીર્થ ઍપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રૅક્ટરના સ્પેરપાર્ટ્સનો ધંધો કરતા 42 વર્ષીય લાલજી પઢિયારનાં લગ્ન 21 વર્ષ પહેલાં તૃષા (ઉંમર 39 વર્ષ) સાથે થયાં હતાં. તેમને એક 20 વર્ષીય પુત્ર છે જે હાલમાં કૉલેજમાં ભણે છે.
લાલજીના મિત્ર કે. સી. રાઠોડે બીબીસી ગુજરાતીને જણાવ્યું તે પ્રમાણે તૃષાને કથિત રીતે પરિવારની કોઈ વ્યક્તિ સાથે સંબંધ હતા, જેના કારણે પતિપત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ઘરકંકાસથી કંટાળીને તૃષા તેમના ઘરની સામે આવેલા સમેત શિખર ઍપાર્ટમેન્ટમાં રહેતી પોતાની સહેલી પૂજા સાથે રહેવા ચાલ્યાં ગયાં હતાં અને દોઢ મહિનાથી ત્યાં જ રહેતાં હતાં.
લાલજીના સાળા અને તૃષાના સગા ભાઈ જય રાઠોડે પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે, તેમના બનેવીએ વારંવાર સમજાવટથી મામલો થાળે પાડવાની વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તેમણે ફરિયાદમાં કહ્યું છે કે "ગયા શુક્રવારે લાલજીભાઈનો ફોન આવ્યો તેથી મેં મારા ભાણેજ સાથે મળીને સમાધાનના પ્રયાસ કર્યા હતા. રાતે 11 વાગ્યા સુધી બહેન અને બનેવીને સમજાવ્યાં પરંતુ કોઈ સમાધાન ન થયું. તેથી અમે લોકો મારા બનેવીના ઘરે તીર્થ ઍપાર્ટમેન્ટ પર પાછા આવ્યા. હું, મારો ભાણિયો અને બનેવી લાલજીભાઈ એક જ રૂમમાં સૂવા ગયા. ભાણેજ સૂઈ ગયો અને વહેલી સવારે પાણી પીવા ઊઠ્યો ત્યારે મેં જોયું તો મારા બનેવી લાલજીભાઈ જાગતા હતા."
"સવારે લગભગ નવ વાગ્યે કોઈએ અમારા ઘરનું બારણું ખખડાવીને ઉઠાડ્યા. પાડોશીઓએ કહ્યું કે સામેના સમેત શિખર ઍપાર્ટમેન્ટમાં મારા બનેવી અને બહેન ઝઘડી રહ્યાં છે. હું અને મારો ભાણેજ ત્યાં પહોંચ્યા તો લોકોનાં ટોળાં ભેગા થયાં હતાં. અમને જાણવા મળ્યું કે મારા બનેવીએ સૌથી પહેલાં મારી બહેનને માથામાં ગોળી મારી અને પછી પોતાને પણ ગોળી મારી હતી."
લાલજી પઢિયારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તૃષાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
માતાપિતાનાં આ પ્રકારે થયેલાં મૃત્યુ પછી તેમનો પુત્ર વાત કરવાની સ્થિતિમાં નથી.
બે ધડાકા સંભળાયા અને...

ઇમેજ સ્રોત, Bhargav Parikh
લાલજી પઢિયારના પરિવારજનો આ વિશે વાત કરવા તૈયાર નથી. પરંતુ એક કૌટુંબિક ભાઈ બી. એમ. ગોહિલે જણાવ્યું કે, પતિપત્ની વચ્ચે બધું બરાબર ચાલતું હતું. પરંતુ કૌટુંબિક ભત્રીજા સાથે તૃષાના સંબંધોની વાત આવતા ઝઘડા થવા લાગ્યા.
તૃષાના નામે મકાન હતું તેથી તેણે મકાનની માંગણી કરી હતી. તેઓ ઘરમાંથી બધાં ઘરેણાં લઈ ગયાં હતાં જેના કારણે અણબનાવ વધ્યો હતો.
ઘટના જ્યાં બની તે સમેત શિખર ઍપાર્ટમેન્ટ નજીક રહેતા જયમીન મહેતાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે "તૃષાબહેન અને લાલજીભાઈના ઝઘડાની આસપાસના બધા લોકોને ખબર હતી. તૃષાબહેન દરરોજ સવારે જિમમાં જતાં હતાં. શનિવારે તેઓ જિમમાંથી પાછા આવ્યાં અને ફ્લૅટના પાર્કિંગમાં બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. તૃષાબહેને પ્રતિકાર કરવા પોતાના હાથમાં રહેલી પાણીની બૉટલ ઉગામી અને અમે કંઈ સમજીએ તે પહેલાં ગોળીબાર થયો. તૃષાબહેન ઢળી પડ્યાં. પછી તરત બીજો ગોળીબાર થયો અને લાલજીભાઈ ઢળી પડ્યા."
તેમણે કહ્યું કે "તાત્કાલિક ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, પછી પોલીસ આવી. તેમના દીકરાની હાલત બહુ ખરાબ હતી. તેના સંબંધીઓ તેને હૉસ્પિટલે લઈ ગયા હતા."
રાજકોટ પોલીસે ઘટના વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકોટ શહેરના એસીપી રાધિકા ભારાઈએ આ વિશે મીડિયાને જણાવ્યું કે "લાલજીભાઈ પઢિયારે પોતાનાં પત્ની તૃષા પઢિયારને લાઇસન્સ હથિયારથી ગોળી મારીને ઈજા પહોંચાડી હતી અને પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ત્યાર પછી તૃષાનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે."
તેમણે કહ્યું, "તૃષાને કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોવાથી નારાજ થઈને લાલજીએ ગોળી મારી એવી ફરિયાદ તૃષાના ભાઈએ જ દાખલ કરાવી છે. પતિપત્ની લગભગ દોઢ મહિનાથી અલગ રહેતાં હતાં. લાલજીભાઈના પરિવાર તરફથી કોઈ વળતી ફરિયાદ કરાઈ નથી."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, "આ ગુનાની તપાસમાં ફોરેન્સિક ટીમનો અભિપ્રાય લેવાનો બાકી છે. જેની સાથે તૃષાના લગ્નેતર સંબંધ હોવાની વાત છે તે વિશાલ રાઠોડ હાલમાં રાજકોટમાં નથી. અમે એની સામે સમન્સ કાઢ્યા છે. અમે લાલજીના પરિવાર સાથે વાત કરી છે. ફ્લૅટનાં સીસીટીવી ફૂટેજ મેળવી રહ્યાં છીએ. પતિપત્નીના કૉલની વિગતો મેળવીને તેના પરથી આખા કેસની કડી જોડી રહ્યા છીએ. તેમનો પુત્ર હાલમાં માનસિક આઘાત હેઠળ છે તેથી તેનું કાઉન્સેલિંગ કરાવવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં વિશાલ રાઠોડની પણ પૂછપરછ કરવામાં આવશે."
બીબીસી માટે કલેકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












