ગુજરાતમાં મજૂરોએ કેટલા કલાક કામ કરવું? જિજ્ઞેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલ શું માને છે?

ઇમેજ સ્રોત, Pavan Jaiswal
- લેેખક, તેજસ વૈધ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કારખાના ધારા (સુધારા) બિલ પસાર થયું છે જેને રાજ્ય સરકારે રોજગારી વધારવા માટે એક મોટું પગલું ગણાવ્યું છે, જ્યારે વિરોધ પક્ષોના નેતાઓ તેને મજૂરોનું શોષણ વધારે તેવા નિર્ણય તરીકે જુએ છે.
રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક રજૂ કર્યું ત્યારે એવી દલીલ કરી હતી કે તેનાથી રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે, નવા ઔદ્યોગિક એકમો માટે રોકાણ આકર્ષી શકાશે અને રાજ્યમાં વધુ રોજગારી પેદા થશે.
તેમણે કહ્યું હતું કે "મહિલા કામદારો પોતાની મંજૂરીથી હવે રાતપાળીમાં કામ કરી શકશે અને તેમને સુરક્ષિત વાતાવરણમાં કામ કરવાની કાયદેસરની તક પ્રાપ્ત થશે."
બીજી તરફ કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ તેનો ઉગ્ર વિરોધ કર્યો છે.
ધારાસભ્યો પાસે 12 કલાક કામ કરાવો
બીબીસી સાથે વાત કરતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે "કામદારોનું જીવન પહેલેથી નરક જેવું છે, તેવામાં આ બહુ ખતરનાક કાયદો છે. પશ્ચિમી દેશોમાં કામના કલાક આઠથી ઘટાડીને છ કરવાની માંગણી ચાલે છે જ્યારે અહીં મજૂરો પાસે 12 કલાક કામ કરાવવાની યોજના છે." તેમણે એવો પડકાર પણ ફેંક્યો કે "ગુજરાતના તમામ ધારાસભ્યોને એક મહિના માટે રોજ 12 કલાક કામ કરાવવું જોઈએ."
તેમણે કહ્યું કે, "ગુજરાતમાં જે કામદારો કાળી મજૂરી કરીને ઉત્પાદન કરે છે તેને લઘુતમ વેતન આપવામાં નથી આવતું. તેના બદલે ફિક્સ પગાર પર રખાય છે અથવા કામ આઉટસોર્સ કરાય છે. કામદારોને સેલેરી સ્લીપ નથી અપાતી, પીએફ જમા નથી થતો. આ સ્થિતિ અપૂરતી હોય તેવામાં 12 કલાકનો નિયમ કર્યો છે."
તેમણે લાંબા કલાકો સુધી કામ કરાવવાના જોખમ વિશે કહ્યું કે, "આટલા કલાક કામ કર્યા પછી કામદારને બ્રેઈન સ્ટ્રોક આવી જાય, કાર્ડિયાક એરેસ્ટ આવે તેનો કોઈને અંદાજ ખરો?"
તેમણે કહ્યું કે "આપણે ત્યાં કામદારો ઈંટોના ભઠ્ઠામાં 48 ડિગ્રીમાં ગરમીના કામ કરતા હોય છે. આ કાયદો માત્ર મૂડીવાદીઓને ફાયદો કરાવવા માટે છે. સરકાર મજૂરોને શા માટે નિચોવી રહી છે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં 8 થી વધારે કલાક કામ કરવાના કારણે દુનિયામાં 7.44 લાખ મજૂરોનાં મોત થયાં છે. ગુજરાતમાં કોઈ મજૂર 12 કલાક કામ કરવાની ના નહીં પાડી શકે કારણ કે મજૂરો સરપ્લસમાં છે. એક કામદાર ના પાડશે તો બીજા તૈયાર થશે."
રાજ્યમાં રોજગારી વધશે, સરકારનો દાવો

ઇમેજ સ્રોત, ANI
એક સમયે પાટીદાર અનામત આંદોલનના આગેવાન રહી ચૂકેલા અને પછી કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનીને છેલ્લે ભાજપમાં જોડાયેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે આ બિલને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે આનાથી મહિલાઓ અને પુરુષ કામદારોનું સશક્તીકરણ થશે અને લોકોની આવક વધશે.
પહેલી વખત ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલે કહ્યું હતું કે પુરુષોની જેમ મહિલાઓને પણ કામ કરવાનો સમાન રીતે અધિકાર મળે તે જરૂરી હતું.
તેમણે કહ્યું કે "મહિલા કામદારો માટે રાત્રે કામ કરવું સ્વૈચ્છિક છે. તેમની મંજૂરી વગર રાતે કામ કરાવી નહીં શકાય."
આ વાત સાથે જિજ્ઞેશ મેવાણી સહમત થયા નથી. તેમણે કહ્યું કે "ગુજરાત માત્ર બિલ્ડરો કે મૂડીવાદીઓ માટે નથી. ખેડૂતો અને શ્રમિકો માટે છે."
'કામદારોનું પહેલેથી શોષણ થતું આવ્યું છે'

ઇમેજ સ્રોત, Pavan Jaiswal
વીસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે "ગુજરાતમાં ઓવરટાઈમ કરનારાઓને બમણો દર મળે તેવી શક્યતા નથી. વાસ્તવિકતાને જોયા વગર માત્ર બહુમતિના જોરો આવા બિલ પાસ કરાવવામાં આવે તે યોગ્ય નથી."
તેમણે કહ્યું કે "ગુજરાતમાં ક્યાંય કામના કલાકો વધારવાની માંગણી ન હતી તો પછી આ બિલ લાવવાની કેમ જરૂર પડી."
કામદારો પાસે લેખિત મંજૂરી લઈને પછી 12 કલાક કામ કરાવવામાં આવશે તેવી જોગવાઈ વિશે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે "લેખિત મંજૂરી કેવી રીતે લેવાય છે તે બધા જાણે છે. આજે કયા મજૂરમાં એટલી તાકાત છે કે ફેક્ટરી માલિકને 12 કલાક કામ કરવાની ના પાડી શકે."
તેમણે કહ્યું કે "કામદારો પાસેથી અત્યાર સુધી 12 કલાક કામ કરાવવામાં આવતું જ હતું. હવે સત્તાવાર 12 કલાક કરવામાં આવ્યું હતું તેથી હવે 15 કલાક કામ કરાવવામાં આવશે."
સરકારનું શું કહેવું છે?

ગુજરાત સરકારે એક નવો કાયદો અમલમાં મૂક્યો છે, જે રાજ્યના શ્રમક્ષેત્રમાં મોટો ફેરફાર લાવશે. હવે કારખાના કામદારો માટે રોજના કામના કલાકો 8થી વધારીને 12 કલાક સુધી કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાતના 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મહિલાઓને રાતની પાળીમાં કામ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. જોકે, આ માટે તેમની લેખિત સંમતિ જરૂરી રહેશે અને 16 કડક સુરક્ષા શરતો લાગુ પડશે. તેમાં CCTV દેખરેખ, મહિલા સુરક્ષા સ્ટાફ, સુરક્ષિત વાહનવ્યવસ્થા અને દરેક પાળીમાં ઓછામાં ઓછી 10 મહિલાઓ હોવી આવશ્યક હશે.
વિપક્ષ પક્ષો અને અનેક મજૂર સંગઠનો આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે અને તેમનું માનવું છે કે આથી મજૂરોના શોષણની શક્યતા વધી શકે છે.
સરકારનું કહેવું છે કે સપ્તાહના કુલ કામના કલાકો 48 જ રહેશે અને આ નિયમો ચોક્કસ ઉદ્યોગો માટે જ લાગુ થશે.
12 કલાકની શિફ્ટ અમલમાં મૂકવા માટે નોકરીદાતાઓએ 16 શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












