બિહાર ચૂંટણી : ઉચ્ચ જાતિ, ઓબીસી, દલિતોએ કોને મત આપ્યો અને એનડીએ શા માટે જીત્યું?

જાતિ, મતદાન, જાતિ અને ચૂંટણી, બિહાર ચૂંટણી, બિહાર વિધાનસભા ચૂંટણી 2025, એનડીએ, મહાગઠબંધન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિહારની આ ચૂંટણીમાં મતદાન પૅટર્ન સ્પષ્ટપણે વિવિધ જાતીય જૂથોમાં એક જ ગઠબંધનની તરફેણમાં મજબૂત એકતા દર્શાવે છે.
    • લેેખક, સંજયકુમાર
    • પદ, પ્રોફેસર અને ચૂંટણી વિશ્લેષક
    • લેેખક, વિભા અત્રી
    • પદ, સંશોધક, સીએસડીએસ

2025ની બિહાર વિધાનસભા ચૂંટણી રાજ્યના તાજેતરના ઇતિહાસમાં સૌથી તીવ્ર ધ્રુવીકરણવાળી ચૂંટણીઓમાંની એક બનીને ઉભરી આવી છે.

પરિણામો દર્શાવે છે કે કેવી રીતે જાતિગત નિષ્ઠાએ અન્ય પરિબળો સાથે મળીને ચૂંટણીને નિર્ણાયક રીતે પ્રભાવિત કરી છે.

મતદાન પૅટર્ન સ્પષ્ટપણે વિવિધ જાતીય જૂથોમાં એક જ ગઠબંધનની તરફેણમાં મજબૂત એકતા દર્શાવે છે. અત્યાર સુધી આ ટ્ર્રૅન્ડ ફક્ત 60 થી 80 ટકા સુધી જ મર્યાદિત હતો. એટલે કે કોઈ એક જાતિના 60થી 80 ટકા મતદારો એક જ પક્ષની તરફેણમાં મતદાન કરવાનો ટ્રૅન્ડ ધરાવતા હતા. પણ આ વખતે એનાથી પણ વધુ મતદારો એકજૂથ થયા હોવાનું દેખાઈ રહ્યું છે.

2020ની વિધાનસભા ચૂંટણીઓની સરખામણીમાં કેટલાક ફેરફારો ચોક્કસપણે દેખાઈ રહ્યા છે, પરંતુ એકંદરે વલણો દર્શાવે છે કે આ વખતે જાતીય ધ્રુવીકરણ વધુ મજબૂત બન્યું છે.

આ વલણ ખાસ કરીને એનડીએ ગઠબંધનની તરફેણમાં હતું, જ્યારે પાછલી ચૂંટણીઓમાં મતદારોની પસંદગી ખૂબ જ છૂટીછવાઈ હતી.

ઉચ્ચ જાતિઓ કોના પક્ષે ગઈ?

જાતિ, મતદાન, જાતિ અને ચૂંટણી, બિહાર ચૂંટણી, બિહાર વિધાનસભા ચૂંટણી 2025, એનડીએ, મહાગઠબંધન, બીબીસી ગુજરાતી

લોકનીતિ સંસ્થાએ તાજેતરના સર્વેનું વિશ્લેષણ અગાઉની ચૂંટણીઓના જાતિવાર ડેટા સાથે સરખાવીને કર્યું છે. તે આ ફેરફારોના સ્કેલ અને દિશા બંનેને સ્પષ્ટપણે દર્શાવે છે.

તેનાથી એ સ્પષ્ટ થાય છે કે બિહારનું ચૂંટણી રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે.

2025માં ઉચ્ચ જાતિઓએ મોટી સંખ્યામાં એનડીએને ટેકો આપ્યો છે.

એનડીએને બ્રાહ્મણોનો સૌથી મજબૂત ટેકો મળ્યો છે, જ્યાં 82 ટકા મત ગઠબંધનની તરફેણમાં ગયા છે.

ત્યારપછી એનડીએને ભૂમિહારો તરફથી 74% અને અન્ય ઉચ્ચ જાતિઓ તરફથી 77% મત મળ્યા હતા.

2020 સાથે સરખામણી કરીએ તો NDAને ઉચ્ચ જાતિઓનો ટેકો 52% થી 59% ની વચ્ચે રહ્યો હતો. આનો અર્થ એ થયો કે તે સમયે તેમાંથી એક નોંધપાત્ર ભાગ અન્ય પક્ષો તરફ ગયો હતો.

એકંદરે, આ વખતની પૅટર્ન દર્શાવે છે કે ઉચ્ચ જાતિઓની લગભગ આખી વોટબૅન્ક એનડીએ પાછળ એકજૂથ થઈ ગઈ છે.

ઓબીસી મતદારોમાં લગભગ આવો જ ટ્રૅન્ડ

જાતિ, મતદાન, જાતિ અને ચૂંટણી, બિહાર ચૂંટણી, બિહાર વિધાનસભા ચૂંટણી 2025, એનડીએ, મહાગઠબંધન, બીબીસી ગુજરાતી

પછાત જાતિઓની મતદાન પૅટર્નમાં પણ આવું જ સ્પષ્ટ અને મજબૂત વલણ જોવા મળ્યું છે.

મુખ્ય મંત્રી નીતીશકુમારના પરંપરાગત આધાર ગણાતા કુર્મી-કોઇરી સમુદાયોના 71% મત આ વર્ષે એનડીએને ગયા છે.

તે જ સમયે પછાત જાતિનાં વિવિધ જૂથોના કુલ 68% મત એનડીએની તરફેણમાં ગયા.

2020ની ચૂંટણીમાં આ સમર્થન ઓછું એકજૂથ હતું. તે સમયે, કુર્મી-કોઇરીના 66% અને બાકીની ઓબીસી જાતિઓના 58% લોકોએ એનડીએને મત આપ્યો હતો, જ્યારે બાકીના મતો વિવિધ પક્ષો વચ્ચે વહેંચાઈ ગયા હતા.

આ વખતે 'MY' સમીકરણનું શું થયું?

જાતિ, મતદાન, જાતિ અને ચૂંટણી, બિહાર ચૂંટણી, બિહાર વિધાનસભા ચૂંટણી 2025, એનડીએ, મહાગઠબંધન, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આરજેડીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને આ વખતે પણ તેના પરંપરાગત 'MY' (મુસ્લિમ-યાદવ) મતદારો તરફથી નોંધપાત્ર સમર્થન મળ્યું છે. જોકે, 2020ની તુલનામાં આ સ્પષ્ટ ઘટાડો છે.

આ વર્ષે 74 ટકા યાદવો અને 69 ટકા મુસ્લિમોએ મહાગઠબંધનને ટેકો આપ્યો છે. જોકે, પાછલી ચૂંટણીઓની સરખામણીમાં આ ઘટાડો છે.

છેલ્લી ચૂંટણીમાં 84 ટકા યાદવો અને 76 ટકા મુસ્લિમોએ મહાગઠબંધનને ટેકો આપ્યો હતો. આ ઘટાડા સાથે, એનડીએને ખરેખર બંને સમુદાયો તરફથી થોડો ટેકો મળ્યો છે.

મહાગઠબંધનને મતદાન કરતાં જૂથોમાં આ ફેરફારને કારણે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ માટે જગ્યા બની છે.

2020ના તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરતાં, એઆઈએમઆઈએમએ આ વખતે પાંચ બેઠકો જીતી છે. આ બધી બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ વસ્તી 35 ટકાથી વધુ છે.

એનડીએની શાનદાર જીત વચ્ચે પણ એઆઈએમઆઈએમની સફળતા દર્શાવે છે કે મુસ્લિમ મતદારોનો એક વર્ગ સીધો એવું રાજકીય પ્રતિનિધિત્વ પસંદ કરે છે જે તેમના મુદ્દાઓ પર સીધું ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વર્ગ મહાગઠબંધન જેવા પરંપરાગત સેક્યુલર જોડાણોની વિશ્વસનીય વોટબૅન્ક તરીકે મર્યાદિત રહેવા માંગતો નથી.

જોકે, મહાગઠબંધને હજુ પણ 'MY' સમુદાયોમાં મજબૂત લીડ જાળવી રાખી છે, ત્યારે 2025નાં પરિણામો યાદવ અને મુસ્લિમ મતદારોમાં થોડો પણ નોંધપાત્ર ફેરફાર તો દર્શાવે જ છે.

દલિત વોટબૅન્ક કઈ બાજુ હતી?

જાતિ, મતદાન, જાતિ અને ચૂંટણી, બિહાર ચૂંટણી, બિહાર વિધાનસભા ચૂંટણી 2025, એનડીએ, મહાગઠબંધન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shahnawaz Ahmad

આ વર્ષની ચૂંટણીમાં પણ અગાઉની ચૂંટણીઓ કરતાં દલિત મતોમાં ઘણો સ્પષ્ટ ફેરફાર જોવા મળ્યો.

પાસવાન/દુસાધ સમુદાય, જે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના પરંપરાગત મતદાતા છે, તેમણે આ વખતે એનડીએને ભારે સમર્થન આપ્યું છે. સમુદાયના 62 ટકા મત ગઠબંધનને ગયા છે.

2020 માં, જ્યારે એલજેપીએ એનડીએથી અલગ ચૂંટણી લડી, ત્યારે પાસવાન સમુદાયના 31 ટકા મત એલજેપીની તરફેણમાં ગયા હતા. તે સમયેએ એનડીએને સમુદાયના 18 ટકા મત મળ્યા હતા.

આ સંદર્ભમાં 2025નાં પરિણામો એનડીએની જીત પાછળ પાસવાન મતોનું મોટું ધ્રુવીકરણ સૂચવે છે.

બાકીની દલિત જાતિઓ પણ એનડીએ તરફ ઝુકાવ ધરાવતી દેખાય છે. દલિત જાતિઓના પણ એનડીએને બે તૃતીયાંશ મતો મળ્યા છે.

આનાથી વિપરિત 2020માં દલિત મતો ખૂબ જ વિભાજિત હતા અને કોઈપણ ગઠબંધનને મોટાભાગના દલિત સમુદાયોનો સર્વસંમતિથી ટેકો મળ્યો ન હતો.

2025નો જનાદેશ અગાઉની ચૂંટણીઓ કરતાં દલિત મતદારોમાં વધુ સ્પષ્ટ અને વધુ એકજૂથ વલણ દર્શાવે છે.

જાતિ અને સુશાસન વચ્ચેની પસંદગી

જાતિ, મતદાન, જાતિ અને ચૂંટણી, બિહાર ચૂંટણી, બિહાર વિધાનસભા ચૂંટણી 2025, એનડીએ, મહાગઠબંધન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Santosh Kumar/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જ્યારે બિહારના મતદારોને પૂછવામાં આવ્યું કે 2025ની વિધાનસભા ચૂંટણીમાં જાતિ, સમુદાય અથવા બિરાદરીનો તેમના મતદાનના નિર્ણયો પર કેટલો પ્રભાવ પડ્યો, ત્યારે 45 ટકા લોકોએ કહ્યું કે તેની અસર થઈ છે. જ્યારે 51 ટકા લોકોએ તેનો ઇન્કાર કર્યો. બાકીના 4 ટકા લોકોએ જવાબ આપ્યો નહીં.

બીજા એક પ્રશ્નમાં મતદારોને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ કઈ બાબત સાથે વધુ સહમત છે - શું સુશાસન અને વિકાસ તેમના માટે સૌથી મોટા મુદ્દાઓ હતા, અથવા સુશાસન અને વિકાસ મહત્ત્વપૂર્ણ હતા, પરંતુ ચૂંટણીનો વાસ્તવિક મુદ્દો જાતિ અને સમુદાય હતો?

જવાબમાં, 10 માંથી લગભગ છ (લગભગ 60%) મતદારોએ સુશાસન અને વિકાસને પ્રાથમિક મુદ્દાઓ તરીકે માન્યા, જ્યારે દસમાંથી ત્રણ (લગભગ 30%) મતદારો માનતા હતા કે જાતિ અને સમુદાય હજુ પણ ચૂંટણીમાં નિર્ણાયક પરિબળો છે.

આ સૂચવે છે કે વિકાસના નૅરેટિવની વ્યાપક અપીલ હોવા છતાં, એક નોંધપાત્ર વર્ગ હજુ પણ મતદાન કરતી વખતે જાતિને એક મહત્ત્વપૂર્ણ પરિબળ માને છે. આનો અર્થ એ થયો કે બિહારમાં ચૂંટણીના નિર્ણયોમાં જાતિ એક મહત્ત્વપૂર્ણ પરિબળ બની રહ્યું છે.

એકંદરે, ડેટા દર્શાવે છે કે બિહારમાં મતદાન પૅટર્નમાં જાતિ નિર્ણાયક ભૂમિકા ભજવે છે, ખાસ કરીને એવા સમુદાયોમાં જેમનાં રાજકીય વલણો ઐતિહાસિક રીતે જાતિ આધારિત રહ્યાં છે.

આ કારણોસર, આ પ્રભાવે મતદારોને એનડીએ અને મહાગઠબંધન જેવા મોટાં ગઠબંધનોની તરફેણમાં એક કર્યા.

(આ લેખકોના અંગત વિચારો છે અને કોઈપણ સંસ્થાના વિચારોને પ્રતિબિંબિત કરતા નથી.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન