જામનગરમાં 'ખ્યાતિકાંડ': સરકારી પૈસા પડાવવા જેસીસી હૉસ્પિટલે જરૂર ના હોવા છતાં દર્દીઓને હૃદયરોગની સારવાર કરી?

જામનગર જેસીસી હૉસ્પિટલ ખ્યાતિકાંડ હ્રદયરોગની સારવાર સરકાર દંડ ઍન્જિયોગ્રાફી ઍન્જિયોપ્લાસ્ટી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, જામનગર ખાતે આવેલી જેસીસી હૉસ્પિટલની બંધ કૅથલૅબની શુક્રવારે લેવાયેલ તસ્વીર
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા, જામનગરથી

જામનગરમાં પણ અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હૉસ્પિટલ જેવો 'કાંડ' થયો છે. શહેરની જેસીસી હૉસ્પિટલમાં હૃદયરોગની સારવાર દરમિયાન કથિત ગેરરીતિ બદલ સરકાર દ્વારા છ લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બર મહિનામાં અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં સરકારની 'આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (પીએમજય યોજના) અને 'મુખ્ય મંત્રી અમૃતમ્' (મા યોજના) હેઠળ નાણાં પડાવી લેવા માટે દર્દીઓને સારવારની જરૂર ન હોય તો પણ નિદાન કરીને હૃદયરોગની વિવિધ સારવાર કરવાનું કથિત કૌભાંડ બહાર આવ્યું હતું.

જે પ્રકારે જામનગરની જેસીસી હૉસ્પિટલમાં સરકારે દંડ ફટકાર્યો છે તેના પરથી અહીં પણ 'ખ્યાતિકાંડ'ની ગંધ આવી રહી હોવાનું લાગી રહ્યું છે.

ગુજરાત સરકારે 13મી સપ્ટેમ્બરે એક સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે 'જેસીસી હૉસ્પિટલમાં 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ આ હૉસ્પિટલને છ લાખથી વધુ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.'

સરકારનું કહેવું છે કે આ હૉસ્પિટલમાં વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કરવામાં આવેલી કેટલીક સારવારના કેસોની તપાસ થઈ હતી અને તેમાં ઘણા કેસોમાં વિસંગતતા જોવા મળી હતી.

યાદીમાં સરકારે જણાવ્યું છે કે 'આ હૉસ્પિટલ દ્વારા PMJAYના બે કેસમાં લૅબોરેટરી રિપોર્ટમાં અને એક કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરીને લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂરત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ હૉસ્પિટલ દ્વારા કરવામાં આવેલા 262થી વધુ કેસોની તપાસ કરાવાતા તેમાં 53 કેસોમાં વિસંગતતા જોવા મળી હતી. જેમાં જરૂર ન હોવા છતાં કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી હતી.'

ઍન્જિયોગ્રાફી દરમિયાન દર્દીના મોતનો આરોપ

જામનગર જેસીસી હૉસ્પિટલ ખ્યાતિકાંડ હ્રદયરોગની સારવાર સરકાર દંડ ઍન્જિયોગ્રાફી ઍન્જિયોપ્લાસ્ટી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Bipin Tankria/BBC

ઇમેજ કૅપ્શન, ગીતાબહેન નંદા (જમણે) આક્ષેપ કરે છે કે 'તેમના પતિ નવીન નંદા જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જેની જરૂર ન હતી તેવી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા'

જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જેસીસી હૉસ્પિટલના નેજા હેઠળ ચાલતી હતી.

બીબીસી ગુજરાતીએ શુક્રવારે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી ત્યારે હૉસ્પિટલ બંધ જોવા મળી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ત્યાં હાજર લોકોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ગુરુવારે સાંજે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આ હૉસ્પિટલને તાળાં મારી દેવામાં આવ્યાં હતાં.

જેસીસી હૉસ્પિટલના મૅનેજિંગ ડાયરેક્ટર ડૉ. કે. એચ. મારકણાએ ગુરુવારે મીડિયાને જણાવ્યું કે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના રોજિંદા સંચાલનની કામગીરી કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પાર્શ્વ વોરા અને તેમનો પરિવાર સાંભળતો હતો.

ડૉ. મારકણાએ વધારેમાં જણાવ્યું કે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના દોઢેક વર્ષ અગાઉ થઇ હતી અને ત્યારથી શરુ કરીને આજ દિન સુધીમાં ડૉ. વોરાએ હૃદયરોગને લગતી લગભગ 800 જેટલી વિવિધ પ્રોસિજરો દર્દીઓ પર કરી હતી.

'પીએમજય અને મા યોજના' હેઠળ સારવાર લેવા આવેલ દર્દીઓને 'જરૂર ન હોય તો પણ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટે વિવિધ સારવાર કરી હોવાના રાજ્યસરકારના ઘટસ્ફોટ' પછી આ હૉસ્પિટલમાં સારવાર લીધેલ કેટલાક દર્દીઓના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે 'હૉસ્પિટલે દર્દીઓના જીવને જોખમમાં મૂક્યા' હતા.

જામનગર શહેરના લાલપુર રોડ પર રહેતા અને જમીન-મકાનની દલાલી કરતા નવીનભાઈ નંદાનો પરિવાર આરોપ લગાવે છે કે 'નવીનભાઈ 23 સેપ્ટેમ્બર, 2025ના રોજ બાઇક ચલાવીને જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સારવાર લેવા માટે ગયા હતા પરંતુ દોઢેક કલાક બાદ ત્યાં કરવામાં આવેલી ઍન્જિયોગ્રાફી દરમિયાન તેમનું મૃત્યુ થયું.'

નવીનભાઈનાં પત્ની ગીતાબહેને બીબીસી ગુજરાતીને જણાવ્યું કે 22 સપ્ટેમ્બરના રોજ રાત્રે 61 વર્ષીય નવીનભાઈને છાતીમાં બળતરા થવા લાગી પરંતુ થોડું દૂધ પીવાથી તેમને રાહત થઇ ગઈ હતી.

ગીતાબહેને કહ્યું, "તેમને મરચું વધારે પ્રમાણમાં ખાવાની ટેવ હતી. તેથી, ક્યારેક ક્યારેક બળતરા થઇ જતી હતી. દૂધ પીધા બાદ તેઓ સૂઈ ગયા. પરંતુ સવારે પરિવારના સૌ સભ્યોએ કહ્યું કે એક વાર હૉસ્પિટલ જઈ આવો. તેથી, અમે પતિ-પત્ની 23 તારીખે સવારે 11:30 વાગ્યે જેસીસી હૉસ્પિટલ ગયાં. પરંતુ ત્યાં ડૉક્ટરે કહ્યું કે મારા પતિને હાર્ટની તકલીફ છે અને ઍન્જિયોગ્રાફી કરાવવી પડશે. તેથી મેં મારા દીકરા રમેશ અને દિયર શાંતીભાઈને હૉસ્પિટલ બાલાવ્યાં. પછી ડૉક્ટરે ઍન્જિયોગ્રાફી ચાલુ કરી પરંતુ થોડી વારમાં જ ઍન્જિયોગ્રાફી દરમિયાન જ તેમનું મૃત્યુ થઇ ગયું."

'જરૂર ન હોવા છતાં સારવાર કરી'

જામનગર જેસીસી હૉસ્પિટલ ખ્યાતિકાંડ હ્રદયરોગની સારવાર સરકાર દંડ ઍન્જિયોગ્રાફી ઍન્જિયોપ્લાસ્ટી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રમેશ નંદા આક્ષેપ કરે છે કે 'જેસીસી હૉસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું કે તેમના પિતાને સારવાર માટે રાજકોટ લઇ જવા માટે પૂરતો સમય પણ નહોતો'

નવીનભાઈના પુત્ર રમેશભાઈ આક્ષેપ કરે છે કે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડૉ. શ્યામ વોરાએ તેમના પિતાને 'જરૂર ન હોવા છતાં' તેમના પર ઍન્જિયોગ્રાફી કરી.

નવીનભાઈના બીજા પુત્ર અરવિંદભાઈએ કહ્યું, "મારા પપ્પાને ક્યારેય કોઈ બીમારી ન હતી અને તે સંપૂર્ણ સ્વસ્થ હતા. તેઓ કોઈ દવા પણ લેતા ન હતા. પરંતુ જેસીસી હૉસ્પિટલમાં ગયા તો અમને કહ્યું કે તેમને ઍન્જિયોગ્રાફી કરવી પડશે. મેં તેમને કહ્યું કે અમે તેના માટે રાજકોટ જઈશું. પરંતુ જેસીસીના ડૉક્ટરોએ અમને કહ્યું કે મારા પપ્પા પાસે તેટલો સમય નથી."

અરવિંદભાઈએ વધુમાં આરોપ લગાવ્યો, "ડૉક્ટરોએ અમને કહ્યું કે બધી સારવાર 'મા કાર્ડ'માં થઈ જશે અને તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવો નહીં પડે."

"જ્યારે ઍન્જિયોગ્રાફી દરમિયાન મારા પપ્પા મૃત્યુ પામ્યા ત્યારે ડૉક્ટરોએ અમને જણાવ્યું કે બ્લડપ્રેશર ઘટી જવાને કારણે તેઓનું મોત થયું. મને શંકા છે કે તેમને ઍન્જિયોગ્રાફીની જરૂર નહોતી છતાં તેમણે કરી તેથી તેમનું મોત થયું."

તો પરિવારે જે-તે વખતે ફરિયાદ કેમ ન કરી તેવા બીબીસીના સવાલના જવાબમાં નવીનભાઈના નાના ભાઈ શાંતીભાઈએ કહ્યું, "અમે નાના માણસ છીએ તેથી અમે આગળ કઈ ન કર્યું. પરંતુ હવે સરકારે જ જાહેર કર્યું છે કે આ હૉસ્પિટલે જે વ્યક્તિઓને જરૂર ન હતી તેની પણ સારવાર કરી હતી. તેથી, અમારામાં હવે હિમ્મત આવી છે અને આશા રાખીએ છીએ કે જેવું મારા ભાઈ સાથે થયું તેવું બીજા લોકો સાથે ન થાય."

નવીનભાઈના મોતનું ખરું કારણ શું?

જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરેલા નવીનભાઈના કેસ-પેપરમાં જણાવવામાં આવ્યું છે તેમની ત્રણ રગોમાં અવરોધ હતો અને તેમને ઍન્જિયોપ્લાસ્ટી કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ પ્રક્રિયા દરમિયાન જ તેમને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મોત થયું હતું.

બીબીસી ગુજરાતીએ આ મામલો બહાર આવ્યા બાદ આ હૉસ્પિટલમાં સારવાર લીધી હોય તેવી વ્યક્તિઓના સ્વાસ્થ્ય અંગે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ શું કરે છે તેવો સવાલ હૉસ્પિટલને કર્યો હતો પરંતુ જેસીસી હૉસ્પિટલના મૅનેજમેન્ટે કોઈ પ્રતિક્રિયા આપવાની ના પડી દીધી હતી.

જેમની સામે ગંભીર આરોપ છે તેવા ડૉ. પાર્શ્વ વોરા જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઉપલબ્ધ ન હતા અને તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

જામનગરની જેસીસી હૉસ્પિટલ સામે સરકારે શું પગલાં લીધાં?

જામનગર જેસીસી હૉસ્પિટલ ખ્યાતિકાંડ હ્રદયરોગની સારવાર સરકાર દંડ ઍન્જિયોગ્રાફી ઍન્જિયોપ્લાસ્ટી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, જામનગરનાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. નૂપુર પ્રસાદ

ગુજરાત સરકારે ગુરુવારની પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને 'પીએમજય અને મા-યોજના' હેઠળ આ યોજનાના લાભાર્થીઓને સારવાર માટેની માન્ય હૉસ્પિટલોની યાદીમાંથી બાકાત કરી દેવામાં આવી છે. તેટલું જ નહિ, જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પાર્શ્વ વોરાની ડૉક્ટર તરીકેની નોંધણી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જામનગર જિલ્લાનાં ઇન્ચાર્જ મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. નૂપુર પ્રસાદે શુક્રવારે જણાવ્યું કે ગુરુવારે જ રાજ્ય સરકારે તેમની કચેરી પાસેથી એક ઍક્શન-ટેકન-રિપોર્ટ મંગાવ્યો છે.

ડૉ. પ્રસાદે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જામનગર શહેરમાં આવેલી હોવાથી તે જામનગર મહાનગરપાલિકાની હદમાં છે. તેથી, ઍક્શન-ટેકન-રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી અમે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીને સોંપી છે. આરોગ્ય અધિકારી તરફથી અમને તેનો અહેવાલ મળ્યો નથી."

કથિત ગેરરીતિઓ બદલ જેસીસી હાર્ટ ઇન્સ્ટિયૂટ ઉપરાંત સરકારે જૂનાગઢની સમન્વય હૉસ્પિટલ અને પાલનપુરની સદ્ભાવના હૉસ્પિટલને પણ નાણાકીય દંડ ફટકાર્યો છે.

જોકે, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ કેસમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે કે ડૉ. પાર્શ્વ વોરા સામે કોઈ ફોજદારી કાર્યવાહી હાલ સુધી આરંભાઈ નથી.

જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ શું કહે છે?

જામનગર જેસીસી હૉસ્પિટલ ખ્યાતિકાંડ હ્રદયરોગની સારવાર સરકાર દંડ ઍન્જિયોગ્રાફી ઍન્જિયોપ્લાસ્ટી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ડૉ. પાર્શ્વ વોરા જામનગરના જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ છે

કથિત કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ગુરુવારે જ પત્રકારો સાથે વાત કરતાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના મૅનેજીંગ ડાયરેક્ટર ડૉ. કે. એચ. મારકણાએ 'દોષનો ટોપલો' ડૉ. પાર્શ્વ વોરા પર ઢોળ્યો હતો.

ડૉ. મારકણાએ કહ્યું, "આજરોજ જે ઘટના બની છે, તેના માટે અમારી હૉસ્પિટલના ડૉ. પાર્શ્વ વોરા જવાબદાર છે. આ હૉસ્પિટલમાં તેમનાં પિતા-માતા, પત્નીનો હિસ્સો છે. તેથી સમગ્ર હૉસ્પિટલ પર તેમનો કંટ્રોલ હતો. તેમણે જે કંઈ કર્યું છે તે અમારી જાણબહાર કર્યું છે."

"હાલ અમે ડૉ. પાર્શ્વ વોરાને અમારી હૉસ્પિટલમાંથી ટર્મિનેટ કરી દીધા છે. અમે તેમની સામે એફઆઈઆર કરવા જઈ રહ્યા છે."

ડૉ. મારકણાએ કહ્યું કે છેલ્લાં દોઢેક વર્ષમાં ડૉ. પાર્શ્વ વોરાએ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સાતસોથી આઠસો ઑપેરેશન કર્યા હતા.

તેમણે વધુમાં ઉમેર્યું, "અત્યારે અમારી જાણ પ્રમાણે, સરકારે અમને આ પ્રકારની સારવાર મામલે ચાર દર્દીના આંકડા આપ્યા છે અને અમે દંડ ભરી દીધો છે."

બીબીસી માટે કેલકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન