ગુજરાત : માવઠાથી થયેલા નુકસાનની સહાય જોઈતી હોય તો ખેડૂતોએ શું કરવું, કયા દસ્તાવેજો જોઈએ?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
કમોસમી વરસાદને લીધે રાજ્યમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ગુજરાતમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને પાકોમાં થયેલા નુકસાન બદલ ગુજરાત સરકારે 10 હજાર કરોડનું પૅકેજ જાહેર કર્યું છે.
સરકારે હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા જાહેર કર્યા છે.
મહત્તમ બે હેક્ટર સુધીની 44,000 રૂપિયાની સહાય ખેડૂતને મળવા પાત્ર છે. જેના માટેની અરજીનું કામ ઑનલાઇન 14 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે. આ અરજી સ્વીકારવાનું કામ 15 દિવસ સુધી ચાલશે.
ઘણા ખેડૂતોને ખબર નથી કે આ સહાય મેળવવી હોય તો શું કરવું?
અસરગ્રસ્ત તાલુકામાં જે ખેડૂત છે અને તેમને ખેતરમાં માવઠાનો માર સહન કરવો પડ્યો છે તેમણે સહાય મેળવવા માટે શું કરવાનું રહેશે? કોને મળવાનું રહેશે? ક્યા દસ્તાવેજોની જરૂર પડશે? શું ખેડૂતો જાતે અરજી કરી શકશે? સહાયની રકમ કેવી રીતે મળશે? કોને આ સહાય મળી શકે? આ બધા સવાલોનો જવાબ મેળવવાની વિગતો મેળવીએ.
કમોસમી વરસાદના નુકસાન અંગેની સહાયનું ફૉર્મ કેવી રીતે ભરવું?

ઇમેજ સ્રોત, Tejas Vaidya
ખેડૂતોએ માવઠાની સહાય મેળવવા માટે ઑનલાઇન અરજી કરવાની રહેશે પણ તે ઘરે બેઠા ઑનલાઇન અરજી નહીં કરી શકે.
ખેડૂતે પંચાયત કચેરી જઇને તલાટી કમ મંત્રી અને વિલેજ કમ્પ્યૂટર ઍન્ટ્રપ્રિન્યોર એટલે કે વીસીઈની મદદ લેવાની રહેશે.
આ વિશે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવદર ગામના તલાટી કમ મંત્રી એચ. ડી. બોરીચાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "ખેડૂતે પોતાના ગામના તલાટી કમ મંત્રી અને વીસીઈનો સંપર્ક કરવાનો રહેશે. જે બંને ગ્રામ પંચાયતમાં સાથે જ હોય છે. ખેડૂતે આધાર કાર્ડ તેમજ બૅન્કની પાસબુક લઇને તલાટી કમ મંત્રીને મળવાનું રહેશે. તેમને કહેવાનું રહેશે કે મારા પાક(વાવેતર)નો દાખલો આપો. તે પાકનો દાખલો આપે એટલે વીસીઈ તે તમામ દસ્તાવેજ અને વિગતોને આધારે ઑનલાઇન અરજી કરી દેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટૂંકમાં, ખેડૂત ફક્ત આધાર કાર્ડ અને બૅન્કની પાસબુક લઇને જશે તો પણ પૂરતું છે.
બોરીચાએ વધુમાં કહ્યું હતું કે, "ખેડૂત પાસે સાત – બાર(7/12)નો તેમજ આઠ – અ(8A) નો ઉતારો હોય અને તે લઇને આવે તો સારું. જો એ ન હોય અને ફક્ત તેની પાસે આઠ – અનો નંબર હશે તો તેના આધારે પંચાયત કચેરીમાંથી જ સાત બારનો ઉતારો કાઢી આપવામાં આવશે તેમજ પાકનો દાખલો તો પંચાયતમાંથી જ મળી રહેશે."
પડવદર ગામના ખેડૂત નિલેષભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "અમે અમારા ખેતરમાં મગફળી અને કપાસનો પાક વાવ્યો હતો. તેની નુકસાનીનું ફૉર્મ ભરવા પંચાયત કચેરીએ હું ગયો હતો. હું આધાર કાર્ડ અને પાસબુક લઇને જ ગયો હતો અને આઠથી દસ મિનિટમાં જ નોંધણી થઈ ગઈ હતી."
નોંધણી થયા પછી પંચાયતના ગ્રામ સેવક અને તલાટી કમ મંત્રી દસ્તાવેજની ચકાસણી કરશે. તે પછી સરકાર ચૂકવણી કરશે. સહાય એક હેક્ટરની હોય કે બે હેક્ટરની, તે અંગેની સહાય એક જ તબક્કામાં સાથે જ ચૂકવાશે.
કૃષિમંત્રી જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, "નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલીક સહાય ચુકવણી માટેની પ્રક્રિયા કરવામાં આવશે."
ખેતરમાં એકથી વધારે ખેડૂતનાં નામ હોય તો કેવી રીતે સહાય મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
પડવદર ગામના વીસીઈ હરજીભાઈ સાનીયાએ બીબીસીને જણાવ્યું હતું કે, "અમારા ગામમાં રોજના પચાસથી સાઠ લોકો ફૉર્મ ભરવા આવે છે."
જો એક જમીન ખાતામાં ચાર-પાંચ ખેડૂતોનાં નામ હોય તો, અન્ય ખેડૂતોના સહમતી પત્રક લઈને કોઈ એક ખેડૂતના ખાતામાં રકમ જમા કરવામાં આવશે.
એટલે કે, કોઈ જમીન પર ચાર ખેડૂત નામ ધરાવતા હોય તો તેમાંથી કોઈ એક ખેડૂતના ખાતામાં જ રકમ જમા થશે, જેના માટે બાકીના ત્રણે પોતાની સહમતી આપવાની રહેશે.
બોરિચાએ જણાવ્યું હતું કે, "સાત બારના ઉતારામાં બે કે વધારે ખેડૂતનાં નામ હોય તો એમાં બે સાક્ષીના આધાર કાર્ડ સાથે જમીનના અન્ય વારસદારોનું સહમતીપત્રક લેવાનું રહેશે. તે સહમતીને આધારે કોઈ એક ખેડૂતના ખાતામાં સહાય જમા કરાવવામાં આવશે."

ઇમેજ સ્રોત, Tejas Vaidya
સરકારે સહાય જાહેર કરી એ પછી કોઈ ખેડૂતનું મૃત્યુ થયું હોય તો તેને કેવી રીતે સહાય મળવા પાત્ર રહેશે? એના જવાબમાં બોરિચાએ કહ્યું હતું કે, "સહાય પૅકેજ જાહેર થયું અને પછી કોઈ ખેડૂત ખાતેદારનું મૃત્યુ થયું તો તેમના વારસદારનાં નામ સાત બારમાં હશે નહીં. તે નામ દાખલ કરવાની પ્રક્રિયા પણ 35 દિવસની હોય છે. આ સંજોગોમાં તેમનો પરિવાર તલાટી કમ મંત્રી પાસેથી પેઢીનામું લઇને સહમતીપત્રક જોડીને ફૉર્મ ભરી શકશે."
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન બદલ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર કરોડનું રાહત પૅકેજ જાહેર કર્યું હતું. જિતુભાઈ વાઘાણીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને પૅકેજ અંગે જાહેરાત કરી હતી.
પ્રેસ કૉન્ફરન્સમાં જિતુ વાઘાણીએ કહ્યું હતું કે સરકાર માને છે અને સ્વીકારે છે કે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ પ્રકારનું માવઠું ક્યારેય થયું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












