ગુજરાત : 'ટેકાના ભાવે ખરીદી થશે, બગડેલા પાકનું શું?', રાજકીય પક્ષોના દાવા સામે ખેડૂતોને શું મળશે?

ઇમેજ સ્રોત, Tejas Vaidya
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"માવઠાને લીધે નુકસાની એવી થઈ છે કે પાક અડધો થઈ ગયો છે. દોઢસો મણ નીકળે તેને બદલે સો મણ નીકળે છે. માલ કાળો થઈ ગયો છે. સર્વેની કામગીરી માટે ખંઢેરિમાં કોઈ આવ્યું નથી."
રાજકોટ પાસેના ખંઢેરી ગામના ખેડૂત મૂળુભાઈએ આ વ્યથા બીબીસી ગુજરાતી સમક્ષ છ નવેમ્બરે ઠાલવી હતી.
ગુજરાતમાં કમોસમી માવઠાએ ખેડૂતોની મુસીબત વધારી દીધી છે. સરકારના પ્રાથમિક અંદાજ મુજબ કમોસમી વરસાદમાં રાજ્યમાં 249 તાલુકાના 16,000થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. મગફળી, કપાસ, શાકભાજી, ફૂલો સહિતના પાકને નુકસાન થયું છે.
ખેડૂતોના મુદ્દે વિપક્ષ તરીકે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સરકારને ઘેરી રહ્યા છે. તો સરકારે પણ સર્વેની કામગીરી અને અમલવારીની તૈયારી શરૂ કરી દીધી છે. તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતની આ સમસ્યાનો પડઘો પડે તો નવાઈ નહીં.
વિપક્ષ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી શું કહે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
કૉંગ્રેસ છથી તેર નવેમ્બર દરમિયાન કાઠિયાવાડમાં ખેડૂત આક્રોશ યાત્રા કાઢી રહી છે. જેમાં સૌરાષ્ટ્રના દસ જિલ્લાને સાંકળવામાં આવશે. લાલજી દેસાઈએ કહ્યું હતું કે, ખેડૂતોનાં દેવાં માફ કરવામાં આવે તેવી માગ સાથે આ યાત્રા નીકળી છે.
આ યાત્રામાં કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના પાર્ટીના આગેવાનો જોડાવાના છે.
તુષાર ચૌધરી અને અમિત ચાવડાએ એક પત્ર પાંચ નવેમ્બરના રોજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને લખીને જણાવ્યું હતું કે, "સરકારના પ્રાથમિક અંદાજ મુજબ કમોસમી વરસાદમાં રાજ્યમાં 249 તાલુકાના 16,000થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે.
ખેડૂતોએ લીધેલા બૅન્કનાં ધિરાણ પણ ભરી શકવાની હાલતમાં તેઓ નથી. ખેડૂતોને સંપૂર્ણ દેવાની માફી આપવામાં આવે. સરકાર માફી આપશે તો કૉંગ્રેસના ધારાસભ્યો તેમનો પગાર સહયોગ સ્વરૂપે સરકારને આપશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત પ્રદેશ કિસાન કૉંગ્રેસના ચૅરમૅન પાલ આંબલિયાએ કહ્યું હતું કે, "10 ઑગસ્ટ, 2020ના રોજથી ગુજરાતમાં પ્રધાનમંત્રી પાકવીમા યોજના બંધ થઈ તેના કારણે ખેડૂત માત્ર રામભરોસે અને સરકારની સહાય અને પૅકેજ આધારિત થઈ ગયો છે."
સરકારના પેટનું પાણી હલતું નથી - આપ

ઇમેજ સ્રોત, Tejas Vaidya
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસની જેમ જ આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોનાં દેવાં માફ કરવાની માગ કરી છે.
2 નવેમ્બરે એક પત્રકાર સભા ભરીને આમ આદમી પાર્ટીના નેતા અને વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "તમામ ખેડૂતોની માગ છે કે દેવા માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે. ભાજપ સરકાર સર્વેનું નાટક કરી રહી છે. અલગ-અલગ મંત્રીઓના અલગ નિવેદન આવે છે."
માવઠાને લીધે ખેડૂતોને ત્રેવડો માર પડ્યો છે એમ કહીને ગોપાલ ઇટાલિયાએ સમજાવ્યું હતું કે,
"ચોમાસુ સિઝનમાં તુવેર કે સોયાબીન કે કપાસનું વાવેતર કર્યું હતું તેનું માવઠાને કારણે નુકસાન થયું છે. કેટલાક ખેડૂતોની જમીન માવઠાને કારણે ધોવાઈ ગઈ છે અને કેટલાકને રવી પાકનાં બીજ ફૂટી ગયાં છે તે પાકનું વાવેતર માવઠાને લીધે બગડી ગયું છે."
આમ આદમી પાર્ટીએ માગ કરી હતી કે, "કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર હેક્ટર દીઠ સહાય કરવામાં આવે. સરકાર સહાય જાહેર કરશે તો જમીનમાલિકને કરશે, જેણે વાવવા રાખ્યું છે તેનું શું? જે લોકો ખેતમજૂરી કરે છે તેમને પણ સહાય વખતે ધ્યાનમાં રાખવા જોઈએ."
ગોપાલ ઇટાલિયાએ પંજાબ સરકારનો હવાલો આપીને કહ્યું હતું કે "જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ પચાસ હજારની સહાય આપે છે તેમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ પચાસ હજારની સહાય કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાના કૉમન સર્વે કરીને આપી દેવામાં આવે."
31 ઑક્ટોબરે દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને સુરેન્દ્રનગરના સુદામડા ગામે સભા સંબોધી હતી. કેજરીવાલ અને ભગવંત માને ગુજરાત સરકારના ખેડૂત પ્રત્યેના વલણની ખૂબ ટીકા કરી હતી.
તો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ચાર નવેમ્બરે સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી. ત્યાં ખેડૂતોને મળ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, "પંજાબની અંદર અતિવૃષ્ટિ થઈ ત્યારે ભાજપના નેતાઓએ પંજાબમાં જઈને જાહેર સભા નહોતી કરી, પંજાબના લોકોની લાગણી દુભાય તેવું કામ નથી કર્યું. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંજાબમાં અતિવૃષ્ટિના કપરા સમયે અંદાજે 22 બોગી અને 700 ટન કરતાં વધુ માલસામાન પંજાબની જનતા માટે મોકલી લોકોની મદદ કરી હતી."
રાજ્ય સરકારનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Govt. Info. Dept.
જેતુભાઈ ચાવડા નામના ખેડૂત રાજકોટની એપીએમસીમાં પાક વેચવા આવ્યા હતા.
"તેમણે કહ્યું હતું કે, કમોસમી વરસાદને લીધે ઘાસચારોય બગડી ગયો છે. ઢોરના મોઢામાં કંઈ આવ્યું નથી. આ વર્ષ નકામું જ ગયું છે. સરકાર કંઈક સહાય નાખે તો સારું નહિતર ગાંઠનાય છૂટે એમ નથી."
કમોસમી વરસાદ પછી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપરાંત જિતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા સહિતના મંત્રીઓએ માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને ખેડૂતોની મુલાકાત લીધી હતી. તે પછી ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, નુકસાનીનો સર્વે પૂર્ણ થતાવેંત જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પૅકેજ જાહેર કરવાની દિશામાં કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે.
ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ અને સપ્ટેમ્બર-2025માં થયેલા ભારે વરસાદથી થયેલા પાક નુકસાન માટે 5 જિલ્લાના 18 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેટે કુલ 947 કરોડનું કૃષિ રાહત પૅકેજ સરકારે વીસ ઑક્ટોબરે જાહેર કર્યું હતું. જોકે, એ પછી પણ ખેડૂતોએ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો.
પાંચ નવેમ્બરે કૃષિમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું હતું કે, "આજે ખેડૂત દુખી છે અને તેના દુખમાં તેમની પડખે મુખ્ય મંત્રી સહિત ભાજપની સરકાર ઊભી છે. આજે રાજનીતિનો સમય નથી. ખેડૂતની પડખે ઊભા રહીને તેને બેઠો કરવાનો સમય છે. ખેડૂતોના ખભે બેસીને રાજનીતિ કરવમાં ભાજપ ક્યારેય માનતી નથી. નુકસાની સર્વેના નિયમો હોય છે. ખેડૂતોની મુસીબત જોઈને સરકારે નિયમોથી ઉપર ઊઠીને ખેડૂતની મદદ માટે આગળ આવી રહી છે. રાજ્યના તમામ અહેવાલ મગાવી લીધા છે."
ટેકાના ભાવે ખરીદીની જાહેરાત પછી ખેડૂતોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Tejas Vaidya
કૃષિમંત્રી જિતુ વાઘાણીએ છ નવેમ્બરે જાહેરાત કરી હતી કે, નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 480 રૂપિયા, અડદના ભાવમાં 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 436 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથેનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે.
જોકે, ખેડૂતો આ જાહેરાતથી ખુશ હોય તેવું જણાતું નથી. ખેડૂત શામજીભાઈ દોંગાએ કહ્યું હતું કે, "સરકાર ટેકાના ભાવે ખરીદવાની વાત કરે છે, પણ માવઠાના મારથી મારી જે મગફળી બગડી ગઈ છે તે થોડી સરકાર રાખશે? તેથી મારે તો જે ભાવ મળે એમાં કાઢી જ નાખવી પડે તેમ છે. ટેકાના ભાવમાં તો સારી મગફળી જ લે, આવી રિજેક્ટ કરી નાખે. તેથી અમારે તો માલ લઈને આવવાનું વાહનનું ભાડુંય ચઢી જાય."
મૂળુભાઈએ કહ્યું હતું કે, "છ નવેમ્બરે હું મગફળી વેચવા આવ્યો તો 1100 રૂપિયાય મણે નથી મળ્યા."
નવ તારીખથી સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની છે. તેમાં કેમ ન વેચી? તેમણે કહ્યું કે, "ટેકાના ભાવે વેચવા જઈએ તો કયા દિવસે વારો આવે? એમાં બે મહિને વારો આવે તો શું કરી લેવું? અમારે વાવેતર માટે મજૂરોને ચૂકવવા પૈસા તો જોઈએ ને?"
જાણીતા પત્રકાર જગદીશ આચાર્યે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "કૉંગ્રેસ અને આપ બંને ભાજપ સરકાર પર ભીંસ વધારી રહ્યા છે. ભાજપ માટે ચિંતાનો વિષય પણ ચોક્કસ છે, કારણ કે આ મુદ્દો ખેડૂતોના હિતને સ્પર્શતો મુદ્દો છે. કોઈ પણ સમયે જ્યારે વળતર આપવામાં આવે ત્યારે ખેડૂતોમાં અસંતોષ હોય જ, કારણ કે કોઈ પણ સરકાર ક્યારેય પણ પૂરેપૂરું વળતર ન આપી શકે."
"વળતરના દાવા અંગે પણ વિવાદ હોય. તેથી થાય એવું કે, જે ખેડૂતોની ભાજપ પ્રત્યેની લાગણી ન હોય કે ઢચુંપચું હોય ત્યારે વિ૫ક્ષ તેને વાચા આપે તો તે ખેડૂતોન ભાજપ પ્રત્યે અભાવ થાય. એની અસર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે."
તેમણે કહ્યુ કે ભાજપને પણ આ બાબતનો અંદાજ છે જ, તેથી મુખ્ય મંત્રી, કૃષિમંત્રી સહિતના મંત્રીઓ ખેડૂતોના ખેતરે જઈને તેમને સધિયારો આપવા ગયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












