ભારતમાં બૅન્ક ખાતાંમાં પડેલા 75 હજાર કરોડ રૂપિયાના કોઈ દાવેદાર નથી, તમારા પૈસા હોય તો કેવી રીતે મેળવવા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમૃતા દુર્વે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
શું તમે તમારા જૂનાં બૅન્ક ખાતામાં જમા થયેલા પૈસા વિશે ભૂલી ગયા છો?
આમ પૂછવાનું કારણ એ છે કે આરબીઆઈએ ખાતેદારોને તેમના પૈસા પાછા અપાવવા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે.
ભારતમાં લાખો એવાં ખાતાંઓ છે જેમાં જમા પૈસા વિશે જમા કરનાર વ્યક્તિઓ કે તેમના ઉત્તરાધિકારીઓએ કોઈ દાવો કર્યો નથી. આ જમા થયેલા પૈસાનું શું થાય છે?
જો તમે લાંબા સમય સુધી તમારા ખાતાનો ઉપયોગ ન કર્યો હોય તો તેમાં જમા પૈસાનું શું થાય છે? આ પૈસાને કેવી રીતે પાછા મેળવવા? આવો જાણીએ...
જો તમે લગભગ બે વર્ષ સુધી તમારા બૅન્ક ખાતાનો ઉપયોગ નહીં કર્યો હોય તો તેને નિષ્ક્રિય ખાતું (ડૉર્મેટ અકાઉન્ટ) કહેવામાં આવે છે. જો ખાતું 2થી લઈને 10 વર્ષ સુધી નિષ્ક્રિય રહે તો તેને ઇનઑપરેટિવ અકાઉન્ટ કહેવામાં આવે છે.
બૅન્કોમાં બચત ખાતું અથવા ચાલુ ખાતું કે જેનું સંચાલન 10 વર્ષો સુધી ન કરવામાં આવ્યું હોય, ટર્મ ડિપૉઝિટ્સ કે જેના પર પાકતી તારીખ પછી 10 વર્ષ સુધી દાવો ન કરવામાં આવ્યો હોય તેને અનક્લેઇમ્ડ ડિપૉઝિટ જાહેર કરવામાં આવે છે.
આવા કિસ્સામાં બૅન્ક આવાં તમામ ખાતાંમાંથી ડિપૉઝિટને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડિપૉઝિટર ઍજ્યુકેશન ઍન્ડ અવેરનેસ ફંડ(ડીઈએ)માં જમા કરે છે.
ઑગસ્ટ, 2025ની સ્થિતિ પ્રમાણે બૅન્કોએ આવું 75 હજાર કરોડનું ફંડ રિઝર્વ બૅન્કના આ ખાતામાં જમા કરેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આ પૈસા રિઝર્વ બૅન્કના આ ખાતા સુધી પહોંચે તેનો મતલબ એવો થાય કે તમારા પૈસા ગયા? તો તેનો જવાબ છે ના. ખાતાધારકો કે વારસદારો આ પૈસા પાછા મેળવી શકે છે.
પૈસા પાછા મેળવવા શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે કોઈ બચતખાતા કે ચાલુ ખાતાનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે તો પૈસા એમ જ પડ્યા રહેતા હોય છે. ઘણી વાર પરિવારના કોઈ સદસ્યના મૃત્યુ પછી આવું થતું હોય છે. અમુક વાર પરિવારના સદસ્યને પણ તેના વિશે જાણકારી હોતી નથી.
બૅન્ક ખાતાધારકો કે તેમના વારસદારો પોતે જ આવા કોઈ દાવા વગરની ધનરાશિને પાછી મેળવવા માટે આવેદન કરી શકે છે.
તેના માટે રિઝર્વ બૅન્કે ઑગસ્ટ 2023માં ઉદ્ગમ (Udgam- Unclaimed deposits- Gateway to accelerated information)નામથી એક પૉર્ટલ લૉન્ચ કર્યું છે.
આ પૉર્ટલ પર દેશની 30 સરકારી અને પ્રાઇવેટ બૅન્કની યાદી છે. તમે હોમપેજ પર તેની યાદી જોઈ શકો છો. આરબીઆઈએ જણાવ્યું છે કે જેના માટે કોઈએ દાવેદારી નથી કરી એ રકમ આ જ બૅન્કોમાં પડી છે.
આ પ્લૅટફૉર્મ પર રજિસ્ટર કરીને તમે તમારી અનક્લેઇમ્ડ ડિપૉઝિટની જાણકારી મેળવી શકો છો.
આ સ્ટેપ્સને અનુસરો

ઇમેજ સ્રોત, Getty Images
- ઉદ્ગમ પૉર્ટલ પર સૌપ્રથમ તમારે તમારું નામ અને મોબાઇલ નંબર દાખલ કરીને લૉગ ઇન કરવું પડશે. ત્યાર પછી તમે પાસવર્ડ અને મોબાઇલ પર આવેલા ઓટીપીની મદદથી લૉગ ઇન કરી શકો છો.
- પછી આગળ સર્ચ પૉર્ટલ દેખાશે જેમાં તમે 'ઇન્ડિવિડ્યુઅલ' કૅટેગરીમાં ખાતેદારનું નામ અને બૅન્કનું નામ દાખલ કરીને ડિપૉઝિટ્સ અંગે માહિતી મેળવી શકો છો.
- અહીં તમે તમામ ડિપૉઝિટ્સની જાણકારી મેળવી શકો છો. પછી તમે તમારી બૅન્કમાં એ માહિતી આપશો. બૅન્કમાં જતી વખતે તમારે કેવાયસી માટે આધાર, પાસપૉર્ટ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડમાંથી કોઈ દસ્તાવેજ પુરાવા માટે આપવો પડશે.
- ત્યાર બાદ તમારે બૅન્કમાં ઍપ્લિકેશન આપવી પડશે જેને તમે બૅન્કની વેબસાઇટમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. આ ઍપ્લિકેશનમાં તમારે સરનામું અને લેટેસ્ટ ફોટો પણ જોડવાનો રહેશે.
- જો તમે નૉમિની તરીકે કે અન્ય કાયદાકીય સપોર્ટર તરીકે અરજી આપી રહ્યા છો તો તમારે બૅન્કને અન્ય જરૂરી દસ્તાવેજો પણ આપવા પડશે.
- તમારા આ ક્લેઇમનું વેરિફિકેશન થઈ જશે ત્યારે બૅન્ક તમારા પૈસાને નિશ્ચિત મળતા વ્યાજ સાથે પરત આપી દેશે.
રિઝર્વ બૅન્ક અનુસાર હજુ સુધી કોઈ એવો નિયમ નથી કે તમે આ પૈસા પર કેટલાં વર્ષ સુધી દાવો કરી શકો. હાલના નિયમો પ્રમાણે જ્યારે તમને યાદ આવે કે ખબર પડે ત્યારે તમે દાવો કરી શકો છો.
આરબીઆઈ તેના માટે સ્પેશિયલ કૅમ્પનું પણ ડિસેમ્બર, 2025 સુધી આયોજન કરવાની છે.પરંતુ તમે તેના પછી પણ ડિપૉઝિટ પાછી મેળવી શકો છો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












