એઇડ્સમાં પતિને ગુમાવ્યા, પરિવારે સાથ છોડ્યો, HIVનો સામનો કરનાર રત્ના જાધવની કહાણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મહારાષ્ટ્ર, મહિલા, એઇડ્સ, એઇડ્સ દિવસ, સ્વાસ્થ્ય, હેલ્થ, HIV, એચઆઇવી

ઇમેજ સ્રોત, WWW.JAMKHED.ORG

ઇમેજ કૅપ્શન, રત્ના જાધવ
    • લેેખક, અભિજિત કાંબલે
    • પદ, એડિટર, બીબીસી ન્યૂઝ

લગ્નનાં અમુક વર્ષો બાદ જ તેમના પતિનું HIVમાં મૃત્યુ થઈ ગયું. એ બાદ, 11 માસ સુધી તેઓ પેટની ફોલ્લીઓ સામે ઝઝૂમતાં રહ્યાં. આ મુશ્કેલીને કારણે તેમણે ઝેર પીને આપઘાત કરવાની કોશિશ પણ કરી, પરંતુ તેમના માટે કુદરતે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું.

રત્ના જાધવે 1 ડિસેમ્બર 2017ના રોજ સ્વિટ્ઝર્લૅન્ડમાં વર્લ્ડ એઇડ્સ દિવસે આયોજિત એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લીધો. આ રત્ના જાધવની ભલભલાને આશ્ચર્યચકિત કરી મૂકે એવી કહાણી છે.

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કરજત તાલુકામાં આવેલા તકલી ખાંડેશ્વરી ગામની આ વાત છે. અહીં રત્ના જાધવ 15 વર્ષની ઉંમરે એક ડ્રાઇવર સાથે લગ્ન થયાં.

તેઓ અને તેમના પતિ પનવેલમાં સ્થાયી થયાં. પરંતુ દોઢ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં તેમના પતિ બીમાર પડવા લાગ્યા. બરાબર એ જ સમયે રત્ના ગર્ભવતી પણ બન્યાં.

નવમા મહિને, રત્ના બાળકના જન્મ માટે પોતાનાં માતાના ઘરે ગયાં. જોકે, બીજી બાજુ પનવેલમાં તેમના પતિની તબિયત લથડતી જતી હતી. એ દરમિયાન જ રત્નાએ એક પુત્રને જન્મ આપ્યો.

બાળક અમુક અઠવાડિયાનું હતું ત્યારે જ રત્નાનાં સાસુ ત્યાં પહોંચી ગયાં અને તેમને ઉતાવળે પનવેલ પરત લઈ ગયાં.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

પરંતુ પતિને શું થયું હતું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મહારાષ્ટ્ર, મહિલા, એઇડ્સ, એઇડ્સ દિવસ, સ્વાસ્થ્ય, હેલ્થ, HIV, એચઆઇવી

ઇમેજ સ્રોત, WWW.JAMKHED.ORG

પનવેલ પહોંચીને રત્ના આશ્ચર્યચકિત થઈ ગયાં. બીમારી દરમિયાન તેમના પતિની તપાસ કરાવાઈ હતી, જેમાં તેઓ HIV પૉઝિટિવ હોવાનું માલૂમ પડ્યું.

રત્ના તો ચકિત થઈ ગયાં. હવે તેમની પણ HIV માટેની તપાસ કરાવવી પડે એમ હતું.

રત્નાની તપાસ મુંબઈમાં કરાઈ અને દુર્ભાગ્યે તેમને જેનો ભય હતો એ જ થયું. પતિથી તેમને પણ HIVનો ચેપ લાગ્યો હતો. આ સાથે જ શરૂઆત થઈ એક પીડાદાયક અને મુશ્કેલ સફરની.

રત્નાના ખુદના શબ્દોમાં જણાવીએ તો, "હું અને મારા પતિ બંને HIV પૉઝિટિવ હોવાની જાણ થતાં અમને પહેલો ઝટકો લાગ્યો. અમારે અમે જે સોસાયટીમાં રહેતાં હતાં એ છોડવાની ફરજ પડી. અમારી માંદગી વિશે જાણ થતાં, અમુક લોકોએ અમારા ત્યાં રહેવાની વાતનો વિરોધ કર્યો હતો."

"એ બાદ બીડ જિલ્લામાં આવેલા મારા પતિના ગામડે આવી ગયાં. ત્યાં આવ્યાને હજુ થોડા દિવસ જ થયા હતા અને ગામલોકોએ અમને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. મારા સાસરી પક્ષના લોકોને પણ લાગવા માંડ્યું કે અમારે તેમની સાથે ન રહેવું જોઈએ. અંતે, અમારે ગામ છોડી દેવું પડ્યું અને ખેતરમાં આશરો લેવો પડ્યો."

રત્ના કહે છે કે, "ધીરે ધીરે મારા પતિની તબિયત વધુ બગડવા લાગી. હું હૉસ્પિટલ ગઈ તો ત્યાં ડૉક્ટરે મને હાથ લગાડવાનીય ના પાડી દીધી. અંતે 2011માં તેમનું મૃત્યુ થઈ ગયું."

સાસરિયાં અને પીયર પક્ષે પણ તરછોડ્યાં

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમના પતિના મૃત્યુ બાદ તેમના સાસરી પક્ષના લોકો તેમને પોતાને ત્યાં રહેવા દેવા માગતા નહોતા. તેથી તેઓ તેમનાં માતાના ઘરે આવી ગયાં અને ત્યાં જ રહેવા લાગ્યાં.

રત્ના પોતાની કહાણી જણાવતાં આગળ કહે છે કે, "પરંતુ મારાં માતાનેય તેમના મિત્રોએ 'જો આને તું તારી સાથે રાખીશ, તો તને પણ આ બીમારી લાગશે' કહીને HIVથી ગભરાવી દીધાં હતાં."

"તેથી મારાં માતાનેય મારાં ભાઈબહેનોને મારા કારણે HIV લાગશે એવો ભય લાગવા માંડ્યો. મારાં માતા મને દૂર રાખવા માંડ્યાં. અંતે, હું મારા પુત્ર સાથે અલગ રહેવા લાગી."

પોતાની સંઘર્ષગાથા આગળ જણાવતાં તેઓ કહે છે, "શરૂઆતમાં મેં ઘરકામ અને ખેતરમાં કામ કર્યું. પરંતુ થોડા દિવસ કામ કર્યા બાદ એ લોકોનેય મારી માંદગી વિશે ખબર પડી અને એ કામ પણ હાથમાંથી ગયું."

તેમણે અમુક દિવસ સુધી તો રીતસર ભૂખ્યાં રહેવું પડ્યું. એ બાદ તેમને ખાતરીવાળી નોકરી મળી.

એ બાદ એક દિવસ જ્યારે તેઓ ઘરે પરત ફર્યાં ત્યારે તેમણે જોયું કે તેમનો 11 માસનો પુત્ર મૃત્યુ પામ્યો છે.

"મારા પુત્રને ગુમાવવાનું દુ:ખ મારા માટે અસહ્ય હતું. મને લાગવા માંડ્યું કે હવે જીવવાનો કોઈ અર્થ નથી અને આવું વિચારીને મેં ઝેર ગટગટાવી લીધું."

પરંતુ રત્નાના પાડોશીઓએ તેમને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડ્યાં, જેથી તેમનો જીવ બચી ગયો.

નવા જીવનની શરૂઆત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મહારાષ્ટ્ર, મહિલા, એઇડ્સ, એઇડ્સ દિવસ, સ્વાસ્થ્ય, હેલ્થ, HIV, એચઆઇવી

ઇમેજ સ્રોત, WWW.JAMKHED.ORG

પતિ ગુમાવ્યા, પુત્ર ગુમાવ્યો અને બાદમાં આત્મહત્યાનો પ્રયાસેય કર્યો.પરંતુ રત્નાના નસીબમાં આગળ જે બનવાનું હતું તેની કોઈને ખબર નહોતી.

પોતાની આગળની સફર અંગે તેઓ કહે છે કે, "એ બાદ, જામખેડમાં એક ગ્રામીણ હેલ્થ પ્રોજેક્ટમાં કામ કરતાં હેલ્થ વર્કર મારા સંપર્કમાં આવ્યાં. તેઓ મને પ્રોજેક્ટ ડિરેક્ટર, ડૉ. રજનીકાંત અરોલે પાસે લઈ ગયા. તેમણે તરત મારી દવા શરૂ કરી."

આ સાથે જ ડૉ. અરોલેએ રત્નાને પ્રોજેક્ટના ખડકટમ ફાર્મ ખાતે નોકરી પણ આપી. તેમણે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ આ રોગ અને તેનાથી સર્જાયેલી સામાજિક મુશ્કેલીઓ ઊભી થવાનું ચાલુ જ રહ્યું.

તેઓ કહે છે કે, "ફાર્મમાં કામ કરતા અન્ય લોકોએ મારી અવગણના કરવાનું શરૂ કરી દીધું હતું."

"પરંતુ જ્યારે ડૉ. અરોલેને આ વાતની જાણ થઈ તો તેઓ એક વખત ફાર્મ આવ્યા. બધા જમવા બેઠા, અને ડૉ.અરોલે મને પાસે બેસાડીને પોતાની થાળીમાંથી જમાડી. મારી સાથે કામ કરનારા ચકિત હતા."

બાદમાં ડૉ. અરોલેએ પ્રોજેક્ટમાં કામ કરતા લોકોને સમજાવ્યું કે આ રોગ સાથે રહેવાથી નથી લાગતો.

રત્ના કહે છે કે, "એ બાદ બધાએ મને અપનાવી લીધી."

"એ બાદ, મેં મારી જાતને ગળાડૂબ કામમાં રાખવાનું શરૂ કરી દીધું. હું એક પછી એક કરીને નવું નવું શીખતી જઈ રહી હતી. મેં નર્સરી બનાવવાનું કામ શીખ્યું, અળસિયા ખાતર બનાવવાની તાલીમ મેળવી. મેં મરઘાપાલન અને બકરાઉછેરની પણ તાલીમ મેળવી. તેના કારણે હું મારું દુ:ખ ભૂલી જ ગઈ."

ગ્રામીણ હેલ્થ પ્રોજેક્ટના ઍગ્રિકલ્ચરલ રિસર્ચ સેન્ટરમાં વર્કર તરીકે જોડાયેલાં રત્ના હાલ સેન્ટરનાં મૅનેજર બની ચૂક્યાં છે. તેઓ હાલ ખેતીક્ષેત્રે નવા નવા પ્રયોગો કરી રહ્યાં છે. તેઓ બકરાઉછેર પ્રોજેક્ટ ચલાવવાની સાથોસાથ ગાય અને બળદની પણ સંભાળ રાખે છે.

આટલું જ નહીં, મુલાકાતીઓને અળસિયા ખાતરના પ્રોજેક્ટ અંગે માહિતગાર કરવા અને ખેડૂત મીટિંગમાં માર્ગદર્શન આપવું એ પણ રત્નાની જવાબદારી છે.

ખેતી સિવાય, રત્ના સેલ્ફ-હેલ્પ ગ્રૂપ્સમાં પણ ઍક્ટિવ છે. તેઓ સેલ્ફ-હેલ્પ ગ્રૂપ ચલાવતાં મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડે છે.

રત્નાથી અંતર જાળવતા લોકો હવે તેમને માનથી બોલાવે છે. હવે સંબંધીઓ પણ તેમને લગ્નો અને અન્ય પ્રસંગોમાં બોલાવે છે.

બાદમાં રત્નાએ પોતાનાં બહેનની ત્રણ વર્ષીય દીકરીને દત્તક લીધી હતી. હાલ, એ દીકરી 11મા ધોરણમાં ભણે છે.

એઇડ્સ સાથે જીવતા લોકો માટે પ્રેરણારૂપ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મહારાષ્ટ્ર, મહિલા, એઇડ્સ, એઇડ્સ દિવસ, સ્વાસ્થ્ય, હેલ્થ, HIV, એચઆઇવી

ઇમેજ સ્રોત, WWW.JAMKHED.ORG

રત્નાએ માત્ર પોતાનું જ જીવન બદલ્યું હોય એવું નથી, પરંતુ સાથે સાથે તેઓ તેમની આસપાના અન્ય લોકો માટે પ્રેરણારૂપ પણ બન્યાં છે.

તેમણે કહ્યું, "જ્યારે HIV સાથે રહેતા લોકો અને તેમના સંબંધીઓ મને મળવા આવે છે, ત્યારે હું તેમને કહું છું કે HIV હોવા છતાં હું હાલ તેમની સામે ઊભી છું. તેમને આ વાતનો વિશ્વાસ નથી બેસતો. તેથી હું તેમને મારા મેડિકલ રિપોર્ટ્સ બતાવું છું."

"રિપોર્ટ બતાવ્યા બાદ તેમને વિશ્વાસ બેસે છે. તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે કે તેઓ પણ HIVના સંઘર્ષો સાથે જીવી શકે છે. એઇડ્સ સાથે જીવતા લોકો અને તેમના સંબંધીઓને હિંમત આપવાના કામથી મને ઘણો સંતોષ મળે છે."

રત્નાના સંઘર્ષ અને વિકટ પરિસ્થિતિનો સામનો કરવાની તેમની સફરને સ્વિટ્ઝર્લૅન્ડમાં આરોગ્ય ક્ષેત્રે કામ કરતી આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંસ્થા જીઆઇસીએએમે પણ બિરદાવી છે.

1 ડિસેમ્બરે એટલે કે વિશ્વ એઇડ્સ દિવસના રોજ રત્નાને લેક્ચર આપવા માટે સ્વિટઝર્લૅન્ડ બોલાવાયાં હતાં.

રત્ના કહે છે કે, "સમાજે HIV-એઇડ્સ સાથે જીવતા લોકો પ્રત્યે પોતાનું વલણ બદલવાની જરૂરી છે. આ કૅન્સર કે ડાયાબિટીસ જેવો એક રોગમાત્ર છે."

"HIV-એઇડ્સ સાથે જીવતા લોકોને માત્ર સારવાર જ નહીં, પરંતુ કામ પણ મળવું જોઈએ. જો તેઓ પગભર થાય તો તેઓ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે અને સૌથી અગત્યની વાત એ છે કે HIV-એઇડ્સગ્રસ્ત દર્દીનાં બાળકો જોડે પણ સામાન્ય વર્તન કરવું જોઈએ."

(HIV હોવા છતાં રત્ના જાધવ પોતાની ઓળખ છુપાવવા નથી માગતાં. તેથી તેમની ઓળખ જાહેર કરાઈ છે અને તસવીરોનો ઉપયોગ કરાયો છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન