પિરિયડ્સનું લોહી આ મહિલાઓ ચહેરા પર કેમ લગાડવા લાગી છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
- લેેખક, અમૃતા પ્રસાદ
- પદ, બીબીસી તામિલ
લોકો સોશિયલ મીડિયા પર 'ટ્રેન્ડ'ના નામે ચાલી રહેલી કોઈ પણ વાતનું અનુસરણ કરતા હોય છે.
મહિલાઓ માટે આવો જ એક ટ્રેન્ડ હાલ જોવા મળી રહ્યો છે, જેમાં 'ત્વચાને ચમકદાર' બનાવવા માટે માસિકસ્રાવનું લોહી ચહેરા પર લગાડવાની વાત છે.
વિદેશમાં ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ જેવાં પ્લૅટફૉર્મ્સ પર શરૂ થયેલી આ પ્રક્રિયા હવે ભારતમાં પણ કેટલાક ઇન્ફ્લુએન્સરો દ્વારા અનુસરવામાં આવી રહી છે.
ઇન્ફ્લુએન્સરોએ આ ટ્રેન્ડને 'મેન્સ્ટ્રુઅલ માસ્કિંગ' નામ આપ્યું છે.
તેમનો દાવો છે કે માસિકસ્રાવના લોહીમાં કુદરતી રીતે રેટિનોલનું પ્રમાણ ખૂબ વધુ હોય છે અને તેને ચહેરાની ત્વચા પર લગાડવાથી ત્વચા સ્વસ્થ અને તેજસ્વી બને છે.
પરંતુ આમાં હકીકત કેટલી? માસિકસ્રાવના લોહીમાં ખરેખર શું હોય છે? આ બધા સવાલોના જવાબ આ અહેવાલમાં મેળવો.
ડૉક્ટર શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ ચલણ અંગે બીબીસીએ ત્વચા રોગના નિષ્ણાત ડૉ. દિનેશકુમાર સાથે વાત કરી. જેમણે આ વાતને 'ખોટી' ગણાવી.
તેમણે કહ્યું, "આ વાત વાઇરલ થઈ રહી હોવા માત્રથી આ લોહી પોતાની ત્વચા પર લગાડવું એ ઠીક નથી. તેનાં ગંભીર પરિણામ હોઈ શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ.દિનેશે આવું ન કરવા માટેનાં નીચે મુજબનાં કારણો આપ્યાં :
- તેનો કોઈ લાભ નથી
- આ સિવાય આવું કરવાથી કોઈ હકારાત્મક અસર થાય એના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી (બીબીસીને આ મુદ્દે કોઈ આધિકારિક અભ્યાસ કે સંશોધન કરાયાં હોવાનું જાણવા મળ્યું નથી.)
- આ સ્વચ્છ પ્રક્રિયા નથી
- માસિકસ્રાવનું લોહી આપણી ત્વચાની અંદર ઊતરી શકતું નથી
- તેમાં કીટાણુ હોવાની ઘણી ખરી શક્યતા છે
- જો ત્વચા પર કોઈ ખુલ્લી ઈજા કે છિદ્રો હોય અને તેના પર માસિકસ્રાવનું લોહી પડે તો તેનાથી ત્વચા પર વધુ ખંજવાળ કે બળતરા થઈ શકે છે
માસિકસ્રાવમાં ખરેખર શું હોય છે?
અમેરિકાની નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન પ્રમાણે, માસિકસ્રાવના લોહીમાં મૃત કે નિષ્ક્રિય પેશીઓ હોય છે.
જ્યારે ગર્ભાધાન ન થાય ત્યારે મહિલાના ગર્ભનું આંતરિક સ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ દર મહિને માસિકસ્રાવના લોહી તરીકે બહાર આવે છે.
જ્યારે એ યોનિમાર્ગેથી બહાર આવે છે ત્યારે યોનિમાર્ગનો સ્રાવ પણ તેમાં ભળે છે.
યોનિમાં કુદરતી રીતે મળી આવતા લેક્ટોબેસિલસ જેવા સૂક્ષ્મ જીવો પણ આ સ્રાવમાં સામેલ થઈ જાય છે.
આ અહેવાલ પ્રમાણે માસિકસ્રાવનું લોહી એ ખરેખર તો આપણા શરીરનો કચરો છે.
શું આ રક્ત લગાડવાથી સુંદરતા વધે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. દિનેશ ચેતવણી આપતા કહે છે કે ચહેરા પર માસિકસ્રાવનું લોહી લગાડવું એ સાવ બિનજરૂરી છે, આ ઉપરાંત એ ચહેરાની નાજુક ત્વચાને નુકસાન કરી શકે છે.
જોકે, તેઓ ધ્યાન દોરતા કહે છે કે સામેની બાજુએ પ્લેટલેટ રિચ પ્લાઝ્મા (પીઆરપી) જેવી મેડિકલ સારવારો પણ ઉપલબ્ધ છે, જેમાં ત્વચાને થયેલ નુકસાનને રિપૅર કરવા માટે આપણા શરીરના લોહીનો ઉપયોગ કરાય છે.
નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના એક અહેવાલ અનુસાર પીઆરપી થૅરપીમાં વ્યક્તિના પોતાના લોહીમાંથી પ્લાઝ્મા કાઢીને શરીરમાં ફરીથી દાખલ કરાય છે.
સારવારના એકથી ત્રણ સેશન બાદ ત્વચા પરનાં ખુલ્લાં છિદ્રો, કરચલીઓ અને કાળા ડાઘ ગાયબ થઈ જાય છે અને ત્વચાનું કોલેજન લેવલ વધી જાય છે.
ડૉ. દીનેશકુમાર કહે છે કે સારી હૉસ્પિટલમાં આવી સારવાર કરાવવી એ સલામત ઉપાય છે.
તેઓ માત્ર આ વાત ટ્રેન્ડમાં હોવાને કારણે લાળ કે માસિકસ્રાવનું લોહી ચહેરા પર લગાડવા સામે ચેતવે છે.
ત્વચાની સંભાળ રાખવા માટે શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. દિનેશકુમાર કહે છે કે ચહેરાની ત્વચા ખૂબ નાજુક હોય છે, તેની સંભાળ રાખવા માટેના નીચે મુજબના ઉપાયો સૂચવે છે :
- ચહેરો ધોવા માટે ફેશ વૉશ કે ક્લેન્ઝરનો ઉપયોગ કરો
- તમારા ચહેરાની ભીનાશ જાળવવા માટે મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો
- બહાર નીકળતી વખતે ઓછામાં ઓછી એસપીએફ 30+ વાળી સનસ્ક્રીન લગાડો
- તમારી ત્વચાના પ્રકારને આધારે સ્કીન કેર પ્રોડક્ટની પસંદગી કરવી જરૂરી છે (શુષ્ક ત્વચા, તૈલી ત્વચા)
- ચમકદાર ત્વચા માટે પૂરતી ઊંઘ અને સારી ભોજનશૈલી એ પૂરતી છે
ડૉ. દીનેશ કહે છે કે આ ઉપાયો સ્વસ્થ ત્વચા માટે પૂરતા છે અને પુરાવા વગરની કોઈ પણ વાત પર મદાર રાખવો જોઈએ નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












