માર્ક તુલીનું નિધન, ભુટ્ટોના કેસથી માંડીને ઇંદિરા ગાંધીની હત્યા સુધી કર્યું હતું રિપોર્ટિંગ

માર્ક તુલી, બીબીસી, બીબીસી પત્રકાર, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સર માર્ક ટલી બીબીસીના સૌથી લોકપ્રિય પત્રકારો પૈકી એક હતા

બીબીસી ઇન્ડિયાના ભૂતપૂર્વ સંવાદદાતા અને વરિષ્ઠ પત્રકાર સર માર્ક તુલીનું રવિવારે નવી દિલ્હીમાં અવસાન થયું. બીબીસીમાં તેમના ભૂતપૂર્વ સહયોગી સતીશ જેકબે મૃત્યુની પુષ્ટિ કરી.

તેઓ લગભગ 90 વર્ષના હતા. બીબીસીમાંથી રાજીનામું આપ્યા બાદ, તેમણે ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામ કર્યું.

માર્ક તુલીનો જન્મ કૉલકાતાના ટોલીગંજમાં થયો હતો, પછી તેઓ લંડન ગયા. પરંતુ તેમના જીવનનો મોટો હિસ્સો તેમણે ભારતમાં વિતાવ્યો છે.

રેડિયો થકી તે ભારતમાં અતિશય લોકપ્રિય અને જાણીતું નામ બન્યા હતા. તેઓ બીબીસીના સૌથી લોકપ્રિય પત્રકારો પૈકી એક હતા.

માર્ક તુલીને તેમના પત્રકારત્વ બદલ નાઇટહૂડ, પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેઓ અનેક ઐતિહાસિક ઘટનાઓના રિપોર્ટિંગ માટે જાણીતા રહ્યા હતા.

વર્ષ 2009માં બીબીસી હિંદી સેવાના વિશેષ કાર્યક્રમ 'એક મુલાકાત'માં તેમણે પોતાના જીવન વિશે વાત કરી હતી.

બીબીસી હિંદી સેવાના ભારત સંપાદક સંજીવ શ્રીવાસ્તવે તેમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. આગળ વાંચો સવાલ જવાબમાં તેમની વાતચીત .

માર્ક ટલીનું બાળપણ ભારતમાં વીત્યું

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમે લોકો જ્યારે પત્રકારત્વમાં આવી રહ્યા હતા અને કોઈ પણ પત્રકારત્વમાં કંઈક કરવાનો પ્રયાસ કરતો તમારી સાથે કે પછી અરુણ શૌરી સાથે તુલના થતી હતી. તમને કેવું લાગે છે?

મને એ ખબર નથી કે લોકો આવું કેમ બોલતા હતા. હું એ નહીં કહું કે મારી કારકિર્દી માત્ર મહેનતનું પરિણામ હતી. મારી કિસ્મત અને ઇશ્વર મારી સાથે હતાં.

હકીકતમાં એ સમયમાં ભારતમાં ટીવી નહોતું કે બહુ ઓછું હતું. રેડિયો માત્ર સરકારમાં હાથમાં હતો. લોકો કહેતા હતા કે ઑલ ઇન્ડિયા રેડિયો સરકારી રેડિયો છે. લોકો અન્ય દૃષ્ટિકોણથી સાંભળવા માગતા હતા એટલે બીબીસી સાંભળતા હતા. હું બીબીસીમાં જોડાયેલો હતો. એટલા માટે મારું નામ મોટું થયું.

આજે પણ જ્યારે અમે ક્યારેક શ્રોતાઓ કે વીઆઇપી વચ્ચે હોઈએ તો લોકો પૂછે છે કે તમારે ત્યાં માર્ક તુલીસાહેબ હતા, એ હવે ક્યાં છે. તો આ રીતની પ્રતિષ્ઠા કે છબિ બનાવવી, બીબીસી એટલે માર્ક તુલી. તો આ રીતની કારકિર્દી બાદ કેવું લાગે છે.

નહીં. એવું કશો અનુભવ થતો નથી. એવું થાય તો મારામાં ઘમંડ આવી જાય. ઘમંડ હોવો એ પત્રકારત્વ માટે સારું નથી. હું યુવા પત્રકારોને પણ એ કહું છું કે પત્રકારત્વ માટે ઘમંડ સૌથી મોટું પાપ છે.

એવું વિચારવું ખોટું છે કે મેં મોટી સ્ટોરી લખી નાખી, હું મોટો પત્રકાર બની ગયો. ઉદાહરણ તરીકે, જ્યારે મેં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ફાંસીની સ્ટોરી કવર કરી ત્યારે તે સ્ટોરી મારી નહીં ભુટ્ટોની હતી. તેથી, જ્યારે પણ લોકો કહે છે કે હું મોટો માણસ છું ત્યારે મને ડર છે કે હું ઘમંડી ન બની જાઉં.

ભુટ્ટોની જેમ તમે પણ ઇન્દિરા ગાંધીની હત્યાને કવર કરી હતી. રાજીવ ગાંધી ટ્રાન્ઝિસ્ટર સાંભળતા હોય તેવો ફોટો. મને ખબર નહીં કે રાજીવ ગાંધી ટ્રાન્ઝિસ્ટર પર શું સાંભળી રહ્યા હતા, પરંતુ લોકો કહે છે કે તેઓ બીબીસી સાંભળી રહ્યા હતા.

પરંતુ હું તમને કહેવા માંગું છું કે ટ્રાન્ઝિસ્ટર પરનો અવાજ માર્ક તુલીનો નહીં, પરંતુ સતીશ જૅકબનો હતો. હું કહીશ કે જો મને સતીશ જૅકબનો ટેકો ન મળ્યો હોત, તો હું કદાચ આટલો પ્રખ્યાત ન થયો હોત.

માર્ક તુલી, બીબીસી, બીબીસી પત્રકાર, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ચાલો, શરૂઆતમાં પાછા ફરીએ. તમારો જન્મ ભારતમાં થયો અને પછી તમે લંડન ગયા. તમારા જીવન અંગે થોડું જણાવશો?

મારો જન્મ કોલકાતાના ટૉલીગંજમાં થયો. મારા પિતા ત્યાં એક કંપનીમાં ગ્લૅન્ડર રૉબર્ટ્સનૉબમાં ભાગીદાર હતા. આ કંપની એ સમયે બહુ મોટી હતી અને તેના કબજામાં કોલસાની ખાણો, રેલવો અને વીમા કંપનીઓ હતી. મારી માતાનો જન્મ બાંગ્લાદેશમાં એક નાની જગ્યા ઑકેરા જંક્શનમાં થયો હતો. આજે પણ ત્યાં એક ટ્રેનથી જઈ શકાય છે.

10-15 વરસ પહેલાં હું ઑકેરા જંક્શન ગયો હતો ત્યારે સ્ટેશન માસ્તરે મને પૂછ્યું કે હું અહીં કેમ આવ્યો છું. મેં તેમને કહ્યું કે મારી માતાનો જન્મ અહીં થયો હતો. તેમનો જવાબ હતો કે તો તો તમારું નાગરિક સ્વાગત થવું જોઈએ. હું ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો.

મારું બાળપણ કોલકાતા વીત્યું. અમે ભારતીય બાળકો સાથે રમતા નહોતા. અમે અંગ્રેજી બાળકો સાથે શાળામાં અભ્યાસ કરતા હતા. એટલે સુધી કે મેં થોડું હિન્દી લખવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ મારી પાછળ 24 કલાક માટે એક આયા રોકી દીધી, જેથી હું હિંદી ભાષા ન શીખી શકું. મને કહેવાયું કે રસોઇયા કે અન્ય નોકરોની ખૂબ નજીક ન જઈ શકું.

એક વાર મારાં માતાપિતાના ડ્રાઇવર સાથે હું હિંદીમાં ગણતરી કરતો હતો, ત્યારે મારી નોકરાણીએ મને લાફો માર્યો અને કહ્યું કે આ તમારી ભાષા નથી. એટલે બાળપણથી અમને હિંદી કે બંગાળી શીખવાની તક મળી ન હતી.

માર્ક તુલી, બીબીસી, બીબીસી પત્રકાર, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ram Dutt Triphati

પછી અભ્યાસ કર્યો, સ્કૂલ-કૉલેજ?

હું ઇંગ્લૅન્ડમાં એક પબ્લિક સ્કૂલમાં ભણ્યો. એ છોકરાની સ્કૂલ હતી. તોફાન કરો કે યોગ્ય અભ્યાસ ન કરો તો ટીચર ખૂબ માર મારતા હતા. પછી હું બે વરસ માટે સેનામાં પણ ગયો, પરંતુ સેના ક્યારેય પસંદ ન આવી. પછી હું કૅમ્બ્રિજ યુનિર્સિટી ગયો. ત્યાં મેં ઇતિહાસ અને ધાર્મિક અભ્યાસ કર્યો. મેં પાદરી બનવાનું વિચાર્યું હતું, પરંતુ અભ્યાસ ન થઈ શક્યો.

પાંચ વરસ સુધી મેં દાર્જિલિંગની એક બૉર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો. પછી હું ઇંગ્લૅન્ડ ગયો. 21 વર્ષ સુધી માત્ર અભ્યાસ થયો. જ્યારે હું યુનિવર્સિટી પહોંચ્યો ત્યારે મને સ્વતંત્રતાનો અહેસાસ થયો. અભ્યાસ બહુ ઓછો કરતા, રમતાં રહેતાં અને છોકરીઓ પાછળ ભાગતાં.

નવ વર્ષની ઉંમરે જ્યારે તમે કોલકાતાથી ઇંગ્લૅન્ડ ગયા ત્યારે તમને કેવું લાગ્યું?

મને લાગ્યું કે હું ખૂબ જ ખરાબ જગ્યાએ આવી ગયો છું. આનાં બે કે ત્રણ કારણ હતાં. પહેલું, ત્યાંનું હવામાન ખૂબ ખરાબ હતું અને ખૂબ ઓછો સૂર્યપ્રકાશ હતો. ભારતમાં અમારી પાસે ઘણા નોકરો હતા, ત્યાં અમારે બધું કામ જાતે કરવું પડતું.

ભારતમાં મારા ઘણા મિત્રો હતા, ત્યાં બહુ મિત્રતા નહોતી. ત્યાં પહોંચતાની સાથે જ મને શાળામાં દાખલ કરી દીધો. શિક્ષકો ખૂબ જ કડક અને કઠોર હતા. દાર્જિલિંગમાં અમારી શાળા ખૂબ સારી હતી.

સેનામાંથી આવ્યા, કૅમ્બ્રિજમાં ઇતિહાસ અને થિયોલૉજી ભણ્યા, પછી બીબીસી સાથે કેવી રીતે જોડાયા?

એ પણ અકસ્માતે થયું, જ્યારે હું પાદરી બનવા માટે પૂરતો અભ્યાસ ન કરી શક્યો. પ્રિન્સિપાલે મને બોલાવીને કહ્યું કે તમે સારા માણસ છો, પરંતુ ગંભીર નથી. આથી તમે લોકોને ઉપદેશ ન આપો અને પબ્લિક હાઉસમાં રહો.

પછી મેં વૃદ્ધોને મદદ કરતી એક એનજીઓમાં ચાર વર્ષ કામ કર્યું.

સંયોગવશાત મેં એક જાહેરાત જોઈ અને બીબીસીમાં અરજી કરી, પરંતુ મને પત્રકારત્વની તક ન મળી. હું ત્યાં પર્સનલ ડિપાર્ટમેન્ટમાં હતો, બાબુગીરીનું કામ હતું.

મને એક વર્ષ પછી ભારત આવવાની તક મળી. જ્યારે મારો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો ત્યારે તેમને આશા હતી કે મેં નવ વર્ષ ભારતમાં ગાળ્યા છે, આથી મને થોડી હિંદી આવડતી હશે, પરંતુ મને ફક્ત નાની-મોટી કવિતા જ આવડતી હતી.

તો હું ભારત આવ્યા, ત્યારે શું તમને પત્રકારત્વ કરવાની તક મળી?

ખરેખર, જ્યારે હું ભારત આવ્યો ત્યારે હું પર્સનલ વિભાગમાં જ હતો. ત્યાં બહુ કામ નહોતું. મેં જાતે પત્રકાર બનવાનું નક્કી કર્યું. હું ટેલિવિઝન ટીમની મદદ કરતો હતો.

મેં સૌથી પહેલા સ્ટેટ્સમેન વિન્ટેજ કાર રેલી પર એક ફીચર લખ્યું હતું. એ સમયે નિર્માતા એક મહિલા હતી અને તેમને તે બહુ ગમ્યું હતું.

તમે બાળપણમાં હિન્દી ન શીખી શક્યા. પછી તમે ઇંગ્લૅન્ડ ગયા. તો તમે હિન્દી બોલતા કેવી રીતે શીખ્યા?

મેં હિન્દી બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારી પત્રકારત્વ કારકિર્દી દરમિયાન કામનું ભારણ ખૂબ વધી ગયું. હું નિયમિત રીતે હિન્દી શીખી શકતો નહોતો, મેં અખબારો વાંચી-લખીને હિન્દી શીખી.

હું હંમેશાં કહું છું કે આ દેશ માટે ખૂબ જ શરમજનક વાત છે કે જ્યારે પણ હું કોઈની સાથે હિન્દી બોલવાનો પ્રયાસ કરું છું ત્યારે તેઓ અંગ્રેજીમાં જવાબ આપે છે.

માર્ક તુલી અને હિંદી ભાષાનો સંબંધ કેવો હતો?

શું તમને એવું પણ લાગે છે કે હિન્દી રાષ્ટ્રભાષા હોવા છતાં, એક સમય એવો હતો કે જ્યારે લોકો અંગ્રેજી નહોતી બોલી શકતા ત્યારે પોતાને હીન માનતા હતા?

એ દિવસોમાં જો તમે લોકો સાથે હિન્દીમાં વાત કરે તો લોકો નારાજ થઈ જતા કે આ વ્યક્તિ એવું વિચારે છે કે મને અંગ્રેજી નથી આવડતું. હું માનું છું કે ભારતનો આત્મવિશ્વાસ વધ્યો છે, પરંતુ હિન્દી બોલનારાઓનો આત્મવિશ્વાસ વધુ વધવો જોઈએ.

ઇન્દિરા ગાંધી સાથે મુલાકાત

માર્ક તુલી, બીબીસી, બીબીસી પત્રકાર, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ramdutt Tripathi

તમે પત્રકાર તરીકે ઘણી સારી સ્ટોરી કરી છે. કોઈ યાદગાર સ્ટોરી?

એક રસપ્રદ ઘટના છે. કટોકટી દરમિયાન વિદ્યાચરણ શુક્લા માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેમણે મને બોલાવ્યો અને પૂછ્યું કે તમને સમાચાર ક્યાંથી મળી જાય છે?

મેં જવાબ આપ્યો કે અમારી પાસે પત્રકારો છે, અમે આકાશવાણી પર સમાચાર સાંભળીએ છીએ.

પછી તેમણે કહ્યું કે મને લાગે છે કે તમે જાસૂસી કરો છો. મેં તેમને પૂછ્યું કે તમને કેમ લાગે છે કે હું જાસૂસ છું, તો તેમણે કહ્યું કે જો તમે જાસૂસ નથી, તો તમે હિન્દી કેમ શીખ્યા?

વિદ્યાચરણ શુક્લાને સંજય ગાંધીની ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા.

હમણાં જ ટેલિવિઝન પર જોતો હતો કે કોઈએ શુક્લાને વરુણ ગાંધી કેસ વિશે પૂછ્યું કે જો સંજય ગાંધી હોત તો શું કર્યું હોત.

શુક્લાનો જવાબ હતો કે સંજયે વરુણને બે થપ્પડ મારી હોત. તમારું શું કહેવું છે?

સંજય ગાંધીનો સ્વભાવ ખૂબ કડક હતો. તેઓ માનતા હતા કે બધું બળજબરીથી ઠીક કરી શકાય છે. માટે કટોકટી બહુ ખરાબ હતી.

માર્ક તુલી, બીબીસી, બીબીસી પત્રકાર, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ramdutt Tripathi

ઇમેજ કૅપ્શન, માર્ક તુલી અને રામદત્ત ત્રિપાઠી

ઇન્દિરા ગાંધી સાથે તમારી મુલાકાત હતી. એમના અંગે તમારું શું માનવું છે?

ઇન્દિરા ગાંધી વિશે હું ચોક્કસ કંઈ કહી શકતો નથી. ક્યારેક તેઓ ખૂબ જ મૈત્રીપૂર્ણ હતાં અને ક્યારેક ખૂબ જ કઠોર. કટોકટી પછી હું ડાયરેક્ટર જનરલ સાથે બે-ત્રણ વખત ઇન્દિરા ગાંધી પાસે ગયો હતો.

ત્યાં ડાયરેક્ટર જનરલે ઇન્દિરા ગાંધીને પૂછ્યું કે "લોકોએ તમને હરાવ્યાં છે. તમને શું લાગે છે?"

ઇન્દિરા ગાંધીએ કહ્યું કે લોકોને અફવા ફેલાવીને ગેરમાર્ગે દોર્યા છે અને મોટા ભાગની અફવા બીબીસીએ ફેલાવી છે.

હું છેલ્લી વખત ઇન્દિરા ગાંધીને 1983માં કૉમનવેલ્થ પ્રાઇમ મિનિસ્ટર કૉન્ફરન્સમાં મળ્યો હતો. મેં તેમનો એક ટૂંકો ઇન્ટરવ્યૂ લીધો.

ઇન્ટરવ્યૂ પછી ઇન્દિરા ગાંધીએ મને ટેપ રેકૉર્ડર બંધ કરવા કહ્યું અને 10-15 મિનિટ સુધી દેશની પરિસ્થિતિ પર ચર્ચા કરતાં રહ્યાં.

કોઈ યાદગાર ઘટનાઓની વાત કરો

સૌથી અંતિમ ઘટના અયોધ્યાની હતી. જે સમયે તોડફોડ થતી હતી ત્યારે હું ત્યાં હતો. અયોધ્યાથી સ્ટોરી મોકલવું શક્ય નહોતું. હું તરત ફૈઝાબાદ ગયો અને ત્યાંથી સ્ટોરી મોકલી.

બીબીસીએ સૌથી પહેલા તોડફોડના સમાચાર આપ્યા. બાદમાં અયોધ્યા અને ફૈઝાબાદ વચ્ચે કેટલાક લોકોએ અમને ઘેરી લીધા.

મારી સાથે કેટલાક ભારતીય પત્રકાર પણ હતા. મને અને મારા ભારતીય પત્રકારમિત્રોને એક રૂમમાં બંધ કરી દીધા.

તમારી કારકિર્દીનું સૌથી મુશ્કેલી અસાઇન્ટમેન્ટ?

મને લાગે છે કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના કેસની સુનાવણીનું કવરેજ બહુ મુશ્કેલ હતું.

હું દરેક સાંજે જજ પાસે જતો હતો. તેમનું કહેવું હતું કે તેઓ મને બધું જ કહેશે, પરંતુ જો સ્ટોરી ચાલશે તો તેઓ ખંડન કરી દેશે.

તો મારા માટે આ બહુ મુશ્કેલ સ્થિતિ હતી.

તમારી કારકિર્દીની સૌથી સારી સ્ટોરી?

મને રેલવે ખૂબ ગમે છે. તે મારો પ્રિય વિષય છે.

મેં કરાચીથી ખૈબરઘાટ સુધીની ટ્રેનયાત્રા વિશે એક બીબીસી માટે ફિલ્મ બનાવી. પેશાવરથી ખૈબરઘાટ સુધીની ઐતિહાસિક રેલવે લાઇન ઘણાં વર્ષોથી બંધ હતી.

અમે પાકિસ્તાન રેલવેને તેને ફરીથી ખોલવા વિનંતી કરી અને તે માની ગયા.

તમે દાયકાઓથી ભારતમાં રિપોર્ટિંગ કરી રહ્યા છો. તમારા મતે ભારતની સૌથી મોટી તાકાત શું છે?

મારા મતે, ભારતની સૌથી મોટી તાકાત તેની સ્થિરતા છે. ભારતની સૌથી મોટી ખૂબી એ છે કે તેમાં દરેક ધર્મના લોકો રહે છે.

પર્વતો છે, રણ અને દરિયાકિનારા છે. તે એક સંયુક્ત દેશ છે અને એક રહેશે.

માર્ક તુલી, બીબીસી, બીબીસી પત્રકાર, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ram Dutt Triphati

બીબીસી એક મુલાકાતમાં આગળ વધીએ, તમારાં મનપસંદ ગીતો જણાવો?

મને 'સારે જહાં સે અચ્છા....' ગમે છે, આ સિવાય 'ઓમકારા' ફિલ્મનું શીર્ષકગીત 'ઓમકારા', ફિલ્મ 'જુનૂન'નું 'આજ રંગ હૈ', પરિણીતાનું 'યે હવા ગુનગુનાયે' પણ ગમે છે. મને ફિલ્મ લગાનનું 'ઘનન ઘનન બરસે રે બદલા' અને ફિલ્મ 'ઝુબેદા'નું 'ધીમે ધીમે' પણ ગમે. મને કૉમેડી ફિલ્મો મુન્નાભાઈ એમબીબીએસ અને તારે જમીંનાં ગીતો પણ ગમે. મને જૂની ફિલ્મ 'નયા દૌર'નાં ગીતો પણ ગમે છે.

તમે ભારતમાં સાઠના દાયકાથી અનેક ચૂંટણી જોઈ. ભારતમાં ચૂંટણીઓમાં કયા ફેરફારો થયા?

ઘણું બદલાયું છે. સૌથી મોટો ફેરફાર વ્યવસ્થામાં આવ્યો છે. હવે ચૂંટણીઓ એક-એક મહિના સુધી ચાલે છે. પહેલાં ફક્ત કૉંગ્રેસ જ રાષ્ટ્રીય પક્ષ હતો અને બાકીના બધા નાના-મોટા પક્ષો. હવે, બે રાષ્ટ્રીય પક્ષ છે અને નાના પક્ષોની શક્તિ પણ નોંધપાત્ર રીતે વધી છે.

તમને શું લાગે છે? ભારત માટે આટલી બધી પાર્ટીઓ હોવી સારી વાત છે?

એક બહુ સારી વાત છે કે માત્ર એક જ રાષ્ટ્રીય પાર્ટી ન હોવી જોઈએ. આ નાની પાર્ટીઓના ઊભરવાથી એક સારી વાત એ થઈ કે દલિત અને ઓબીસીને તક મળી છે. 10-15 વર્ષ પહેલાં કોણ વિચારી શકતું હતું કે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી દલિત મહિલા હશે. અને કોણ કહેશે કે આ ફેરફાર સારો નથી.

આવનારાં વર્ષોમાં તમે ભારતને ક્યાં જુઓ છો?

આવનારા સમયમાં ભારતની આર્થિક પ્રગતિ વધુ ઝડપી હશે. રાજકીય પ્રણાલીમાં સુધારો થશે, પરંતુ આ સુધારો ત્યારે જ થશે જ્યારે સામાન્ય લોકો પોતાનો અવાજ બુલંદ કરશે.

તમારા શુભચિંતકોએ તમારી પાસેથી શું આશા રાખવી જોઈએ?

હું હાલમાં ભારતમાં આર્થિક સુધારા પર પુસ્તક લખી રહ્યો છું. મારા મતે આ મારું છેલ્લું પુસ્તક હશે. બાદમાં હું સંન્યાસ લઈ લઈશ.

(આ લેખ પહેલી વાર પાંચ એપ્રિલ, 2009માં બીબીસી પર પ્રકાશિત થયો અને આ ઇન્ટરવ્યૂ એ સમયે બીબીસી હિન્દી સેવાના ભારતના તત્કાલીન સંપાદક સંજીવ શ્રીવાસ્તવે લીધો હતો)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન