મોતનો કિલ્લો : જ્યાં 'આત્મઘાતી હુમલાખોરોની ફોજ'નો વડો હસન અલ સબા રહેતો અને 35 વર્ષ બહાર ન નીકળ્યો

ઇમેજ સ્રોત, ullstein bild/ullstein bild via Getty Images
- લેેખક, ગ્રેગ મૈકકેવિટ
- પદ, ફીચર સંવાદદાતા
"હુસૈને ખૂબ જ જુસ્સા અને આશ્ચર્યથી જોયું કે આ જ બાગમાં નહેરોના કિનારા પર અનેક જગ્યાએ ચાંદીનાં સિંહાસન પથરાયેલાં છે, જેના પર રેશમી કપડાંની ફૂલોવાળી ચાદર છે."
વર્ષ 1899માં પ્રકાશિત અબ્દુલ હલીમ શરરની પ્રખ્યાત નવલકથા 'ફિરદૌસ-એ-બરીં'માં આગળ વર્ણન આવે છે કે–
"લોકો મોહક અને પાગલ કરી દેનારી અવયસ્ક છોકરીઓની સાથે સુંદર તકિયાના ટેકે બેઠા છે અને જન્નતની નિશ્ચિંતતાનો આનંદ માણી રહ્યા છે."
"સુંદર છોકરા સામે ઊભા છે, તો ક્યાંક કોમળ અને દિલફેંક હરકતો સાથે સાકી (મદિરા પીરસનાર) ફરજ બજાવી રહ્યા છે."
"મદિરાની રંગત ચાલી રહી છે અને ખાવા માટે મુલાઝિમ (નોકર) ફળ અને મેવા લાવે છે અને તેમની સામે મૂકીને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે."
અબ્દુલ હલીમ શરરે પોતાના પુસ્તક 'ફિરદૌસ-એ-બરીં'માં હસન અલ સબાના 'જન્નત'નું નાટકીય વર્ણન કર્યું છે.
'ફિરદૌસ-એ-બરીં'ની ગણતરી ઉર્દૂની પ્રખ્યાત નવલકથાઓમાં થાય છે. આજે પણ તે અનેક જગ્યાએ અભ્યાસક્રમમાં સામેલ છે.
લગભગ દરેક સ્કૂલ અને કૉલેજની લાઇબ્રેરીમાં આ પુસ્તક મળી આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હસન અલ સબા કોણ હતા?

ઇમેજ સ્રોત, Bibliothèque nationale de France
પશ્ચિમમાં પણ આ નવલકથાની ઘણી પ્રશંસા થઈ છે.
તેનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો અને 2016માં યુરોપનાં ઘણાં શહેરોમાં તેના પર આધારિત નાટકો ભજવાયાં, જે ઘણાં પ્રખ્યાત થયાં.
અબ્દુલ હલીમ શરર આ પ્રકારની વાર્તા લખનાર એકમાત્ર વાર્તાકાર નથી.
પશ્ચિમ અને પૂર્વમાં લખાયેલી સંખ્યાબંધ વાર્તાઓ, નવલકથાઓ અને વૃત્તાંતોમાં એવા 'જન્નત'નો ઉલ્લેખ જોવા મળે છે જેમાં નવયુવાનોને નશામાં ચકચૂર કરીને જન્નતના મૉડલ પર તૈયાર કરાયેલા બાગ અને મહેલોમાં ભોગ-વિલાસની સ્થિતિમાં રાખવામાં આવે છે.
આ નવયુવાનોને એવું લાગે છે કે તેઓ ખરેખર જન્નતમાં પહોંચી ગયા છે. પછી તેમને બેભાન કરીને બહાર લાવવામાં આવે છે. તેમને કહેવામાં આવે છે કે તેઓ કોઈ જાણીતી વ્યક્તિની હત્યા કરી દે તો તેમને ફરીથી આ જન્નતમાં મોકલી દેવામાં આવશે.
કથા-વાર્તાઓમાં પ્રખ્યાત છે કે હસન અલ સબાએ 12મી સદીમાં ઈરાનના વિસ્તાર રૂદબારના મોતના કિલ્લામાં આવું જ એક જન્નત બનાવ્યું હતું.
દાવો કરવામાં આવે છે કે અહીં તેઓ નવયુવાનોને સમજાવી-ફોસલાવીને તેમને શાસકવર્ગના લોકો અને અન્ય દુશ્મનો તથા વિરોધીઓની હત્યા કરવા માટે મોકલતા હતા.
શિયા મુસલમાનોની ઇસ્માઇલી શાખા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ આ હસન અલ સબા કોણ હતા અને તેમની સાથે જોડાયેલી આશ્ચર્યજનક કહાનીઓમાં કેટલી સચ્ચાઈ છે?
તેમનું સાચું નામ હસન અલ સબા જ હતું અને તેઓ 1150ના દાયકામાં ઈરાની શહેર 'કમ'માં એક અરબ શિયા પરિવારમાં જન્મ્યા હતા.
બાળપણમાં જ તેમના પિતા અધ્યયન-અધ્યાપનના કેન્દ્ર 'રે'માં જતા રહ્યા. અહીં હસને શિક્ષણક્ષેત્રે નિપુણતા મેળવવાનું શરૂ કર્યું હતું.
પોતાના અનુભવો 'સરગુઝશ્ક-એ-સૈયદના'માં તેમણે લખ્યું છે, "સાત વર્ષની ઉંમરથી જ મને જુદા જુદા વિષયોમાં રસ હતો અને હું ધાર્મિક માર્ગદર્શક બનવા માગતો હતો."
"17 વર્ષની ઉંમર સુધીમાં મેં ઘણું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. જુદા જુદા ધાર્મિક વિષયો ઉપરાંત પણ ઘણા બધા મુદ્દાનો મેં અભ્યાસ કર્યો."
આ દરમિયાન તેમની મુલાકાત એક અમીર વ્યક્તિ ઇસ્માઇલી દાઈ સાથે થઈ, જેમણે નવયુવાન હસનની બૌદ્ધિકતાને વધુ આગળ વધારવાનું કામ કર્યું.
હસન તેમનાથી એટલા પ્રભાવિત હતા કે તેઓ ઇસ્માઇલી (શિયા મુસલમાનોની એક શાખા) થઈ ગયા.
અહીં આપણને એક રસપ્રદ કહાણી જાણવા મળે છે, જેનો ઉલ્લેખ ઍડ્વર્ડ ફિટ્ઝેરાલ્ડે ઉમર ખય્યામની રુબાયાતના અનુવાદની પ્રસ્તાવનામાં પણ કર્યો છે.
ઇજિપ્ત પર ફાતમી ખાનદાન (વંશ)ની હકૂમત

ઇમેજ સ્રોત, Universal History Archive/UIG via Getty Images
ઘટના કંઈક આ રીતે વર્ણવવામાં આવે છે કે હસન અલ સબા, પ્રખ્યાત શાયર ઉમર ખય્યામ અને નિઝામુલ મુલ્ક તૂસી, આ ત્રણેય આ સમયના પ્રખ્યાત વિદ્વાન ઇમામ મૌકિફના શિષ્ય હતા અને એક દિવસ મળીને તેમણે નક્કી કર્યું હતું કે જે સૌથી પહેલાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવામાં સફળ થશે તે બીજાને મદદ કરશે.
બન્યું એવું કે નિઝામુલ મુલ્ક તૂસી શક્તિશાળી સલઝૂક સુલતાન અલ અરસલાનના વજીર-એ-આઝમ (પ્રધાન મંત્રી) બની ગયા અને તેમણે બાળપણનો વાયદો નિભાવતાં હસન અલ સબા અને ઉમર ખય્યામને મોટા હોદ્દાનો પ્રસ્તાવ આપ્યો.
જોકે, આ બંનેએ જુદાં જુદાં કારણોસર એ સ્વીકારવાની ના પાડી દીધી.
આ કહાણી છે તો ખૂબ મજાની છે, પરંતુ શું તે સત્ય પર આધારિત છે?
નિઝામુલ મુલ્ક તૂસી 1018માં જન્મ્યા હતા, જ્યારે હસન અલ સબાનો જન્મ 1050ની આસપાસ થયો હતો. આનો અર્થ એ છે કે નિઝામુલ મુલ્ક તૂસી હસન અલ સબા કરતાં 32 વર્ષ મોટા હતા.
આ ઉપરાંત, 1059માં જ્યારે હસનની ઉંમર નવ વર્ષની આસપાસ હશે ત્યારે નિઝામુલ મુલ્ક તૂસી સૂબે ખુરાસનના ગવર્નર બનીને પહેલાં જ મોટા હોદ્દા સુધી પહોંચી ગયા હતા, તેથી એ સાચું નથી કે બંને સરખી ઉંમરના છોકરા હતા, સાથે ભણતા હતા અને તેમણે એકબીજાને કોઈ પ્રકારનું વચન આપ્યું હોય.
એ જમાનામાં ઇજિપ્ત પર ફાતમી ખાનદાનનું શાસન હતું, જે ઇસ્માઇલી હતા. કાહિરાની જામ-એ-અઝહર યુનિવર્સિટી તેમણે જ બનાવી હતી.
મોતનો કિલ્લો કેવો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
હસન 1078માં જુદા જુદા દેશોમાં ફરતાં ફરતાં પહોંચી ગયા હતા. તેથી ફાતમીના દરબારમાં તેમનું ઘણું સ્વાગત થયું.
હસને ઇજિપ્તમાં ત્રણ વર્ષ વિતાવ્યાં, પરંતુ તે દરમિયાન ફાતમીના સેનાપતિ બદર-જમાલી હસનની વિરુદ્ધ થઈ ગયા અને તેમને જેલમાં પૂરી દેવાયા.
સંયોગવશ કિલ્લાનો મિનારો પડી ગયો. આ બનાવને હસનનું કારસ્તાન માનવામાં આવ્યું અને તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા.
ત્યાર પછી હસનને ઇજિપ્તમાં વધુ રહેવાનું યોગ્ય ન લાગ્યું અને તેઓ ઈરાન પાછા ફર્યા અને પછીનાં 9 વર્ષ સુધી જુદા જુદા વિસ્તારોમાં ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહ્યા.
પછી ધીમે ધીમે તેમણે પોતાનું ધ્યાન ફરીથી સૂબાના વિસ્તાર દીલમાન પર કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.
અહીં તેમને બરફનાં શિખરો વચ્ચે ઘેરાયેલો એક કિલ્લો દેખાયો. આ કિલ્લો તેમના ભવિષ્યના ઇરાદા માટે ખૂબ જ લાભકારક સાબિત થઈ શકતો હતો. એ મોતનો કિલ્લો હતો.
સીધી રીતે તો એવું લાગે છે કે આ કિલ્લાનું નામ મૃત્યુ સાથે સંબંધિત છે, પરંતુ સચ્ચાઈ એ છે કે ત્યાંની સ્થાનિક બોલચાલની ભાષામાં આ શબ્દની ઉત્પત્તિ અલા અને આમૂતમાંથી થઈ છે. દીલમાની બોલીમાં બાજને અલા કહેવાય છે અને આમૂતનો અર્થ શીખવું થાય છે.
એક કહાની પ્રખ્યાત છે કે આ વિસ્તારના શાસકો ત્યાં શિકાર કરતા હતા ત્યારે તેમને એક પહાડ પર બાજ ઊતરતું દેખાયું.
તેમને લાગ્યું કે આ જગ્યાનું ભૂગોળ એવું છે કે જો ત્યાં કિલ્લો બનાવવામાં આવે તો તેને જીતવો મુશ્કેલ થઈ પડશે.
તેથી તેમણે ત્યાં કિલ્લાનું નિર્માણ કરાવ્યું અને તેનું નામ અલ મૌત પડી ગયું; એટલે કે, બાજે શિખવાડેલું.
હસનનો પ્રભાવ કેવો હતો?
હાલાકૂખાનના દરબારી ઇતિહાસકાર અતા મુલ્ક જવીનીએ (જેમનો ઉલ્લેખ આગળ વિસ્તારથી આવશે) આ કિલ્લાની મુલાકાત લીધી હતી.
તેમણે તેમના પુસ્તક 'તારીખ-એ-જહાં ગુશા'માં લખ્યું છે, "અલ મૌત એક એવા પહાડ પર બનેલો છે, જેનો દેખાવ બેઠેલા ઊંટ જેવો છે. જે ખડક પર કિલ્લાનું નિર્માણ થયું છે તેની ચારેબાજુ ઢાળ છે. પછી એક સાંકડો રસ્તો છે, જેને આસાનીથી બંધ કરી શકાય છે."
"હસને અલ મૌત કિલ્લાની આસપાસના વિસ્તારમાં તંબૂ તાણ્યા. તેમના સંદેશા ખૂબ પ્રસારિત થવા લાગ્યા. જોતજોતામાં કિલ્લામાં તેમને માનનારા લોકોની સંખ્યા એટલી વધી ગઈ કે કિલ્લેદાર હુસૈન મેંહદી પાસે કિલ્લાને હસનને હવાલે કરીને ત્યાંથી જતા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહ્યો."
આ પ્રસંગ 1090નો છે. હવે હસન અલ સબાએ અલ મૌત કિલ્લાને પોતાનું કેન્દ્ર બનાવીને આસપાસના ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ સ્થાપવાનું શરૂ કરી દીધું.
થોડોક જ સમય પસાર થયો હતો કે આસપાસના ઘણા કિલ્લા તેમના કબજામાં આવી ગયા, જેમાંના કેટલાકને તો ખરીદવામાં આવ્યા, કેટલાક પર જબરજસ્તી કબજો કરાયો અને કેટલાક એવા હતા જેણે પ્રભાવિત થઈને પોતાના કિલ્લાના દરવાજા ખોલી નાખ્યા.
ટૂંકમાં કહીએ તો, થોડાંક જ વરસોમાં ત્યાં અને આસપાસના વિસ્તારોમાં હસનનું પ્રભુત્વ સ્થપાઈ ગયું.
સ્થિતિ એ હતી કે તેઓ અલ મૌતમાં આવી ગયા પછી 35 વર્ષ સુધી કિલ્લાની બહાર ગયા જ નહીં, એટલું જ નહીં, તેઓ પોતાના ઘરમાંથી પણ બે વખત જ બહાર નીકળ્યા.
આત્મઘાતી હુમલાની હારમાળા

ઇતિહાસકાર રશીદુદ્દીન હમદાનીએ 'જામે તવારિખ'માં લખ્યું છે કે તેઓ પોતાના મૃત્યુ સુધી પોતાના ઘરમાં જ રહ્યા, જ્યાં તેઓ પોતાનો બધો સમય અભ્યાસ, ધર્મના પ્રચાર અને વહીવટી કાર્યોમાં પસાર કરતા હતા.
"પોતાના સરહદી વિસ્તારો છીનવાઈ ગયાના સમાચાર સાંભળીને સલઝૂક સુલતાન મલિક શાહે હસન અલ સબાને હરાવવા માટે 1092માં પોતાની એક ટુકડી મોકલી, જેણે અલ મોતને ચારેબાજુથી ઘેરી લીધો, પરંતુ 7,000 ફૂટની ઊંચાઈએ બનેલા આ કિલ્લાને જીતવો અશક્ય હતો."
"બીજી તરફ, આસપાસના વિસ્તારોમાં હસનને માનનારા લોકોએ શાહી ફોજને એટલી બધી હેરાન કરી કે તેઓ ચાર મહિનામાં જ ત્યાંથી પાછા જતા રહ્યા."
"અલ મોતની ઘેરાબંધીના થોડા મહિના પછી 16 ઑક્ટોબર 1192એ, હસન અલ સબા સાથે ભણી ચૂકેલા સલઝૂક સુલતાનના વજીર-એ-આઝમ નિઝામૂલ મુલ્ક જિલ્લામાં પ્રવાસ કરતા હતા ત્યારે દીલમાન વિસ્તારનો એક યુવાન, જે ફકીરના વેશમાં હતો, તેમની નજીક ગયો અને ચોગા (લાંબો ખુલ્લો ઝભ્ભો)માંથી ખંજર કાઢીને તેમના પર હુમલો કરી દીધો.
રશીદુદ્દીન હમદાની અનુસાર, હસન અલ સબાને ખબર પડી હતી કે અલ મોત પર સલઝૂકિયોના હુમલા પાછળ ખરેખર નિઝામુલ મુલ્કનો હાથ હતો.
"એક દિવસ તેમણે પોતાના આત્મઘાતીઓને કહ્યું કે તમારામાંથી કોણ છે જે નિઝામુલ મુલ્ક તૂસીનાં ષડ્યંત્રોમાંથી આ મુલ્કને પવિત્ર કરી શકે."
"એક નવયુવાન બૂતાહિર અરાનીએ હાથ ઊંચો કર્યો અને ત્યાર પછી તેણે શેખના આદેશનો અમલ કર્યો અને પોતે પણ નિઝામુલ મુલ્કના રક્ષકોના હાથે મૃત્યુ પામ્યો."
આ હસન અલ સબાની ઝુંબેશનો પહેલો આત્મઘાતી હુમલો હતો. એ સ્પષ્ટ છે કે રાજકીય હત્યા હસનની શોધ નહોતી.
આ ચલણ એટલું જ પ્રાચીન છે, જેટલો મનુષ્યનો ઇતિહાસ. પરંતુ જે સંગઠિત રીતે અને જેટલા વ્યાપક પાયે હસને તેનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો તેના કારણે તેની સાથે તેમનું નામ જોડાઈ ગયું.
વીડિયો ગેમ 'એસૅસિન ક્રીડ'

હસન જાણતા હતા કે તેમને માનનારાઓની સંખ્યા એટલી ઓછી છે કે તેઓ સલઝૂક અને બીજા શક્તિશાળી દુશ્મનોનો સામનો નહીં કરી શકે.
આ પરિસ્થિતિમાં તેમણે એ ટેક્નિકનો ઉપયોગ કર્યો જેમાં હજારોની ફોજ વગર જ, યુદ્ધના મેદાનમાં સામનો કર્યા વગર જ તેઓ પોતાના કોઈ આત્મઘાતીને તાલીમ આપીને તેના હાથે પોતાના દુશ્મનની હત્યા કરાવી દે. આ પદ્ધતિ ઘણી અસરકારક સાબિત થઈ.
તૂસી પછી ઘણા શાસક શાહજાદાઓ, ગવર્નર જનરલ અને ધાર્મિક ગુરુઓ હસનના આત્મઘાતીઓના નિશાન બન્યા અને તેમનો ભય દૂર સુધી ફેલાઈ ગયો.
ઘણા મહત્ત્વપૂર્ણ માણસો અજાણ્યા લોકોને મળવાથી બચવા લાગ્યા અને કેટલાક સાવચેતીના ભાગરૂપે પોતાનાં કપડાંની અંદર કવચ પહેરવા લાગ્યા.
છેલ્લાં થોડાં વર્ષોમાં હસન અલ સબાનું નામ ઘણી વાર મીડિયામાં આવતું રહ્યું છે અને આધુનિક સમયમાં આત્મઘાતી હુમલાખોરોને અલ મોત કિલ્લાના આત્મઘાતીઓ સાથે સાંકળવાની કોશિશ કરાતી રહી છે.
ઘણી નવલકથાઓ, વાર્તાઓ અને કવિતાઓ સિવાય હસન અલ સબાના આત્મઘાતીઓ અને તેમનું જન્નત આજની પ્રખ્યાત વીડિયો ગેમ 'એસૅસિન ક્રીડ'માં જોવા મળે છે.
તેનો સમાવેશ દુનિયાની પ્રખ્યાત વીડિયો ગેમમાં થાય છે અને અત્યાર સુધીમાં તેની કરોડો કૉપી વેચાઈ ચૂકી છે.
એક જન્નત બનાવી રાખ્યું હતું…
વર્ષ 2016માં આ વીડિયો ગેમ પર આધારિત એક ફિલ્મ બની, જેણે 24 કરોડ ડૉલરથી વધારેની કમાણી કરી.
અલ મોત કિલ્લામાં હસન અલા સબાના જીવનનો આ એ સમય હતો જેનો ઉલ્લેખ વારંવાર થતો રહ્યો.
સામાન્ય રીતે તેમને શેખ અલ ઝબાર એટલે કે 'ઓલ્ડ મૅન ઑફ ધ માઉન્ટેન' કહેવામાં આવે છે.
જાણીતું છે કે આ કિલ્લામાં તેમણે જમીન પર એવું એક જન્નત વસાવ્યું હતું જેની એક ઝલક બતાવીને નવયુવાનોને ખ્યાતનામ લોકોની હત્યા કરવા માટે તૈયાર કરાતા હતા.
વિરોધીઓની દૃષ્ટિએ એ લોકો આતંકવાદી હતા, પરંતુ હસન અલ સબા અને તેમના સમર્થકોની દૃષ્ટિએ તેઓ ફિદાયીન (આત્મઘાતી) હતા, જેમને કોઈ ધ્યેય માટે જાન કુરબાન કરવામાં કશો ખચકાટ નહોતો થતો.
અલ મૌત કિલ્લામાં એવા તમામ આત્મઘાતીનાં નામ એક પ્રકારના 'રોલ ઑફ ઑનર'માં નોંધવામાં આવતાં હતાં અને તેમને શહીદ કહેવામાં આવતા હતા.
આ કહાનીને પ્રખ્યાત કરવામાં સૌથી વધારે મહત્ત્વનો રોલ માર્કો પોલોએ ભજવ્યો હતો.
માર્કો પોલોએ લખ્યું છે કે 12થી 20 વર્ષના નવયુવકોને નશો કરાવીને એ બાગમાં લવાય છે અને તેઓ સમજે છે કે તેઓ જન્નતમાં પહોંચી ગયા છે.
ત્યાર પછી જ્યારે તેમને બેભાન કરીને ત્યાંથી બહાર કઢાય છે ત્યારે તેઓ પોતાના જીવની પરવા કર્યા વગર કોઈની પણ હત્યા કરવા માટે તૈયાર થઈ જાય છે.
હસન અલ સબાની કહાનીઓ

માર્કો પોલોનું સફરનામા એક કાળે બેસ્ટ સેલર સાબિત થયું હતું અને તેના કારણે આ કહાનીઓ આખા યુરોપમાં ફેલાઈ ગઈ જે આજ સુધી કોઈ કોઈ સ્વરૂપમાં કહેવાતી રહે છે.
કોણે એ વિચાર્યું હશે કે માર્કો પોલો 1272માં ચીન જતા સમયે જ્યારે આ વિસ્તારમાંથી પસાર થયા હતા ત્યારે હસન અલ સબાના મૃત્યુને 150 વર્ષ થઈ ગયાં હતાં અને 15 વરસ પહેલાં મંગોલોએ આ કિલ્લો જીતી લીધો હતો.
અમે એ સમયના એક જાણીતા ઇતિહાસકાર રશીદુદ્દીન હમદાનીનો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ.
તેમના 1307માં છપાયેલા પુસ્તક 'જામે તવારીખ'ને એ જમાનાના ઈરાનના ઇતિહાસનો નક્કર દસ્તાવેજ માનવામાં આવે છે, પરંતુ તેઓ પણ હસન અલ સબાના અલ મોત કિલ્લાનું વિસ્તૃત વર્ણન કર્યા છતાં ત્યાં કોઈ જન્નતની હાજરી વિશે જાણતા નહોતા.
એ પણ જાણીતું છે કે અંગ્રજી શબ્દ 'એસૅસિન' એટલે કે મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓનો હત્યારો પણ હસન અલ સબાના એ જ સમયની પેદાશ છે, કેમ કે તેઓ અને પછી આવેલા તેમના નિકટતમ આત્મઘાતીઓને હશીશ એટલે કે ચરસના નશામાં ચકચૂર કરાવીને જીવલેણ હુમલા માટે મોકલતા હતા.
કહેવાય છે કે આ પ્રકારના લોકોનો હશીશ સાથે સંબંધ હોવાના કારણે તેમને હશાશીન કહેવાતા હતા. આ શબ્દ પશ્ચિમ સુધી પહોંચતાં પહોંચતાં એસૅસિન બની ગયો.
ઇતિહાસના કોઈ પણ પુસ્તકમાં એ વાતના પુરાવા નથી મળતા કે હસન અલ સબા કે તેમના અનુયાયી કયા પ્રકારનો નશો કરતા હતા.
કટ્ટર ન્યાયપ્રિયતાનું ઉદાહરણ

ઇમેજ સ્રોત, Jean-Michel COUREAU/Gamma-Rapho via Getty Images
હસન અલ સબા ખૂબ જ બુદ્ધિશાળી રાજકીય માર્ગદર્શક હતા અને રાજકીય અને વૈચારિક ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે આવશ્યક હતું કે તેઓ સારા સંગઠનકર્તા પણ હોય. તેમણે આ બંને કામ કરી બતાવ્યાં.
તેમની કટ્ટર ન્યાયપ્રિયતાનું ઉદાહરણ એમ કહીને અપાય છે કે, જ્યારે કાયદાની વાત આવી ત્યારે તેમણે પોતાના બંને પુત્રોને પણ ન છોડ્યા.
એકને દારૂ પીવાના અને બીજાને હત્યાના ગુનામાં મરાવી નાખ્યા.
તેમનું મૃત્યુ 12 જૂન 1124એ થયું. જોકે, તેમના કોઈ ઉત્તરાધિકારી નહોતા બચ્યા તેથી તેમણે પોતાના જીવતાજીવત જ પોતાની વફાદાર નોકરાણીને પોતાની વારસદાર બનાવી દીધી હતી, જેણે લાંબા સમય સુધી હકૂમત પણ કરી.
1256માં જ્યારે મંગોલ શાસક હલાકૂખાને અલ મોત કિલ્લાને જીતીને ઇસ્માઇલી શાસનને ખતમ કરી નાખ્યું, ત્યાં સુધી આ સિલસિલો ચાલતો રહ્યો.
બીબીસી માટે કેલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












