ડોનાલ્ડ ટ્રમ્પ બોર્ડ ઑફ પીસથી શું હાંસલ કરવા માગે છે, તેનાથી દુનિયા કેટલી બદલાઈ જશે?

- લેેખક, લીસ ડુસેટ
- પદ, મુખ્ય આંતરરાષ્ટ્રીય સંવાદદાતા
"આપણે સાથે મળીને દાયકાઓની વેદનાનો અંત લાવી શકીએ, પેઢીઓથી ચાલી રહેલી નફરત તથા રક્તપાત અટકાવી શકીએ અને પ્રદેશ તથા સમગ્ર વિશ્વ માટે સુંદર, શાશ્વત તેમજ ભવ્ય શાંતિ સ્થાપી શકીએ તેમ છીએ."
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અઠવાડિયે દાવોસ ઇકોનૉમિક ફોરમના મંચ પર તેમના નવા બોર્ડ ઑફ પીસનું ઉદ્ઘાટન કરતાં આવું આશાસ્પદ વચન આપ્યું હતું.
ખૂબ જ દુઃખી અને સંઘર્ષરત વિશ્વ તેમની વાતને સાચી માનવા ઇચ્છે છે.
જોકે, દુનિયાભરની રાજધાનીઓમાંના અનેક નિરીક્ષકો અને અધિકારીઓ માટે, આ ટ્રમ્પનો યુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ખતમ કરીને તેના સ્થાને, તેમનો દબદબો હોય તેવી નવી સંસ્થાઓ બનાવવાના પ્રયાસોનો વધુ એક પુરાવો છે.
પોલૅન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે "અમે કોઈને અમારો ઉપયોગ કરવા દઈશું નહીં."
અલબત, યુરોપમાંના ટ્રમ્પના સૌથી મોટા સમર્થક વિક્ટર ઓર્બન અમેરિકન પ્રમુખના જબરા વખાણ કરતાં જણાવ્યું હતું કે "ટ્રમ્પ છે તો શાંતિ છે."
ડોનાલ્ડ ટ્રમ્પ આ બોર્ડ ઑફ પીસના કાયમી અધ્યક્ષ બની રહેવાના હોય તો આ બોર્ડ વાસ્તવમાં શું કરવાનું છે? શું તે સંયુક્ત રાષ્ટ્રસંઘનું નાનું સ્વરૂપ બનાવવાનો વાસ્તવિક પ્રયાસ હોઈ શકે?
બોર્ડના અધ્યક્ષની સત્તાઓ શું હશે?

ઇમેજ સ્રોત, Reuters
પ્રસ્તુત આઇડિયા ગયા વર્ષે ગાઝા યુદ્ધ ખતમ કરવાના અમેરિકાના વડપણ હેઠળના પ્રયાસો દરમિયાન જન્મ્યો હતો અને તેને સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદે એક ઠરાવ દ્વારા અનુમોદન આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે તેનો હેતુ બહુ વ્યાપક, વધારે ભવ્ય અને વૈશ્વિક થઈ ગયો છે અને તેમાં બધું પ્રેસિડેન્ટ ટ્રમ્પની આસપાસ જ કેન્દ્રિત છે.
બોર્ડ ઑફ પીસના લીક થયેલા ચાર્ટર અનુસાર, ટ્રમ્પ અમેરિકાનું પ્રમુખપદ છોડશે પછી પણ બોર્ડના આજીવન અધ્યક્ષ બની રહેશે.
ચાર્ટર અનુસાર, તેમની પાસે વ્યાપક સત્તા હશે. સભ્ય દેશોને બોલાવવાનો કે ન બોલાવવાનો અધિકાર, સહાયક સંસ્થાઓ બનાવવાનો કે બંધ કરવાનો અધિકાર અને તેઓ આ પદ છોડવાનો નિર્ણય કરે કે સંભાળી શકે તેમ ન હોય ત્યારે પોતાના ઉત્તરાધિકારી નીમવાનો અધિકાર પણ તેમને હશે.
કોઈ બીજો દેશ આ બોર્ડનો સભ્ય બનવા ઇચ્છે તો તેણે એક અબજ ડૉલર જેટલી જંગી રકમ ચૂકવવાની રહેશે.
પહેલેથી જ અત્યંત ચોંકાવનારા બની રહેલા જાન્યુઆરીમાં જ આ ધડાકો થયો હતો.
થોડા સપ્તાહમાં જ અમેરિકા દ્વારા વેનેઝુએલાના નેતાની ધરપકડ, ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની ટ્રમ્પની ધમકીઓ તથા તૈયારી અને ગ્રીનલૅન્ડ હસ્તગત કરવાની ટ્રમ્પની માંગને લીધે સમગ્ર યુરોપ તેમજ વિશ્વમાં આઘાતનું મોજું ફરી વળ્યું હતું.
બોર્ડના ઉદ્ઘાટન માટે વિશ્વના 19 દેશો દાવોસ આવ્યા હતા.
તેમાં આર્જેન્ટિનાથી માંડીને અઝરબેજાન અને ભૂતપૂર્વ સોવિયેત સંઘના ગણરાજ્યોથી માંડીને અખાતી દેશોનો સમાવેશ થતો હતો. અનેક દેશોએ બોર્ડમાં "સામેલ થવા સંમતિ આપી હોવાનું" પણ કહેવામાં આવી રહ્યું છે.
બોર્ડમાં કે તેના હેઠળની કાર્યકારી સંસ્થાઓમાં સામેલ નેતાઓ તથા અધિકારીઓ તરફ જોઈને સ્મિત કરતાં ટ્રમ્પે કહ્યું હતું, "આ ગ્રૂપમાં મને બધા પસંદ છે."
અનેક અન્ય સંભવિત સભ્યોએ અત્યાર સુધી વિનમ્રતાપૂર્વક ઇનકાર કર્યો છે.

ઇમેજ સ્રોત, Reuters
બ્રિટનના વિદેશ પ્રધાન યવેટ કૂપરે કહ્યું હતું, "આ એક એવી સંધિ છે, જે વ્યાપક સવાલ ઉઠાવે છે અને અમને અત્યારે એ વાતની ચિંતા છે કે રાષ્ટ્રપતિ પુતિન કોઈ એવા સંગઠનનો હિસ્સો છે, જે શાંતિની વાત કરી રહ્યું છે."
ટ્રમ્પનું કહેવું છે કે મૉસ્કો બોર્ડ પર જરૂર છે, પરંતુ તેમના તરફથી સંદેશો આવ્યો છે કે તેઓ હજુ પણ "પાર્ટનર્સ સાથે સલાહ મસલત" કરી રહ્યા છે.
સ્વીડને એવો જવાબ આપ્યો હતો કે "હાલના મુસદ્દાને જોતાં અમે તેમાં સામેલ થવાના નથી."
નૉર્વેનો જવાબ હતોઃ "આ પ્રસ્તાવ કેટલાક અનુત્તરિત સવાલ ઉઠાવે છે, જેના માટે વૉશિંગ્ટન સાથે વધારે વાતચીત જરૂરી છે."
છ આરબ દેશ તથા તુર્કી અને ઇન્ડોનેશિયા સહિતના મુખ્યત્વે સાત મુસ્લિમ દેશોના એક જૂથે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ "ગાઝામાં ન્યાયસંગત અને સ્થાયી શાંતિ" માટે બોર્ડમાં સામેલ થઈ રહ્યા છે. તેમાં ગાઝાના નાશ પામેલા વિસ્તારોના પુનર્નિર્માણનો પણ સમાવેશ થાય છે.
અલબત, બોર્ડના ચાર્ટરની લીક થયેલી વિગતમાં ગાઝાનો ઉલ્લેખ નથી.
બોર્ડમાં જોડાવવા ઇચ્છુક નથી તેવા કેટલાક દેશો સહિતના કેટલાક ટીકાકારો માને છે કે આ એક એવા રાષ્ટ્રપ્રમુખ માટે ઘમંડનો પ્રોજેક્ટ છે, જેઓ સૌથી મોટો નોબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરવાની પોતાની ઇચ્છાને છુપાવતા નથી.
ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ 2009માં તેમના પ્રથમ કાર્યકાળની શરૂઆતમાં નોબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.

ઇમેજ સ્રોત, Reuters
વિશ્વના નેતાઓ જાણે છે કે આ ક્લબમાં નહીં જોડાવવા બદલ તેમણે કિંમત ચૂકવવી પડે તે શક્ય છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોનને ઠપકો આપતાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું, "હું તેમના વાઇન અને શેમ્પેઇન પર 200 ટકા ટેરિફ લાદીશ. તેઓ જોડાશે, પણ તેમણે જોડાવાની જરૂર નથી." આમ કહીને ટ્રમ્પે તેમની પસંદગીનું હથિયાર વાપરવાની ધમકી આપી હતી.
માત્ર સ્લોવેનિયાએ શાંત છતાં ભારપૂર્વક પોતાનો મત જણાવ્યો હતો. વડાપ્રધાન રોબર્ટ ગોલોબે તેમની ચિંતા સ્પષ્ટ કરતાં કહ્યું હતું, "તે વ્યાપક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ખતરનાક રીતે દખલ કરે છે."
ટ્રમ્પે તેનો સીધો જવાબ આપ્યો હતો.
તેમણે ખીચોખીચ ભરેલા સભાગારમાં દરેક શબ્દ ભારપૂર્વક બોલતાં કહ્યું હતું, "એકવાર બોર્ડ રચાઈ જાય પછી અમારે જે કરવું હશે તે કરી શકીશું અને અમે સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે મળીને તે કરીશું."
જોકે, દુનિયાને અનુમાન કરતી રાખવાનું તેમને પસંદ છે.
એક દિવસ પહેલાં ફોક્સ ટીવીના એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું હતું કે તેમનું બોર્ડ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સ્થાન લેશે કે કેમ? એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, "એવું થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાસ ઉપયોગી સાબિત થયો નથી."
તેમણે ઉમેર્યું હતું, "સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્ષમતાનો હું મોટો ચાહક છું, પરંતુ તે તેની ક્ષમતા મુજબ ક્યારેય કાર્ય કરી શક્યું નથી. જે યુદ્ધોમાં મેં સમાધાન કરાવ્યું તે ખરેખર સંયુક્ત રાષ્ટ્રસંઘે કરવું જોઈતું હતું."
સર્વોચ્ચ શાંતિકર્તા પદના એક નવા દાવેદાર?
193 સભ્યોનો સંયુક્ત રાષ્ટ્રસંઘ પીસમેકર-ઇન-ચીફ તરીકેની ભૂમિકા ખરેખર ગુમાવી ચૂક્યું છે.
ઑક્ટોબર 2016માં મેં સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગુટેરેસની મુલાકાત લીધી હતી.
એ તેમના કાર્યકાળનો પ્રથમ દિવસ હતો અને સલામતી પરિષદની એક દુર્લભ સર્વસંમતિના થોડા કલાકો પછી તેમણે "શાંતિ માટેના રાજદ્વારી પ્રયાસોમાં વધારા"નું વચન આપ્યું હતું.
બંધિયાર સુરક્ષા પરિષદ, વિશ્વભરમાં યુદ્ધો વકરાવતા દેશોની વધતી સંખ્યા અને અમેરિકા સહિતના વિશ્વના શક્તિશાળી દેશો સામે પોતાની સ્થિતિમાં સતત ધોવાણે છેલ્લા એક દાયકામાં સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના પીઢ અનુભવી માર્ટિન ગ્રિફિથ્સ કહે છે, "યુદ્ધો સમાપ્ત કરવા માટેની ટ્રમ્પની સક્રિયતાનું આપણે બધાએ સ્વાગત કરવું જોઈએ." તેઓ માને છે કે આ નવો પ્રયાસ "સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રસંઘની વ્યાપક નિષ્ફળતાનું દેખીતું પ્રતિબિંબ છે."
માનવતાવાદી બાબતો અને ઈમરજન્સી રિલીફના આ ભૂતપૂર્વ અન્ડર સેક્રેટરી જનરલે ચેતવણી આપી હતી કે "સૌને સાથે લઈને ચાલવાનું મહત્વ કેટલું છે તે માત્ર ટ્રમ્પ અને તેમના દોસ્તો જ નહીં, આપણે પણ છેલ્લાં 80 વર્ષમાં અનેક નિષ્ફળતા તથા અણઘડપણામાંથી શીખ્યા છીએ."
પોતે આઠ યુદ્ધ અટકાવ્યાં હોવાના ટ્રમ્પ દ્વારા સતત કરવામાં આવતા દાવા બાબતે બીબીસીના ટુડે કાર્યક્રમના ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે "એ તો યુદ્ધવિરામ છે."
કેટલાક કરાર પહેલાં જ તૂટી પડ્યા

ઇમેજ સ્રોત, EPA
રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો વચ્ચેની અસ્થાયી સમજૂતી ટૂંક સમયમાં ભાંગી પડી હતી.
કમ્બોડિયા અને થાઇલૅન્ડે પોતપોતાની સરહદે એકમેક પર આરોપ-પ્રત્યારોપ શરૂ કરી દીધા છે.
ભારતે પાકિસ્તાન સાથેનો તેનો સંઘર્ષ અટકાવવામાં ટ્રમ્પની ભૂમિકા બાબતે સવાલ ઉઠાવ્યા છે.
જોકે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની લડાઈને ટ્રમ્પની મજબૂત મધ્યસ્થી જ અટકાવી શકે તેમ હતી.
તેમના વ્યક્તિગત પ્રયાસોને કારણે ગયા ઑક્ટોબરમાં જ ગાઝામાંના વિનાશક ટકરાવમાં આખરે યુદ્ધવિરામ થયો હતો.
તેનાથી પેલેસ્ટાઇનીઓની પીડા અને ઇઝરાયલી બંધકોની યાતના બંને ઓછા થયાં હતાં.
તે આપદા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાના તેમના નિર્ણયથી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને હમાસ પર એક કરાર કરવાનું દબાણ આવ્યું હતું.
ગાઝા યુદ્ધ ખતમ કરવા માટેની સમજૂતીથી આગળ વધવાની બોર્ડ ઑફ પીસની પહેલી પરીક્ષા પણ મુશ્કેલ છે.
આ બોર્ડ ધીમે ધીમે આકાર પામી રહ્યું છે ત્યારે તેમાં નેતન્યાહૂ સામેલ છે અને તેમણે પેલેસ્ટાઇની દેશની સ્થાપના રોકવાના સોગંદ લીધા છે.
બીજી તરફ આરબ નેતાઓ છે, જેઓ ભારપૂર્વક માને છે કે સ્થાયી શાંતિનો એકમાત્ર માર્ગ પેલેસ્ટાઇનનું સ્વ-શાસન અને ઇઝરાયલી કબજાના અંત તરફ લઈ જતો હોવો જોઈએ.
અમેરિકા અને યુરોપના એજન્ડા પર બીજું મોટું યુદ્ધ યુક્રેનનું છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મૉસ્કો અને મિન્સ્ક સાથે એક ટેબલ પર બેસવાનો ઇનકાર કર્યો છે.
એક ઍક્ઝિક્યુટિવ બોર્ડ, એક ગાઝા ઍક્ઝિક્યુટિવ બોર્ડ અને એક ગાઝામાં વહીવટીતંત્ર માટેની રાષ્ટ્રીય સમિતિ એમ આ બોર્ડનાં ત્રણ સ્તરો છે. એ પૈકીના મોટાભાગનાનું ધ્યાન ગાઝા પર કેન્દ્રિત છે.
તેમાં વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ તથા અબજોપતિઓ, આદરણીય ભૂતપૂર્વ રાજકારણીઓ, ગાઝાને સારી રીતે જાણતા સંયુક્ત રાષ્ટ્રસંઘના ભૂતપૂર્વ રાજદૂતો, આરબ પ્રધાનો અને ગુપ્તચર વડાઓ તેમજ પેલેસ્ટિનિયન ટેક્નોક્રેટ્સનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Reuters
કેટલાક ટીકાકારો તો એક અલગ પ્રકારની સદીઓ જૂની લડાઈ પર ધ્યાન કેન્દ્રિત કરાવવાનું શ્રેય રાષ્ટ્રપતિ ટ્રમ્પને આપે છે.
એ લડાઈ યુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘના, સુરક્ષા પરિષદ સહિતના માળખામાં ફેરફારની સતત માગણી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘનું માળખું હવે દરેક ક્ષેત્રમાં મોટી શક્તિઓની દુનિયાના રાજકીય નકશા સાથે મેળ ખાતું નથી. તેની જે હેતુ માટે રચના થઈ હતી તેના માટે તે અયોગ્ય છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના ભૂતપૂર્વ ડેપ્યુટી સેક્રેટરી જનરલ માર્ક મેલોચ બ્રાઉને કહ્યું હતું, "ટ્રમ્પે જે કર્યું તેનું અનિચ્છનીય સારું પરિણામ એ છે કે આ મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય એજન્ડામાં સૌથી ઉપર આવી જશે."
"આપણે સંયુક્ત રાષ્ટ્રસંઘના અત્યંત નિર્બળ નેતૃત્વના સમયમાંથી બહાર આવી રહ્યા છીએ અને મને લાગે છે કે આ કાર્યવાહી એક આહ્વાન હોઈ શકે છે."
વિધિની વક્રતા એ છે કે વિશ્વના શાંતિ તરફ લઈ જવાના ટ્રમ્પના પ્રયાસો એવા સમયમાં થઈ રહ્યા છે કે જ્યારે અનેક દેશોમાં ગુટેરેસના સ્થાને બીજા કોઈને લાવવાની ચર્ચા થઈ રહી છે. ગુટેરેસનો બીજો કાર્યકાળ આ વર્ષના અંતે પૂર્ણ થશે.
ટ્રમ્પે અગાઉ એવી જાહેરાત કરી હતી કે તેઓ યુક્રેન યુદ્ધ એક દિવસમાં ખતમ કરી શકે તેમ છે.
જોકે, સત્તા પરના છેલ્લા એક વર્ષમાં તેઓ શીખ્યા છે કે શાંતિ સ્થાપના એક લાંબી અને ખતરનાક પ્રક્રિયા છે.
જોકે, આજે તેમણે જ્યાં "નાની-મોટી આગ" સળગી રહી છે તેવા મધ્ય-પૂર્વની પ્રશંસા કરી હતી. યુક્રેનમાં "ટૂંક સમયમાં જ" સમાધાનનું વચન તેમણે આપ્યું હતું.
સાથે સંભવિત મુખ્ય શાંતિદૂત તરીકેની પોતાની ભૂમિકાનો આનંદ પણ માણ્યો હતો.
તેમણે કહ્યું હતું, "આ દુનિયા માટે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












