એ કારણ જેના લીધે સોનું સાડા 4 લાખને પાર ગયું અને બૅન્કો એને મોટા પ્રમાણમાં ખરીદી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પીટર હૉસ્કિન્સ અને એડમ હેનકોક
- પદ, બિઝનેસ સંવાદદાતા
સોનામાં ઐતિહાસિક ભાવવધારો ચાલુ રહ્યો છે અને આ કિંમતી ધાતુનો ભાવ પ્રતિ ઔંસ પહેલી વાર 5,000 ડૉલરના સ્તરે પહોંચ્યો છે. 2025માં સોનાના ભાવમાં 60 ટકાથી વધુનો વધારો થયો હતો. ગ્રીનલૅન્ડ સંબંધે અમેરિકા અને નાટો (NATO) વચ્ચે તણાવ વધી રહ્યો છે તેમજ નાણાકીય તથા ભૂ-રાજકીય અનિશ્ચિતતા સંબંધી ચિંતા વધી રહી છે, ત્યારે સોનાના ભાવમાં જંગી વધારો થયો છે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાપાર નીતિથી પણ માર્કેટ ચિંતિત છે. ટ્રમ્પે કૅનેડાને શનિવારે ધમકી આપી હતી કે જો તે ચીન સાથે કોઈ વેપાર કરાર કરશે, તો તેના પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.
સોનું અને બીજી કિંમતી ધાતુઓને કથિત રીતે 'સેફ એસેટ્સ' (સલામત અસ્કયામતો) માનવામાં આવે છે. રોકાણકારો અનિશ્ચિતતાના સમયમાં તેની ખરીદી કરતા હોય છે. ચાંદીની કિંમત શુક્રવારે પહેલી વાર પ્રતિ ઔંસ 100 ડૉલરથી વધારે થઈ ગઈ હતી. છેલ્લા એક વર્ષમાં ચાંદીના ભાવમાં લગભગ 150 ટકા વધારો થયો છે.
કિંમતી ધાતુઓની માંગમાં બીજાં કારણોસર પણ વધારો થયો છે. તેમાં સામાન્ય કરતાં વધુ ફુગાવો, નબળો અમેરિકન ડૉલર, વિશ્વભરની મધ્યસ્થ બૅન્કો દ્વારા ખરીદી અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે પણ વ્યાજના દરમાં ઘટાડાની અપેક્ષા સહિતના અન્ય પરિબળોનો સમાવેશ થાય છે. યુક્રેન તથા ગાઝામાં યુદ્ધ તેમજ વૉશિંગ્ટન દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પોતાના કબજામાં લેવાની ઘટનાએ પણ સોનાના ભાવ વધારવામાં મદદ કરી છે.
સોનાનું સૌથી મોટું આકર્ષણ તેની અછત છે. 'વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ટ્રેડ ઍસોસિયેશન'ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 2,16,265 ટન સોનાનું જ ખાણકામ કરવામાં આવ્યું છે. આટલા સોના વડે ઑલિમ્પિક સાઈઝના ત્રણ કે ચાર સ્વિમિંગ પૂલ ભરાઈ શકે. તે પૈકીનું મોટાભાગનું સોનું 1950થી ખાણકામ ટેક્નૉલૉજીમાં થયેલી પ્રગતિ અને નવો સુવર્ણ ભંડાર શોધાયા બાદ ખોદી કાઢવામાં આવ્યું હતું.
અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેનો અંદાજ છે કે ભૂગર્ભ સુવર્ણ ભંડારમાંથી હજુ પણ 64,000 ટન સોનું કાઢી શકાય તેમ છે. જોકે, આગામી વર્ષોમાં આ ધાતુનો પુરવઠો અસાધારણ સ્થિતિમાં પહોંચવાની આગાહી છે.
એબીસી (ABC) રિફાઈનરીના ઇન્સ્ટિટ્યૂશનલ માર્કેટના વૈશ્વિક વડા નિકોલસ ફ્રેપેલે કહ્યું હતું, "તમારી પાસે ખુદની માલિકીનું સોનું હોય ત્યારે તેને બૉન્ડ અથવા ઇક્વિટી માર્કેટની માફક બીજા કોઈના દેવા સાથે સંબંધ હોતો નથી. એ માર્કેટ્સમાં કંપનીની કામગીરી મહત્ત્વની હોય છે."
તેમણે ઉમેર્યું હતું કે, "ખૂબ જ અનિશ્ચિત વિશ્વમાં તે ખરેખર એક સારું વૈવિધ્ય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'લોકો સોના તરફ વળી રહ્યા છે'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2025 સોના માટે 'બ્લોકબસ્ટર' વર્ષ હતું. તેમાં 1979 પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો નોંધાયો હતો. રોકાણકારો કિંમતી ધાતુઓ તરફ વળતાં આવી સ્થિતિ સર્જાઈ હતી. ટ્રમ્પના ટેરિફના ડર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંબંધી શેરોની ઊંચી કિંમતોને કારણે નાણાકીય બજારો ભયભીત છે, તેથી સોનું વારંવાર નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યું છે.
શ્રીમંતો માટેના રોકાણ પ્લેટફોર્મ 'વેલ્થ ક્લબ'નાં વડા અને રોકાણ વ્યૂહરચનાકાર સુઝાના સ્ટ્રીટરે જણાવ્યું હતું કે, વર્તમાનમાં રાજકીય અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે "સોનાનો ભાવવધારો અમર્યાદ હોય તેવું લાગે છે."
તેમણે કહ્યું હતું, "સોનેરી સેફ હેવનમાં રોકાણનો ઢગલો થઈ રહ્યો છે અને કિંમતી ધાતુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે." ટ્રમ્પે કૅનેડાને આપેલી ધમકીથી ઉદ્ભવેલા વ્યાપારતણાવ તરફ ધ્યાન દોરતાં સ્ટ્રીટરે કહ્યું હતું કે, તેનાથી "રોકાણકારો ચિંતિત છે."
આર્થિક ચિંતા સોનાના ભાવ વધારવામાં મદદરૂપ થતી હોય છે. જ્યારે રોકાણકારોને વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા હોય છે ત્યારે પણ ભાવ વધે છે. નીચા વ્યાજદરનો અર્થ સામાન્ય રીતે બૉન્ડ જેવા રોકાણમાં ઓછું વળતર એવો થાય છે, તેથી રોકાણકારો સોના અને ચાંદી જેવી અસ્કયામતો તરફ વળે છે. અમેરિકન ફેડરલ રિઝર્વ આ વર્ષે તેના મુખ્ય વ્યાજદરમાં બે વખત ઘટાડો કરે તેવી શક્યતા છે.
પેપરસ્ટોનના રિસર્ચ સ્ટ્રેટેજિસ્ટ અહમદ અસીરીએ કહ્યું હતું, "તે એકબીજા સાથે વિપરીત રીતે સંકળાયેલા છે, કારણ કે (સરકારી બૉન્ડમાં) નાણાં રોકવાની તકની કિંમત હવે ખરેખર યોગ્ય નથી, તેથી લોકો સોના તરફ વળે છે."
સોનું માત્ર રોકાણકારો જ ખરીદી રહ્યા નથી

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, મધ્યસ્થ બૅન્કોએ તેમના ભંડારમાં ગયા વર્ષે સેંકડો ટન સોનાનો ઉમેરો કર્યો હતો. ક્વિલિસે કહ્યું હતું, "અમેરિકન ડૉલરથી દૂર જવાનું એક સ્પષ્ટ પરિવર્તન જોવા મળી રહ્યું છે, જેનાથી સોનાને બહુ લાભ થઈ રહ્યો છે."
સોનાના ભાવમાં આ વર્ષની શરૂઆતથી જ વધારો ચાલુ રહ્યો છે, પરંતુ ફ્રેપેલ ચેતવણી આપે છે કે "સમાચાર પર આધારિત" બજારમાં તેના ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે. તેઓ કહે છે, "દુનિયા માટે હકારાત્મક હોય, પરંતુ સોના માટે હકારાત્મક ન હોય તેવા અનપેક્ષિત સમાચારની સંભાવના પણ છે."
અલબત્ત, દરેક વ્યક્તિ માત્ર રોકાણના હેતુસર જ સોનું ખરીદતી નથી. ઘણી સંસ્કૃતિઓમાં તહેવારો દરમિયાન અથવા લગ્ન જેવા પ્રસંગોમાં ભેટ આપવા માટે સોનાની ખરીદી કરવામાં આવે છે.
ભારતમાં દિવાળીના તહેવારે સંપત્તિ તથા સુખ માટે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક 'મોર્ગન સ્ટેનલી'ના જણાવ્યા અનુસાર, ભારતીય ઘરોમાં 3.8 ટ્રિલિયન ડૉલરનું સોનું છે, જે દેશના કુલ ઘરેલું ઉત્પાદન (GDP)ના 88.8 ટકા જેટલું છે.
ભારતનું પાડોશી ચીન સોના માટે વિશ્વનું સૌથી મોટું સિંગલ કન્ઝ્યુમર માર્કેટ છે. સોનું ખરીદવાથી નસીબ ખૂલતું હોવાનું ઘણા ચીની લોકો માને છે.
ફેબ્રુઆરીમાં શરૂ થનારા આગામી 'હોર્સ યર'નો ઉલ્લેખ કરતાં ક્વિલિસ કહે છે, "ચીની નવા વર્ષની આસપાસ માંગમાં મોસમી વધારો ઘણીવાર જોવા મળે છે. હાલમાં પણ અમુક હદ સુધી એવી જ સ્થિતિ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












