ગુજરાતમાં ભીંડાનું ઉત્પાદન કેમ સતત વધી રહ્યું છે અને શું ભીંડામાં થતા રોગ ગાયબ થઈ ગયા છે?

ભીંડો, શાકભાજી, ખોરાક, ખેતી, ઉત્પાદન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી

ભીંડાની ભારતીય શાકભાજીમાં લોકપ્રિયતા અનોખી છે. ઘણા લોકો દરરોજ ભીંડા ખાવા પણ તૈયાર હોય છે, તો કેટલાક લોકોને આ શાકભાજી પસંદ નથી.

ભીંડો એક એવી શાકભાજી છે જેને પકાવવામાં વિશેષ કાળજીની જરૂર પડે છે, પરંતુ લગભગ દરેક ઘરનાં રસોડામાં તેણે વર્ષોથી સ્થાન ટકાવી રાખ્યું છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં ભીંડાનું ઉત્પાદન વધ્યું છે અને હજુ પણ સતત વધી રહ્યું છે. ભીંડાની ખેતી અને તેનું ઉત્પાદન વધવાનાં કારણો શું છે?

ગુજરાત ભીંડાના ઉત્પાદનમાં સતત મોખરે

ભીંડો, શાકભાજી, ખોરાક, ખેતી, ઉત્પાદન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકારની બાગાયતી ખેતીની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવેલ જિલ્લા વાર આંકડાઓ અનુસાર, 2024-25 વર્ષ દરમિયાન ગુજરાતમાં ભીંડાનું કુલ વાવેતર આશરે 93,955 હૅક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આટલા વિશાળ વિસ્તારમાં વાવેતરને પરિણામે રાજ્યમાં ભીંડાનું કુલ ઉત્પાદન 11.68 લાખ મેટ્રિક ટન જેટલું અંદાજવામાં આવ્યું છે. અહીં નોંધનીય છે કે સમગ્ર રાજ્યની સરેરાશ ઉત્પાદકતા હેક્ટર દીઠ 12.44 મેટ્રિક ટન રહી છે.

બાગાયતી કચેરીએ બીબીસી ગુજરાતીને આપેલા છેલ્લાં વર્ષોના આંકડાઓ અનુસાર, વર્ષ 2020-21માં ભીંડાના પાક હેઠળનો કુલ વાવેતર વિસ્તાર 85,145.11 હૅક્ટર નોંધાયો હતો. તેમાંથી કુલ 10.19 લાખ મેટ્રિક ટન ઉત્પાદન મળ્યું હતું.

એ પછી 2021-22માં 91,177 હૅક્ટર સુધી પહોંચ્યો. વિસ્તાર વધવાની સાથે ઉત્પાદન અને ઉત્પાદકતા વધીને 12.04 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર નોંધાઈ હતી.

વર્ષ 2022-23માં પણ ભીંડાના ઉત્પાદનના આંકડાઓમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો અને કુલ 11.47 લાખ મેટ્રિક ટન ભીંડાનું ઉત્પાદન થયું. આ વર્ષે પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વધીને 12.22 મેટ્રિક ટન થઈ હતી.

2023-24 માં વાવેતર વિસ્તારમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો અને તે 93,326 હૅક્ટર રહ્યો હતો.

ગુજરાતમાં જિલ્લા દીઠ ભીંડા ઉત્પાદનમાં સૌથી સારું પ્રદર્શન જોઈએ તો દક્ષિણ ગુજરાત અગ્રેસર છે.

અહીં કુલ 38,183 હેક્ટરમાં વાવેતર સાથે 5,11,804 મેટ્રિક ટન ઉત્પાદન થયું છે. એ પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તથા છેલ્લે સૌરાષ્ટ્ર છે.

સુરત જિલ્લો ભીંડાના વાવેતર અને ઉત્પાદનમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે.

આંકડાઓ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ભીંડાની ઉત્પાદકતા પણ વધીને પાંચ વર્ષના ઉચ્ચતમ સ્તર 12.44 મેટ્રિક ટન પ્રતિ હૅક્ટર સુધી પહોંચી છે.

ગુજરાતમાં ભીંડાનું ઉત્પાદન કેમ વધી રહ્યું છે?

ભીંડો, શાકભાજી, ખોરાક, ખેતી, ઉત્પાદન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લાલ ભીંડા જે ભારતમાં એટલા પ્રસિદ્ધ નથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત સરકારના કૃષિ વિભાગના બાગાયત નિયામકની કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રુતિ કાઇલા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, "ભીંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે અને છેલ્લા પાંચ વર્ષમાં ભીંડા પાકના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થયેલ છે."

તેઓ જણાવે છે કે, "ભીંડા પાકમાં ખેડૂતો દ્વારા વધુ ઉત્પાદન આપતી જાતોનું વાવેતર કરવામાં આવે છે. તેમજ નવીનતમ ટૅક્નિક સાથે અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેડૂતો દ્વારા ભીંડાના પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે જેનો ફાયદો થઈ રહ્યો છે."

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. વી. એચ. કાછડિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "ભીંડામાં આજથી ત્રણ-ચાર વર્ષ પહેલાં પીળિયા નામનો રોગ આવતો હતો. તેને ભીંડાની પીળી નસનો મોઝેક રોગ કહે છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ રોગ દેખાતો નથી. આ રોગ જળવાયુ પરિવર્તનને કારણે નાબૂદ થઈ ગયો છે."

ભીંડામાં પીળી નસનો મોઝેક ઉપરાંત ભૂકી છારો, ભીંડાનો સુકારો, સર્કોસ્પોરાનાં પાનનાં ટપકાં, અલ્ટર્નેરિયાનો પાનનો ઝાળ, પાનનો ગેરુ, પાનનો કાલવ્રણ, ધરુ-મૃત્યુ અને મૂળના ગંઠવા-કૃમિ અગત્યના રોગ છે.

તેઓ કહે છે, "ભીંડો પીળો થઈ જાય એટલે તેનો બજાર ભાવ ઘટી જાય છે. તેથી ઉત્પાદન ઘટી જતું હતું. અત્યારે વાતાવરણ ભીંડાની ખેતીને ઘણું અનુકૂળ થઈ ગયું છે એટલે ઉત્પાદન વધવાનું જ છે."

તેમનું તો કહેવું છે કે, "હવે ઉનાળા અને ચોમાસામાં તો ભીંડાનો મહત્તમ પાક થાય છે, તે ઉપરાંત શિયાળામાં પણ મર્યાદિત પ્રમાણમાં ભીંડા મળી રહે છે. આમ જાણે કે આ બારે માસ મળતો પાક થઈ ગયો છે."

મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદના સંશોધક અને વૈજ્ઞાનિક ડૉ. રાજેશ આચાર્ય કહે છે, "ભીંડામાં વાતાવરણની સાથે તેની સુધારેલી અને સંકર ભીંડાની જાતો પણ એક કારણ છે. ભીંડા માટે સરકારે સેજ(સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન) બનાવ્યા છે, તેના કારણે ભીંડાની નિકાસ પણ વધી છે. એ સિવાય દરિયાકિનારો હોય ત્યાં તો શિયાળામાં પણ ભીંડા થતાં હોય છે."

ભીંડાને કેવી જમીનો માફક આવતી હોય છે?

ભીંડો, શાકભાજી, ખોરાક, ખેતી, ઉત્પાદન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં શાકભાજીની લારીઓમાં ભીંડા અચૂક જોવા મળે છે

ડૉ. કાછડિયા કહે છે, "ભીંડા માટે સૌથી વધુ નિતારવાળી ફળદ્રુપ જમીન હોય તે સૌથી અનુકૂળ આવતી હોય છે. આ જમીનોની નિતારશક્તિ સારી હોવાથી પાણી ભરાઈ રહેતું નથી. આથી, તે ભીંડાને માફક આવે છે."

તેઓ કહે છે, "ભીંડા ઉત્પાદનમાં ખાતર અને દવાના છંટકાવ પણ કોઈ વાર જ કરવો પડે તેમાં પણ ખર્ચો ખૂબ ઓછો થતો હોય છે."

ડૉ. કાછડિયા જણાવે છે, "બિયારણનો ખર્ચ પણ વધારે હોતો નથી. પાંચથી છ કિલો બિયારણમાં 500 હેક્ટર દીઠ છ વીઘામાં વાવેતર થઈ જતું હોય છે. ડીપ રુટ મલ્ચિંગ પદ્ધતિઓથી ભીંડાના પાકની ગુણવત્તા પણ સુધરે છે અને પાક વધુ માત્રામાં ઊતરે છે. તેમજ ખાતરનો સંપૂર્ણપણે ઉપયોગ થતાં તેનો વધારે વ્યય થતો નથી."

ભીંડાને સામાન્ય રીતે 25થી 30 ડિગ્રી તાપમાન માફક આવે છે, આથી ઠંડા પ્રદેશોમાં એ વધુ થતા નથી. ગુજરાતનું વાતાવરણ તેને ઘણું માફક આવે તેવું છે.

બાગાયત કચેરીના ડેપ્યુટી ડિરેક્ટર શ્રુતિ જણાવે છે કે, "સરકાર દ્વારા હાઇબ્રિડ શાકભાજી પાકના વાવેતર હેઠળ વિનામૂલ્યે શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણના ઇનપુટ કિટ્સ આપવામાં આવે છે."

ગુજરાતમાં ભીંડાની કઈ જાત જોવા મળે છે?

ભીંડાના પાકમાંથી વધારે ઉત્પાદન મેળવવા ગુજરાત હાઇબ્રિડ ભીંડા-1, પરભણી ક્રાંતિ, પંજાબ સિલેક્શન-7, પંજાબ પદ્મિની, પુસા સાવની, ઓકરા-7, વિજય, પુસા મખમલી, વિશાલ, વર્ષા અને પાદરા એસ 18-6ની વાવણી કરવામાં આવે છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. વી. એચ. કાછડિયા જણાવે છે કે, "ગુજરાતમાં હાઇબ્રિડ અને ઓપી( ઓપન પોલીનેટેડ) એમ બે પ્રકારના ભીંડા જોવા મળે છે."

"તેમાં લાલ ભીંડા પણ આવે છે. અને લીલા ભીંડા પણ છે. લોકોને સૌથી વધુ પસંદ ઘેરા લીલા ભીંડા છે."

ડૉ. રાજેશ આચાર્ય જણાવે છે, "લાલ અને લીલા ઉપરાંત પાંચ ખાંચવાળા ભીંડા અને સાત ખાંચવાળા ભીંડા પણ જોવા મળે છે. લીલા ભીંડાના બીજનો મુખવાસ તરીકે પણ ઉપયોગ થાય છે. ભીંડા સૌથી વધુ ભારતમાંથી નિકાસ થઈને ગલ્ફ દેશો, અમેરિકન અને યુરોપિયન દેશોમાં જાય છે."

ડૉ. રાજેશ આચાર્ય બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "ભીંડા ડાયાબિટીઝના દર્દીઓ માટે કારગર ગણાય છે. તેમાંથી આયર્ન તેમજ વિટામિન અને ફાઈબર પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે."

તેઓ કહે છે, "ભીંડામાં રહેલો ચીકણો પદાર્થ હોજરી અને આંતરડાના સોજાને ઘટાડવામાં અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરમાં રહેલા હાનિકારક તત્ત્વો સામે લડવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે."

ભીંડા આપણી થાળી સુધી કેવી રીતે પહોંચ્યા?

ભીંડો, શાકભાજી, ખોરાક, ખેતી, ઉત્પાદન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભીંડા પર લખવામાં આવેલા એક અધિકૃત સંશોધનપત્ર 'ભીંડો: વિશ્વની એક મૂલ્યવાન શાકભાજી' અનુસાર, ભીંડાનો ઉદ્ભવ ઇથોપિયાની આસપાસ ક્યાંક થયો હતો.

ઈ. સ. પૂર્વે 12મી સદી સુધીમાં પ્રાચીન ઇજિપ્તવાસીઓ દ્વારા તેની ખેતી કરવામાં આવતી હતી. તેની ખેતી મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં ફેલાયેલી હતી.

પરંતુ ભીંડાના ભૌગોલિક મૂળ અંગે બે પૂર્વધારણાઓ છે. કેટલાક વૈજ્ઞાનિકો દલીલ કરે છે કે એક ભીંડાનો અનુમાનિત પૂર્વજ ઉત્તર ભારતનો છે. ત્યારે ભીંડાના બીજા અનુમાનિત પૂર્વજનો વિસ્તાર ઇથોપિયા કે ઉત્તર ઇજિપ્ત છે, પરંતુ આજે કોઈ ચોક્કસ પુરાવા ઉપલબ્ધ નથી. તેવું વિવિધ સંશોધનોને આધારે ફલિત થાય છે.

ડૉ. રાજેશ આચાર્ય કહે છે કે, "ભીંડાનું સેકન્ડરી સેન્ટર ઑફ ઑરિજિન ભારત ગણવામાં આવે છે. આથી, ભારતના ભીંડામાં ઘણું વૈવિધ્ય પણ જોવા મળે છે. જેમાં વધુ લાળવાળા કે ઓછી લાળવાળા ભીંડા પણ હોય છે."

ભીંડા વિશ્વના ઘણા ભાગોમાં, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય દેશોમાં ઉગાડવામાં આવે છે.

ભારત, જાપાન, તુર્કી, ઈરાન, પશ્ચિમ આફ્રિકા, યુગોસ્લાવિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાનમાર, મલેશિયા, થાઈલૅન્ડ, બ્રાઝિલ, ઇથોપિયા, સાયપ્રસ અને દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં ભીંડા ઉગાડવામાં આવે છે.

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા 2024-25ના આંકડા મુજબ, દેશમાં ભીંડાના પાક હેઠળનો કુલ અંદાજિત વિસ્તાર 569.91 હજાર હૅક્ટર છે.

આટલા વિશાળ વિસ્તારમાં ખેતી દ્વારા કુલ 6,521.79 હજાર મેટ્રિક ટન જેટલું માતબર ઉત્પાદન થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

સમગ્ર દેશની સરેરાશ ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 11.44 મેટ્રિક ટન નોંધાઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે શાકભાજીના પાકોમાં ભીંડા ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન