ગુજરાત: વરસાદમાં પલળી ગયેલી મગફળી કેવી હશે તો સરકાર ટેકાના ભાવે ખરીદશે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
આ વર્ષે ચોમાસામાં રેકૉર્ડ-બ્રેક 22 લાખ હેક્ટર એટલે કે 1.37 કરોડ વીઘા કરતા પણ વધારે વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યા બાદ ખેડૂતો ઑક્ટોબર મહિનાથી જ રાહ જોઈ રહ્યા હતા કે સરકાર તેમની પાસેથી રૂપિયા 1452 પ્રતિ મણના લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ ક્યારે કરશે.
આ દરમિયાન ઑક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં મગફળીની મોસમ તેની પરાકાષ્ઠાએ હતી ત્યારે જ કમોસમી વરસાદ પડવાનું ચાલુ થયું અને એકાદ અઠવાડિયા સુધી વરસાદ વરસતો રહ્યો.
તેથી જમીનમાંથી કાઢીને પાથરા કરેલી મગફળી પલળી જવાની તેમ જ ખેતરમાં ઊભેલી મગફળી જમીનમાં જ ઊગી જવાની રાવ ચોમેરથી આવી હતી.
ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર આપવા સરકારે આશરે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પૅકેજ જાહેર કર્યું છે.
હવે સરકારે નવ નવેમ્બર 2025થી અંદાજે 15 હજાર કરોડ રૂપિયાના મૂલ્યનાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની લઘુતમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે.
ત્યારે ખેડૂતોને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે 'વરસાદમાં પલળી ગયેલી મગફળી સરકાર ખરીદશે કે નહીં?'
ખેડૂતોમાં ચિંતાનું મુખ્ય કારણ છે રાજ્યના ખુલ્લા બજારો એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ના યાર્ડમાં ચાલી રહેલા મગફળીના બજારભાવ અને ટેકાના ભાવ વચ્ચે નોંધપાત્ર તફાવત.
બજારભાવ હાલ સરેરાશ 1100 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે જે ટેકાના ભાવ કરતા 350 રૂપિયા નીચા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો શું સરકાર ખેડૂતો પાસેથી પલળેલી મગફળી લેશે અને જો લેશે તો તેનાં ધારાધોરણ કેવાં હશે?
વળી, ખેડૂત દીઠ સરકાર મહત્તમ કેટલી મગફળી લેશે તે બાબતે પણ મૂંઝવણ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
બધા ખેડૂતો પાસેથી 125 મણ મગફળી ખરીદાશે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડૂતો પાસેથી છેલ્લાં દસ વર્ષથી નિયમિત રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે અને બજારભાવ ઊંચકાય તે હેતુથી સરકાર બજારમાં હસ્તક્ષેપ કરી રાજ્યમાં ઉત્પાદિત મગફળીના કુલ જથ્થાનો 25 ટકા જથ્થો સરકાર ખેડૂતો પાસેથી ખરીદી લે છે. પરિણામે એપીએમસીના યાર્ડમાં મગફળીની આવકોમાં ઘટાડો થાય છે અને બજારભાવ ઊંચકાય છે તેમ સરકારી અધિકારીઓએ બીબીસીને જણાવ્યું.
આ વર્ષે રાજ્ય સરકારે પાંચ નવેમ્બરે જાહેરાત કરી કે ખેડૂત દીઠ મહત્તમ 125 મણ એટલે કે 2500 કિલો મગફળી ખરીદવામાં આવશે.
તો શું દરેક ખેડૂત પાસેથી સરકાર 125 પણ મગફળી ખરીદશે? જવાબ છે "ના".
ટેકાના ભાવે ખરીદવાની મગફળીની ગુણવત્તાનાં ધારાધોરણો અને ખરીદવાની પ્રક્રિયા નક્કી કરતા સરકારના એક ઠરાવ અનુસાર સરકાર ખેડૂતો પાસેથી પ્રતિ હેક્ટર મહત્તમ 125 મણના હિસાબે મગફળી ખરીદશે. સવા છ વીઘાએ એક હેક્ટર થાય અને તે હિસાબે વીઘા દીઠ સરકાર 20 મણ મગફળી ખરીદશે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ ગુજરાત સરકારના ઈન-ચાર્જ ખેતી નિયામક આર.પી. રાજપૂતે બીબીસીને જણાવ્યું કે જે ખેડૂતે ઓછામાં ઓછી એક હેક્ટર કે તેથી વધારે જમીનમાં મગફળી વાવી હશે તેની પાસેથી જ 125 મણ મગફળી ખરીદવામાં આવશે.
તેમણે કહ્યું, "આ 125 મણનો ક્વોટા ખેડૂતે કેટલા હેક્ટરમાં મગફળી વાવી હતી તેના પર આધારિત છે. જે ખેડૂતે એક હેક્ટર કરતા ઓછી જમીનમાં મગફળી વાવી હતી તેની પાસેથી ખરીદવાપાત્ર મગફળીનો જથ્થો પણ જમીનના પ્રમાણમાં ઘટશે. પરંતુ કોઈ ખેડૂતે એક હેક્ટર કરતા વધારે જમીનમાં મગફળી વાવી હોય તો પણ તેની પાસેથી ખરીદવાપાત્ર જથ્થો 125 મણ જ રહેશે કારણ કે સરકારે ક્વોટા ખેડૂત દીઠ ફિક્સ કર્યો છે અને ખેડૂત દીઠ ધ્યાને લેવાનો ધ્યાને લેવાનો મહત્તમ વાવેતર વિસ્તાર એક હેક્ટર નક્કી કર્યો છે."
તેમણે આગળ કહ્યું કે, "2024-25ના વર્ષમાં સરકારે અપવાદરૂપ કિસ્સામાં ખેડૂત દીઠ 200 મણ મગફળી ખરીદી હતી પરંતુ આ વર્ષે તે શક્ય નથી. આ વર્ષે ટેકાના ભાવે મગફળી વેચવા માટે 9.31 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે."
"આ આંકડો અગાઉનાં વર્ષો કરતાં ત્રણ ગણો છે. રાજ્ય સરકારનો પ્રયાસ છે કે મહત્તમ ખેડૂતોને સરકારની આ યોજનાનો લાભ મળે. જો મોટા ખેડૂતો પાસેથી વધારે જથ્થો ખરીદવામાં આવે તો તે શક્ય ન બને. મહત્તમ ખેડૂતોને આવરી લઇ શકાય તે માટે આ વર્ષે દરેક ખેડૂત માટે 2500 કિલો મહત્તમ ક્વોટા નિર્ધારિત કરાયો છે."
ખેતી નિયામકે ઉમેર્યું કે જો કોઈ ખેડૂત પાસે એક હેક્ટર કરતાં વધારે જમીન હશે અને તે અલગ અલગ સરવે નંબર અને ખાતા નંબરમાં વિભાજિત હશે તો પણ તેની પાસેથી ખરીદવાપાત્ર જથ્થો 125 મણ જ રહેશે. પરંતુ જો કોઈ ખેડૂત પરિવાર સંયુક્ત રીતે એક હેક્ટર કરતા વધારે જમીન ધરાવતો હોય તો તેવા કિસ્સામાં એક કરતા વધારે માલિકે કરાવેલ નોંધણી માન્ય રાખવામાં આવી છે કારણ કે આવા કિસ્સામાં બંને માલિક અલગ અલગ ખેડૂત ગણાય અને ક્વોટા ખેડૂત દીઠ નક્કી કરાયો છે, જમીનના ખાતા નંબર દીઠી નહીં તેવું ખેતી નિયામકે ઉમેર્યું.
માવઠામાં પલળેલી મગફળી ચાલશે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
માવઠામાં પલળી ગયેલી કે જમીનમાંથી ખેંચી ન શકાયેલી મગફળીને થ્રેશિંગ કરવાની મોસમ હાલ પુરજોશમાં ચાલી રહી છે. આ મગફળી લઈને ખેડતો આગામી અઠવાડિયાંમાં ખરીદકેન્દ્રો પર આવશે તેમ મનાય છે.
આવી મગફળીની ખરીદી સરકાર કરશે કે કેમ તે બાબતે સરકારની પ્રતિક્રિયા જાણવા બીબીસીએ ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.
કેન્દ્ર સરકારે આ વર્ષે ગુજરાતમાંથી ટેકાના ભાવે મગફળી ખરદીવાની કામગીરી કરવા નૅશનલ ઍગ્રિકલ્ચરલ કોઑપરેટિવ માર્કેટિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયા (ટૂંકમાં નાફેડ) અને નૅશનલ કોઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (ટૂંકમાં એનસીસીએફ)ને રાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓ નીમી છે.
ગુજરારત સરકાર સાથે વિચારણા બાદ નાફેડે ગુજરાતમાં 22 જિલ્લાના ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા ખરીદકેન્દ્રો ચલાવવા માટે રાજ્ય કક્ષાની એજન્સી તરીકે ગુજકોમાસોલ (ગુજરાત સ્ટેટ કોઑપરેટીવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ)ને પસંદ કર્યું છે.
ગુજકોમાસોલના ચૅરમૅન દિલીપ સંઘાણીએ બીબીસીને જણાવ્યું કે જો પલળેલી મગફળી બાબતે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થશે તો તેઓ સરકારનું ધ્યાન દોરશે.
તેમણે કહ્યું, "આવી મગફળી હજુ સુધી તો અમારાં ખરીદકેન્દ્રો પર આવી નથી. આવ્યા પછી ખબર પડશે. જો ખેડૂતોની ફરિયાદો આવશે તો અમે તેની જાણ સરકારમાં કરીશું."
પરંતુ સરકારના એક ઉચ્ચ અધિકારીએ પોતાનું નામ ન જાહેર કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે માત્ર કેન્દ્ર સરકારે નક્કી કરેલાં ધારાધોરણો મુજબની જ મગફળીની ખરીદવામાં આવશે.
અધિકારીએ કહ્યું, "ભારત સરકારે નક્કી કરેલા ગુણવત્તાનાં ધારાધોરણો ધરાવતી મગફળીની જ ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકાર ધારાધોરણોમાં ફેરફાર ન કરી શકે."
પલળેલી મગફળી કેવી હશે તો ચાલશે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ખેતી નિયામક્ની કચેરીએ આઠ નવેમ્બરેના પરિપત્રમાં મગફળીની ગુણવત્તાનાં ધારાધોરણોની વિગત આપી છે. તેમાં મુખ્ય છ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. (તસવીરમાં ટેબલ જુઓ)

ઇમેજ સ્રોત, Government of Gujarat
ખેડૂત તેની મગફળી લઈને ખરીદકેન્દ્ર પર આવે એટલે તેની મગફળીના ઢગલામાંથી બસ્સો-બસ્સો ગ્રામનાં બે સૅમ્પલ (નમૂના) લેવામાં આવે છે. તેમાંથી એક સૅમ્પલનું સ્થળ પર જ ટેસ્ટિંગ (પરીક્ષણ) કરાય છે જયારે અન્ય સૅમ્પલને ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો ચકાસી શકાય તે માટે પ્લાસ્ટિકની કોથળીમાં ભરી અનામત રાખી મુકાય છે.
સૅમ્પલનું ટેસ્ટિંગ કરનાર અધિકારી પ્રથમ વિદેશી અશુદ્ધિઓ શોધી તેનું વજન કરે છે. જો અશુદ્ધિનું વજન બે ટકા, એટલે કે 200 ગ્રામના સૅમ્પલમાંથી ચાર ગ્રામ કે તેથી ઓછું રહે તો ટેસ્ટ સફળ રહે.
ત્યાર બાદ તૂટેલા પોડનું વજન કરે છે અને જો તે ચાર ગ્રામ કે તેથી ઓછું રહે તો તે ટેસ્ટ પણ સફળ ગણાય.
ત્યાર બાદ ચિમળાયેલ અને અપરિપક્વ પોડનું વજન કરવામાં આવે છે અને જો તે આઠ ગ્રામ કે તેનાથી ઓછું રહે તો ટેસ્ટ સફળ ગણાય છે.
ત્યાર બાદ અન્ય જાતના પોડ અલગ તારવી તેનું વજન કરે છે અને જો તે આઠ ગ્રામ કે તેથી ઓછું રહે તો ટેસ્ટ પણ સફળ ગણાય છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ત્યાર પછી સૅમ્પલના પોપટામાંથી દાણા કાઢી દાણાનું વજન કરી ઉતારો કાઢે છે.
જાડી મગફળીના સૅમ્પલમાંથી ઓછામાં ઓછા 130 ગ્રામ દાણા અને જીણી મગફળીના સૅમ્પલમાંથી ઓછામાં ઓછા 140 ગ્રામ દાણા નીકળે તો ઉતારો નિયત ધોરણ મુજબનો ગણાય.
ત્યાર બાદ આ દાણાને એક મશીનમાં મૂકી તેમાં ભેજનું કેટલું પ્રમાણ છે તે ચકાસે છે. જો ભેજનું પ્રમાણ આઠ ટકા કે તેથી ઓછું હોય તો તે ટેસ્ટ પણ સફળ ગણાય છે.
ત્યાર બાદ છેલ્લી કસોટી છે મગફળીને બારદાનમાં ભરવાની. પરિપત્રમાં જણાવ્યા અનુસાર બરદાનમાં ઓછામાં ઓછી 35 કિલો મગફળી સમાઈ જાય તેટલું વજન મગફળીમાં હોવું જોઈએ.
રાજકોટ તાલુકાનાં ત્રણ ખરીદકેન્દ્રો માટે ગુજકોમાસોલના નિરીક્ષક જતિન જેતાણીએ બીબીસીને જણાવ્યું કે જો આ ગુણવત્તા અનુસાર મગફળી હશે તો તે ખરદીવાપાત્ર ગણાશે.
તેમણે કહ્યું, "વરસાદમાં પલળી જવાથી મગફળીના પોપટાના રંગમાં કાળાશ આવી જવાની શક્યતા રહે છે. પરંતુ મગફળીની ગુણવત્તા ચકાસતી વખતે પોપટાનો રંગ કે તેના દાણાના સ્વાદનું ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. અમારે માત્ર એટલું જ જોવાનું છે કે ખેડૂતની મગફળી ગુણવત્તાના છ માપદંડો અને બરદાનમાં ભરતીનાં ધોરણ અનુસારની છે કે નહીં."
"પરંતુ જો પલળી જવાથી પોપટની અંદર જ મગફળીના દાણા ઊગી ગયા હોય અથવા દાણામાં ફૂગ થઈ ગઈ હોય તો તેવી મગફળી નિયત ગુણવત્તાવાળી ન ગણાય અને તેને ખરીદી ન શકાય."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












