ભારતનાં સાત ગામોએ સાથે મળીને જ્યારે એક અલગ દેશ રચી કાઢ્યો

- લેેખક, બલ્લા સતીષ
- પદ, બીબીસી સંવાદદાતા
એનટીઆર (NTR) જિલ્લાનું પરિતલા ગામ તેના હીરા માટે પ્રખ્યાત છે, પણ એ ઉપરાંત પણ આ ગામ મૂલ્યવાન ઇતિહાસ ધરાવે છે. તે છે, પરિતલા ગણતંત્ર.
વર્તમાન સમયમાં ભારત ગણતંત્રમાં સામેલ આ નાનું નગર નિરાળું એ રીતે છે કે, એક સમયે તે 'પરિતલા ગણતંત્ર' (રિપબ્લિક ઑફ પરિતલા) હતું. આ નામની પાછળ સાત નાનાં ગામોએ સાથે મળીને એક દેશ બનાવ્યાનો અલભ્ય ઇતિહાસ છુપાયેલો છે.
ભારત પ્રજાસત્તાક બન્યું, તે પહેલાં જ આ ગામો પ્રજાસત્તાક બન્યાં હતાં. ટૂંકા સમયગાળા માટે સ્વતંત્ર દેશ રહેલા આ ગામની કહાણી ઘણી જ રસપ્રદ છે.
નિઝામના રાજ્યમાં હીરા માટે...

આંધ્રપ્રદેશના દરિયાકાંઠાનો હાલનો મોટાભાગનો પ્રદેશ અંગ્રેજોને નિઝામ રાજાઓ પાસેથી મળ્યો હતો. એક સંધિ પ્રમાણે, અસફજાહ દ્વિતીયએ દરિયાકાંઠાના જિલ્લાઓ બ્રિટિશરોને સોંપી દીધા હોવા છતાં, તેઓ પરિતલા અને કોલ્લૂર (જ્યાં પુષ્કળ પ્રમાણમાં હીરા મળી આવતા હતા) ને તેમના તાબામાં રાખવા માંગતા હતા.
1766 તથા 1788માં અંગ્રેજો અને નિઝામ વચ્ચે થયેલી સંધિ પ્રમાણે નિઝામે પરિતલાને બાદ કરતાં બાકીના સાગરકાંઠાના વિસ્તારો અંગ્રેજોને સોંપી દીધા હતા. તેના બદલામાં તેમણે હઝુરનગર નજીક આવેલા મુનગલા પરગણા અને લિંગગિરી પરગણા (હાલમાં તેલંગણાનો સૂર્યાપેટ જિલ્લો)નો કબજો અંગ્રેજોને સોંપી દીધો હતો.
આમ, પરિતલા નિઝામના શાસન હેઠળ હતું, પણ તે અંગ્રેજ પ્રાંતોથી ઘેરાયેલું હતું. બે સ્થળો વચ્ચે નાકું (ચેક પોસ્ટ) આવતું હતું. પરિતલા, મોગુલુરુ, ઉસ્થેપલ્લી, મલ્લાવલ્લી, બથિનાપાડુ, ગની અટુકુરુ અને કોડવાટિકલ - આ સાત ગામો સંયુક્તપણે 'પરિતલા ખાનત' (ખાનતનો અર્થ પર્શિયન ભાષામાં તાલુકો થાય છે) તરીકે ઓળખાતા હતા. નિઝામના અધિકારીઓએ પરિતલાની આસપાસ તેમનાં કાર્યાલયો સ્થાપ્યાં હતાં અને આ પ્રદેશનો વહીવટ સંભાળ્યો હતો.
પરિતલાની આસપાસનો પ્રદેશ 15મી ઑસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર થઈ ગયો, પણ પરિતલા સ્વયં નિઝામના તાબા હેઠળ રહ્યું. નિઝામનું બાકી સામ્રાજ્ય 17મી સપ્ટેમ્બર, 1948ના રોજ ભારતમાં ભેળવી દેવાયું, પણ પરિતલા ખાનતે તે પહેલાં જ બળવો પોકારી દીધો હતો અને 15મી નવેમ્બર, 1947ના રોજ નિઝામના શાસનમાંથી આઝાદી મેળવી હતી.
આઝાદી મળ્યા પછી તરત જ, તેમણે સ્વયંને સ્વતંત્ર પ્રજાસત્તાક જાહેર કર્યા. તેમણે આ પ્રદેશને 'પરિતલા રિપબ્લિક (ગણરાજ્ય)' નામ આપ્યું અને એક અલગ બંધારણ લખ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"પરિતલાના લોકોએ બ્રિટિશ શાસન હેઠળ સંસદીય પ્રણાલી જોઈ હતી. તેમને મતદાનના અધિકારનો અભાવ અને નિઝામની ધાર્મિક નીતિઓ પસંદ નહોતાં. તે જ સમયે, 1942માં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ભારત છોડો ચળવળ પછી ઉત્તર ભારતનાં ઘણાં સ્થળોએ સ્થાનિક સરકારો રચાઈ હતી."
"અસહકારનું આંદોલન, ચિરાલા-પેરાલા આંદોલન, પેદાનંદપાડુ વેરા સામેનો સંઘર્ષ અને પરલાકિમિડી સંઘર્ષે પરિતલાના લોકોને પ્રભાવિત કર્યા. તેનાથી 1946ના વર્ષમાં જ નિઝામના શાસનમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા પ્રબળ બની હતી," એમ કોડાડના ઈતિહાસના શિક્ષક કૃષ્ણસાગરુપુ ઉપેન્દ્રએ બીબીસીને જણાવ્યું હતું.
તેમણે પરિતલાના ઈતિહાસ પર સંશોધન કર્યું અને આ સંશોધન કુપ્પમની દ્રવિડિયન યુનિવર્સિટીમાં તેમની એમફિલ થિસીસ માટે સુપરત કર્યું તથા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યું.
તેમના અંદાજ અનુસાર, તે ગાળા દરમિયાન પરિતલામાં નિઝામના અધિકારીઓએ આચરેલા અત્યાચારો આ બળવા પાછળનું એક જવાબદાર પરિબળ હોઈ શકે છે.
"પરિતલાના લોકો પર ભારે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. નિઝામની સરકાર વતી કામ કરતા લંકા સુબ્બૈયા શાસ્ત્રી નામની એક વ્યક્તિએ ગની અટુકુરુ તથા બથિનાપાડુમાં ઘણી અરાજકતા ફેલાવી હતી."
તેમણે સરકારની મદદથી લોકો પર ત્રાસ ગુજાર્યો. પરિણામે લોકોએ લંકા સુબ્બૈયા શાસ્ત્રીની હત્યા કરી નાખી. લંકા સુબ્બૈયા શાસ્ત્રી ઘોડા પર સવાર થઈને એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા, તે સમયે એક તળાવ નજીક તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમને તળાવમાં ફેંકી દેવામાં આવ્યા.
"નિઝામ સરકારની તપાસ દરમિયાન, લોકો એકજૂટ થયા અને કહ્યું, 'અમે સ્વયં તેમને મારી નાખ્યા છે'. તે જ સમયે મદિરાજુ દેવરાજુ, શેખ મૌલા અને અવ્વા સત્યનારાયણ જેવા લોકોએ પ્રજાને બળવો પોકારવા માટે તૈયાર કરી," એમ ઉપેન્દ્રએ જણાવ્યું હતું.
પોલીસ સ્ટેશન પર હુમલો

ઇમેજ સ્રોત, Krishnasagarapu Upendra
ભારતને આઝાદી મળ્યાના ત્રણ મહિના બાદ - 12મી કે 15મી નવેમ્બર, 1947ના રોજ કેટલાક લોકોએ પરિતલાના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો.
ઈતિહાસના શિક્ષક ઉપેન્દ્ર જણાવે છે કે, પોલીસ સ્ટેશન પર 15મી નવેમ્બર, 1947ના રોજ હુમલો થયો હતો, જ્યારે પરિતલાના સ્તૂપ પરના શિલાલેખ અનુસાર, આ હુમલો 12મી નવેમ્બરના રોજ થયો હતો.
આ બંને પૈકી કયો દાવો સાચો છે, તેની બીબીસીએ સ્વતંત્ર ખરાઈ કરી નથી.
એકંદરે, 15મી નવેમ્બરના રોજ પરિતલા ખાનતની અંદરનાં સાત ગામોની એક સ્વતંત્ર, ગણતંત્ર દેશ તરીકે જાહેરાત કરાઈ અને તેને 'પરિતલા પ્રજાસત્તાક' નામ આપવામાં આવ્યું.
દરેક ગામના ત્રણ-ત્રણ સભ્યની કેન્દ્રીય સમિતિ બનાવાઈ, જેમાં કુલ 21 સભ્યો હતા. વકીલ અવ્વા સત્યનારાયણે ગામ માટે એક નાનું બંધારણ લખ્યું હતું.
2009ની આસપાસ ગામમાં બંધાવાયેલો એક સ્તૂપ પોલીસ સ્ટેશન પર કરવામાં આવેલા હુમલામાં સામ્યવાદીઓની ભૂમિકા તરફ ઈશારો કરે છે.
ઉપેન્દ્રના સંશોધન દરમિયાન મળી આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે, કૉંગ્રેસે આ બળવાનું સમર્થન કર્યું હતું. કોણે કેટલી ભૂમિકા ભજવી હતી, તે અંગે વધુ વિસ્તૃત સંશોધન થવું જરૂરી છે.
પરિતલાના સ્તૂપ પર મોજૂદ વિગતો પ્રમાણે... બૉમ્બે પ્રસાદ ઊર્ફે વીરમાચનેની વેંકટેશ્વર રાવ, પર્ના શ્રીરામમૂર્તિ, ડોડ્ડાપનેની રામા રાવ, વીરમાચનેની વેંકટેશ્વર રાવ, મલ્લેલા નરસૈયા, કૂટમ નાગૈયા, સિદ્ધિ રામુલુ, મુલસા વીરૈયા, પેન્ના રાધાકૃષ્ણમૂર્તિ, ગુન્નમ રામીરેડ્ડી, કુર્રા વેંકટ નરસૈયા અને અન્ય કેટલાક લોકો પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં સામેલ હતા. સ્તૂપ અનુસાર, તે તમામ સામ્યવાદી વિચારધારા ધરાવતા હતા.
ઉપેન્દ્રએ જણાવ્યું હતું કે, આ સમિતિના તમામ વરિષ્ઠ સભ્યો રાષ્ટ્રીય કૉંરેસ સાથે નિયમિત સંપર્કમાં હતા અને તેમણે તેની પાસેથી સહકાર માગ્યો હતો.
"હું મદીરાજુ દેવરાજુ ગારુને બાળપણથી આશરે 40-50 વર્ષોથી ઓળખું છું. હું જાણું છું કે, તેમણે પ્રમુખ તરીકે આશરે બે વર્ષ સુધી ગામનું નેતૃત્વ કર્યું હતું."
"અત્યારે જ્યાં પરિતલા હાઈ સ્કૂલ આવેલી છે, ત્યાં હું નાનો હતો, તે સમયે એક હૉસ્પિટલ આવેલી હતી. અગાઉ એવું કહેવાતું હતું કે, તેમાં નિઝામનાં સરકારી કાર્યાલયો આવેલાં હતાં. તે ઈમારત પથ્થરની બનેલી હતી. અમારા ગામમાં ઘણાં સ્વાતંત્ર્ય સેનાની હતા," એમ ગામમાં રહેતા અટ્ટલુરી નરસિમ્હા રાવે બીબીસીને જણાવ્યું હતું.
રાષ્ટ્રીય નેતૃત્વની સહાય

ઇમેજ સ્રોત, Krishnasagarapu Upendra
આ બળવો એટલો સરળ નહોતો. સ્થાનિક લોકોએ તે માટે સુઆયોજીત યોજના ઘડી હતી.
ઉપેન્દ્રએ કહ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થાપવામાં આવેલી આઝાદ હિંદ ફોજમાં સેવા બજાવનાર તમિલ નાગરિક રામાચંદ્રનને પરિતલામાં યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે લાવવામાં આવ્યા હતા.
"સ્થાનિક તંત્રે આ હુમલાનો પ્રતિકાર કરવા માટે નિઝામની સરકારને વધુ દળો મોકલવાની માગણી કરી હતી. પરંતુ, સૈન્યએ મદ્રાસ રાજ્યના ભારતીય પ્રદેશના માર્ગેથી આવવું પડ્યું હતું."
ઉપેન્દ્રએ જણાવ્યું હતું, "બરાબર તે જ સમયે વિદ્રોહીઓ મજબૂત બન્યા. રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતૃત્વ તથા મદ્રાસ રાજ્ય સરકારના સમર્થનથી વિદ્રોહીઓ નિઝામના સૈન્યને ખાળવામાં સફળ રહ્યા હતા."
"વધારાનાં દળો સીમા પર અટકી ગયાં. આ સાથે જ, પરિતલાના લોકોની યોજના અમલમાં મૂકવામાં આવી. નિઝામના સામ્રાજ્યના અધિકારીઓને હાંકી કાઢવામાં આવ્યા.
જયપ્રકાશ નારાયણ અને અરૂણા અસફ અલીએ આ ચળવળની જાણકારી મળ્યા બાદ પરિતલાની મુલાકાત લીધી હતી.
એવું જણાય છે કે, તે જ સમયે તેઓ સમજી ગયા હતા કે, હૈદરાબાદ રાજ્ય આખરે દેશની આઝાદી સાથે જ એક યા અન્ય પ્રકારે ભારતમાં ભળી જશે.
આ ઘટનાક્રમ પાછળ, રાષ્ટ્રીય કૉંગ્રેસ અને બેઝવાડા કૉંગ્રેસ તેમની સાથે સતત સંપર્કમાં હતી અને તેમણે પ્રજાસત્તાકનું સમર્થન કર્યું હતું. વળી, આઝાદ હિંદ ફોજના રામાચંદ્રનને તાલીમ માટે પરિતલા લાવવામાં બેઝવાડા કૉંગ્રેસે જ સહાય કરી હતી.
દર મહિને બેઝવાડા કૉંગ્રેસ કમિટિમાંથી પત્રો આવતા હતા. કેવું ચાલી રહ્યું છે? તમને કોઈ મદદની જરૂર છે? એવા પત્રો લખવામાં આવતા હતા. તેમનામાં આ સમજ હતી, કારણ કે, તેઓ રાજકીય રીતે સક્રિય હતા.
ઉપેન્દ્રના જણાવ્યા પ્રમાણે, "ગાંધીજીને અભિનંદન પાઠવવાં માટે જ્યારે એક રાજદૂત મોકલવામાં આવ્યા હતા, ત્યારે પણ એવું લાગે છે કે, તેમણે સૂચન કર્યું હતું કે, ભવિષ્યમાં તેને ભારત સાથે ભેળવી દેવામાં આવે."
પરિતલા – વારંગલ – ઓસ્માનિયા લિંક

ઇમેજ સ્રોત, Krishnasagarapu Upendra
ઉપેન્દ્રના અનુમાન અનુસાર, 1938માં ઓસ્માનિયા યુનિવર્સિટીમાં યોજાયેલી વંદે માતરમ ચળવળમાં સક્રિયપણે ભાગ લેનારા ઘણા યુવાનો પરિતલાથી આવ્યા હતા, તે હકીકતે આ ગામમાં આંદોલનનો જુસ્સો જગાવ્યો હોઈ શકે છે.
ઉપેન્દ્રએ જણાવ્યું હતું, "બળવાની આગેવાની બ્રાહ્મણોએ લીધી હોવાનું જોવા મળ્યું હતું. મુસ્લિમો ઉપરાંત દલિત સહિતની અન્ય જ્ઞાતિના લોકો પણ તેમાં સામેલ હતા."
ભૌગોલિક રીતે કૃષ્ણા જિલ્લાની વચ્ચે આવેલું હોવા છતાં પરિતલાના ઘણા રહીશો વારંગલ સાથે સારો સંબંધ ધરાવતા હતા. પરિતલના શિક્ષિત અને વેપારી લોકો વારંગલમાં સ્થાયી થવા માટે સ્થળાંતર કરતા હતા.
આ રીતે વારંગલમાં સ્થાયી થયેલા અવ્વા સત્યનારાયણ પરિતલા પરત ફર્યા. પરિતલાનું જે બંધારણ તેમણે લખ્યું હતું, તે ઘણું સંક્ષિપ્ત અને અપૂર્ણ હતું.
આ પ્રદેશ તેલંગણાના બાકીના ભાગોની તુલનામાં નિઝામના શાસનમાંથી થોડો જલ્દી મુક્ત થયો. તકનીકી દ્રષ્ટિએ આ દેશ, રિપબ્લિક ઓફ પરિતલાનું અસ્તિત્વ 15મી નવેમ્બર, 1947થી 26મી જાન્યુઆરી, 1950 સુધી રહ્યું.
જોકે, એવું જણાય છે કે, તેમણે હૈદરાબાદ રાજ્યનું ભારત સરકારમાં વિલિનીકરણ સંપન્ન થઈ ગયા બાદ તત્કાલીન સૈન્ય સરકાર ચલાવી રહેલા જેએન ચૌધરી સાથે પણ વાટાઘાટો કરી હતી.
કાર્યક્ષમ અને પારદર્શી વહીવટ સુનિશ્ચિત કરવા માટે ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તથા સુરક્ષા અને સુખાકારીને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
ઉપેન્દ્ર જણાવે છે, "જ્ઞાતિ અને ધર્મથી પર થઈને તેમણે નિઃસ્વાર્થભાવે કાર્યો કર્યાં હતાં. ઉદાહરણ તરીકે, નિઝામની સરકારે રાષ્ટ્રધ્વજ ન લહેરાવવાનો આદેશ જારી કર્યો હોવા છતાં, શેખ મૌલા સ્વયં ધ્વજ લઈને આખા ગામમાં ફર્યા હતા."
તેલંગણાથી આંધ્ર પ્રદેશ સુધી (તત્કાલીન હૈદરાબાદથી મદ્રાસ)

ઈતિહાસ સંશોધક પ્રશાંતે બીબીસીને જણાવ્યું હતું કે, ઉસ્થેપલ્લી, કોદાવાટિકલ્લુ, પરિતલા, મોગુલુરુ, બથિનાપાડુ, ગોનુગુપાડુ, બુરાવાંચા, મલ્લાપલ્લી અને પુલાપાડુ - આ નવ ગામોને 1950માં તત્કાલીન હૈદરાબાદ રાજ્યમાંથી તત્કાલીન મદ્રાસ રાજ્યના કૃષ્ણા જિલ્લામાં ભેળવી દેવાયાં હતાં.
આગળ તેઓ જણાવે છે કે, તેની સામે નલગોંડા પાસે લિંગગિરી, સર્પવરમ, કલાવપલ્લી, લક્કવરમ, અમરાવરમ, ગનાગાલેન્ડા, મુલુગુમાડા, રોમ્પિમલ્લા અને મલ્લાવરમ ગામોને મદ્રાસમાંથી હૈદરાબાદમાં ભેળવી દેવાયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












