યુજીસીના નવા નિયમો શું છે, તેનો આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, ANI
તાજેતરમાં ઉત્તરપ્રદેશના બરેલીના સિટી મૅજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ઉત્તરપ્રદેશ સરકારે તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
પરંતુ અલંકાર અગ્નિહોત્રીએ રાજીનામા માટે જે કારણ આપ્યું છે તેના કારણે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના નવા નિયમો ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે.
પત્રકારો સાથે વાત કરતાં અલંકાર અગ્નિહોત્રીએ આરોપ લગાવ્યો હતો કે ઉત્તરપ્રદેશમાં 'બ્રાહ્મણવિરોધી અભિયાન' ચાલી રહ્યું છે.
તેમણે એમ પણ કહ્યું, "મારા રાજીનામાનું બીજું કારણ યુજીસીના નવા નિયમો છે, જે એક રીતે જનરલ કૅટેગરીના તમામ વિદ્યાર્થીઓને ગુનેગાર જાહેર કરે છે. આ નિયમો જનરલ કૅટેગરીના વિરોધમાં છે."
ત્યારે સવાલ એ છે કે યુજીસીના જે નિયમોની ચર્ચા થઈ રહી છે તે ખરેખર શું છે અને એ અંગે જનરલ કૅટેગરીના લોકો તરફથી શા માટે તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે?
લોકો સોશિયલ મીડિયા પર તેનો આટલો જોરદાર વિરોધ કેમ કરી રહ્યા છે?
કરણી સેના જવાં સંગઠનોએ કેમ તેની વિરુદ્ધ રસ્તા પર ઊતરવાનો નિર્ણ કર્યો છે?
યુજીસીના નવા નિયમો અને વિવાદ

ઇમેજ સ્રોત, ANI
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવનો અંત લાવવા માટે, યુજીસીએ તેના વર્તમાન નિયમોને વધુ કડક બનાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા નિયમો અનુસાર, હવે સરકારી કૉલેજ હોય કે ખાનગી યુનિવર્સિટી, બધી શૈક્ષણિક સંસ્થાઓમાં એક ઇક્વિટી સેલ સ્થાપિત કરવો પડશે. આ સેલ એક કોર્ટની જેમ કાર્ય કરશે.
જો કોઈ વિદ્યાર્થીને લાગે કે તેની સાથે ભેદભાવ થયો છે, તો એ ત્યાં જઈને ફરિયાદ નોંધાવી શકે છે. સંસ્થાએ સમિતિની ભલામણો પર તાત્કાલિક પગલાં લેવાનાં રહેશે.
13 જાન્યુઆરીના રોજ, યુજીસીએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન રેગ્યુલેશન્સ 2026 જાહેર કર્યા છે. તેનો ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમતાને પ્રોત્સાહન આપવાનો અને કોઈ પણ વર્ગના વિદ્યાર્થીઓ સામે ભેદભાવ અટકાવવાનો છે. તે અનુસાર...
- ધર્મ, જાતિ, વંશ, લિંગ, જન્મસ્થળ કે વિકલાંગતા આધારે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ન થાય તેની ખાતરી કરવી.જેથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, વિકલાંગ વ્યક્તિઓ અને એ પૈકી કોઈ પણ વર્ગના સભ્યો વિરુદ્ધ થતા ભેદભાવ ખતમ કરી શકાય.વધુમાં, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમતાને પ્રોત્સાહન આપવું.
- આ ગાઇડલાઇન મુજબ જાતિ આધારિત ભેદભાવનો અર્થ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગના સભ્યો સામે માત્ર જાતિ અને સમુદાયના આધારે થતો ભેદભાવ છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, આ વિવાદનું મૂળ કારણ જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યામાં અન્ય પછાત વર્ગો (OBC)નો સમાવેશ છે.
અગાઉ, ડ્રાફ્ટમાં જાતિ આધારિત ભેદભાવ સામે રક્ષણના દાયરામાં માત્ર એસસી અને એસટી (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ)નો જ સમાવેશ થતો હતો. પરંતુ હવે તેમાં ઓબીસીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે.
આ નોટિફિકેશનનો વિરોધ કરનારાની દલીલ છે કે તે જનરલ કૅટેગરીના લોકોની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે તેના કારણે જનરલ કૅટેગરીના વિદ્યાર્થીઓ પર ખોટા આરોપો લાગી શકે છે, જે તેમની કારકિર્દી માટે ઘાતક સાબિત થઈ શકે છે.
નોટિફિકેશન અનુસાર, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ દૂર કરવા માટે એક ઇક્વિટી સેલ (સમતા સમિતિ)ની રચના કરવામાં આવશે, જેમાં ઓબીસી, વિકલાંગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ.
આ સમિતિ ભેદભાવની ફરિયાદોની તપાસ કરશે.
વિરોધ કરનારા એવી પણ દલીલ કરે છે કે સમિતિમાં જનરલ કૅટેગરીના પ્રતિનિધિત્વનો અભાવ છે. તેમની દલીલ છે કે ઇક્વિટી સેલમાં જનરલ કૅટેગરીના સભ્યની ગેરહાજરીને કારણે નિષ્પક્ષતા સાથે કોઈ તપાસ નહીં થઈ શકે.
યુજીસીને આ નવા ફેરફાર લાવવાની જરૂર શું કામ પડી?

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ, સરકારનું કહેવું છે કે ઉચ્ચ શિક્ષણમાં ઓબીસી વિદ્યાર્થીઓને પણ ભેદભાવનો સામનો કરવો પડે છે, તેથી તેમને સુરક્ષા પૂરી પાડવી જરૂરી છે.
કૉંગ્રેસના નેતા દિગ્વિજયસિંહની અધ્યક્ષતામાં શિક્ષણ અંગેની સંસદીય સમિતિએ આ સંદર્ભમાં ભલામણ કરી હતી. એ ભલામણને આધારે ઓબીસીનો પણ આમાં સમાવેશ કરાયો છે.
શિવસેના (યુબીટી)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું , "કૅમ્પસમાં કોઈ પણ પ્રકારનો જાતિગત ભેદભાવ ખોટો છે, અને ભારતમાં ઘણા વિદ્યાર્થીઓ તેનાં પરિણામો ભોગવી ચૂક્યા છે. પરંતુ શું કાયદો સમાવેશી ન હોવો જોઈએ અને ખાતરી ન કરવી જોઈએ કે દરેકને સમાન રીતે સંરક્ષણ મળે? તો પછી કાયદાના અમલીકરણમાં આ ભેદભાવ શા માટે? ખોટા કેસના કિસ્સામાં શું થશે? અપરાધ કેવી રીતે નક્કી થશે?"
તેમણે કહ્યું, "આ ભેદભાવને કેવી રીતે પરિભાષિત કરી શકાશે? શબ્દો, કાર્યો કે પછી ધારણાઓથી? કાયદાના અમલીકરણની પ્રક્રિયા સ્પષ્ટ, ચોક્કસ અને બધા માટે સમાન હોવી જોઈએ. કૅમ્પસમાં નકારાત્મક વાતાવરણ બનાવવાને બદલે, હું વિનંતી કરું છું કે આ યુજીસીનું નોટિફિકેશન પાછું ખેંચી લેવામાં આવે અથવા જરૂરી સુધારા કરવામાં આવે."
વિરોધ વચ્ચે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું હતું કે, "હું સૌને આશ્વાસન આપવા માગું છું કે કોઈનું શોષણ નહીં થાય. ભેદભાવના નામે આ નિયમોના ખોટા ઉપયોગની પરવાનગી નહીં આપવામાં આવે."
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, "આની જવાબદારી યુજીસી, ભારત સરકાર કે રાજ્ય સરકાર પર હશે. જે પણ થશે એ બંધારણ મુજબ થશે."
તેમજ ભાજપના નેતા અને સાંસદ નિશિકાંત દુબેએ આ નિયમોનો બચાવ કરતાં લખ્યું , "માનનીય વડા પ્રધાન મોદીએ જ ગરીબ સવર્ણોને દસ ટકા અનામત આપી હતી. આજે યુજીસીના નામે કયા પ્રકારની ગેરસમજ?"
તેમણે કહ્યું હતું કે, "બંધારણનો અનુચ્છેદ 14 આ દેશમાં જાતિ, વર્ગ, વર્ણ, ધર્મ અથવા સંપ્રદાયના આધારે કોઈ પણ ભેદભાવની વિરુદ્ધ છે. તમે નિશ્ચિંત રહો, યુજીસીનો આ નિયમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગો તેમજ સવર્ણો માટે પણ સમાન રીતે લાગુ થશે. આ રાજકારણ નથી. દેશ બાબાસાહેબ આંબેડકરના બંધારણથી જ ચાલે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












