અજિત પવારનું મૃત્યુ થયું એ વિમાન કેવું અને કેટલાં વર્ષ જૂનું હતું?

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું છે.
બારામતી ઍરપૉર્ટ પર લૅન્ડિંગ કરતી વખતે તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
અજિત પવારની સાથે કૅપ્ટન સુમિત કપૂર, કૅપ્ટન શંભાવી પાઠક, અજિત પવારના સુરક્ષા ગાર્ડ વિદિપ જાધવ, ફ્લાઇટ ઍટેન્ડન્ટ પિંકી માલી અને અન્ય કર્મચારી પણ આ દુર્ઘટનામાં યાત્રા કરી રહ્યા હતા. તેમનું પણ મૃત્યુ થયું છે.
આ દુર્ઘટના પછી લોકોમાં કૂતુહલ છે કે આ વિમાન આખરે કેવું હતું અને તે દુર્ઘટનાગ્રસ્ત કેવી રીતે થયું હોઈ શકે?
દુર્ઘટનાગ્રસ્ત વિમાન કેવું હતું?

ઇમેજ સ્રોત, ANI
જે વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી અજિત પવાર સહિત પાંચ લોકોનાં મૃત્યુ થયાં એ લીયરજેટ-45 એક્સઆર (LJ45 XR) વિમાન હતું.
લીયરજેટ 45 સમૂહનાં વિમાનોનું નિર્માણ કૅનેડાની કંપની બૉમ્બાર્ડિયર દ્વારા કરવામાં આવે છે. દુનિયાભરની અનેક કંપનીઓ આ વિમાનોનો ઉપયોગ ચાર્ટર્ડ ઉડાણો એટલે કે પ્રાઇવેટ યાત્રાઓ માટે કરતી રહી છે.
મધ્યમ કદનાં લીયરજેટ-45 એક્સઆર વિમાનને બિઝનેસ જેટ પણ કહેવામાં આવે છે. તે બે હનીવેલ ટીએફઈ 731 એઆર/બીઆર ટર્બોફેન એન્જિનથી સંચાલિત થાય છે.
આ વિમાન એક વારમાં વધુમાં વધુ આઠ યાત્રીઓને લઈ જાય છે. પૂર્ણ બળતણ હોય ત્યારે તેની ઉડાણ ક્ષમતા 2235 નોટિકલ માઇલ એટલે કે લગભગ 3500થી 5000 કિમી સુધીની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂતકાળમાં પણ આ શ્રેણીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ચૂક્યું છે

ઇમેજ સ્રોત, ANI
આ વિમાન નાના રન-વે પર ઊતરવા માટે સક્ષમ છે.
બારામતીમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન નવી દિલ્હીસ્થિત પ્રાઇવેટ ઍરલાઇન કંપની વીએસઆર એવિએશન દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું હતું. આ વિમાન છેલ્લાં 16 વર્ષથી ઉપયોગમાં હતું.
આ પહેલાં વર્ષ 2023માં આ જ વીએસઆર કંપનીના એક લીયરજેટ 45 એક્સઆર વિમાન મુંબઈ ઍરપૉર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
14 સપ્ટેમ્બર, 2023ના રોજ ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે રન-વે પરથી લપસી ગયું હતું. પરંતુ ત્યારે તમામ આઠ યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા હતા.
આ દુર્ઘટના કેવી રીતે થઈ?
ફ્લાઇટ ટ્ર્રૅકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડાર પર મળેલી જાણકારી અનુસાર, અજિત પવારને લઈ જનારું વિમાન મુંબઈથી ઉડાણ ભર્યા પછી લગભગ 30-35 મિનિટે બારામતી પહોંચ્યું. પરંતુ ઍરપૉર્ટ પર ઊતર્યા પહેલાં વિમાન આકાશમાં ચક્કર લગાવવા લાગ્યું. પહેલા પ્રયત્નમાં તે લૅન્ડિંગ કરવામાં અસફળ રહ્યું અને પછી તે રન-વે તરફ પાછું વળતું દેખાયું અને પછી રડારમાંથી ગાયબ થઈ ગયું.
દુર્ઘટના પછી તરત જ ઇંધણની ટૅન્કમાં વિસ્ફોટ થયો અને વિમાનમાં આગ લાગી ગઈ.
બારામતી પાસેના ગોજુબાવી ગામ પાસે આવેલું ઍરપૉર્ટ 1996થી ઉપયોગમાં છે. તે એમઆઈડીસી દ્વારા નિર્મિત કોઈ મોટું ઍરપૉર્ટ કે આધુનિક સુવિધાઓવાળું ઍરપૉર્ટ નથી. આ ઍરપૉર્ટનો ઉપયોગ નાનાં વિમાનોના પરિવહન અને પાયલટોના પ્રશિક્ષણ માટે થાય છે.
દુર્ઘટનાસ્થળની તસવીરોથી એ સ્પષ્ટ થાય છે કે રનવે 11 પર અજિત પવારનું વિમાન ઊતરી રહ્યું હતું. આ રન-વે પહેલાં એક ઊંડી ખીણ જેવું ક્ષેત્ર પણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












