સફેદ અને ગુલાબી ગોલ્ડ : સોનાની ગુણવત્તા તથા કિંમત નક્કી આ રીતે નક્કી થાય

સોનું, ચાંદી, બીબીસી ગુજરાતી, ભારત, સોનાના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
    • લેેખક, કે. શુભગુણમ
    • પદ, બીબીસી તામિળ

સુવર્ણના આભૂષણોનું ઉત્પાદન તથા વેચાણ, સોનાની વાર્ષિક માંગનો એક મોટો હિસ્સો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, તે વિશ્વની સોનાની માંગનો 50 ટકા હિસ્સો ધરાવે છે તેમજ ભારત અને ચીન સુવર્ણનાં આભૂષણોના વિશ્વના સૌથી મોટાં માર્કેટ્સ છે.

તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એ ઉપરાંત સોનાનાં ઘરેણાંની ગુણવત્તા નિર્ધારિત કરવા માટે ઉપયોગમાં લેવાતા માપ 'કૅરેટ' તથા તેને માપવાની પદ્ધતિ બાબતે પણ ઘણા સવાલો સર્જાયા છે.

સોનું પીળા ઉપરાંત ગુલાબી (રોઝ ગોલ્ડ) અને સફેદ (વ્હાઇટ ગોલ્ડ) સહિતના રંગોમાં પણ આજે ઉપલબ્ધ છે. તેના મૂળ બાબતે સવાલ થવો સ્વાભાવિક છે. આ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે બીબીસીએ સોનાનાં ઘરેણાંના નિર્માતાઓ તથા સુવર્ણકારો સાથે વાત કરી હતી.

કૅરેટ સોનાની ગુણવત્તા દર્શાવતું માપ છે?

સોનું, ચાંદી, બીબીસી ગુજરાતી, ભારત, સોનાના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનું પીળા ઉપરાંત ગુલાબી અને સફેદ સહિતના રંગોમાં પણ આજે ઉપલબ્ધ છે

કૅરેટ એ 'કૅરટેજ' શબ્દનું સંક્ષિપ્ત સ્વરૂપ છે અને તે સોનાની શુદ્ધતાનું માપ છે. કૅરેટ અન્ય ધાતુઓ સાથે મિશ્રિત સોનાની શુદ્ધતા માપવાની એક પદ્ધતિ છે. કોઈ ધાતુને સોનું કહેવા માટે જરૂરી કૅરેટની ન્યૂનતમ માત્રા દરેક દેશે અલગ-અલગ છે.

અમેરિકામાં 10 કૅરેટ કાયદેસર રીતે સ્વીકૃત ન્યૂનતમ ગ્રેડ છે. ફ્રાન્સ, બ્રિટન, ઑસ્ટ્રિયા, પોર્ટુગલ અને આયર્લૅન્ડ જેવા દેશોમાં સોનાનો સૌથી નીચો ગ્રેડ 9 કૅરેટ છે.

ભારતમાં બીઆઈએસ દ્વારા ગયા વર્ષે જુલાઈમાં 9 કૅરેટને સોનાના સૌથી નીચા ગ્રેડ તરીકે માન્યતા આપી તેના વેચાણની મંજૂરી આપવામાં આવી હતી. સોનાનો અન્ય ધાતુઓ સાથેનો ગુણોત્તર કૅરેટ માપનના આધારે બદલાય છે.

દાખલા તરીકે, 18 કૅરેટ સોનામાં 75 ટકા શુદ્ધ સોનું અને 25 ટકા તાંબું તથા ચાંદી જેવી અન્ય ધાતુઓ હોય છે. 24 કૅરેટ એ શુદ્ધ સોનું હોય છે, જેમાં અન્ય કોઈ ધાતુ મિશ્રિત હોતી નથી. દાગીના બનાવવાનો 45 વર્ષનો અનુભવ ધરાવતા સુવર્ણકાર સુબ્રમણ્યમના જણાવ્યા મુજબ, તાંબું અને ચાંદી જેવી અન્ય ધાતુઓના મિશ્રણને કારણે આ નરમ સોનાને મજબૂતી અને ટકાઉપણું મળે છે.

કૅરેટ દ્વારા સોનાની ગુણવત્તા કેવી રીતે નક્કી કરવી?

સોનું, ચાંદી, બીબીસી ગુજરાતી, ભારત, સોનાના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 24 કૅરેટ શુદ્ધ સોનું હોય છે. તેમાં અન્ય કોઈ ધાતુ મિશ્રિત હોતી નથી

સોનાના દાગીના સામાન્ય રીતે 22 કૅરેટ, 18 કૅરેટ, 14 કૅરેટ, 10 કૅરેટ અને 9 કૅરેટ ગ્રેડમાં જોવા મળે છે. કોયમ્બતુર ગોલ્ડ પ્રોડ્યુસર્સ ઍસોસિયેશનના પ્રમુખ મુથુ વેંકટરામન કહે છે, "22 કૅરેટ ગોલ્ડમાં 91.7 ટકા શુદ્ધ સોનું હોય છે."

કૅરેટ વચ્ચેના આ તફાવતને સમજાવતા તેઓ કહે છે, "21 કૅરેટમાં 88 ટકા શુદ્ધ સોનું હોય છે. તેનો અર્થ એ કે 100 ગ્રામમાં 88 ગ્રામ શુદ્ધ સોનું હોય છે. દાખલા તરીકે, 100 ગ્રામના દાગીનામાં જો 8 ગ્રામ તાંબું અને ચાંદી ભેળવવામાં આવે તથા તેમાં 91.700 ગ્રામ શુદ્ધ સોનું હોય તો તે 22 કૅરેટ અથવા 916 ગ્રેડના સોનાના દાગીના બને છે."

"એ જ રીતે 14 કૅરેટમાં 58.3 ટકા શુદ્ધ સોનું હોય છે અને બાકીનું તાંબું તથા ચાંદીનું મિશ્રણ હોય છે. 18 કૅરેટમાં 75 ટકા સોનું અને 25 ટકા તાંબા-ચાંદીનું મિશ્રણ હોય છે." મુથુ વેંકટરામન ઉમેરે છે કે શુદ્ધ સોનાનું પ્રમાણ ખૂબ ઓછું એટલે કે 37.5 ટકા અને તાંબા-ચાંદીનું મિશ્રણ 62.5 ટકા હોય તો તે 9 કૅરેટનું સોનું ગણાય છે. તેમના કહેવા મુજબ, કૅરેટ ગ્રેડની ગણતરી દાગીનાના ઉત્પાદનમાં મિશ્રિત અન્ય ધાતુઓની માત્રા તથા શુદ્ધ સોનાની માત્રા પર આધારિત હોય છે.

સોનાના દાગીનાની ગુણવત્તામાં શું તફાવત હોય છે?

સોનું, ચાંદી, બીબીસી ગુજરાતી, ભારત, સોનાના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં બીઆઈએસ દ્વારા ગયા વર્ષે જુલાઈમાં 9 કૅરેટને સોનાના સૌથી નીચા ગ્રેડ તરીકે માન્યતા આપી હતી અને તેના વેચાણની મંજૂરી આપી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્ય રીતે 18 કૅરેટથી ઓછી ગુણવત્તા (સ્ટાન્ડર્ડ્સ) સાથે બનેલા સોનાના દાગીના ટકાઉપણામાં ઉતરતા હોય છે, એ વાત સાથે મુથુ વેંકટરામન અને સુબ્રમણ્યમ બંને સંમત છે. મુથુ વેંકટરામન કહે છે, "હીરા જડિત દાગીના બનાવવા માટે અગાઉ 18 કૅરેટ સોનાનો ઉપયોગ થતો હતો. એ પછી 14 કૅરેટના સોનાનો ઉપયોગ પણ થવા લાગ્યો. જો તમે તેમાં વધુ ઓછા કૅરેટનો ઉપયોગ કરો તો સોનાના દાગીનામાં શુદ્ધ સોનાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી જશે."

સુબ્રમણ્યમ કહે છે, "જ્યારે 9 કે 14 કૅરેટના દાગીના બનાવવામાં આવે છે, ત્યારે શુદ્ધ સોનાનો મોટો જથ્થો મિશ્રધાતુને વળગી રહેવાને બદલે તેનું બાષ્પિભવન થઈ જતું હોય છે. દાગીના પર તેનું એક સ્તર બને છે, પરંતુ તેની આંતરિક ગુણવત્તા ઉચ્ચ હોતી નથી." એટલે કે દાગીનામાં પૂરતું સોનું ન હોય ત્યાં સુધી તેની 'રિસેલ વેલ્યૂ' (પુનઃ વેચાણ કિંમત) મળતી નથી.

સુબ્રમણ્યમ ઉમેરે છે, "જ્યારે ધાતુઓને અમુક મિશ્રિત પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે, ત્યારે દાગીનાનો રંગ સોના જેવો પીળો થવા લાગે છે. આ પ્રક્રિયાથી 14 કૅરેટ સોનાના દાગીના પણ 22 કૅરેટ જેવા ચમકવા લાગે છે. પરંતુ જેમ જેમ તમે તેને પહેરો તેમ તેમ પરસેવાને કારણે 14 કૅરેટ સોનાનો સાચો રંગ બહાર આવે છે. 22 કૅરેટ અને 18 કૅરેટના સોનાના દાગીના પરની ચમક દીર્ઘકાળ સુધી રહે છે, પરંતુ ઓછા કૅરેટ પરનો સોનાનો ઢોળ લાંબો સમય ટકતો નથી."

પીળા, ગુલાબી અને સફેદ સોના વચ્ચે શું તફાવત છે?

સોનું, ચાંદી, બીબીસી ગુજરાતી, ભારત, સોનાના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુદ્ધ સોનાને પેલેડિયમ અથવા ચાંદી જેવી સફેદ ધાતુઓ સાથે ભેળવીને સફેદ સોનું બનાવવામાં આવે છે

સોનાના દાગીના માત્ર પીળા રંગમાં જ ચમકે છે, એવું આપણા પૈકીના ઘણા લોકો માને છે. જોકે, તાજેતરમાં સોનાના દાગીના પીળા, ગુલાબી અને સફેદ સહિતના વિવિધ રંગોમાં ઉપલબ્ધ થયા છે.

શુદ્ધ સોનાને પેલેડિયમ અથવા ચાંદી જેવી સફેદ ધાતુઓ સાથે ભેળવીને સફેદ સોનુ બનાવવામાં આવે છે.

તેને કઠણ બનાવવા માટે તેના પર રોડિયમનો ઢોળ ચડાવવામાં આવે છે. એ 22 કૅરેટ સોનાથી બનતું નથી. 18 કૅરેટનું સફેદ સોનું 75 ટકા શુદ્ધ સોના અને 25 ટકા પેલેડિયમમાંથી બનેલું હોય છે.

તેનું ઉત્પાદન મુખ્યત્વે 14, 10 અને નવ કૅરેટમાં થાય છે. 14 કૅરેટ સફેદ સોનામાં 58.3 ટકા શુદ્ધ સોનું, 32.3 ટકા ચાંદી અને 9.5 ટકા પેલેડિયમ હોય છે. એવી જ રીતે 10 અને નવ કૅરેટમાં અનુક્રમે 41.7 ટકા અને 37.5 ટકા શુદ્ધ સોનું હોય છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ, રોઝ ગોલ્ડનાં ઘરેણાં બનાવવા માટે તેમાં તાંબુ ઉમેરવામાં આવે છે. તાંબુ ઉમેરવાથી રોઝ ગોલ્ડને આછો ગુલાબી કલર મળે છે.

22 કૅરેટ રોઝ ગોલ્ડમાં 91.6 ટકા શુદ્ધ સોનું અને 8.4 ટકા તાંબુ હોય છે, જ્યારે 18 કૅરેટ રોઝ ગોલ્ડમાં 75 ટકા શુદ્ધ સોનું, 22.2 ટકા તાંબુ અને 9.2 ટકા ચાંદી હોય છે.

14, 10 અને નવ કૅરેટ જેવા નીચી ગુણવત્તાવાળા રોઝ ગોલ્ડમાં તાંબુ વધારે હોય છે. 14 કૅરેટના રોઝ ગોલ્ડમાં 32.5 ટકા તાંબુ હોય છે, જ્યારે 10 અને નવ કૅરેટના રોઝ ગોલ્ડમાં અનુક્રમે 38.3 ટકા અને 42.5 ટકા તાંબુ હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન