આઇસક્રીમ શોધવા નીકળેલી બાળકી 17 વર્ષે કઈ રીતે ઘરે પાછી ફરી?

લાપતા બાળકની શોધ, પાકિસ્તાનમાં બાળકોની સ્થિતિ, 17 વર્ષે દીકરી મળી આવી, ઇદી ઈધી એધી ફાઉન્ડેશન, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Sidra Ikram

ઇમેજ કૅપ્શન, કિરણની બાળપણની તસવીર
    • લેેખક, મોહમ્મદ ઝુબૈર
    • પદ, બીબીસી ન્યૂઝ, ઉર્દૂ માટે

આ હૃદયદ્રાવક કહાનીની શરૂઆત 17 વર્ષ પહેલાં પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદના સેક્ટર જી-10ના એક રસ્તા પરથી થઈ હતી.

10 વર્ષની કિરણ વરસાદમાં આઇસક્રીમ શોધવા માટે પોતાના ઘરેથી નીકળી હતી.

એ વખતે કિરણને આઇસક્રીમ તો મળી ગઈ, પરંતુ તેનું બાળપણ અને તેનાં માતાપિતા તેનાથી ખૂબ દૂર થઈ ગયાં.

કિરણ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કસૂર જિલ્લાના એક નાના ગામની રહેવાસી છે. તેમણે પોતાના જીવનની ઘણી વસંત પોતાનાં માતાપિતા, ભાઈ-બહેન અને સંબંધીઓથી દૂર કરાચીના ઇધી સેન્ટરમાં વિતાવી છે.

કિરણે ઘણી વાર પોતાનાં માતાપિતા અને ભાઈ-બહેનને શોધવાની કોશિશ કરી, પરંતુ સફળતા ન મળી. કિરણ પાછી આવશે, તેવી આશા તેમનાં માતાપિતા અને ભાઈ-બહેન ગુમાવી બેઠાં હતાં. પરંતુ જ્યારે પંજાબ પોલીસના સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ કામ કરતા લોકોને કિરણની માહિતી મળી, ત્યારે આ ઉદાસ જીવન ખુશીઓથી છલકાઈ ગયું.

કિરણ પોતાનાં માતાપિતા સુધી કઈ રીતે પહોંચ્યાં?

લાપતા બાળકની શોધ, પાકિસ્તાનમાં બાળકોની સ્થિતિ, 17 વર્ષે દીકરી મળી આવી, ઇદી ઈધી એધી ફાઉન્ડેશન, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Sidra Ikram

ઇમેજ કૅપ્શન, કિરણની તેના પરિવારના વડીલો-વૃદ્ધો સાથેની બાળપણની તસવીર

કિરણના પિતા અબ્દુલ મજીદ અને પરિવારના અન્ય લોકોએ આ વિશે કશી વાત ન કરી, અલબત્ત, તેમના પરિવાર સાથે સંકળાયેલા એક વૃદ્ધ, અસદ મુનીરે આ અંગે થોડીક માહિતી આપી.

અસદ મુનીર સંબંધની રીતે કિરણના મોટા બાપુ થાય છે અને તે કસૂર જિલ્લાના ગામ બાગરીના રહેવાસી છે.

તેમણે જણાવ્યું કે, "17 વર્ષ પહેલાં જ્યારે કિરણની ઉંમર માત્ર 10 વર્ષ હતી, એ વખતે મારી બહેન એટલે કે તેની ફોઈના ઘર ઇસ્લામાબાદના જી-10 વિસ્તારમાં રહેતી હતી. ઘરની બરાબર સામે જી-10નું સેન્ટર છે, જ્યાં તે આઇસક્રીમ લેવા ગઈ હતી. આ 2008ની વાત છે. એ વખતે ખૂબ વરસાદ પડતો હતો."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અસદ મુનીરનું કહેવું હતું કે ખૂબ વાર લાગી છતાં કિરણ જ્યારે ઘરે પાછી ન આવી, એટલે તેની શોધખોળ કરવામાં આવી, પરંતુ તે ન મળી.

"એ વખતે તેને દરેક જગ્યાએ અને દરેક ખૂણે શોધવામાં આવી, પરંતુ કિરણની કશી ભાળ ન મળી."

કિરણનું કહેવું છે કે તેઓ ઘરેથી આઇસક્રીમ લેવા નીકળ્યાં હતાં, પરંતુ ખૂબ વરસાદ પડતો હોવાથી તેઓ રસ્તો ભૂલી ગયાં.

કિરણના કહેવા પ્રમાણે, તેઓ ઘણી વાર સુધી રસ્તાઓ પર ફરતાં રહ્યાં અને પોતાનું ઘર શોધતાં રહ્યાં, પરંતુ જ્યારે તેમને ઘર ન મળ્યું ત્યારે કોઈએ તેમને ઇધી સેન્ટર, ઇસ્લામાબાદ પહોંચાડી દીધાં.

કિરણે જણાવ્યું કે, "પહેલાં મને ઇધી સેન્ટર, ઇસ્લામાબાદ રાખવામાં આવી, પરંતુ થોડા સમય પછી બિલ્કીસ ઇધી મને ઇધી સેન્ટર, કરાચી લઈ ગયાં અને 17 વર્ષ સુધી હું ત્યાં જ રહી."

ઇધી સેન્ટર, કરાચીનાં શબાના ફૈસલનું કહેવું હતું કે 17 વર્ષ પહેલાં કિરણ ઇસ્લામાબાદના ઇધી સેન્ટરમાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે, તેમને કોઈ વ્યક્તિ ઇધી સેન્ટર મૂકી ગયું હતું, કદાચ તેઓ રસ્તો ભૂલી ગયાં હતાં.

શબાના ફૈસલે જણાવ્યું, "થોડાક સમય સુધી તેઓ ઇધી સેન્ટર, ઇસ્લામાબાદમાં રહ્યાં. એ દરમિયાન બિલ્કીસ ઇધીએ ઇસ્લામાબાદ ઇધી સેન્ટરની મુલાકાત લીધી, જ્યાં તેમણે જોયું કે કિરણની તબિયત સારી નથી રહેતી, એટલે તેઓ તેમને ઇધી સેન્ટર, કરાચી લઈ ગયાં."

શબાના ફૈસલે જણાવ્યું કે થોડા સમય પહેલાં પંજાબ પોલીસના સેફ સિટી પ્રોજેક્ટના 'મેરા પ્યારા' ની એક ટીમે ઇધી સેન્ટર, કરાચીની મુલાકાત લીધી. તેમણે કિરણનો ઇન્ટરવ્યૂ કર્યો અને તેમના સંબંધીઓને શોધવાનું બીડું ઝડપ્યું.

કિરણના ઇન્ટરન્યૂના લીધે ઘર શોધવામાં મદદ મળી

લાપતા બાળકની શોધ, પાકિસ્તાનમાં બાળકોની સ્થિતિ, 17 વર્ષે દીકરી મળી આવી, ઇદી ઈધી એધી ફાઉન્ડેશન, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Sidra Ikram

ઇમેજ કૅપ્શન, 'અપના પ્યારા' કાર્યક્રમ દ્વારા આપવામાં આવેલી માહિતી

સિદ્રા ઇકરામ લાહૌરમાં 'મેરા પ્યારા' પ્રોગ્રામમાં સીનિયર પોલીસ કમ્યુનિકેશન ઑફિસર છે.

તેમણે જણાવ્યું કે 'મેરા પ્યારા' પ્રોજેક્ટ પંજાબ પોલીસના સેફ સિટી પ્રોગ્રામ હેઠળ શરૂ કરાયો છે, જેનો હેતુ ખોવાઈ ગયેલાં બાળકોનું તેમના પરિવારો સાથે મિલન કરાવવાનો છે.

આ પ્રોજેક્ટ એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં 51 હજાર બાળકોનું તેમનાં માતાપિતા સાથે મિલન કરાવાયું છે.

સિદ્રા ઇકરામનું કહેવું હતું કે આ ઉદ્દેશ માટે ડિજિટલ સાધનો ઉપરાંત પોલીસ સૂત્રોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

સિદ્રા ઇકરામે જણાવ્યું, "અમારી ટીમો અલગ-અલગ સંસ્થાઓ, જ્યાં અનાથ બાળકોને રાખવામાં આવે છે, ત્યાં જઈને બાળકોનાં ઇન્ટરવ્યૂ કરે છે અને પછી એ ઇન્ટરવ્યૂમાં મળેલી માહિતીની મદદથી બાળકના સંબંધીઓને શોધવામાં આવે છે."

તેમનું કહેવું હતું કે, કિરણની બાબતમાં પણ આવું જ થયું.

સિદ્રા ઇકરામે જણાવ્યું, "અમારી એક ટીમે ઇધી સેન્ટર, કરાચીની મુલાકાત લીધી, જેમાં અન્ય અનાથ લોકો ઉપરાંત કિરણનો પણ ઇન્ટરવ્યૂ કરાયો અને માહિતી લેવામાં આવી."

"કિરણને વધુ કશું યાદ નહોતું. હકીકતમાં તે કસૂર જિલ્લાનાં નિવાસી હતાં. ઇસ્લામાબાદમાં તેઓ પોતાના સંબંધીને ત્યાં રહેતાં હતાં."

સિદ્રા ઇકરામનું કહેવું હતું કે કિરણને પોતાના પિતાનું નામ અબ્દુલ મજીદ અને પોતાના ગામનું નામ પણ યાદ હતું.

"આ માહિતી અમે અમારી કસૂર ઑફિસને આપી અને તેમને વિનંતી કરવામાં આવી કે કિરણના સંબંધીઓને શોધવામાં મદદ કરે."

મુબશ્શિર ફૈયાઝ કસૂરના પોલીસ કમ્યુનિકેશન ઑફિસર છે. તેમણે જણાવ્યું કે જ્યારે તેમના સુધી કિરણની માહિતી પહોંચી, ત્યારે તેમાં ગામનું નામ અને પિતાનું નામ હતું, તે તેમના માટે મદદરૂપ સાબિત થયાં.

'એક જ દિવસમાં માતાપિતાને શોધવામાં સફળ થયા'

લાપતા બાળકની શોધ, પાકિસ્તાનમાં બાળકોની સ્થિતિ, 17 વર્ષે દીકરી મળી આવી, ઇદી ઈધી એધી ફાઉન્ડેશન, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Sidra Ikram

ઇમેજ કૅપ્શન, પિતા તથા ભાઈ સાથે કિરણ

મુબશ્શિર ફૈયાઝે કહ્યું, "સૌથી પહેલાં અમે વિસ્તારના મુખી અને વિસ્તારના જૂના લોકોનો સંપર્ક કર્યો. તેમની પાસેથી અબ્દુલ મજીદની માહિતી મેળવી તો ખબર પડી કે ત્યાં તો ઘણા અબ્દુલ મજીદ છે. અમે થોડા લોકોને કિરણની બાળપણની તસવીરો બતાવી, પરંતુ તેઓ ઓળખી શકતા નહોતા."

મુબશ્શિર ફૈયાઝનું કહેવું હતું કે હવે આટલા બધા અબ્દુલ મજીદ નામના લોકોનો સંપર્ક કરવો શક્ય નહોતો.

કેટલીક બાબતોમાં જૂના પોલીસ અધિકારી અને પોલીસ ચોકીઓની સાથે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પણ ઘણા મદદરૂપ સાબિત થાય છે.

મુબશ્શિર ફૈયાઝના કહેવા અનુસાર, "આ બાબતમાં પણ જ્યારે અમે વિસ્તારની ચોકીના જૂના અધિકારીઓનો સંપર્ક કર્યો, ત્યારે તેમાંના એકે જણાવ્યું કે થોડાં વર્ષ પહેલાં કિરણ નામની એક બાળકી ગુમ થઈ હતી અને તેની ખૂબ શોધખોળ કરવામાં આવી હતી."

મુબશ્શિર ફૈયાઝે કહ્યું કે એ અધિકારીએ "અમને જણાવ્યું કે તે વિશે એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી હતી."

"આ રીતે તે અધિકારી પાસેથી અમને કિરણના વિસ્તાર સુધી પહોંચવામાં મદદ મળી, જ્યાં અમે મસ્જિદોમાં જાહેરાત કરાવી. અમે ત્યાંના જૂના લોકોને મળ્યા. ત્યાંથી અમને જાણવા મળ્યું કે એક અબ્દુલ મજીદની પુત્રી 17 વર્ષ પહેલાં ખોવાઈ હતી."

તેમનું કહેવું હતું, "આખા દિવસની મહેનત ફળતી દેખાતી હતી અને અમે અબ્દુલ મજીદની નજીક પહોંચી ગયા હતા. અમે જ્યારે તેમના વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે ત્યાંના ઘણા લોકોમાં કિરણ ગુમ થયાની વાત તાજી થઈ ગઈ, તેમણે અમને અબ્દુલ મજીદના ઘરે પહોંચાડી દીધા."

'પિતાનાં આંસુ સુકાતાં નહોતાં'

લાપતા બાળકની શોધ, પાકિસ્તાનમાં બાળકોની સ્થિતિ, 17 વર્ષે દીકરી મળી આવી, ઇદી ઈધી એધી ફાઉન્ડેશન, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, BEHROUZ MEHRI/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, કિરણને આશરો આપનાર ઇધી ફાઉન્ડેશનની સ્થાપના ગુજરાતી મૂળના અબ્દુલ સત્તાર ઇધીએ કરી હતી

મુબશ્શિર ફૈયાઝે કહ્યું કે તેમણે અબ્દુલ મજીદને તેમની પુત્રીની તસવીરો બતાવી, જેમાં બાળપણની તસવીરો પણ સામેલ હતી.

"તેમણે અમને પરિવારની સાથે લેવામાં આવેલો ગ્રૂપ ફોટો બતાવ્યો અને સાથે જ 'ફોર્મ–બી' પણ બતાવ્યું, જેમાં કિરણની જરૂરી માહિતી નોંધાયેલી હતી."

પાકિસ્તાનમાં'ફોર્મ–બી'ને ચાઇલ્ડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ કહેવામાં આવે છે.

તેમનું કહેવું હતું કે એમાં સહેજે શંકા નહોતી રહી કે આ અબ્દુલ મજીદ જ કિરણના પિતા છે.

ત્યાર પછી વીડિયો કૉલ થયો; પિતા–પુત્રી અને બીજા સંબંધીઓએ કિરણ સાથે વાત કરી અને પછી તેઓ કરાચી ગયા.

અહીં બધી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી કિરણને તેમના પિતાને સોંપવામાં આવ્યાં અને તેઓ 25 નવેમ્બરે જ પોતાના ઘરે પાછાં પહોંચ્યાં છે.

કિરણના મોટા બાપુ અસદ મુનીરે પોતાની ભત્રીજી ગુમ થયા વિશેની વાત કરતાં કહ્યું કે, "કિરણ અબ્દુલ મજીદની સૌથી મોટી પુત્રી છે. હવે કિરણ સહિત તેમનાં પાંચ બાળકો છે. પરંતુ જ્યારથી તે ખોવાઈ હતી, ત્યારથી અત્યાર સુધી મેં હંમેશાં અબ્દુલ મજીદની આંખોમાં આંસુ જ જોયાં છે."

અસદ મુનીરના કહેવા અનુસાર, "જ્યારે પણ તેઓ પોતાની પુત્રીની વાત કરતાં, ત્યારે એમ જ કહેતા કે તે જીવતી હશે કે નહીં? હંમેશાં એવી જ વાત કરતા કે તેમની પુત્રી કઈ સ્થિતિમાં હશે?"

તેમનું કહેવું હતું કે પુત્રી ગુમ થવાના દુઃખે તેમને સમય કરતાં વહેલાં વૃદ્ધ કરી દીધા.

તેમણે જણાવ્યું, "જ્યારે અબ્દુલ મજીદે પોતાની પુત્રીની ઓળખ કરી ત્યારે સૌથી પહેલાં મને જણાવ્યું અને મેં જોયું કે પહેલાં તેમની આંખોમાં દુઃખનાં આંસુ રહેતાં હતાં અને હવે ખુશીનાં આંસુ છે."

કિરણે સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે તેમને પોતાના પિતા અને ભાઈ-બહેનને મળીને ખૂબ ખુશી થઈ છે. તેમણે જણાવ્યું કે તેઓ ઇધી સેન્ટરમાંથી રસોઈકામ, સિલાઈકામ શીખ્યાં અને ભણીગણીને ઘરે પાછાં ફર્યાં છે.

કિરણે કહ્યું, "સૌથી મોટી વાત એ છે કે મુશ્કેલીના સમયે તેમણે મને આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું, મારી હિંમત વધારી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન