મોઢામાં રહેલા બૅક્ટેરિયા કૅન્સર અને હૃદયરોગને નોતરી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગેરી મોરન
- પદ, બીબીસી મુન્ડો
મોંઢું એ માનવ શરીરના સૌથી વધુ વૈવિધ્યસભર વસવાટ સ્થળો પૈકીનું એક છે.
તેમાં બેક્ટેરિયાની 700થી વધુ જાણીતી પ્રજાતિઓ તેમજ યીસ્ટ, વાયરસ અને કેટલાક પ્રોટોઝોઆ રહેતા હોય છે.
આ સમુદાયને સામૂહિક રીતે ઓરલ માઈક્રોબાયમ તરીકે ઓળખવામાં આવે છે અને આંતરડાના માઇક્રોબાયોમની જેમ તમારા મોંમાંના બેક્ટેરિયા પણ તમારા સ્વાસ્થ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઓરલ માઇક્રોબાયોમમાં થતા ફેરફારને કારણે જે સામાન્ય રોગ થાય છે તેનું નામ પિરિયોડોન્ટાઇટિસ (પોલાણ અને પેઢાંના રોગ) છે.
જોકે, વધતા પુરાવા સૂચવે છે કે ઓરલ માઇક્રોબાયોમ શરીરમાં અન્ય જગ્યાએ થતી ઘણી ગંભીર બીમારી સાથે પણ જોડાયેલું છે.
શ્વસનતંત્રના રોગ

ઇમેજ સ્રોત, Getty Images
શ્વસન માર્ગ મોંમાંથી શરૂ થાય છે અને ફેંફસામાં સમાપ્ત થાય છે. તેથી ઓરલ માઇક્રોબાયોમની વધુ પડતી વૃદ્ધિથી આ માઇક્રોબ્સ શ્વાસ મારફત ફેંકસાં સુધી પહોંચતા હોય તે આશ્ચર્યજનક નથી.
તેને કારણે ન્યુમોનિયા જેવા રોગનો ચેપ વારંવાર લાગે છે. એ વૃદ્ધો માટે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. તેનું કારણ મોંમાં સ્વચ્છતાનો અભાવ હોય છે અને એ અસ્વચ્છતા સ્ટ્રેટોકોકસ ન્યૂમોનિયા તથા હીમોફિલસ ઇન્ફલ્યુએન્ઝા જેવા ઓરલ બેક્ટેરિયાની વધારે પડતી વૃદ્ધિનું કારણ બને છે.
સંશોધનો એવું પણ દર્શાવે છે કે નર્સિંગ હોમમાં નિયમિત મૌખિક સ્વચ્છતાના અમલ અને પ્રોફેશનલ ડેન્ટલ ક્લિનિંગ શરૂ કરવાથી ન્યુમોનિયાના કેસીસની સંખ્યામાં 33 ટકા ઘટાડો થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોકઠાં અને માઉથ ગાર્ડ્સ પણ સ્વચ્છ રાખવાં જરૂરી છે.
મોંની અસ્વચ્છતાને ક્રૉનિક ઑબસ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ (સીઓપીડી) તથા નબળા શ્વસન કાર્ય સાથે પણ સંબંધ છે અને તે ઓરલ માઇક્રોબાયમમાં થતા ફેરફાર સાથે જોડાયેલું છે.
હૃદય રોગ અને મોંઢાની સ્વચ્છતાનો શું સંબંધ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૌથી સામાન્ય ઓરલ માઇક્રોબાયોમ રોગો પૈકીનો એક પિરિઓડોન્ટાઇટિસ છે.
તે એક આક્રમક દાહક પ્રતિભાવ છે, જે દાંતને આધાર આપતા હાડકાં અને પેશીઓનો નાશ કરે છે, જેના પરિણામે દાંત ગૂમાવવા પડે છે.
આ રોગ બેક્ટેરિયાની અતિશય વૃદ્ધિને કારણે થાય છે. મોંમાં અસ્વચ્છતાને કારણે તે પેઢાં અને દાંતની વચ્ચેની જગ્યામાં પ્રસરે છે.
જોકે, પેઢાના રોગ (જીન્જીવાઈટિસ તથા પિરિઓડોન્ટાઇટિસ) અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ વચ્ચેના મજબૂત સંબંધ બાબતે સંશોધકો વર્ષોથી મૂંઝવણમાં છે.
આ સંબંધ કૉમન રિસ્ક ફેક્ટર્સને કારણે હોઈ શકે છે. દાખલા તરીકે, ધૂમ્રપાન કરતા લોકોમાં પેઢાના રોગ અને હૃદય રોગ વધુ સામાન્ય છે.
અન્ય લોકોએ એવું કારણ આપ્યું છે કે પેઢાના રોગનું કારણ બનતા બેક્ટેરિયા હૃદય સુધી પહોંચીને ચેપનું કારણ બની શકે છે.
આ કડીના કોઈ વિશ્વાસપાત્ર પુરાવા હજુ સુધી રજૂ કરવામાં આવ્યા નથી.
પેઢાના રોગ પણ રોગ પ્રતિકારક તંત્રમાંથી મજબૂત ઇન્ફ્લેમેટરી પ્રતિભાવ ઉત્તેજિત કરે છે.
ઇન્ફ્લેમેશન એ ચેપનો સામનો કરવાની શરીરની રીત છે. તેના પરિણામે રોગપ્રતિકારક કોષો અને રાસાયણિક સંકેતો સર્જાય છે, જે ચેપ સામે લડે છે.
જોકે, વધારે પડતું ઇન્ફલેમેશન નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેટલાક સંશોધકો માને છે કે પેઢાના રોગને કારણે થતું ઇન્ફ્લેમેશન કાર્ડિયોવેસ્ક્યુલર પ્રણાલીને નુકસાન પહોંચાડી શકે છે.
એક અભ્યાસ દર્શાવે છે કે પેઢાના રોગની સારવાર કરવાથી લોહીના પ્રવાહમાં ઇન્ફ્લેમેશનના સ્તરમાં ઘટાડો થાય છે અને ધમનીના કાર્યમાં નોંધપાત્ર સુધારો થાય છે.
અન્ય અભ્યાસો પણ દર્શાવે છે કે પેઢાના રોગી સારવાર કરવાથી શરીરમાં ઇન્ફ્લેમેશનના એકંદર સ્તરમાં ઘટાડો થાય છે.
મોઢાના રોગ શરીરના અન્ય ભાગોમાં પેશીઓનાં કાર્યો પર કેટલી નોંધપાત્ર અસર કરી શકે છે, તે આ અભ્યાસો દર્શાવે છે.
ઘણા લોકો પેઢાના રોગની સારવાર કરાવ્યા વિના જીવે છે. તેને ધ્યાનમાં લેતાં સ્વાસ્થ્ય પર તેની લાંબા ગાળાની નોંધપાત્ર પ્રમાણમાં અસર થાય છે.
કોલન અને રેક્ટલ કેન્સર
ઓરલ બેક્ટેરિયા પેટમાંથી આંતરડા સુધી પહોંચતા હોય છે.
સામાન્ય રીતે, આપણા ઓરલ માઇક્રોબ્સ આ નવા વાતાવરણમાં સારી રીતે ગોઠવાઈ શકતા નથી અને મૃત્યુ પામે છે, પરંતુ 2014માં હાથ ધરવામાં આવેલા બે અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે અમુક પ્રકારના કોલન અને રેક્ટલ કેન્સર, ફૂસોબેક્ટેરિયમ નામની બેક્ટેરિયાની એક પ્રજાતિના જમાવડાને કારણે થાય છે. આ પ્રજાતિના બેક્ટેરિયા સામાન્ય રીતે દાંતના સડામાં જોવા મળે છે.
બંને અભ્યાસ દર્શાવે છે કે ફ્યુસોબેક્ટેરિયમમાં કેન્સરના જીવલેણ કોષો મોટા પ્રમાણમાં હોય છે.
તેનું કારણ એ છે કે કેન્સરની કોશિકાઓની સપાટી પર આ બેક્ટેરિયા સખત રીતે ચોંટી જાય છે અને ગાંઠ પર ત્રાટકે છે.
ફુસોબેક્ટેરિયમ સમગ્ર જઠરાંત્રિય માર્ગમાં શ્રેણીબદ્ધ ગાંઠો સર્જી શકતા હોવાની પુષ્ટિ હવે બહુવિધ અભ્યાસોએ કરી છે.
સંશોધનો એવું પણ દર્શાવે છે કે મોટા પ્રમાણમાં ફ્યુસોબેક્ટેરિયમથી પ્રભાવિત કોલન કેન્સરની દર્દીઓ કીમોથેરપીનો યોગ્ય પ્રતિભાવ આપતા નથી અને કેન્સરના અન્ય દર્દીઓની સરખામણીએ તેમનું આયુષ્ય ઓછું હોય છે.
તેનું કારણ એ હોઈ શકે કે ફ્યુસોબેક્ટેરિયમથી સંક્રમિત ગાંઠો વધુ આક્રમક હોય છે. તેથી બેક્ટેરિયાથી સંક્રમિત ન હોય તેવી ગાંઠોની તુલનામાં તેના પ્રસારની શક્યતા વધુ હોય છે.
આ સંદર્ભમાં કોલન અને રેક્ટલ કેન્સરનું જોખમ ધરાવતા લોકોને ઓરલ માઇક્રોબ સામે રસી આપી શકાય કે કેમ તે બાબતે સંશોધન કરવામાં આવી રહ્યું છે.
અલ્ઝાઇમર્સ ડિસીઝ સાથે મોઢાની સ્વચ્છતાનો શું સંબંધ છે?
મૌખિક સ્વાસ્થ્ય અને રોગ વચ્ચેની સૌથી વિવાદાસ્પદ કડીઓ પૈકીની એકને અલ્ઝાઇમર્સ ડિસીઝ સાથે સંબંધ છે.
પિરિઓડોન્ટાઇટિસ, અલ્ઝાઇમર ડિસીઝ ધરાવતા લોકોમાં વધુ જ્ઞાનાત્મક ક્ષતિ સાથે સંકળાયેલું છે, પરંતુ પિરિઓડોન્ટાઇટિસ અને અલ્ઝાઇમર બન્ને વૃદ્ધત્વ સાથે સંકળાયેલા હોવાથી તેનું સ્પષ્ટ કારણ કે સંબંધ નક્કી કરવાનું મુશ્કેલ છે.
અલ્ઝાઇમર્સ ડિસીઝ ધરાવતા લોકોના મગજમાં પી જીન્જીવાલિસ મોટા પ્રમાણમાં હોવાના પુરાવા સંશોધકોએ 2019માં રજૂ કર્યા હતા. પી જીન્જીવાલિસ પેઢાના રોગનું કારણ બનતા મુખ્ય બેક્ટેરિયા પૈકીનો એક છે.
મગજ સામાન્ય રીતે માનવ શરીરનો સૌથી જંતુરહિત હિસ્સો હોય છે. ઓરલ બેક્ટેરિયાનો ચેપ મગજને પણ લાગી શકે કે કેમ તે વિચાર બહુ વિવાદાસ્પદ બની રહ્યો છે અને એ માટે વધુ સંશોધનની જરૂર છે.
હૃદયરોગની માફક નબળું મૌખિક આરોગ્ય ધરાવતા દર્દીઓમાં પેઢાના રોગને કારણે થતું ઇન્ફ્લેમેશન પણ અલ્ઝાઇમર્સ રોગનું કારક હોવાનું સૂચવવામાં આવ્યું છે.
સારું મૌખિક આરોગ્ય જરૂરી છે

ઇમેજ સ્રોત, Getty Images
નબળા મૌખિક આરોગ્યની અસર જબરજસ્ત હોય છે, પરંતુ સારા સમાચાર એ છે કે આપણા શરીર પાસે ઓરલ માઇક્રોબાયોમ મેનેજ કરવાની અને મોઢાના રોગોને રોકવાની શક્તિ હોય છે.
મોઢાને સારી રીતે સ્વચ્છ રાખવું જરૂરી છે. તેમાં સડો નિયંત્રિત કરવા તેમજ કેવિટીઝમાં તથા પેઢામાં રોગ થતા અટકાવવા દિવસમાં બે વાર દાંત સાફ કરવાનો અને નિયમિત ફ્લોસિંગનો સમાવેશ થાય છે.
તમને ધૂમ્રપાનની આદત હોય તો એ છોડી દેવી જોઈએ. એમ કરવાથી પેઢાના રોગ થવાની શક્યતા બહુ ઓછી થઈ શકે છે.
પ્રોફેશનલ ક્લિનિંગ અને વ્યક્તિગત મૌખિક સ્વચ્છતા સંબંધી સલાહ માટે દર છ મહિને દંત ચિકિત્સક અથવા આરોગ્યશાસ્ત્રીની મુલાકાત પણ લેવી જોઈએ.
આ તમામ કાર્યોથી માત્ર તમારું સ્મિત બહેતર નહીં બને, પરંતુ તમારું આયુષ્ય પણ લંબાશે.
(ગેરી મોરન ડબ્લિનની ટ્રિનિટી કોલેજ ખાતે ડેન્ટલ સાયન્સના એસોસિએટ પ્રોફેસર છે)












