રાકેશ ઝુનઝુનવાલા : સ્ટ્રીટ ફૂડ કે જંક ફૂડની આદત જીવલેણ સાબિત થઈ શકે છે?

ભારતના 'વૉરેન બફેટ' તરીકે ઓળખાતા, ભારતીય શૅરબજારના 'ટ્રેડર નંબર વન', રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે સવારે મુંબઈનું બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં વહેલી સવારે પોણા સાત વાગ્યે દુ:ખદ નિધન થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના 'વૉરેન બફેટ' તરીકે ઓળખાતા, ભારતીય શૅરબજારના 'ટ્રેડર નંબર વન', રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે સવારે મુંબઈનું બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં વહેલી સવારે પોણા સાત વાગ્યે દુ:ખદ નિધન થયું હતું
લાઇન
  • 'ભારતના વૉરેન બફેટ' મનાતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું મુંબઈ ખાતે નિધન
  • રાકેશ ઝુનઝુનવાલા પોતાની જાતને સ્ટ્રીટ ફૂડ લવર અને ફૂડી ગણાવતા
  • મીડિયા અહેવાલો અનુસાર તેઓ કિડનીની બીમારી સહિત અન્ય બીમારીનો ઇલાજ કરાવી રહ્યા હતા
  • તેમના મૃત્યુના સમાચાર વચ્ચે સ્ટ્રીટ ફૂડથી કથળતા આરોગ્ય અંગે ફરી ચર્ચા થઈ રહી છે
લાઇન

ભારતના 'વૉરેન બફેટ' તરીકે ઓળખાતા, ભારતીય શૅરબજારના 'ટ્રેડર નંબર વન', રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે સવારે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં વહેલી સવારે પોણા સાત વાગ્યે નિધન થયું હતું.

મીડિયા અહેવાલો અનુસાર તેઓ કિડની સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આ સિવાય તેમણે અન્ય પણ બીમારીઓ હતી. જોકે, તેમના મૃત્યુના ખરા કારણ અંગે હજુ સુધી કોઈ જાણ થઈ શકી નથી.

રાકેશ ઝુનઝુનવાલાએ ઇકૉનૉમિક ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાની જીવનશૈલી અંગે ખૂલીને વાત કરી હતી.

તેમણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "હું ફૂડી વ્યક્તિ છે. મને સ્ટ્રીટ ચાઇનિઝ ફૂડ બહુ ભાવે છે અને ઢોંસા પણ. મને રિલેક્સ કરવાનું પસંદ છે. હું વધુ ફિઝિકલ ઍક્ટિવિટી કરતો નથી."

રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુ બાદ આ સંદર્ભે લોકો વાત કરી રહ્યા છે. જંક ફૂડથી થતી સ્વાસ્થ્ય સંલગ્ન તકલીફો અંગે લોકો વાત કરી રહ્યા છે.

આ વચ્ચે એવો પણ પ્રશ્ન થાય છે કે જંક ફૂડથી કે કસરત ન કરવાથી શરીરમાં એવું તો શું થાય છે કે તે બીમારીઓનું કારણ બને છે, અને ક્યારેક અકાળ મૃત્યુમાં પણ પરિણમી શકે છે.

line

જંક ફૂડ, આરોગ્યસંબંધિત તકલીફો અને વ્યાયામ

અભ્યાસ પ્રમાણે જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ અવારનવાર લેવાથી લાંબાગાળે કિડનીને ભારે નુકસાન થઈ શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભ્યાસ પ્રમાણે જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ અવારનવાર લેવાથી લાંબાગાળે કિડનીને ભારે નુકસાન થઈ શકે છે

જંક ફૂડની આરોગ્ય પરની આડઅસરો વિશે ફૂડ.એનડીટીવી. કોમના એક અહેવાલમાં લખાયું છે કે, જંક ફૂડનું નિયમિત સેવન ટાઇપ ટુ ડાયાબિટીસ, હૃદયસંબંધિત રોગો, અપચાની તકલીફો, થાક, નબળાઈ-તાણ અને બ્લડ સુગર લેવલમાં ભારે ફેરફાર સંબંધિત સમસ્યા પેદા કરી શકે છે.

અહેવાલમાં નોંધ્યું છે કે નવા અભ્યાસ પ્રમાણે જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ અવારનવાર લેવાથી લાંબાગાળે કિડનીને નુકસાન થઈ શકે છે અને ડાયાબિટીસનું કારણ પણ બની શકે છે.

ટાઇપ ટુ ડાયાબિટીસમાં શરીર વધુ પર્યાપ્ત પ્રમાણમાં ઇન્સ્યુલિન પેદા કરી શકતું નથી કે તેને લઈને પ્રતિક્રિયા કરી શકતું નથી. જેના કારણે લોહીમાં ભારે પ્રમાણમાં શર્કરા રહી જવા પામે છે.

આ સ્થિતિ લાંબાગાળે શરીરના કિડની જેવાં મહત્ત્વનાં અંગો માટે અતિ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

બ્રિટનની એન્ગલીયા રસ્કિન યુનિવર્સિટીના હાવો ચીશરે આ વિષય પર સંશોધન કર્યું છે.

તેમણે આ અહેવાલમાં ટાંકવામાં આવ્યા છે અને તેમના અનુસાર, "પશ્ચિમી ખાનપાનમાં વધુ ને વધુ પ્રોસેસ્ડ અને જંક ફૂડ તેમજ ફૅટ હોય છે. આ પ્રકારના ભોજનના વધુ પડતાં અને નિયમિત સેવન વચ્ચે તેમજ મેદસ્વિતા અને ટાઇપ ટુ ડાયાબિટીસની શક્યતા વચ્ચે સ્થાપિત સહસંબંધ છે."

ડાયાબિટીસના રોગની સીધેસીધી નકારાત્મક અસર કિડની અને તેનાં કાર્યો પર પડે છે.

નિષ્ણાતો આપે છે કસરત કરવાની સલાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતો આપે છે કસરત કરવાની સલાહ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલમાં આર્યભટ્ટ નૉલેજ યુનિવર્સિટીની મેડિકલ ફેકલ્ટીના ડીન ડૉ. રાજીવરંજનપ્રસાદ જણાવે છે કે, "કિડનીને લગતી સમસ્યાઓ એ સાઇલન્ટ કિલર નીવડે છે. લોકોને આ બીમારીઓથી બચવા માટે ખાનપાનની સારી ટેવ અને સારી જીવનશૈલી વિકસાવવા માટે પ્રેરવા જોઈએ."

આ જ અહેવાલમાં ગવર્નમેન્ટ આયુર્વેદિક કૉલેજ હૉસ્પિટલના ડૉ. સંપૂર્ણાનંદ તિવારીએ જણાવ્યું હતું કે પાછલાં અમુક વર્ષોમાં કિડનીસંબંધિત બીમારીઓના કિસ્સામાં ભારે વધારો જોવા મળ્યો છે.

તેઓ આગળ જણાવે છે કે, "કિડનીને લગતી સમસ્યાનું કારણે ઝડપથી બદલાતી જતી લાઇફસ્ટાઇલ અને ખાનપાનની આદતો છે. ફાસ્ટ ફૂડ અને મટન-ચિકનનો ખાનપાનમાં વધુ પડતો સમાવેશ સામાન્યપણે કિડનીસંબંધિત બીમારીઓમાં વધારો કરે છે."

તેઓ કિડનીસંબંધિત સમસ્યાઓથી બચવા માટે સલાહ આપતાં જણાવે છે કે, "કિડનીસંબંધિત સમસ્યાઓથી બચવા માટે લોકોએ યોગને પોતાના જીવનમાં સાંકળવાની ટેવ વિકસિત કરવી જોઈએ. કસરત કરવી જોઈએ. તેમજ વધુ પડતાં ગરમ કે ઠંડા ખાનપાનને ટાળવું જોઈએ."

line

પાંચ હજાર રૂપિયાથી રોકણની શરૂઆતથી સફળતાના શિખર સુધી

કહેવાય છે કે 5000 રૂપિયા જેવી નજીવી રકમના રોકાણથી રાકેશ ઝુનઝુનવાલાએ શૅરબજારમાં ઝંપલાવ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે 5000 રૂપિયા જેવી નજીવી રકમના રોકાણથી રાકેશ ઝુનઝુનવાલાએ શૅરબજારમાં ઝંપલાવ્યું હતું

5 જુલાઈ 1960ના રોજ જન્મેલા રાકેશ ઝુનઝુનવાલા મુંબઈમાં ઊછર્યા છે. એમના પિતા આવકવેરા અધિકારી હતા.

કિશોરાવસ્થાથી જ ઝુનઝુનવાલાને શૅરબજારમાં રોકાણ કરવાનું આકર્ષણ થયું હતું. કહેવાય છે કે, એમના પિતા એમને એ ધ્યાન રાખવાનું કહેતા કે આખા દિવસના સમાચારોની શૅરબજાર પર કેવી કેવી અસરો પડે છે.

પરિણામે, શૅરબજારમાં ઝુનઝુનવાલાનાં રસ-રુચિ વધતાં ગયાં.

એક માહિતી અનુસાર, સિડનહૅમ કૉલેજમાં ભણતા હતા ત્યારે, 1985માં, ઝુનઝુનવાલાએ શૅરબજારમાં રોકાણ કરવાનો આરંભ કર્યો હતો.

ચાર્ટર્ડ એકાઉન્ટનો પોતાનો અભ્યાસ પૂરો કરીને જ્યારે રાકેશ ઝુનઝુનવાલાએ શૅરબજારમાં નાણાં રોકવાનો ઇરાદો પોતાના પિતાને જણાવ્યો ત્યારે એમના પિતાએ એમને ચોખ્ખા શબ્દોમાં કહેલું કે એ રોકાણ કરવા માટે તેઓ પોતાના મિત્રો પાસે પૈસા ન માગે (અર્થાત્ ઉછીના ન લે).

એમના પિતાએ એમ પણ કહેલું કે જો તેઓ એક રોકાણકાર તરીકે શૅરબજારમાં સફળ ન થાય તો, તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પોતાની કારકિર્દી બનાવે.

કહેવાય છે કે 5000 રૂપિયા જેવી નજીવી રકમના રોકાણથી રાકેશ ઝુનઝુનવાલાએ શૅરબજારમાં ઝંપલાવ્યું હતું; અને, ફૉર્બ્સ અનુસાર આજે એમની કુલ સંપત્તિ 6 અબજ ડૉલર એટલે કે લગભગ 42,328 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ફૉર્બ્સ અનુસાર, એમનું સૌથી મૂલ્યવાન સૂચિબદ્ધ રોકાણ ઘડિયાળ અને આભૂષણ બનાવતી કંપની 'ટાઇટન'માં છે, જે ટાટા ગ્રૂપનો ભાગ છે. સ્ટાર હૅલ્થ ઇન્શ્યોરન્સ, મેટ્રો બ્રાન્ડ્સ અને કૉનકૉડ બાયૉટેક જેવી ખાનગી કંપનીઓમાં પણ ઝુનઝુનવાલાની ભાગીદારી છે.

ઝુનઝુનવાલાએ વર્ષ 1986માં એક કંપનીના 5000 શૅર ખરીદ્યા હતા. એમણે એ શૅર 43 રૂપિયાનો એક, એ ભાવે ખરીદેલા. પરંતુ ત્રણ જ મહિનામાં એ શૅરની કિંમત વધીને 143 રૂપિયા પ્રતિશૅર થઈ ગઈ હતી.

આટલી ઝડપી પોતાના રોકાણને ત્રણ ગણાથી પણ વધુ કરી લેવું એ ઝુનઝુનવાલા માટે સફળતાની પહેલી સીડી સમાન હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ