રાજકોટ : એ માતા જેણે કોરોનામાં પતિપુત્ર ગુમાવ્યા પણ વિધવા વધૂનાં દત્તક દીકરો લઈ પુનર્લગ્ન કરાવ્યાં

કોરોનામાં દીકરો ગુમાવ્યો તો વિધવા પુત્રવધૂને પરણાવવા દીકરો દત્તક લીધો

ઇમેજ સ્રોત, Ekta Kotadiya

ઇમેજ કૅપ્શન, એકતાબહેન અને રવિભાઈના લગ્નની તસવીર
    • લેેખક, બિપિન ટંકારિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • કોરોનામાં પરિવારે બે સભ્યો ગુમાવ્યા
  • સાસુએ વિધવા પુત્રવધૂનાં લગ્ન કરાવવા માટે દીકરો દત્તક લીધો
  • પરિવારની સાથેસાથે ધંધો પણ સંભાળી રહ્યો છે દત્તક પુત્ર
લાઇન

"શરૂઆતમાં અમને ખ્યાલ જ ન હતો કે હવે અમે શું કરીશું. અમે બંને આખી રાત જાગતાં હતાં. ઘડીકમાં ફોન તો ઘડીકમાં એકબીજાની સામે જોયાં કરતાં હતાં. જે થવાનું હતું એ થઈ ગયું. એમાં બિચારી એકતાનો શું વાંક? બે નાનાં બાળકોનો શું વાંક?"

કોરોનામાં પોતાના પતિ અને જુવાનજોધ દીકરાને ગુમાવનારાં મિતાબહેન કોટડીયાના આ શબ્દો છે.

મિતાબહેન કોટડીયાના પતિ ચંદુભાઈ અને તેમના પુત્ર સમ્રાટભાઈનું વર્ષ 2020માં કોરોનાથી મૃત્યુ થયું હતું.

કોરોનાને લીધે ટૂંકાગાળામાં પરિવારના બે મોભીઓ ગુમાવ્યા બાદ મિતાબહેન માટે સૌથી મોટો પ્રશ્ન હતો કે હવે તેમનાં પુત્રવધૂ એકતાબહેન અને બે નાનકડાં બાળકોનું શું થશે?

ઘણા સમય સુધી પરિવારજનો સાથે મનોમંથન કર્યા બાદ અંતે તેમણે એકતાબહેનના પુનર્લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે યોગ્ય પાત્ર શોધ્યું અને એને પુત્ર તરીકે દત્તક લીધું.

line

'કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ તબિયત ના સુધરી'

કોરોનામાં દીકરો ગુમાવ્યો તો વિધવા પુત્રવધૂને પરણાવવા દીકરો દત્તક લીધો

ઇમેજ સ્રોત, Ekta Kotadiya

ઇમેજ કૅપ્શન, કોરોનામાં મૃત્યુ પામનારા ચંદુભાઈ અને સમ્રાટભાઈ

રાજકોટમાં કિચનવૅરના વ્યવસાય સાથે સંકળાયેલા ચંદુભાઈ કોટડીયા અને તેમના પુત્ર સમ્રાટભાઈનાં કોરોનાથી 15 દિવસના અંતરે મૃત્યુ થયાં હતાં.

આ અંગે વાત કરતાં એકતાબહેનના પિતા પ્રવીણભાઈ પાંભર જણાવે છે, "શરૂઆતમાં સમ્રાટને તાવ આવ્યો અને બીજા જ દિવસે ચંદુભાઈને તાવ આવવાનો શરૂ થયો. મારા મોટાભાઈએ તેમને કોરોના ટેસ્ટ કરાવવાનું કહ્યું પણ તેમણે માત્ર ફૅમિલી ડૉક્ટરની સલાહ લઈને દવા લીધી."

"એકાદ અઠવાડિયા સુધી તબિયતમાં સુધારો ન આવતાં અંતે બંનેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો, જે પૉઝિટીવ આવ્યો હતો."

રિપોર્ટ પોઝિટીવ આવતાં બન્નેને નજીકમાં આવેલી એક હૉસ્પિટલમાં દાખલ કરાવાયા. અહીં સારવાર બાદ એક અઠવાડિયામાં રિપોર્ટ નૅગેટિવ આવી ગયો.

જોકે, વાત અહીં અટકી નહીં.

પ્રવીણભાઈનું કહેવું છે કે રિપોર્ટ નૅગેટિવ આવ્યા બાદ પણ ચંદુભાઈ અને સમ્રાટભાઈની તબિયતમાં સુધારો આવ્યો નહોતો. જેથી સમ્રાટભાઈને અમદાવાદસ્થિત ઝાયડસ હૉસ્પિટલમાં અને ચંદુભાઈને નજીકમાં આવેલી અન્ય એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.

તેઓ જણાવે છે, "કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના અંદાજે એક મહિના બાદ ચંદુભાઈનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું. તેનાં પંદરેક દિવસ બાદ સમ્રાટભાઈનું પણ મૃત્યુ થયું."

line

અચાનક જ આભ તૂટી પડ્યું

કોરોનામાં દીકરો ગુમાવ્યો તો વિધવા પુત્રવધૂને પરણાવવા દીકરો દત્તક લીધો

ઇમેજ સ્રોત, Ekta kotadiya

ઇમેજ કૅપ્શન, કોરોનામાં મૃત્યુ પામનારા સમ્રાટભાઈ, બાળકો સાથે એકતાબહેન

અચાનક જ બંને મોભીઓ ગુમાવી દેતાં પરિવારની બંને મહિલાઓ પર આભ તૂટી પડ્યું હતું. સાસુ મિતાબહેન અને પુત્રવધૂ એકતાબહેનને ખ્યાલ નહોતો કે હવે આગળ શું કરવું.

એકતાબહેને પતિ અને બાળકોએ તેમના પિતા ગુમાવ્યા હતા, પરંતુ સાસુ મિતાબહેન તો પતિ ગુમાવવાની સાથેસાથે પોતાનો જુવાનજોધ દીકરો પણ ગુમાવ્યો હતો.

આ વાતની હતાશા વચ્ચે તેમને એ વાતની પણ ચિંતા સતાવી રહી હતી કે હવે આગળ શું થશે? ઘરનો ધંધો છે, ઘરમાં નાનાં બાળકો છે અને જુવાન પુત્રવધૂ છે.

આ બધી ચિંતા વચ્ચે તેમણે એકતાબહેનના પુનર્લગ્ન કરાવવાનું નક્કી કર્યું.

તેના માટે પહેલા તો એકતાબહેન સાથે અને બાદમાં તેમનાં માતાપિતા સાથે વિમર્શ કર્યો અને બધાએ સાથે મળીને એકતાબહેન માટે વર શોધવાનું શરૂ કર્યું હતું.

તેમની શોધ અંતે ગોંડલામાં રહેતા રવિ મહેશભાઈ આસોદરિયા પર આવીને અટકી.

line

'પરિવાર અને ધંધો બંને સંભાળે છે'

કોરોનામાં દીકરો ગુમાવ્યો તો વિધવા પુત્રવધૂને પરણાવવા દીકરો દત્તક લીધો

ઇમેજ સ્રોત, Ekta Kotadiya

એકતાબહેન માટે તેમના પરિવારે રવિ મહેશભાઈ આસોદરીયા નામનાં યુવકની પસંદગી કરી હતી. વ્યવસાયે એન્જીનિયર એવા રવિભાઈએ લગ્ન કરવાની અને લગ્ન બાદ એકતાબહેન અને મિતાબહેન સાથે રહીને પરિવાર અને તેમનો કિચનવૅરનો વ્યવસાય સંભાળવાની તૈયારી દર્શાવી.

17 ઑગસ્ટના દિવસે જ એકતાબહેનના પરિવાર અને રવિભાઈની પરિવારની હાજરીમાં બંનેનાં લગ્ન થયાં હતાં.

રવિભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "મને શરૂઆતથી એમ હતું કે હું કોઈના માટે કંઇક કરી શકું તો પણ સારું હશે. મારી પાસે જ્યારે લગ્નની વાત આવી તો હું તૈયાર થઈ ગયો અને મને ખુશી છે કે હું આ પરિવાર માટે કંઈક કરી શક્યો."

એકતાબહેન માટે શરૂઆતમાં આ થોડુંક અજૂગતું હતું.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "મને શરૂઆતમાં એમ લાગતું હતું કે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. હવે આગળ કંઈ નહીં થાય, પરંતુ મારા પરિવારના સપોર્ટથી હું આગળ આવી. "

"ફરી વખત લગ્નની વાત આવી તો મને લાગ્યું કે હું ફીટ નહીં બેસું પણ હવે ધીમેધીમે બધું સરખું થઈ રહ્યું છે."

મિતાબહેનની લોકોને અપીલ છે કે વિધવા પુત્રવધૂઓના પુનર્લગ્ન કરાવવામાં જરાય સંકોચ ન રાખવો જોઈએ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન