પાકિસ્તાન : પૂરથી એક દિવસમાં 119 લોકોનાં મૃત્યુ, મૃતાંક હજારને પાર

ઇમેજ સ્રોત, Getty Images

- વર્ષ 2010-11 બાદ પાકિસ્તાનમાં પૂરના કારણે સૌથી મોટી તારાજી
- પાકિસ્તાની વડા પ્રધાન મુજબ દેશની વસતીના 15 ટકા લોકો પૂરથી પ્રભાવિત
- વિસ્થાપિતો ઘણા સમયથી ભોજન અને જીવનજરૂરિયાતની વસ્તુઓથી વંચિત
- સરકારે દરેક પૂરપ્રભાવિત પરિવારને 25 હજાર રૂપિયા આપવાની કરી જાહેરાત

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સહાયતાની અપીલ કરી રહ્યું છે કારણ કે પૂરમાં દેશ તબાહ થઈ રહ્યો છે. લોકો આશરો મેળવવા માટે પોતપોતાનાં ઘર છોડીને ઊંચાઈવાળી જગ્યાઓ શોધી રહ્યા છે.
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન વિભાગનું કહેવું છે કે છેલ્લા 24 કલાકમાં 119 લોકોનાં મૃત્યુ સાથે વર્ષાઋતુમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1,033 થઈ ગઈ છે.
અધિકારીઓનું કહેવું છે કે યુએસ, યુકે, યુએઈ અને અન્ય દેશોએ તેમને સહાય કરી છે પરંતુ તેમને હજી પણ વધુ સહાયની જરૂર છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાનની સરકાર તમામ સંભવ મદદ કરી રહી છે.
ગૃહમંત્રાલયના અધિકારી સલમાન સૂફીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે દેશને આંતરરાષ્ટ્રીય સહાયની જરૂર છે.
તેમણે કહ્યું, "પાકિસ્તાન આર્થિક મુદ્દા સામે ઝઝૂમી રહ્યું છે. ધીમેધીમે તેના પર કાબૂ મેળવી રહ્યા હતા એવામાં આ સંકટ આવી પડ્યું."

ઇમેજ સ્રોત, Reuters
તેમણે કહ્યું કે વિકાસ પરિયોજનાઓમાંથી પ્રભાવિત લોકોને ધનરાશિ આપવામાં આપવામાં આવી રહી છે.
ડૉન અખબારના અહેવાલ અનુસાર, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સૌથી વધુ પ્રભાવિત ખૈબર પખ્તૂન્વા પ્રાંતને દસ અબજ રૂપિયાના સહાયની જાહેરાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરેક પૂરપ્રભાવિત પરિવારને એક અઠવાડિયામાં 25 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.
દેશના ઉત્તર-પશ્ચિમમાં આવેલા ખૈબર પખ્તૂન્વામાં નદીઓ બેકાબૂ થતાં પૂર આવ્યું હતું. જેના કારણે હજારો લોકોએ ઘર છોડવાનો વારો આવ્યો હતો.
23 વર્ષીય જુનૈદ ખાને સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું, "વર્ષોની મહેનતથી અમે જે ઘર બનાવ્યું, તેને આંખો સામે ડૂબતાં જોવું પડ્યું. અમે રસ્તાના કિનારે બેસી ગયા અને સપનાના ઘરને તણાઈ જતાં જોયું."
દેશના દક્ષિણ-પૂર્વમાં આવેલા સિંધ પ્રાંતમાં પણ વરસાદ અને પૂરના કારણે તારાજી સર્જાઈ છે. જેમાં હજારો વિસ્થાપિત થઈ ગયા હતા.

'અહીં ખાવાનું પણ નથી પહોંચતું'
પુમજા ફિહલાની, બીબીસી ન્યૂઝ, સિંધ

ઇમેજ સ્રોત, Getty Images
સિંધના એ દરેક ગામમાં વિસ્થાપિત લોકો હતા, જ્યાંથી અમે પસાર થયા.
પ્રાંતમાં તબાહીનો અંદાજ સમગ્ર રીતે સમજી શકાય તેમ નથી પરંતુ લોકો તેને અત્યાર સુધીની સૌથી મોટી તબાહી ગણાવી રહ્યા છે.
પાકિસ્તાનમાં પૂર અસામાન્ય નથી પરંતુ અહીંના લોકો અમને કહે છે કે આ પૂર અલગ છે. તે અત્યાર સુધી ત્યાં જોવા મળેલ પ્રાકૃતિક તબાહી કરતાં વધુ છે. એક સ્થાનિક અધિકારીએ આ પૂરને 'બાઇબલના અનુપાતના પૂર' તરીકે વર્ણવ્યું.
લરકાના શહેર પાસે માટીનાં હજારો ઘર પાણીમાં ડૂબી ગયાં છે. ત્યાં પાણીના ખતરનાક સ્તરની બહાર ઘરનાં પતરાં દેખાઈ રહ્યાં છે.
બચી ગયેલા લોકોની ઘણી જરૂરિયાતો છે. અમે જે ગામમાં ગયા ત્યાં બેસેલા લોકો ભોજન માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બીજા ગામમાં લોકો કહે છે કે તેમને અનાજ મળી ગયું છે, પરંતુ તેમની અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર છે.

ઇમેજ સ્રોત, Getty Images
અમે એક એવા સ્થળે પહોંચ્યા જ્યાં ઘણા બાળકો પાણીજન્ય રોગનો શિકાર બન્યા છે. એક મોબાઇલ ટ્રક આગળ વધે છે અને લોકો તેની તરફ દોડે છે. બાળકોને તેડીને અન્ય બાળકો લાંબી કતારમાં ઊભા રહી જાય છે.
એક 12 વર્ષીય બાળકી કહે છે કે તેણે અને તેની નાની બહેને 24 કલાકથી કાંઈ ખાધું નથી. તે આગળ જણાવે છે, "અહીં સુધી ભોજન પહોંચ્યું જ નથી. મારી બહેન બીમાર છે, તેને ઊલટીઓ થયા કરે છે. મને આશા છે કે તેઓ મદદ કરશે."
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે આ પૂરથી દેશની વસતીના લગભગ 15 ટકા લોકો એટલે કે અંદાજે 3.3 કરોડ લોકો પ્રભાવિત થયા છે.
તેમણે કહ્યું કે આ ઋતુમાં પૂરથી થયેલા નુકસાનની તુલના 2010-11ના પૂર સાથે કરી શકાય છે, જે સૌથી ભયાવહ હતું.
દેશના અધિકારીઓ તબાહી માટે ગ્લોબલ વૉર્મિંગને જવાબદાર ઠેરવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













