એ પાકિસ્તાની મદરેસા, જેના વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારમાં મંત્રી બન્યા
- લેેખક, અજીજુલ્લાહ ખાન
- પદ, બીબીસી ઉર્દૂ, પેશાવર
મૌલાના સમી-ઉલ-હક આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાલિબાનના જનક તરીકે ઓળખાય છે
આ કોઈ સાધારણ મદરેસા નથી, પરંતુ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ મદરેસા છે; આ મદરેસાએ શૈક્ષણિક પરંપરાનું પાલન કરવાની સાથોસાથ અફઘાનિસ્તાન પર થયેલા સોવિયય હુમલા પછી રાજકીય અને સૈન્યના ક્ષેત્રમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
અત્યારે, આ મદરેસામાં તાલીમ મેળવેલા (મદરેસામાં ભણેલા) કેટલાક વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકારમાં નિયુક્ત થયેલા નેતા છે.

ઇમેજ સ્રોત, Getty Images
આપણે જામિયા દારુલ ઉલૂમ હક્કાનિયાની વાત કરી રહ્યા છીએ. એના વિશે એવું કહેવાય છે કે, એ તાલિબાનની એક એવી યુનિવર્સિટી છે જ્યાંથી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક, રાજકીય અને સૈનિક-આંદોલનોમાં સક્રિય રહ્યા છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં જ્યારે પણ પાકિસ્તાનમાં, અને અફઘાનિસ્તાનમાં પણ, રાજકીય પરિવર્તન થયું છે ત્યારે આ મદરેસાની અને તેના વરિષ્ઠ નેતાઓની મુખ્ય ભૂમિકા જોવા મળી છે.
તાજેતરમાં જ જે ઝડપે તાલિબાને અફઘાનિસ્તાનમાં કાબુલ પર કબજો કર્યો અને હવે વચગાળાની સરકારની જાહેરાત કરી છે ત્યારે એમાં જામિયા દારુલ ઉલૂમ હક્કાનિયા, અકોડા ખટકનું નામ ફરી એક વાર સામે આવ્યું છે.

તાલિબાનની નવી કૅબિનેટમાં અકોડા ખટકના કયા વિદ્યાર્થીઓ સામેલ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તાલિબાન નેતાઓમાંના એક નેતા મુલ્લા અબ્દુલ લતીફ મંસૂર છે જેણે જીવનનાં ઘણાં વરસો પાકિસ્તાનમાં ગાળ્યાં છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, મુલ્લા અબ્દુલ લતીફ મંસૂરે દારુલ ઉલૂમ હક્કાનિયામાં અભ્યાસ કર્યો હતો; એમને જળ અને વિદ્યુતવિભાગ અપાયો છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે મૌલાના અબ્દુલ બાકી પણ દારુલ ઉલૂમ હક્કાનિયામાં ભણેલા છે; એમને ઉચ્ચ શિક્ષણમંત્રી બનાવાયા છે. તો, નબીબુલ્લાહ હક્કાનીએ પણ આ જ મદરેસામાંથી ભણતર મેળવ્યું છે; એમને માહિતી અને પ્રસારણ (સંચાર) વિભાગ સોંપાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ રીતે, મૌલાના નૂર મહમદ સાકિબને હજ અને જકાત (વેરો) મંત્રાલય મળ્યું છે અને અબ્દુલ હકીમ સહરાઈએ પણ આ જ મદરેસામાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, તેમને ન્યાયમંત્રાલયનો હવાલો સોંપાયો છે.
આ ઉપરાંત, અફઘાન તાલિબાનના પ્રવક્તા મહમદ નઈમ પણ દારુલ ઉલૂમ હક્કાનિયામાંથી ભણેલા છે અને તેમણે ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટી, ઇસ્લામાબાદમાંથી પીએચ.ડી. કર્યું છે.
અફઘાન તાલિબાનના બીજા એક પ્રવક્તા સુહેલ શાહીને પણ ઇન્ટરનૅશનલ ઇસ્લામિક યુનિવર્સિટી, ઇસ્લામાબાદમાં અભ્યાસ કર્યો છે.
જોકે, મહમદ નઈમ અને સુહોલ શાહીનને વચગાળાની સરકારની કૅબિનેટમાં સમાવાયા નથી.

જામિયા દારુલ ઉલૂમ હક્કાનિયાની ઐતિહાસિક પૃષ્ઠ-ભૂ

ઇમેજ સ્રોત, AFP
જમિયત ઉલેમા-એ-ઇસ્લામના પૂર્વ પ્રમુખ સમી-ઉલ-હક્કના લીધે આ મદરેસા વધારે મશહૂર થયું છે. એનું એક કારણ એ છે કે, આંતરરાષ્ટ્રીય મીડિયામાં મૌલાના સમી-ઉલ-હક્કને તાલિબાનના જનક ગણવામાં આવે છે.
નોંધવું જોઈએ કે, 2018માં મૌલાના સમી-ઉલ-હક્કની હત્યા કરી નાખવામાં આવી છે.
આ મદરેસાની સ્થાપના મૌલાના સમી-ઉલ-હક્કના પિતા શેખ-ઉલ-હદીસ મૌલાના અબ્દુલ હક્કે સ્વતંત્ર પાકિસ્તાનની રચનાના એક મહિના પછી સપ્ટેમ્બર 1947માં કરી હતી. આ મદરેસા પેશાવરથી ઇસ્લામાબાદ જતા જીટી રોડ પર અકોડા ખટક નામના ટાઉનમાં સ્થિત છે.
ભૂતકાળમાં આ જગ્યા અફઘાનિસ્તાન જવા-આવવા માટેનું અને એની સાથેના વેપાર માટેનું મહત્ત્વનું થાણું હતું. એ જ કારણે, ભૂતકાળમાં પણ અફઘાનિસ્તાનમાંથી ઘણી મોટી સંખ્યામાં લોકો ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આ મદરેસામાં આવતા હતા.

તાલિબાન પર આ મદરેસાની અસર કેટલી?
અત્યાર સુધીમાં પ્રાપ્ત સમાચાર અનુસાર, અફઘાન તાલિબાનની વચગાળાની સરકારની કેબિનેટમાં પાંચ કરતાં વધારે મંત્રી અને વરિષ્ઠ અધિકારી એવા છે જેમણે જામિયા હક્કાનિયામાંથી શિક્ષણ મેળવ્યું હોય.
જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (સમી-ઉલ-હક્ક સમૂહ)ના નેતા અને મદરેસાના એક વરિષ્ઠ પદાધિકારી મૌલાના યુસુફશાહે એક વાતચીતમાં બીબીસીને જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનની પહેલી સરકારમાં પણ જામિયા હક્કાનિયાના ઘણા લોકો હતા.
તેમણે જણાવ્યું કે, વચગાળાની કૅબિનેટમાં જામિયા હક્કાનિયામાં ભણેલા કેટલા મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ છે તે વિશે હાલ તો એમની પાસે ચોક્કસ આંકડા નથી.
મૌલાના યુસુફશાહે જણાવ્યા અનુસાર, "અફઘાનિસ્તાનના પૂર્વ નેતા મૌલાના જલાલુદ્દીન હક્કાની, મૌલાના યુનુસ ખાલિસ, મૌલાના મહમદ નબી મહમદી અને બીજા કેટલાકે આ મદરેસામાંથી શિક્ષણ મેળવ્યું છે. આ એ જ નેતાઓ છે જેમણે સોવિયેટ સંઘને હરાવ્યું હતું."
એમણે એમ પણ જણાવ્યું હતું કે, અફઘાન નેતાઓ પછી એમનાં બાળકો અને સગાંસંબંધીઓએ પણ આ જ મદરેસામાંથી તાલીમ (શિક્ષણ) મેળવી છે અને હવે તેઓ જુદાંજુદાં પદો પર નિયુક્ત છે.
એમણે જણાવ્યું કે એકલા અફઘાનિસ્તામાં જ નહીં, પાકિસ્તાનમાં પણ આ મદરેસામાં ભણેલા લોકો જુદાંજુદાં ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. સંસદમાં રાજકીય અને ધાર્મિક નેતાઓ છે તેમાંના ઘણા આ મદરેસાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

દારુલ ઉલૂમ હક્કાનીનો રાજકીય પ્રભાવ
જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો એ સમયે પાકિસ્તાનનાં વિવિધ શહેરોમાં વિરોધપ્રદર્શન થયાં હતાં. એ પ્રદર્શનોમાં અન્ય રાજકીય સંગઠનો ઉપરાંત મૌલાના સમી-ઉલ-હક્કની પાર્ટી અને એમના મદરેસાએ પણ આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
તદુપરાંત, પાકિસ્તાનમાં જ્યારે આદિવાસી વિસ્તારોમાં (કબીલાઓમાં) ઉગ્રવાદ વધવા માંડ્યો હતો એ સમયે સરકારે એ વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા માટે અને હિંસાને રોકવા માટે મૌલાના સમી-ઉલ-હક્કની મદદ માંગી હતી.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) સરકારે જામિયા દારુલ હક્કાનિયાને ફંડ પણ આપ્યું હતું.
એક જાણકારી અનુસાર, 2019માં પ્રાંતીય સરકારે આ મદરેસાને ત્રણ કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું હતું. જોકે, પીટીઆઈના પૂર્વ-મુખ્ય મંત્રી પરવેજ ખટકે પણ આ મદરેસા માટે ખાસ્સી એવી ગ્રાન્ટ મંજૂર કરી હતી, જેની વિપક્ષે ઘણી ટીકા કરી હતી.
એ સમયે પાકિસ્તાનના મુસ્લિમ લીગ (નવાજ)ના નેતા પરવેઝ રશીદે સવાલ પૂછેલો કે, "જે મદરેસા સાથે સંબંધિત લોકોની પૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યામાં ભૂમિકા રહી છે, એમને 'ઇનામ' શા માટે અપાઈ રહ્યું છે?"

"એમ જ સાધારણ મદરેસા નથી"

ઇમેજ સ્રોત, MAMIA HAQQANIA
જાણીતા વિશ્લેષક અને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફૉર પીસ સ્ટડીઝના નિર્દેશક આમિર રાણાએ બીબીસી સાથેની એક વાતચીતમાં જણાવ્યું કે જામિયા દારુલ ઉલૂમ હક્કાનિયા કોઈ સાધારણ મદરેસા નથી, બલકે, એની એક પરંપરા રહી છે. શૈક્ષણિક પરંપરા ઉપરાંત, ઉગ્રવાદ અને ધાર્મિક-રાજકીય આંદોલનોને પ્રોત્સાહિત કરવામાં આ મદરેસાની મહત્ત્વની ભૂમિકા છે.
એમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાનમાં અન્ય મદરેસાઓ પણ પરંપરિત શિક્ષણ આપવા ઉપરાંત ધાર્મિક, રાજકીય અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહી છે, એમાંની એક જામિયા હક્કાનિયા પણ છે.
આમિર રાણાના મતે, આ સંસ્થાનો પ્રભાવ આજે પણ છે. અને વર્તમાન સમયે અફઘાન સરકાર, શૂરા (શૂરા કાઉન્સિલ - જેમાં સલાહકારો હોય) અને સંસ્થાનોમાં એવા લોકો સામેલ છે જેમણે આ મદરેસામાંથી શિક્ષણ મેળવ્યું છે અથવા એની સાથે ગાઢ સંબંધ રાખ્યો છે.
એમણે જણાવ્યું કે જામિયા હક્કાનિયા, પાકિસ્તાનનાં સંસ્થાનો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે; કેમ કે એનો એક પ્રભાવી ચૅનલ તરીકે ઉપયોગ કરી શકાય એમ છે; જેનાથી નીતિઓ અમલી કરવામાં સરળતા રહે છે. કેમ કે, જામિયા હક્કાનિયાની પરંપરા રહી છે કે જેના દ્વારા સમયસમયાંતરે આ ચૅનલનો ઉપયોગ કરાયો છે.
એમણે એમ પણ કહ્યું કે, એવું પણ બન્યું છે કે, જ્યારે સરકારી સંસ્થાઓની નીતિઓ બદલાઈ ત્યારે એ બદલાવમાં પણ આ મદરેસાએ ભૂમિકા ભજવી હતી. જેમ કે, પૈગામ-એ-પાકિસ્તાનનો સિલસિલો, જેમાં મદરેસા તરફથી ઉગ્રવાદનો વિરોધ કરતો ફતવો જારી કરાયો હતો. જામિયા હક્કાનિયાના નેતા આ નીતિને સાથે લઈને આગળ વધ્યા હતા.
એમણે જણાવ્યું કે, રાજ્ય સાથે આ સંસ્થાને ક્યારેય કોઈ અથડામણ થઈ હોય એવો એક પણ કિસ્સો બન્યો નથી, પરંતુ એવા કેટલાક પ્રસંગો જરૂર બન્યા છે જેમાં કોઈ મુદ્દે મદરેસાએ મતભેદ પ્રગટ કર્યો હોય.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












