બ્લોગઃ અંકિત અને અખલાકની હત્યાનો સમાન પ્રતિભાવ કેમ નહીં?

ઇમેજ સ્રોત, Ankit saxena/Facebook
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિન્દી.
વિભાજિત સમાજમાં દુઃખદ હત્યાઓ વિશે વ્યાપક ચર્ચાની ગુંજાઈશ હોય છે. હત્યા એ હત્યા છે અને હત્યારો એ હત્યારો છે એટલું કહી દેવું પૂરતું હોતું નથી.
દિલ્હીમાં અંકિત સક્સેનાની હત્યા બાદ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે અખલાક, જુનૈદ, પહલૂ ખાન કે અફરાઝુલની હત્યા બાદ જેવી પ્રતિક્રિયા જોવા મળી હતી તેવું અંકિતની હત્યાના કિસ્સામાં કેમ નથી?
આ સવાલ પહેલી નજર તો ઠીક લાગે છે. પ્રશ્નકર્તાઓની ફરિયાદ છે કે કોઈ મુસલમાનની હત્યા થાય છે ત્યારે વધારે ધમાલ કરવામાં આવે છે, પણ કોઈ હિંદુની હત્યા થાય ત્યારે લોકો કંઈ નથી કહેતા.
તેમને સોશિઅલ મીડિયા પર 'સેક્યુલર', 'ડાબેરીઓ' કે 'બુદ્ધુજીવી' કહેવામાં આવે છે.
તમને આ વાંચવું પણ ગમશે:
ટૂંકમાં માગણી એ છે કે પીડિત મુસલમાન વિશે ઓછી વાત કરવામાં આવે અને પીડિત વ્યક્તિ હિંદુ હોય તો અખલાકની હત્યા સંબંધે જે જોરદાર પ્રતિક્રિયા મળી હતી એ પ્રતિક્રિયા માપદંડ હોવી જોઈએ.


મુસલમાનો પર થયેલા અત્યાચારનો જાહેર વિરોધ કરતા લોકો નિશાન બની જાય છે. જેમના પર 'બેવડા માપદંડ અપનાવતા', 'પક્ષપાતી', 'હિંદુવિરોધી' અથવા 'રાષ્ટ્રવિરોધી' લેબલ ચોંટાડવાની કોશિશ થાય છે.
લેબલ ચોંટાડવાનો હેતુ તેમના દ્વારા કરવામાં આવતી ટીકા હવા કાઢી નાખવાનો હોય છે.
મુસલમાનોના અધિકારની વાતો કરતા બધા લોકો દૂધે ધોયેલા છે એવું નથી, પણ 'હિંદુ લોકભાવનાના સ્વયંભૂ સોશિઅલ પ્રવક્તા' ઝાઝું વિચારવામાં માનતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરેક બાબતમાં એકસમાન પ્રતિભાવની માગણી કરતા લોકો, તેમની સાથે જે સહમત હોય છે એમને નિષ્પક્ષ માને છે, પણ જે અસહમત હોય છે કે ચિંતા વ્યક્ત કરે છે તેમને પક્ષપાતી ગણે છે.
બીજી તરફ, 'સોશિઅલ જેદાહીઓ' પણ આવા જ છે. આ પ્રકારના લોકોની સંખ્યા હિંદુઓની સરખામણીએ ઓછી હોવાથી તેમની હરકતો બહુમતિ હિંદુ ધમાલખોરોની હરકતો જેવી દેખાતી નથી.

અલબત, બન્ને વર્ગના લોકોનો સ્વભાવ અને વર્તન લગભગ એકસમાન જ છે.
આ એક નાજુક મુદ્દો છે. તેથી સૌથી પહેલાં એ નોંધી લેવું જોઈએ કે કોઈ પણ માણસની હત્યા એ માણસાઈની હત્યા છે.
કોઈની પણ હત્યાને અન્ય હત્યાથી ઓછી કે વધારે ગંભીર સાબિત કરવાનો ઈરાદો નથી, પણ દરેક હત્યા બાબતે એકસમાન પ્રતિભાવ કેમ હોતો નથી એ સમજવા-સમજાવવાનો હેતુ આ લેખનો છે.
મોટા ભાગે ગુનાના હેતુ, તેની રીત અને એ પછી બનતી ઘટનાઓને કારણે અલગ-અલગ પ્રતિભાવ જોવા મળતો હોય છે.

ઓનર કિલિંગ અથવા હેટ ક્રાઈમ

ઇમેજ સ્રોત, Getty Images
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, અંકિતે હિંદુ હોવા છતાં એક મુસલમાન છોકરીને પ્રેમ કરવાની હિંમત કરી હતી એટલે તેની હત્યા કરવામાં આવી હતી.
સમાન ગોત્ર કે ઊંચી-નીચી જ્ઞાતિના છોકરા-છોકરીના લગ્નના કિસ્સામાં કરવામાં આવતી હત્યા જેવો જ મામલો આ છે.
હત્યા દિલ્હીમાં થઈ હતી, ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને હત્યારાઓ મુસલમાન તથા હત્યાનો ભોગ બનેલી વ્યક્તિ હિંદુ છે.
આ ઘટનાનો પ્રતિભાવ કેવો અને કેટલો હશે તેના પર આ ત્રણ બાબતોનો પ્રભાવ છે.
દિલ્હીથી થોડા કિલોમીટર દૂર હરિયાણાના કોઈ ગામમાં સમાન ગોત્રના છોકરા-છોકરીના લગ્નના કિસ્સામાં-જ્યાં હત્યારા અને હત્યાનો ભોગ બનેલી વ્યક્તિ બન્ને હિંદુ હોય ત્યાં-પ્રતિભાવ અંકિત હત્યાકાંડ જેવો નથી હોતો.
ઘણા કિસ્સાઓમાં તો આવી હત્યાઓમાં પંચાયતોની સહમતિ હોય છે.
અંકિતની હત્યાના કિસ્સામાં આવી કોઈ બાબત બહાર આવી નથી. તેથી તમામ મુસલમાનોને હત્યાના સમર્થકો ગણાવી ન શકાય.

બન્ને તરફથી દોષારોપણ

ઇમેજ સ્રોત, Ajay kumar
અંકિતની હત્યા પછી સોશિયલ મીડિયામાં લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો.
મૃતક હિંદુ હોવાને કારણે કેટલાક લોકો નારાજ હતા, જ્યારે કેટલાક લોકોને એક નિર્દોષ યુવાનની હત્યાનો આઘાત લાગ્યો હતો. તેમાં હિંદુ અને મુસલમાનો બન્ને સામેલ હતા.
કેટલાક મુસલમાનોએ આ ઘટનાને 'રિવર્સ લવ જિહાદ', 'મુસલમાન છોકરીની ઈજ્જત સાથે મજાક' અને અંકિત બજરંગ દળ સાથે જોડાયેલો હોવાનું જણાવીને તેની હત્યાને યોગ્ય ગણાવવાના પ્રયાસ કર્યા હતા.
અખલાક કે પહલૂ ખાનની હત્યાઓની કિસ્સામાં ગાયની ચોરી અને ફ્રિજમાં ગૌમાંસ હોવાની દલીલો જે રીતે કરવામાં આવી હતી એવી જ રીતે અંકિતની હત્યાના કિસ્સામાં કરવામાં આવ્યું હતું.
લોકો એકસરખા જ છે. તેમનો જન્મ સંજોગવશાત્ હિંદુ કે મુસલમાન પરિવારમાં થયો છે એટલો જ ફરક છે. બીજો કોઈ ફરક નથી.
કોઈ કિસ્સામાં એક પક્ષ હિંદુ હોય અને બીજો મુસલમાન હોય ત્યારે મોટાભાગના લોકો તર્ક, તથ્ય અને ન્યાયનો સાથ છોડીને પોતપોતાની કોમના હિતને ટેકો આપતા હોય છે.
આ એ સમય હોય છે, જ્યારે બુદ્ધિ, વિવેક, ન્યાયપ્રિયતા અને માનવીય સંવેદનાની પરીક્ષા થતી હોય છે.
જે મુસલમાનો અંકિતની તરફેણમાં હતા તેઓ અખલાકના સમર્થક હિંદુઓની માફક 'સોશિઅલ જેહાદીઓની' ગાળો ખાઈ રહ્યા હતા.

હિંદુત્વ, બુદ્ધિજીવી અને સમજવા જેવી વાતો

ઇમેજ સ્રોત, AFP
અંકિતની હત્યાના કિસ્સામાં 'સેક્યુલર' અને 'ડાબેરી'ઓના પ્રતિભાવમાં જે બાબત સૌથી ઓછી જોવા મળી હતી એ હતી મુસલમાનો પ્રત્યેની જનરલાઈઝ્ડ નફરતનો અભાવ.
હિંદુ હિતની વાત કરતા લોકો જે પાયાનો સવાલ કરે છે તે આ જ તો છે. તેમનો સવાલ એ હોય છે કે 'તમે હિંદુત્વની તો ખુલ્લેઆમ ટીકા કરો છો, ઈસ્લામની કેમ નથી કરતા?'
પહેલી વાત એ કે અંકિતની હત્યા કોઈ સુનિયોજીત, સંગઠીત ઈસ્લામી સંગઠનનું કારસ્તાન નથી.
પાછલાં કેટલાંક વર્ષોમાં સમુદાયના સંદર્ભમાં ભારતીય મુસલમાનોએ એવું શું કર્યું છે જે બદલ તેમની ઝાટકણી કાઢવી જોઈતી હતી, પણ એવું કરવામાં આવ્યું નથી?
ઈસ્લામી સ્ટેટના કારનામાઓ માટે ભારતના મુસલમાનોને દોષી ઠરાવવાનું કોઈ પણ રીતે યોગ્ય નથી.
યાદ રાખો કે હિંદુત્વની ટીકા એ કંઈ હિંદુઓની ટીકા નથી. હિંદુત્વનો રાજકીય આઈડિયા તરીકે ઉપયોગ કરવાના કૃત્યની ટીકા ધર્મ પરનો હુમલો નથી.
એવી જ રીતે ઈસ્લામપરસ્તીની ટીકા કરવાના કૃત્યને ઈસ્લામ પરનો હુમલો ગણવાનું યોગ્ય નથી.
ઈસ્લામપરસ્તી અને હિંદુત્વ બન્ને તેમની ટીકાનો જવાબ મસ્જિદ-મંદિર પાછળ છૂપાઈને આપે છે.
અંકિત નિશ્ચિત રીતે જ 'વિક્ટિમ' હતો, પણ એ બાબત આગળ ધરીને 80 ટકા હિંદુઓને વિક્ટિમ બનાવવાના પ્રયાસમાં રાજકારણ ન દેખાય એ વિચિત્ર છે.
જે હિંદુ હિતની વાત કરે છે એ જ દેશ પર રાજ કરે છે. એ લોકો સત્તા પર હોય ત્યારે હિંદુઓ અસલામત હોય તો તેમણે મુસલમાનો તરફ નહીં, સરકાર તરફ નજર કરવી જોઈએ.

મીડિયા અને બુદ્ધિજીવીઓની જવાબદારી?

ઇમેજ સ્રોત, PTI
દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગૌરક્ષા તથા લવ જેહાદના નામે અને ક્યારેક કોઈએ ટોપી પહેરી હોય તથા તેને દાઢી હોય એવા કારણસર મુસલમાનોને માર મારીને તેમની હત્યા કરવામાં આવી છે.
આ એક પ્રકારની પેટર્ન છે. સરકારનું મૌન નહીં, પણ ઘણીવાર તેને સરકારનો ખુલ્લો ટેકો હોય છે.
અખલાકની હત્યાની એક આરોપીનું બીમારીને કારણે મોત થયું ત્યારે તેની લાશને તિરંગામાં લપેટવામાં આવી હતી અને કેન્દ્રીય પ્રધાન મહેશ શર્મા તેને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. એ ઘટનાને યાદ કરો.
જેઓ હાંસિયા પર છે, જેમનો અવાજ કોઈ સાંભળતું નથી કે સાંભળવા ઈચ્છતું નથી તેમનો અવાજ લોકો સુધી પહોંચાડવાની મીડિયા, બુદ્ધિજીવીઓ તથા વિવેકવાન લોકોની જવાબદારી છે.
મીડિયા, બુદ્ધિજીવીઓ અને વિવેકવાન લોકોએ બહુમતીની ભીડના અવાજનો પડઘો બનવાનું નથી.
હિંસાનું કારણ તથા તેના પ્રમાણના મુદ્દા પણ મહત્ત્વના છે. તેને બે ઉદાહરણ વડે સમજી શકાય.
એક, માલદામાં મુસલમાન જૂથો તથા પોલીસ વચ્ચેની ટક્કરની ઝાટકણી બુદ્ધિજીવીઓએ કાઢવી જોઈએ એવી માગણી કરવી, પણ હિંસક જાટ આંદોલન વખતે ચૂપ રહેવું.
આ બન્ને બાબતોની તુલના સમાન માપદંડ વડે થઈ શકે?
બીજી તરફ દિલ્હીમાં પાર્કિંગના ઝઘડામાં એક હિંદુ ડેન્ટિસ્ટની મુસલમાનોએ હત્યા કરી ત્યારે એ ઘટનાની ઝાટકણી અખલાકની હત્યાની માફક કાઢવાની માગણી ઉઠી હતી.
આ કિસ્સામાં એ સમજવું જરૂરી છે કે ઝઘડામાં થયેલી દુઃખદ અને નિંદનીય હત્યાનું કારણ ડેન્ટિસ્ટનું હિંદુ હોવું ન હતું.
એ કિસ્સામાં ધર્મનો કોઈ એંગલ ન હોવાનું પોલીસે પણ સ્વીકાર્યું હતું.
આ બધી બાબતોમાં બહુ ઝીણવટભર્યો વિચાર કરીને કોઈ તારણ કાઢવું જરૂરી છે, પણ ભીડ તરત ફેસલો, તરત ન્યાય અને પોતાની જીત ઈચ્છતી હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













