ગુજરાત બાળમૃત્યુના પ્રમાણમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારાં રાજ્યોમાં કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
'સૅમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ' દ્વારા જાહેર એક રિપોર્ટના ડેટા અનુસાર એક વર્ષ સુધીનાં બાળકોમાં ચોક્ક્સ ઉંમર આધારિત મૃત્યુદર એટલે કે 'ઍજ સ્પેસિફિક ડેથ રેટ' (ASDR) બાબતે ગુજરાત સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્યો પૈકી પાંચમા ક્રમનું રાજ્ય હોવાની વાત સામે આવી છે.
આ માપદંડને ધ્યાને રાખીને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્યોની યાદીમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ છે. જ્યારે ઉત્તર પ્રદેશ બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ગુજરાતનાં નામ આવે છે.
નોંધનીય છે કે સૅમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા રજૂ કરાયેલ આંકડાકીય રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં ગુજરાતમાં શૂન્યથી એક વર્ષ સુધીનાં કુલ બાળકોનાં વયજૂથનો ASDR 41.3 હતો. આ સમયગાળા દરમિયાન 0-1 વયજૂથની બાળકીઓ માટેનો ASDR 38.5 હતો, જ્યારે આ જ વયજૂથનાં બાળકોનો ASDR 43.8 હતો.
નોંધનીય છે કે ગુજરાત 0-1 વયજૂથનાં બાળકોનો કુલ ASDR રાષ્ટ્રીય સરેરાશ 37.5 કરતાં વધુ નોંધાયો છે.
ASDR બાબતે ગુજરાત કરતાં વધુ ખરાબ પ્રદર્શન કરનાર રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢનો ASDR અનુક્રમે 68, 56, 50 અને 48 હોવાનું સામે આવ્યું છે.
તેમજ આ વયજૂથમાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોનો ASDR શહેરી વિસ્તાર કરતાં વધુ નોંધાયો છે. ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં 0-1 વર્ષનાં બાળકોનો ASDR 52 હતો જ્યારે શહેરી વિસ્તારોનો ASDR 27.2 હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે ગ્રામીણ વિસ્તારોમાં 0-1 વર્ષ સુધીનાં બાળકોના ASDR મામલે ગુજરાતનું નામ સમગ્ર દેશમાં ચોથા સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે નોંધાયું છે.
અહીં એ જાણવું જરૂરી છે કે બાળમૃત્યુદર અને એજ સ્પેસિફિક ડેથ રેટ એટલે કે ASDRમાં પાયાનો તફાવત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદના જાણીતા બાળરોગોના નિષ્ણાત અને અમદાવાદ પીડિયાટ્રિક્સ ઍસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. ચેતન ત્રિવેદી આ તફાવત સમજાવતાં જણાવે છે કે "બાળમૃત્યુદર એટલે સમગ્ર વર્ષ દરમિયાન જીવિત જન્મેલાં દર હજાર બાળકો પૈકી એક વર્ષ કરતાં ઓછી ઉંમરે મૃત્યુ પામતાં બાળકોની સંખ્યા. "
જ્યારે ASDR એટલે જે તે વયજૂથની અર્ધવાર્ષિક જનસંખ્યાની સરખામણીએ તે વયજૂથમાં દર હજારે નોંધાતાં કુલ મૃત્યુની સંખ્યા.
0-1 વર્ષના વયજૂથમાં આવતાં બાળકોનાં મૃત્યુ મામલે ગુજરાતના આ પ્રદર્શનને નિષ્ણાતો અસંતોષકારક ગણાવે છે.

અંધશ્રદ્ધાને કારણે બાળમરણનું પ્રમાણ વધ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અંધશ્રદ્ધાને કારણે ગુજરાતમાં બાળમરણનું પ્રમાણ વધ્યું હોવાની વાતને સમર્થન આપતાં એક જિલ્લાઅધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીમાં કહ્યું :
"આજે પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અને અમુક જ્ઞાતિઓમાં દવા કરતાં લોકો મંત્ર-તંત્ર અને દોરા-ધાગામાં વધુ શ્રદ્ધા ધરાવે છે. તેથી બીમાર બાળકોની દવા કરાવવાને બદલે ભૂવા પાસે જતા હોય છે. આ પ્રકારના ચલણનું મુખ્ય કારણ છે આવા વિસ્તારના લોકોમાં શિક્ષણનું ઓછું પ્રમાણ."
"ઘણાં માતા-પિતા બીમાર બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવાને સ્થાને ભૂવા પાસે જઈ ડામ આપવાથી માંડી ભૂત-પ્રેત ભગાડવા માટે દોરા-ધાગા કરાવે છે, આવી રીતે તાત્કાલિક સારવારમાં થતું મોડું અને અંધશ્રદ્ધાથી પ્રેરાઈને અવૈજ્ઞાનિક ઉપચાર કરાવવાને કારણે ઘણાં બાળકોનાં મૃત્યુ થાય છે."
આ અધિકારી અલગઅલગ આદિવાસી વિસ્તારોમાં મુખ્ય જિલ્લા આરોગ્યઅધિકારી તરીકે કામ કરી ચૂક્યા છે હાલ આદિવાસી બહુમતી ધરાવતા એક પછાત જિલ્લાના આરોગ્યઅધિકારી તરીકે કાર્યરત્ છે.
અંધશ્રદ્ધાને કારણે યોગ્ય અને સમયસર સારવાર ન મળતાં બાળકોનાં મૃત્યુ થયાનો એક કિસ્સો જણાવતાં તેઓ કહે છે :
"2019માં માત્ર બનાસકાંઠા જિલ્લામાં આવાં ચાર નવજાત શિશુઓનાં ડામ આપવાને કારણે મૃત્યુ થયાં હતાં. ડામ આપ્યા બાદ બાળકોને સરકારી હૉસ્પિટલે લવાતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો."
"એ સમયે અમે જે-તે વિસ્તારના ભૂવાઓને બોલાવી પ્રશિક્ષિત પણ કર્યા હતા અને ડામ આપવાને કારણે જો મોત થાય તો શું કાનૂની કાર્યવાહી થઈ શકે, એવી લોકોને પણ સમજણ આપી હતી. જેના કારણે ગુજરાતના બે જિલ્લામાં આ પ્રથાનું પ્રમાણ ઘટ્યું છે."
ગ્રામીણ વિસ્તારોના લોકોમાં અંધશ્રદ્ધાના વધુ પ્રમાણને કારણે નાની ઉંમરનાં બાળકો મૃત્યુને ભેટતાં હોવાની વાત સાથે સંમત થતાં અમદાવાદમાં બાળરોગ ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે :
"મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં ઘણાં માતા-પિતા પોતાનાં બાળકોને બીમારી દરમિયાન તાત્કાલિક દવાખાને લઈ જવાને સ્થાને અંધશ્રદ્ધાપ્રેરિત રસ્તા અને સમાધાન અપનાવે છે, જેના કારણે આવાં બીમાર બાળકોનાં તાત્કાલિક સારવારના અભાવને કારણે મૃત્યુ થાય છે."

ગ્રામીણ વિસ્તારોમાં થાય છે વધુ બાળમરણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારોની સરખામણી વધુ બાળમરણ થતાં હોવાનું જણાવતાં ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, "મેડિકલ જર્નલ લૅન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તાર કરતાં બાળમરણનું પ્રમાણ વધુ છે."
ગ્રામીણ વિસ્તારોમાં બાળમૃત્યુનું પ્રમાણ વધુ હોવાનાં મુખ્ય કારણો જણાવતાં તેઓ કહે છે કે, "ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંબંધી સુવિધાઓનો અભાવ, નિવાસસ્થાન અને હૉસ્પિટલ વચ્ચેનું વધુ અંતર, અંધશ્રદ્ધા તેમજ બાળકો માટેની સરકારી યોજનાઓની જાણકારીનો અભાવને કારણે પણ બાળમૃત્યુનું પ્રમાણ વધુ નોંધાય છે."

અન્ય કારણો

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં બાળમૃત્યુના વધુ પ્રમાણ અંગેનાં અન્ય કારણો વિશે વાત કરતાં ડૉ. ત્રિવેદી જણાવે છે કે, "0-1 વર્ષની વયમાં બાળકોના ઊંચા મૃત્યુદર માટે અન્ય પણ ઘણાં કારણો જવાબદાર હોય છે."
"0-1 વર્ષના વયજૂથમાં નોંધાતાં કુલ બાળમૃત્યુમાં નવજાત બાળકોનાં મૃત્યુનું પ્રમાણ સૌથી વધુ હોય છે. એટલે કે એક વર્ષ સુધીની ઉંમરનાં બાળકો પૈકી એક મહિના સુધીની ઉંમરનાં બાળકોનાં મૃત્યુનું પ્રમાણ વધુ હોય છે."
"નવજાત બાળકોના ઊંચા મૃત્યુદર માટે અધૂરા મહિને જન્મેલાં બાળકો, જન્મ સમયે બાળકનું ઓછું વજન, જન્મજાત ખોડખાપણવાળાં બાળકોના જન્મનું પ્રમાણ વગેરે કારણો જવાબદાર હોય છે. આવાં બાળકો જન્મ બાદ જલદી મૃત્યુને ભેટી શકે છે."
"આ સિવાય માતા કુપોષિત હોય તો પણ બાળકો ખોડખાપણવાળાં જન્મી શકે છે, જેથી આવાં બાળકો વધુ જીવી શકતાં નથી. તેમજ ઘણાં વિસ્તારોમાં ઘણાં બાળકોના જન્મ ઘરે જ થઈ જતાં હોય છે, આવાં બાળકોને ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે, જે પણ નવજાત બાળકનાં મૃત્યુનું કારણ બને છે. ઘણીવાર પ્રસૂતિ વખતે ઊભી થયેલી મુશ્કેલીઓને પરિણામે બાળક જન્મ સમયે સંપૂર્ણ સ્વસ્થ રહી શકતું નથી આ કારણ પણ બાળમરણ માટે એટલું જ જવાબદાર છે."
આગળ એક માસથી એક વર્ષ સુધીનાં બાળકોમાં જોવા મળતાં મૃત્યુના વધુ પ્રમાણ વિશે વાત કરતાં તેઓ જણાવે છે, "એક માસથી એક વર્ષ સુધીનાં બાળકોને ઝાડા-ઊલટીની સમસ્યા, ન્યુમોનિયા અને જુદા-જુદા વાઇરસનો ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે. તેમાં પણ કુપોષણવાળાં બાળકોમાં આવી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ વધુ જોવા મળે છે."
બાળકોનાં ઊંચા મૃત્યુદર અંગે વાત કરતાં સુરતના બાળરોગોના નિષ્ણાત તબીબ નિર્મલ ચોરારીયા પણ ડૉ. ચેતન ત્રિવેદીની વાત સાથે સંમત થતાં જણાવે છે, "નાનાં બાળકોને ઝાડા-ઊલટી, ન્યુમોનિયા અને વાઇરલ ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે."
"સાવ નાની ઉંમરનાં બાળકો જેઓ કુપોષિત હોય તેમની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે, આ કારણોને લીધે બાળકોનાં મૃત્યુના પ્રમાણમાં વધારો નોંધાય છે."
"આ સિવાય સંસ્થાગત પ્રસૂતિ ન થઈ હોય તેવા કિસ્સાઓમાં પણ બાળકને અનેક જાતના ચેપ લાગવાની સંભાવના રહેલી હોય છે."
સુરત ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજના પીડિયાટ્રિક વિભાગના પ્રમુખ, ડૉ. વિજય શાહ બાળમૃત્યુ પ્રમાણમાં વધારાનાં કારણો અંગે વાત કરતાં જણાવે છે કે, "સામાન્ય રીતે જન્મજાત ખોડખાપણવાળાં બાળકો અને સમય કરતાં પહેલાં જન્મી ગયેલાં બાળકો વધુ પ્રમાણમાં મૃત્યુને ભેટતાં હોય છે."
"આવાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ ઓછી હોવાને કારણે જન્મ પછી શરૂઆતના સમયે થતાં ચેપી રોગોની સામે તેમને રક્ષણ મળવાનું વધુ મુશ્કેલ બની જાય છે, આવાં બાળકોને ચેપી રોગો લાગવાની સંભાવના વધી જતાં બાળમૃત્યુના પ્રમાણમાં વધારો નોંધાઈ શકે છે."

રાજ્યમાં પહેલાં કરતાં પરિસ્થિતિ સુધરી હોવાનો દાવો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ મુદ્દે વાત કરતાં રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "બાળકોનાં મૃત્યુના પ્રમાણમાં પહેલાંની સરખામણીએ પરિસ્થિતિ સુધરી છે. બાળકોનાં મૃત્યુ ઘટ્યાં છે."
"બાળકોનાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે સગર્ભા માતાને પૂરતું પોષણ મળી રહે એ માટેના પ્રયત્નો સતત ચાલી કરાઈ રહ્યા છે."
"જન્મના પ્રથમ 100 દિવસ સુધી નીઓનૅટલ કૅર લેવાની જરૂર હોય છે, તે માટેના પ્રયત્નો વધારાયા છે."
"પૌષ્ટિક આહાર અને જરૂરી તબીબી સવલતો વધારી છે. આ ઉપરાંત હજાર દિવસનો સ્પેશિયલ ન્યૂટ્રિશનલ પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે, જેના કારણે બાળમૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. આ ઉપરાંત બાળમૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે લોકોને જાગૃત કરવા માટે જરૂરી પગલાં પણ લીધાં છે."
ડૉ. શાહ પણ આ વાત સાથે સંમત થતાં જણાવે છે, "પહેલાંની સરખામણીમાં રાજ્યમાં બાળમરણનું પ્રમાણ ઘણું ઘટ્યું છે. ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારોનાં બાળકોને પણ હવે જરૂરી તમામ સારવાર મળી રહે છે."
"તેમજ શહેરો સાથે કનેક્ટિવિટીનો મુદ્દો ઉકેલાતાં શહેરની આસપાસના વિસ્તારના લોકો પણ પોતાનાં બાળકોને ઝડપથી શહેરની હૉસ્પિટલોમાં લઈ આવી શકે છે. સાથે જ ગામડાંના સ્તરે તો પ્રસૂતિ અને બાળકોની સારસંભાળ માટેના પ્રયત્નોમાં નોંધપાત્ર વધારો થયો છે તે નોંધવું રહ્યું."

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














