સરદારની 'અડીખમ' પ્રતિમાની આસપાસ આદિવાસીઓ અસ્થાયી કેમ થઈ ગયા?

- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
31 ઑક્ટોબર, 2018ના રોજ સરદાર પટેલની 143મી જયંતિ નિમિત્તે ગુજરાતના નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાયેલી તેમની 182 મીટર ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરાયું હતું.
નોંધનીય છે કે આ સ્થળે સ્ટેચ્યૂના નિર્માણ અંગેનો નિર્ણય લેવાયો ત્યારથી જ આદિવાસીઓની જમીનનું સંપાદન અને વળતર જેવા અનેક મુદ્દા ઊઠ્યા અને સ્થાનિક આદિવાસીઓ તેમજ આદિવાસી અને માનવાધિકાર સંગઠનો દ્વારા અવારનવાર સરકારના આ નિર્ણયનો વિરોધ કરાઈ રહ્યો હતો. જે હજુ પણ ચાલુ છે.
નોંધનીય છે કે સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસના વિસ્તારને પ્રવાસનનું કેન્દ્ર બનાવવા માગે છે.
સરદારની પ્રતિમાની આસપાસ કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, મ્યુઝિયમ, ઑડિયો-વિઝ્યુઅલ ગૅલરી, સેલ્ફી પૉઇન્ટ, લાઇટ અને સાઉન્ડ શોની વ્યવસ્થા, વૅલિ ઑફ ફ્લાવર અને શ્રેષ્ઠ ભારત ભવન જેવાં ઘણાં આકર્ષણો વિકસાવવાની કામગીરી ચાલી રહી છે.
આ સિવાય કેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા જુદાં-જુદાં રાજ્યોને કેવડિયા કૉલોની ખાતે પોતાનાં રાજ્યોનાં ભવનો વિકસાવવા માટે આમંત્રણો પાઠવવામાં આવ્યાં છે.
સ્થાનિક આદિવાસીઓના વિરોધ છતાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવાયું અને તેના અનાવરણનાં લગભગ પોણાં બે વર્ષ બાદ આજે પણ એ સ્થળે સરદાર પટેલની પ્રતિમા તો 'અડીખમ' છે, પરંતુ ત્યાંના સ્થાનિક આદિવાસીઓ અસ્થાયી થઈ ગયા છે.
સમય સાથે તેમની મુશ્કેલીઓમાં પારાવાર વધારો થતો ગયો છે.
આ અંગે વધુ વિગતો મેળવવા માટે બીબીસી ગુજરાતી દ્વારા આ મુદ્દા સાથે સંકળાયેલા સામાજિક કાર્યકરો અને અન્ય પક્ષકારો સાથે વાત કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગ્રામજનોમાં ચિંતા અને ભયનો માહોલ

સ્થાનિક આદિવાસી કાર્યકર પ્રફુલ્લ વસાવા સ્ટેય્યૂ ઑફ યુનિટીને પર્યટનસ્થળ તરીકે વિકસિત કરવાને નામે સરકાર દ્વારા સ્થાનિક આદિવાસીઓ સાથે અન્યાય કરાઈ રહ્યો હોવાનું જણાવે છે.
આદિવાસીઓની મુશ્કેલીઓમાં થયેલા વધારા અંગે વાત કરતાં તેઓ કહે છે, "સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણને કારણે આ વિસ્તારના લોકોની ખુશાલી છીનવાઈ ગઈ છે અને ચારે કોર ભયનો માહોલ વ્યાપી ગયો છે."
"ગામલોકોનાં મુખ પર જોવા મળતી પ્રસન્નતાને સ્થાને તેની પર પોતાનાં અને પોતાનાં બાળકોનાં ભવિષ્યની ચિંતા પથરાઈ ગઈ છે. આ વિસ્તારના તમામ લોકોનાં મનમાં હવે માત્ર એક જ પ્રશ્ન છે, 'હવે આપણું શું થશે?'"
સ્ટેચ્યૂ ઑફ યુનિટીના કારણે આસપાસના વિસ્તારમાં થઈ રહેલાં વિકાસકાર્યોને લીધે સ્થાનિક આદિવાસીઓની ખેતી અને પશુસંવર્ધનનાં કામો પર નકારાત્મક અસરો થઈ હોવાનું પ્રફુલ્લ વસાવા જણાવે છે.
તેઓ આ વિશે કહે છે કે "સ્ટેય્યૂ ઑફ યુનિટીના આગમન પહેલાં સ્થાનિક આદિવાસીઓ ખેતી અને પશુસંવર્ધનના વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ બાદ સ્થાનિકોના આ વ્યવસાયો પર માઠી અસર પડી છે."
"પહેલાં તો જમીનસંપાદનને નામે ઘણા લોકોની જમીનો લઈ લેવાઈ અને પછી તેમનાં ઢોરો માટેની ગૌચર જમીનો પર વાડ બાંધી દીધી, ઘાસચારો મેળવવામાં પણ સ્થાનિકોને ફાંફાં પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે."
"વધુમાં સ્થાનિકોને પોતાનાં ઢોર ગામની સીમમાં ચરાવવાની પણ પરવાનગી નથી."
તેઓ આગળ કહે છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના આગમન બાદ સ્થાનિક લોકોનો વિકાસ થશે એવું આશ્વાસન અપાયું હતું, પરંતુ વૈકલ્પિક રોજગારી તો ઠીક સ્થાનિકોના અગાઉથી ચાલી રહેલાં ધંધા-રોજગારી પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના આગમનથી બંધ થઈ ગયાં.
વસાવા આગળ જણાવે છે કે, "જ્યારે પણ કોઈ નેતા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે આસપાસના વિસ્તારના લોકોને સ્થાનિક સત્તાધીશો દ્વારા ઘરમાં પૂરી દેવાય છે, નજરકેદ રખાય છે."
"તેમનાં ઘરો આગળ બૅરિકૅડ ઊભાં કરી દેવાય છે, એટલે સુધી કે લોકોને ગામમાંથી મુખ્ય રસ્તા પર આવવાની પણ પરવાનગી નથી અપાતી."
"હાલ જમ્મુ-કાશ્મીર જેવી પરિસ્થિતિ છે એવી જ આ વિસ્તારમાં પણ થઈ જાય છે."
આ વિસ્તારમાં આદિવાસીઓના હકો માટે કામ કરતાં આનંદ મઝગાંવકર જણાવે છે, "સ્થાનિક આદિવાસીઓને મુખ્ય કૅનાલમાંથી પોતાની ખેતી માટે પાણી પણ નથી લેવા દેવામાં આવતું."
"જેમનાં ગામ આગળથી પાણી જાય છે, તે ગામલોકોને જ સરકાર અને અધિકારીઓ ખેતી માટેના પાણીથી વંચિત રાખે છે."

પ્રવાસીઓની મજા આદિવાસીઓનાં જીવન કરતાં વધુ મહત્ત્વની?

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસના આદિવાસી વિસ્તારોમાં લોકોને ભોગવવી પડી રહેલી હાલાકીનું વ્યાપક ચિત્ર રજૂ કરતાં આનંદ મઝગાંવકર જણાવે છે, "કેવડીયા, કોઠી, વાગડીયા, નવાગામ, લીંબડી અને ગોરા એમ કુલ છ ગામને આ બંધનિર્માણ અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના અસરગ્રસ્તોમાં સામેલ નથી કરાયાં."
"જ્યારે અન્ય સ્થળોએ અસરગ્રસ્ત ગણાયેલા લોકોને જમીન ફાળવી દેવાઈ છે. આમ હજુ સુધી આ છ ગામના લોકો વાજબી વળતરના પોતાના અધિકારથી વંચિત છે."
તેઓ કહે છે, "આ સિવાય ગરૂડેશ્વર વીઅરના નિર્માણમાં લોકોની ખાનગી માલિકીની જમીન પણ ગેરકાયદેસર ડુબાડી દેવાઈ. આમ, પ્રવાસીઓ માટે બોટિંગની સુવિધા થઈ શકે એ હેતુથી ખેડૂતો અને આદિવાસીઓને નુકસાન કરાઈ રહ્યું છે."
"પ્રવાસીઓની બે કલાકની મોજમજા સરકારની દૃષ્ટિમાં ગરીબ આદિવાસીઓ કરતાં વધુ મહત્ત્વની છે."
સ્ટેચ્યૂ ઑફ યુનિટી આસપાસ થઈ રહેલાં વિકાસકાર્યોને કારણે થયેલી સ્થાનિકોની દયનીય સ્થિતિ જણાવતાં તેઓ કહે છે કે "જે લોકોએ સરકારના આ વિકાસકાર્યમાં જમીન ગુમાવી છે એ લોકો હાલ પોતાની જ જમીનો પર સરકાર માટે ઝાડુ મારતા નજરે પડે છે."
પ્રવાસીઓને આકર્ષવા માટે તૈયાર કરાઈ રહેલાં આકર્ષણોની જરૂરિયાત અંગે પ્રશ્ન ઉઠાવતાં તેઓ કહે છે કે "શહેરના લોકો માટે મૉલ, બોટિંગ, રિવર રાફ્ટિંગ અને પ્રાણીસંગ્રહાલય વગેરે બનાવવા માટે સ્થાનિક આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવી છે."
"તેથી એ વિસ્તારમાં ઘણા લોકો માટે રોજગારીના પ્રશ્નો ઊભા થયા છે."

સ્થાનિકોનાં લારી-ગલ્લા કરાવાય છે બંધ

સ્થાનિકોનાં ધંધા-રોજગારી મુદ્દે વધુ વાત કરતાં પ્રફુલ્લ વસાવા કહે છે કે, "નર્મદાબંધનું નિર્માણ થયું એ સમયથી આ વિસ્તાર પર્યટનસ્થળ છે, ત્યારે પણ સ્થાનિકો નાના-નાના વ્યવસાયો થકી પોતાનું ગુજરાન ચલાવતા હતા."
"હવે તો રસ્તા પર પોતાનું ગુજરાન ચલાવવા માટે લારી-ગલ્લા ચલાવતા લોકો પર ગુનો દાખલ કરવા સુધીની જોગવાઈઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિકાસ સત્તામંડળમાં કરવામાં આવી છે."
તેઓ કહે છે, "તેથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીના આગમનથી સ્થાનિકોને વૈકલ્પિક રોજગારીનો મુદ્દો તો બાજુમાં રહી ગયો અને સ્થાનિકો દ્વારા જે વેપાર-ધંધા ચલાવાતા હતા તેઓ હવે તે પણ નથી કરી શકતા."
"આમ, સ્ટેચ્યૂ ઑફ યુનિટીના આગમનથી તેની આસપાસનો વિસ્તાર જે પહેલાં સ્વનિર્ભર હતો, ત્યાંના લોકોનાં મનમાં એક નિરાશા અને ડર પેદા કરવાનું કામ સરકારે કર્યું છે."
આ વાત સાથે સંમત થતાં વાગડીયા ગામના સ્થાનિક આદિવાસી અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રોજેક્ટના અસરગ્રસ્ત શૈલેષભાઈ જણાવે છે, "સ્ટેચ્યૂ માટે જમીનો મેળવવા માટે અધિકારીઓએ સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવા સિવાય લારી-ગલ્લા ચલાવવાની પણ પરવાનગી આપી હતી."
"પહેલાં તો તંત્ર દ્વારા લારી-ગલ્લા પણ આપવામાં આવ્યાં, પરંતુ થોડા સમય પછી સ્થાનિકોના આ નાના વ્યવસાયો બળજબરીપૂર્વક બંધ કરાવી દેવડાવ્યા. જેના કારણે લોકો પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે."
સ્થાનિકો માટે રોજગારીનો પ્રશ્ન ઉઠાવતાં આનંદ મઝગાંવકર જણાવે છે કે, "સ્ટેચ્યૂ માટે જમીન લેતી વખતે સ્થાનિક આદિવાસીઓને કહેવાયું હતું કે અમે તમને લારી-ગલ્લા ચલાવવા દઈશું. આ વાયદો પૂરો કરવા માટે કાયદાની જોગવાઈઓ અનુસાર સરવે થવો જોઈતો હતો."
"આવા લોકો માટે વ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવી જગ્યા ફાળવવી જોઈતી હતી. પરંતુ સરકારે આવું કંઈ જ ન કર્યું. હવે એ વિસ્તારમાં લારી-ગલ્લા ચલાવવા દેવામાં આવતાં નથી. જેના કારણે પણ સ્થાનિકોનાં મનમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે."

રોજગારીમાં સ્થાનિકોને પ્રાથમિકતાની વાત માત્ર જૂઠાણું

ઇમેજ સ્રોત, STATUEOFUNITY.IN
સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને તેની આસપાસ ઊભા કરાયેલાં આકર્ષણોમાં સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા અપાતી હોવાના સરકારના દાવાને પ્રફુલ્લ વસાવા પોકળ ગણાવે છે.
તેઓ કહે છે, "આ વાત એકદમ પાયાવિહોણી છે, અહીંના સ્થાનિક ભોળા આદિવાસીઓને પોતાની જમીનો આપવા માટે તૈયાર કરી, સરકારે અહીં સર્જાયેલ નોકરીઓમાં સ્થાનિકોને પ્રાથમિકતા આપવાનો વાયદો પૂરો નથી કર્યો."
"સ્થાનિકોને મોટા ભાગે કરાર આધારિત નોકરીઓ મળી છે, જ્યારે અન્ય મોભાદાર નોકરીઓમાં સરકારે અને અધિકારીઓએ પોતાનાં મળતિયાંને ગોઠવ્યાં છે."
આ વાત સાથે સંમત થતાં સ્થાનિક શૈલેષભાઈ જણાવે છે કે "કૌશલ્ય ધરાવતા શ્રમિકો અને માનવબળની જરૂરિયાત હોવાની વાત કરી સ્થાનિક આદિવાસીઓ જેઓ આ જમીનોના માલિક હતા, તેમને તેમની જ જમીનો પર ઝાડુ મારવાનાં, ચોકીદારી કરવાનાં અને મજૂરી જેવાં કામો સોંપવામાં આવે છે."
"સ્થાનિક ભણેલા-ગણેલા યુવાનોને યોગ્ય તાલીમ આપી જરૂરી કૌશલ્ય શીખવી, નોકરીઓ આપવાની માગ વિશે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાયાં નથી. આ વાત તેમનાં મનમાં સ્થાનિકો પ્રત્યે કેટલી સહાનુભૂતિ રહેલી છે તેનું સાચું ચિત્ર રજૂ કરે છે."
તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે "અમે અનેકવાર સ્થાનિક ભણેલા-ગણેલા આદિવાસી યુવાનોની યાદી અધિકારીઓને આપી છે, પરંતુ અમારી રજૂઆતો પર ધ્યાન નથી આપવામાં આવ્યું.મો"
"સ્થાનિક યુવાનોને સારી રોજગારી મળે એ વાતમાં સરકારને રસ જ ન હોય તેવું લાગે છે. અમને તો બસ ચોકીદારી અને સાફ-સફાઈ જેવાં કામો જ આપવાની પેશકશ કરાય છે."
આ સિવાય સ્થાનિકોને વૈકલ્પિક રોજગારીનો વાયદા પર વાત કરતાં આનંદ મઝગાંવકર કહે છે કે, "સરકારે વૈકલ્પિક રોજગારીના નામે માત્ર લોકોને દાડીયા-મજૂરો તરીકે રાખ્યા છે, પોતાની જ જમીનો પર ઝાડુ મારવા માટે મજબૂર બનાવી દીધા છે, સરકાર ગાઇડ તરીકેના કામને વૈકલ્પિક રોજગારી ગણે છે."

કરાર આધારિત સ્થાનિક શ્રમિકોની મુશ્કેલી

મઝગાંવકર જણાવે છે કે, "જે લોકોને સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે કરાર આધારિત નોકરી અપાઈ છે, તેમની પણ સ્થિતિ કંઈ સારી નથી. તેમણે પોતાના હકનો પગાર મેળવવા માટે પણ ઘણી વખત દેખાવો-પ્રદર્શનો કરવાં પડે છે."
આ વાત સાથે સંમત થતાં વાગડીયાના સરપંચ ગોવિંદભાઈ તડવી જણાવે છે, "સ્થાનિક યુવાનોને માત્ર ગાઇડ તરીકે કે અન્ય મોભાદાર ન હોય તેવી નોકરીઓમાં રાખવામાં આવે છે અને તે પણ કરાર પર. જેથી તેમને ગમે ત્યારે છૂટા કરી શકાય. ઓછો પગાર આપી શકાય."
"આ કારણે અમારા ભણેલા-ગણેલા યુવાનોને પણ પરંપરાગત વ્યવસાયોમાં જોડાવવું પડે છે. હજુ પણ ઘણા યુવાનો જંગલમાંથી લાકડાં અને ફળ એકઠાં કરીને પોતાનું ગુજરાન ચલાવે છે."
"સરકાર દ્વારા કાયમી નોકરીઓમાં સ્થાનિક યુવાધનને બિલકુલ મહત્ત્વ અપાયું નથી. જેમને કરાર આધારિત નોકરીએ રાખવામાં આવે છે તેમનાં મનમાં પણ હંમેશાં એ વાતનો ડર હોય છે કે તેમને ગમે ત્યારે નોકરીમાંથી છૂટા કરી દેવાશે."

સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ અને પ્રથાઓ લુપ્ત થવાનો ભય

ઇમેજ સ્રોત, Reuters
સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રોજેક્ટને કારણે અસરગ્રસ્ત સ્થાનિક શૈલેષભાઈનું માનવું છે કે આ પ્રોજેક્ટને કારણે સ્થાનિક આદિવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પ્રોજેક્ટને કારણે આદિવાસી સંસ્કૃતિ પર તોળાઈ રહેલા ભય વિશે વાત કરતાં તેઓ જણાવે છે, "સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પ્રોજેક્ટ માટે સરકારે આદિવાસીઓ પાસેથી જમીનો લઈ અન્યત્રે દૂર જમીનો આપવાની વાત થઈ રહી છે."
"જે કારણે આદિવાસી સમાજ જે સમૂહજીવનમાં વિશ્વાસ રાખે છે અને સદીઓથી એકબીજા સાથે હળીમળીને એકબીજાની મદદ કરીને એકસાથે રહેવા માટે ઓળખાય છે, તેનું સમૂહજીવન સમાપ્ત થવાનો ભય ઊભો થયો છે."
આગળ શૈલેષભાઈ જણાવે છે, "જો સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓને ધ્યાનમાં લઈને સમાવેશી વિકાસ નહીં કરવામાં આવે તો, સરકારની ઉપેક્ષાને કારણે સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ, ઇતિહાસ અને ધાર્મિક માન્યતાઓ લુપ્ત થઈ શકે છે, કારણ કે એ તમામ બાબતો જે-તે વિસ્તાર સાથે સંકળાયેલી હોય છે."
"જો આદિવાસીઓને તેમની જમીન પરથી હાંકી કઢાશે તો ન માત્ર સમાજ વેરવિખેર થવાનો ભય રહેશે, પરંતુ આની અસર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ, પ્રથાઓ અને ઇતિહાસની જાળવણી પર પણ પડી શકે છે."
ગોવિંદભાઈ તડવી આ વાત સાથે સંમત થતાં જણાવે છે, "આદિવાસીઓ પ્રકૃતિ સાથે જોડાઈને રહે છે, આ જમીન અને એની આસપાસની પ્રકૃતિ જ અમારા માટે સર્વસ્વ છે."
"જો અમને અહીંથી હઠાવી દૂર ક્યાંક મોકલવામાં આવશે તો પ્રકૃતિ સાથેનો અમારો આ નાતો તૂટી જાય તેવો ભય છે, જેની અવળી અસર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ પર પણ પડે તેવો ભય છે."

વડા પ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટને કારણે અન્યાય?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વાગડીયા ગામના સરપંચ અને અસરગ્રસ્ત ગોવિંદભાઈ તડવી જણાવે છે, "સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને તેની આસપાસ વડા પ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૂરા કરવા માટે સરકાર દ્વારા સ્થાનિક આદિવાસીઓના ભવિષ્યનો વિચાર કર્યા વગર પગલાં લેવાઈ રહ્યાં છે."
"આદિવાસીઓ સાથે થઈ રહેલા આ અન્યાયને પગલે ઘણા સ્થાનિકોના મનમાં પોતાનાં બાળકો અને તેમના ભવિષ્યને લઈને ચિંતામાં વધારા થયો છે."
"સ્થાનિક આદિવાસીઓના વિરોધને ડામવા માટે સ્થાનિક તંત્ર દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાઈ રહી છે. વિરોધ કરનાર સ્થાનિક આદિવાસીઓને તેમનાં બાળકો અને મહિલાઓને પણ પોલીસદમનનો ભોગ બનવું પડે છે."
તડવી કહે છે, "અમારી જમીનો પર બળજબરીપૂર્વક વાડ બાંધી દેવાય છે અને અમારી જમીનો નિગમની માલિકીની હોવાના બૉર્ડ પણ મારી દેવાયાં છે."
"સરકાર શહેરના લોકોને અમારી સ્વર્ગ જેવી જગ્યા પર આવી પ્રવાસ કરવાનું જણાવી રહી છે, જ્યારે બીજી બાજુ અમને નર્ક જેવાં શહેરોમાં વિસ્થાપિત કરવાની વાતો થઈ રહી છે."
"તેથી ભવિષ્યમાં શું થશે તે અંગે ચિંતા અને ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે."
જોકે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા આ તમામ મુદ્દાઓ તરફ સરકારે પૂરતું ધ્યાન આપ્યું હોવાનો દાવો કરે છે
ભરત પંડ્યા જણાવે છે કે "નર્મદા યોજનાના સંદર્ભમાં જેમની ડૂબમાં જમીનો ગઈ હોય તેવા અસરગ્રસ્તોને અન્ય રાજ્યો કરતાં ગુજરાત સરકારે વધુ અને સારાં પૅકેજ આપ્યાં છે."
"તેમજ આ યોજનાના અસરગ્રસ્તોને ત્રણ-ત્રણ વખત રિવાઇઝ કરીને સહાય કરવામાં આવી છે."
"સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોને જમીન, મકાન, કૌશલ્યવર્ધન કરીને યોગ્ય રોજગારીની તકો પૂરી પાડવાનું કામ પણ સરકારે કર્યું છે."
"સરકારનાં આ તમામ પગલાંની નોંધ સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાઈ છે અને તેનાં વખાણ પણ કરાયાં છે."
છ ગામના લોકોને નર્મદા યોજનાના અસરગ્રસ્તો તરીકે માન્યતા ન મળી હોવાના ફરિયાદ વિશે તેઓ જણાવે છે, "જે લોકો વધુ ભણેલા નથી તેમને પણ તાલીમ આપી ગાઇડ તરીકે સ્ટેય્યૂ ઑફ યુનિટી ખાતે રોજગારી આપવાનું કામ કર્યું છે. અનેક લોકોને સ્ટેય્યૂ ઑફ યુનિટી ખાતે નોકરી અને રોજગારી આપી છે."
"હવે જ્યારે દુનિયાની આઠમી અજાયબી તરીકે સ્ટેચ્યૂ ઑફ યુનિટીને સ્થાન મળ્યું હોય, પ્રવાસનસ્થળની આસપાસ રોજગારીનું નિર્માણ થાય જ છે. એ બધો જ લાભ સ્થાનિકોને મળે છે."
સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસના વિસ્તારોમાં રહેતા તમામ લોકોની ભલાઈ માટે તમામ પગલાં સરકારે લીધાં હોવાની વાત તેઓ કરે છે.
તેઓ આગળ જણાવે છે, "સ્થાનિકોને હૅન્ડિક્રાફ્ટ અને કૌશલ્યવર્ધન કરીને રોજગારી પૂરી પાડવાની દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે અને ઘણા લોકોને અત્યાર સુધી રોજગારી મળી ચૂકી છે."
"માત્ર રોજગારી જ નહીં સ્થાનિકોના જમીન અને શિક્ષણને લગતા મુદ્દાઓ માટે પણ સરકારે કામ કર્યું છે. મારું માનવું છે કે આ મુદ્દાને રાજકીય રંગ ન આપવો જોઈએ."
"જેમણે સમગ્ર દેશને એક કરવાનું કામ કર્યું એવા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમાં એટલે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી અંગે આવો વિવાદ ન સર્જાવો જોઈએ."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















