કોરોના વાઇરસ અપડેટ : અમેરિકામાં એક લાખ 60 હજાર કરતાં વધુનાં મૃત્યુ

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

જોહ્ન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે એક લાખ 60 હજાર કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે અને સંક્રમિતોની સંખ્યા 49 લાખથી વધારે છે.

બીજી તરફ અમેરિકન અર્થતંત્ર અંગે સતત ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.

જુલાઈના આંકડા પ્રમાણે અમેરિકા આ મહિનામાં માત્ર 18 લાખ નવી રોજગારીની તકો સર્જી શક્યું છે, જ્યારે જૂન મહિનામાં 48 લાખ લોકોની છટણી કરાઈ હતી.

એનો અર્થ એ થયો કે આ એક મહિનામાં જરૂરિયાતની તુલનામાં 30 લાખ નોકરીઓ ઓછી સર્જાઈ છે.

લાઇન

શનિવાર, 8 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

તહેવારોની ઉજવણી અને લોકમેળા પર પ્રતિબંધ

તહેવાર

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે કે રાજ્યના નાગરિકોના આરોગ્યના હિતમાં આગામી દિવસોમાં આવતા તમામ પ્રકારના ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી અને લોકમેળાઓ પર પ્રતિબંધ મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું, "વિવિધ પદયાત્રાસંઘો, સેવાકૅમ્પના આયોજકો તેમજ ગણપતિ-મહોત્સવનાં મંડળો તરફથી આ વર્ષે આ પ્રકારના તહેવારોની જાહેરમાં ઉજવણી ન કરવા રજૂઆત મળી હતી. જેને ધ્યાનમાં રાખી નિર્ણય લીધો છે."

મંત્રીએ પ્રદીપસિંહે કહ્યું કે આ માસમાં આવતા તહેવારો જેવા કે જન્માષ્ટમી, પર્યુષણ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરનો મેળો, ગણપતિ-ઉત્સવ, રામાપીરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો તેમજ તેના આનુષંગિક પગપાળાસંઘો, પદયાત્રીકના માર્ગમાં યોજાતા સેવાકૅમ્પો અને મહોરમ - તાજીયાનાં જુલુસ તથા શોભાયાત્રા અને વિસર્જન જેવાં આસ્થાના પ્રતીકસમા તહેવારો અને લોકમેળાઓ યોજાતા હોય છે. આ તહવારોમાં જાહરે ધાર્મિક કાયક્રમો અને ઉત્સવો ન યોજવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.

"ભાદરવી પૂનમે અંબાજીમાં યોજાતા મેળા સંદર્ભે પગપાળા સંઘોની પદયાત્રા નહીં યોજવાની રજૂઆત મળી છે. જેને ધ્યાનમાં રાખી પગપાળા સંઘ નહીં કાઢવા અને સેવાકેન્દ્રો ન ખોલવાં સરકારે નિર્ણય લીધેલ છે."

ઉપરાંત ગણપતિ-મહોત્સવમાં પણ લોકો માટીની પ્રતિમાનું પોતાના ઘરમાં જ સ્થાપન અને વિસર્જન કરે તેમજ વિસર્જન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેવી અપીલ કરાઈ છે.

line

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કેમ કર્યા?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસને લઈને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર વાકપ્રહાર કર્યા છે.

તેમણે કહ્યું, "20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આ પહેલાં 17 જુલાઈએ રાહુલ ગાંધીએ કહ્યું હતું, "10 લાખનો આંકડો પાર થઈ ગયો. આટલી જલદીથી કોરોનાનો ચેપ ફેલાયો તો દસ ઑગસ્ટ સુધીમાં દેશમાં 20 લાખ કરતાં વધુ કેસો હશે. સરકારે મહામારીને અટકાવવા માટે ચોક્કસ, નિયોજિત પગલાં ભરવા જોઈએ."

જોકે, ભારતમાં કોરોનાના ચેપગ્રસ્ત મામલા સાત ઑગસ્ટે જ 20 લાખનો આંકડો પાર કરી ગયા.

line

ભારતમાં કોરોના સંક્રમણની સ્પીડ અમેરિકા-બ્રાઝિલથી પણ વધારે, કેસો 20 લાખને પાર

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસથી સંક્રમણના હિસાબે ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધીને 20 લાખને પાર પહોંચી ગયા છે.

સત્તાવાર આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 58 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.

આ સાથે જ કોરોનાથી સંક્રમણના કુલ કેસ વધીને 20,21,407 થઈ ગયા છે.

છેલ્લા 20 દિવસમાં સંક્રમણ બમણું થયું છે. આ દર અમેરિકા અને બ્રાઝિલની તુલનામાં પણ વધુ છે. સંક્રમણ મામલે આ બે દેશ ભારતથી આગળ છે.

અમેરિકા પહેલા સ્થાને છે અને બ્રાઝિલ બીજા સ્થાને છે.

ભારતમાં અત્યાર સુધી કોરોના વાઇરસને કારણે 40 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

મૃતકોના આંકડાને આધારે ભારત દુનિયાનો પાંચમો સૌથી વધુ પ્રભાવિત દેશ છે.

line

ગુજરાતમાં 2500થી વધુ મૃત્યુ, 24 કલાકમાં 27 મોત - 6 ઑગસ્ટની અપડેટ

ગુજરાતમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1034 કેસો નોંધાયા છે અને આ સાથે જ રાજ્યમાં કુલ દરદીઓની સંખ્યા 67,811 થઈ ગઈ છે.

તો આ દરમિયાન વધુ 27 દરદીઓના મૃત્યુ થયાં અને રાજ્યમાં કુલ મૃતાંક 2584 થઈ ગયો છે.

રાજ્યના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી અનુસાર આ 24 કલાક દરમિયાન સુરતમાં નવ દરદીનાં મૃત્યુ થયાં છે. જ્યારે અમદાવાદમાં પાંચ, રાજકોટમાં પાંચ, જ્યારે કચ્છ અને વડોદરામાં ત્રણ-ત્રણ દરદીઓનાં મૃત્યુ થયાં છે.

લાઇન

ગુરૂવાર, 6 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન
line

અમેરિકાના ડૉ. ફાઉચીના મતે રસી ક્યારે આવશે?

ડૉ. ફાઉચી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડૉ. ફાઉચી

અમેરિકાના સંક્રામક બીમારીના જાણીતા વિશેષજ્ઞ એન્થોની ફાઉચીએ કહ્યું કે અમેરિકાના નિયામકોએ વૈજ્ઞાનિકોને વિશ્વાસ અપાવ્યો છે કે કોરોના વાઇરસની રસીને લઈને કોઈ રાજકીય દબાણ નાખવામાં નહીં આવે.

અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે અને એવું કહેવાય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇચ્છે કે ચૂંટણી પહેલાં કોઈ અસરકારક રસી આવી જાય.

ફાઉચીએ સમાચાર એજન્સી રૉયટર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "અમને ભરોસો આપવામાં આવ્યો છે કે વૅક્સિનને લઈને કોઈ દબાણ નહીં કરવામાં આવે. રસીને લઈને અમારા પર કોઈ રાજકીય હસ્તક્ષેપ નહીં થાય. અમને જણાવવામાં આવ્યું છે કે રસીને લઈને સૌથી મહત્ત્વનું છે સુરક્ષા અને પ્રભાવી માપદંડ, ન કે રાજકીય દબાણ."

ફાઉચીએ કહ્યું કે આગામી વર્ષની શરૂઆતમાં કદાચ કોરોનાની રસીના કરોડો ડોઝ આવી શકે છે.

ફાઉચીએ કહ્યું, "અમને મૅન્યુફૅક્ચરોએ જણાવ્યું કે 2021ના અંત સુધીમાં રસીના કરોડો ડોઝ મળશે. એવામાં મને લાગે છે કે સ્થિતિ અમારા નિયંત્રણમાં છે અને રસી બનવાની પ્રક્રિયા સકારાત્મક છે. હું આશાવાદી છું, પરંતુ કશું કહી ન શકાય. કેમ કે રસીને લઈને કોઈ પણ ગૅરંટી ન આપી શકાય. રસી આવ્યા પછી પણ મને નથી લાગતું કે આપણે તેને જડમૂળથી ઉખેડી શકીશું, કેમ કે કોરોના વાઇરસ જેવા સંક્રામક વાઇરસ બહુ ઓછા હોય છે.

ડૉ. એન્થની ફાઉચીએ સીએનએનને કહ્યું કે કોરોના વાઇરસથી અમેરિકામાં જેટલી તબાહી થઈ છે, એટલી કોઈ પ્રદેશમાં થઈ નથી. જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવું નથી માનતા.

line

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 55 હજારથી વધુ નવા કેસ, 904 લોકોનાં મૃત્યુ

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસથી સંક્રમિત થવાના 56,282 નવા કેસ સામે આવ્યા છે અને 904 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આ સાથે દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 19,64,537 થઈ ગઈ છે.

તેમાં 5,95,501 લોકોની હાલમાં સારવાર ચાલી રહી છે અને 13,28,337 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થઈ ગયા છે.

ભારતમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં કુલ 40,699 દરદીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે બુધવારે જણાવ્યું કે બુધવાર સુધીમાં દેશભરમાં 22,149,351 સૅમ્પલનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

લાઇન

ગુરૂવાર, 6 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

66 હજાર કરતાં વધુ કેસ, 2500થી વધુ મૃત્યુ - 05 ઑગસ્ટની અપડેટ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Reuters

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1073 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 23 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 66,777એ પહોંચી છે. જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા 14815એ પહોંચી છે અને કુલ મૃતાંક 2557 પર પહોંચ્યો છે.

આ દરમિયાન કુલ 1046 દરદીઓ સાજા થયા છે.

સુરત જિલ્લામાં 237 નવા કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 161 અને વડોદરામાં 115 નવા કેસ નોંધાયા છે.

સુરતમાં 6 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે અમદાવાદમાં અને રાજકોટમાં પાંચ-પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.

line

બુધવારની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1020 કેસ નોંધાયા છે. જ્યારે 25 લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતમાં સૌથી વધારે મૃત્યુ સુરતમાં(11 દરદીઓનાં મૃત્યુ) નોંધાયાં છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ સંક્રમિત કેસોની સંખ્યા 65,704એ પહોંચી છે. ગુજરાતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 14811 છે. જ્યારે 898 દરદી સાજા થયા છે.

ગત અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે ટેસ્ટની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 20,735 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં હાલ સુધીમાં 2534 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતમાં સુરતમાં કોરોના વાઇરસના 245 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 153 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 105 કેસ નોંધાયા છે.

line

1 કરોડ 81 લાખ સંક્રમિત

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, SOPA Images

દુનિયાભરમાં અત્યાર સુધીમાં 1 કરોડ 81 લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને 6 લાખ 90 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

કોરોનાની ઝપેટમાં સૌથી ખરાબ રીતે અમેરિકા, બ્રાઝિલ, રશિયા, દક્ષિણ આફ્રિકા અને ભારત છે.

સંયુક્ત આરબ અમિરાતના સ્વાસ્થ્યમંત્રી અબ્દુલ રહમાન અલ ઓવૈસે કહ્યું કે યુએઈમાં અત્યાર સુધીમાં 50 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને અહીં કોરોનાથી સાજા થનારનો દર 90 ટકા છે. યુએઈની વસતી 96 લાખ છે.

line

24 કલાકમાં ભારતમાં 52 હજારથી વધુ કેસ, 800થી વધુ લોકોનાં મૃત્યુ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 52,050 નવા કેસ સામે આવ્યા છે. તો 803 લોકોનાં મૃત્યુ થયાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં સંક્રમણના કેસ વધીને 18,55,746 થઈ ગયા છે, તો 38,938 લોકોનાં સંક્રમણને લીધે મૃત્યુ થયાં છે.

સતત છઠા દિવસે ભારતમાં 50 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.

છેલ્લા 15 દિવસમાં કોરોનાના નવા કેસ વધવાનો દર સતત વધી રહ્યો છે.

જોકે ભારત સરકારનું કહેવું છે કે ભારતમાં કોરોનાનો રિકવરી રેટ અન્ય દેશની તુલનામાં ઘણો સારો છે.

સંક્રમણના હિસાબે ભારત વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા પહેલા સ્થાને છે અને બ્રાઝિલ બીજા સ્થાને છે.

કોવિડ-19ને કારણે થયેલાં મૃત્યુમાં ભારત હજુ પણ અમેરિકા, બ્રાઝિલ, યુકેથી પાછળ છે.

ભારતીય એજન્સી ઇન્ડિયન કાઉન્સિંગ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે ભારતને કોવિડ ટેસ્ટિંગ મામલે બે કરોડનો આંકડો પાર કરી લીધો છે.

આઈસીએમઆર અનુસાર, ભારતમાં 3 ઑગસ્ટ સુધી 2 કરોડ 8 લાખ 64 હજાર 750 લોકોનો કોરોના ટેસ્ટ થઈ ચૂક્યો છે અને 3 ઑગસ્ટે કોવિડના અંદાજે 6 લાખ 11 હજારથી વધુ સૅમ્પલ લેવાયાં હતાં.

લાઇન

મંગળવાર, 4 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

શક્ય છે કે કોરોનાનો ઇલાજ ક્યારેય ન મળે - WHO

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, EPA/DIVYAKANT SOLANKI

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપતાં કહ્યું છે કે કોરોના વાઇરસને હરાવવા માટે ક્યારેય કોઈ જ સચોટ સમાધાન ન મળે એવું પણ શક્ય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટર ટેડ્રોસ એડહનૉમ ગિબ્રયેસૉસે એક વર્ચ્યુઅલ પત્રકારપરિષદ ને સંબોધિત કરતાં આ વાત કહી હતી.

તેમણે કહ્યું, "હજી આ વાઇરસ માટે કોઈ સચોટ અને પાકું ઇલાજ ઉપલબ્ધ નથી અને શક્ય છે કે ક્યારેય ઉપલબ્ધ ન થાય."

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી આ નિવેદન એવા વખતે આવ્યું છે જ્યારે બરાબર એક દિવસ પહેલાં સંગઠન તરફથી કહેવામાં આવ્યું હતું કે આ મહામારી હજી અનેક દિવસો સુધી યથાવત્ રહી શકે છે.

જોકે દુનિયાભરમાં કોરોના વાઇરસથી લડવા માટે વૅક્સિન તૈયાર કરાઈ રહી છે અને ટ્રાયલ ચાલી રહી છે પણ હજી સુધી કોઈ વૅક્સિન બજારમાં નથી.

ગયા મહિને ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ઘોષણા કરી હતી કે તેમના દ્વારા વિકસાવાયેલી રસી ટ્રાયલ બાદ સુરક્ષિત હોવાનું માલૂમ થયું છે અને આનાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થયો છે.

હવે આ રસીની ટ્રાયલ અંગાજે દસ હજાર લોકો પર કરવામાં આવશે.

line

ઑક્સફર્ડની કોરોના વૅક્સિનની હ્યુમન ટ્રાયલની ભારતમાં મંજૂરી

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ કોવિડ-19 માટે ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવેલી રસીની બીજી અને ત્રીજી હ્યુમન ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.

ટ્રાયલની મંજૂરી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને આપી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એક અધિકારીએ કહ્યું કે ગહન મૂલ્યાંકન બાદ ડીસીજેઆઈએ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)ની ભલામણ પર આ મંજૂરી આપી છે.

અધિકારીએ કહ્યું કે ઑક્સફોર્ડ યુનિવર્સિટીની ટ્રાયલના આંકડાને જોતા સમિતિએ તેને મંજૂરી આપવાની ભલામણ કરી હતી.

તેઓએ કહ્યું કે અધ્યયન અનુસાર પ્રત્યેક દર્દીને ચાર અઠવાડિયાંની અંદર બે ડોઝ (પહેલો ડોઝ એક દિવસે અને બીજો ડોઝ 29 દિવસે) અપાશે, જે બાદ સુરક્ષા અને પ્રતિરોધક ક્ષમતાનું મૂલ્યાંકન કરાશે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ દેશમાં ઑક્સફોર્ડની કોરોના વૅક્સિન બનાવવા માટે ઍસ્ટ્રજેનેકા સાથે પાર્ટનરશિપ કરી છે, જેને કોવિશિલ્ડ નામ અપાયું છે.

line

વિશ્વમાં પોણા બે કરોડ કોરોના સંક્રમિતો

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર દુનિયાભરમાં હવે કોરોના વાઇરસથી સંક્રમિત કેસની કુલ સંખ્યા 1 કરોડ 80 લાખથી વધુ થઈ ગઈ છે.

તો સંક્રમણને કારણે અત્યાર સુધીમાં કુલ 6,88,351 લોકોનાં મૃત્યુ થયાં છે.

સંક્રમણના કેસમાં સૌથી પહેલા અમેરિકા, પછી બ્રાઝિલ અને ભારતનો સમાવેશ થાય છે.

સૌથી વધુ સંક્રમણના ટૉપ-5 દેશ:

અમેરિકા - 4,665,013

બ્રાઝિલ - 2,707,877

ભારત - 1,750,723

રશિયા - 849,277

દક્ષિણ આફ્રિકા - 511,485

line

ભારતમાં સતત પાંચમા દિવસે 50 હજારથી વધુ નવા કેસ, મૃતકોની સંખ્યા 38,135

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 52,972 નવા કેસ સામે આવ્યા છે અને 771 લોકોના કોવિડ-19ને કારણે મૃત્યુ થયાં છે.

છેલ્લા ચાર દિવસથી સતત ભારતમાં પ્રતિદિન 50 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.

મંત્રાલય અનુસાર, છેલ્લા 15 દિવસમાં કોરોનાના નવા કેસ સામે આવવાનો રોજનો દર સતત વધ્યો છે. જોકે ભારત સરકારનું કહેવું છે કે ભારતમાં કોરોનાનો રિકવરી રેટ અન્ય દેશની તુલનામાં ઘણો સારો છે.

સરકારી ડેટા અનુસાર, ભારતમાં હવે કોરોનાના સંક્રમણના કેસ વધીને 18 લાખ 3 હજારથી વધુ થઈ ગયા છે, જેમાં અંદાજે 11 લાખ 86 હજાર લોકો સંક્રમણ બાદ સાજા થઈ ગયા છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. જ્યારે 5 લાખ 79 હજારથી વધુ લોકોમાં હજુ પણ કોરોનાનાં લક્ષણ છે.

અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસ છે.

ભારતમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 38,135 લોકોનાં મૃત્યુ થયાં છે.

લાઇન

સોમવાર, 3 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન
line

ગૃહમંત્રી અમિત શાહ કોરોના પૉઝિટિવ

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,101 નવા કેસો નોંધાયા છે. જ્યાં વધુ 22 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ રાજ્યમાં કોરોનાથી ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 63,675 થઈ ગયો છે, જ્યારે કુલ મૃતાંક 2,478 થઈ ગયો છે.

જોકે, આ દરમિયાન 46,587 દરદીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

અમિત શાહે જણાવ્યું કે તબીબોની સલાહ પર તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા છે.

તેમણે ગત થોડા દિવસો દરમિયાન સંપર્કમાં આવનારા લોકોને પણ તપાસ કરાવવા વિનંતી કરી છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

અમિતાભને હૉસ્પિટલમાંથી રજા મળી

અમિતાભ બચ્ચન

ઇમેજ સ્રોત, EPA

બોલીવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે તેમને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.

અભિષેક બચ્ચને ટ્વિટર પર આ જાણકારી આપી છે. અમિતાભને કોરોનાનો ચેપ લાગતાં નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અભિષેક બચ્ચને લખ્યું, "મારા પિતાનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે. તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. તેઓ ઘરે રહેશે અને આરામ કરશે. આપ સૌની પ્રાર્થના બદલ આભાર."

જોકે, અભિષેક બચ્ચન હજુ પણ કોરોના પૉઝિટિવ છે અને હૉસ્પિટલમાં જ છે.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

line

ભારતમાં 24 કલાકમાં 50 હજારથી વધુ કેસનો સિલસિલો યથાવત્

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમણના પ્રતિદિન 50 હજારથી વધુ નવા કેસ આવવાનો સિલસિલો યથાવત્ છે.

શનિવારે દેશભરમાં સંક્રમણના 54,736 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 853 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ભારતમાં કોરોના કેસ 17, 50,724 થઈ ગયા છે, જ્યારે મૃતકોની કુલ સંખ્યા 37,364 થઈ ગઈ છે.

જોકે થોડી રાહતની વાત એ છે કે ભારતમાં અત્યાર સુધીમાં 11 લાખ 45 હજારથી વધુ લોકો આ બીમારીથી સાજા થઈ ગયા છે અને હાલમાં દેશભરમાં 5,67,730 ઍૅક્ટિવ કેસ છે.

line

ઑક્ટોબરમાં વૅક્સિન આપવાની રશિયાની યોજના

કોરોનો રસી

ઇમેજ સ્રોત, Getty Images

રશિયન સ્વાસ્થ્યમંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યું છે કે સરકાર ઑક્ટોબર મહિનામાં નાગરિકોને કોરોનાની રસી આપવાની યોજના બનાવી રહી છે અને એ માટે વિશાળ અભિયાન ચલાવવાની તૈયારી કરાઈ રહી છે.

રશિયન મીડિયાના પ્રમાણે મિખાઇલ મુરાશ્કોએ કહ્યું કે સૌથી પહેલાં ડૉક્ટરો અને શિક્ષકોને વૅક્સિન આપવામાં આવશે.

સમાચાર એજન્સી રૉયટર્સે સૂત્રોના હવાલાથી લખ્યું છે કે રશિયાની સંભવિત કોરોના વૅક્સિનને આ મહિને નિયામકોની મંજૂરી મળી જશે.

શુક્રવારે અમેરિકાના સંક્રમિત રોગોના નિષ્ણાત ડૉ. એંથોની ફાઉચીએ કહ્યું કે આશા રાખીએ છીએ કે રશિયા અને ચીન લોકોને કોરોના વૅક્સિન આપતાં પહેલાં 'જરૂરી તમામ ટેસ્ટ કરશે.'

ડૉ. ફાઉચીએ કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં અમેરિકા પાસે 'સુરક્ષિત અને કારગત' વૅક્સિન હશે.

તેમણે કહ્યું, "હું નથી માનતો કે કોરોના વૅક્સિનના મામલામાં આધુનિક વૅક્સિન માટે અમારે કોઈ બીજા દેશ પર નિર્ભર રહેવું પડે."

લાઇન

રવિવાર, 2 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

ગુજરાતમાં 62 હજારથી વધુ દરદી, મૃતાંક 2400થી વધુ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Reuters

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1136 કેસો નોંધાયા છે. તો આ દરમિયાન કુલ 24 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે આપેલી માહિતી અનુસાર આ સાથે જ 875 દરદીઓ સારવાર બાદ સાજા પણ થયા છે.

આ સાથે જ રાજ્યમાં દરદીઓનો કુલ આંક 62,574 થઈ ગયો છે, જેમાં 14,327 સક્રિય કેસ પણ સામેલ છે. જ્યારે કુલ મૃતાંક 2,465 થઈ ગયો છે.

જોકે, માહિતી અનુસાર રાજ્યામાં અત્યાર સુધી સારવાર બાદ સાજા થનારા દરદીઓનો કુલ આંક 45,782 થઈ ગયો છે.

line

જર્મનીમાં કોરોનાને લગતા પ્રતિબંધ વિરુદ્ધ વિશાળપ્રદર્શન

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Reuters

જર્મનીની રાજધાની બર્લિનમાં શનિવારે હજારો લોકો કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધ વિરુદ્ધ રસ્તા પર ઊતરી આવ્યા.

આ પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સરકારે કોરોનાને લગતા જે પ્રતિબંધ લગાવ્યા છે, જેવા કે માસ્ક પહેરવો અથવા ચહેરો ઢાંકી રાખવો, એ લોકોનાં અધિકાર અને એમની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.

પ્રદર્શન દરમિયાન બર્લિનના બ્રૅડનબર્ગ ગેટ પાસે હજારો લોકોની ભીડ જોવા મળી.

જોકે પ્રદર્શન શાંતિપૂર્ણ હતું પરંતુ આ દરમિયાન કેટલાક જ લોકોએ ચહેરા પર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા.

line

મૅક્સિકો: કોવિડ-19થી અત્યાર સુધી 46,000નાં મૃત્યુ

લૅટિન અમેરિકન દેશ મૅક્સિકોમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઈ મૃત્યુ પામનારાઓની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. આ પહેલાં અમેરિકા અને બ્રાઝિલનો ક્રમ છે.

મૅક્સિકોમાં અત્યાર સુધી 4,24,637 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે, જેમાંથી 46,688 લોકોનાં મૃત્યુ થયાં છે.

આના પહેલાં ત્રીજા સ્થાન પર બ્રિટન હતું જ્યાં 46,204 લોકોનાં મૃત્યુ થયાં છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે આ મહામારીની અસર આવનારા દાયકાઓ સુધી રહેશે.

મૅક્સિકોમાં વહીવટી અધિકારીઓએ કહ્યું છે કે એ શક્ય છે કે મૅક્સિકોમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધી નોંધાયેલા કેસ કરતાં ઘણી વધારે હોય.

line

24 કલાકમાં ભારતમાં નોંધાયા 57 હજાર કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 57,117 નવા કેસ સામે આવ્યા છે.

આ દરમિયાન દેશભરમાં 764 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ 16,95,988 કેસ સામે આવ્યા છે, જે પૈકી 5,65,103 ઍક્ટિવ કેસ છે.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

ભારત સરકારના સ્વાસ્થ્યમંત્રાલય પ્રમાણે અત્યાર સુધીમાં દેશભરમાં 36,511 લોકોનાં મૃત્યુ થયાં છે.

line

24 કલાકમાં સંક્રમણના બે લાખ 92 હજાર કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Reuters

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રૉસ અડહૉનમ ગિબ્રિએસુસે ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ મહામારીની અસર દુનિયામાં દાયકાઓ સુધી અનુભવાશે.

તેમણે કહ્યું કે શુક્રવારે વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણના 2,92,527 કેસ નોંધાયા છે.

હૉંગકૉંગમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસને ધ્યાને રાખીને ચીફ ઍક્સિક્યુટીવના પદ માટે યોજાનારી ચૂંટણી હાલ રદ કરી દેવાઈ છે.

શુક્રવારે વિયતનામમાં કોરોનાના કારણે વધુ એક મૃત્યુ થયું છે. માર્ચ અને એપ્રિલના મહિનામાં જ્યારે દુનિયાના 100થી વધારે દેશ મહામારીના વધી રહેલા કેસ સામે મથતા હતા ત્યારે વિયતનામને સંક્રમણ રોકવામાં સફળતા મળી હતી.

સ્પેનમાં લૉકડાઉન હઠાવ્યા બાદ શુક્રવારે રેકર્ડ કેસ નોંધાયા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અહીં શુક્રવારે 1,525 નવા કેસ નોંધાયા હતા.

આઇસલૅન્ડમાં કોરોના સંક્રમણના બે ક્લસ્ટર સામે આવ્યા બાદ સરકારે લોકો માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો લાગુ કરી દીધા છે.

લાઇન

શનિવાર, 1 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

ગુજરાતમાં 24 કલાકમાં નવા 1,153 કેસ, 23 મૃત્યુ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યમાં આજે કોરોના વાઇરસ સંક્રમણના નવા 1,153 કેસ નોંધાયા, જ્યારે 23 સંક્રમિતોનાં મૃત્યુ થયાં.

રાજ્યના આરોગ્યવિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે સુરત જિલ્લામાં સૌથી વ ધુ11 સંક્રમિતોનાં મૃત્યુ થયાં.

એ પછીના ક્રમે અમદાવાદમાં ચાર, વડોદરામાં ત્રણ, રાજકોટમાં બે તથા જૂનાગઢ, ખેડા અને મહેસાણા જિલ્લામાં 1-1 દરદીનાં મૃત્યુ થયાં.

રાજ્યમાં આજે સુરત જિલ્લામાં કોરોના સંક્રમણના સૌથી વધુ 274 કેસ નોંધાયા, જેમાં સુરત શહેરમાં 219 અને જિલ્લામાં અન્ય જગ્યાએ 65 કેસ નોંધાયા.

માહિતી મુજબ આજે અમદાવાદ જિલ્લામાં 176 કેસ નોંધાયા છે. એ સિવાય વડોદરામાં 94, રાજકોટમાં 79 કેસ નોંધાયા છે તો પાટનગર ગાંધીનગરમાં 40 કેસ નોંધાયા છે.

રાજ્યમાં મહામારીનો કુલ મૃત્યુઆંક આજના આંકડા સાથે 2,441 થયો છે, જ્યારે કે રાજ્યમાં અત્યાર સુધીના સંક્રમિતોની કુલ સંખ્યા 61,438 પર પહોંચી છે.

line

અમેરિકામાં મૃત્યુઆંક દોઢ લાખને પાર

અશ્વેત મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, REUTERS/Lucy Nicholson

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે, કોરોનાને કારણે કુલ છ લાખ 71 હજાર 983 લોકોનાં મૃત્યુ થયાં છે. અમેરિકામાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા દોઢ લાખને પાર કરીને એક લાખ 52 હજાર પર પહોંચી ગઈ છે.

બ્રાઝિલમાં 91 હજાર 263 અવસાન સાથે યાદીમાં બીજા ક્રમે છે. યુ.કે.માં 46 હજાર 84 મૃત્યુ સાથે ત્રીજા તથા મેક્સિકો 46 હજાર સાથે ચોથા ક્રમે છે.

મૃત્યુની સંખ્યાની દૃષ્ટિએ ભારત છઠ્ઠાક્રમે છે અને પાંચમા ક્રમે પહોંચવાની અણિએ છે.

ભારતમાં 34 હજાર 956 મૃત્યુ થયા છે, જ્યારે ઇટાલીમાં (પાંચમા ક્રમે) 35 હજાર 132 લોકો કોરોનાનો ભોગ બન્યા છે.

વિશ્વમાં કોરોનાના એક કરોડ 72 લાખ 39 હજાર જેટલા કેસ છે. સંખ્યાની દૃષ્ટિએ અમેરિકા (44 લાખ 94 હજાર), બ્રાઝિલ (26 લાખ 10 હજાર) અને ભારત (15 લાખ 82 હજાર) કેસ સાથે આ યાદીમાં અનુક્રમે પહેલા, બીજા તથા ત્રીજા ક્રમે છે. આઠ લાખ 33 હજાર કેસ સાથે રશિયા ચોથા ક્રમે છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા પ્રમાણે, ભારતમાં 5 લાખ 28 હજાર 242 ઍક્ટિવ (33.5 ટકા) કેસ છે. 10 લાખ 20 હજાર 582 (64.44 ટકા) સાજા થઈ ગયા છે, જ્યારે 34 હજાર 968 અવસાન થયા છે. જે 2.21 ટકાની સરેરાશ સૂચવે છે.

લાઇન

શુક્રવાર, 31 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

ગુજરાતમાં કોરોનાના 60 હજાર કરતાં વધુ કેસ - 30 જુલાઈ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, EPA

ગુજરાતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1159 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યા 60,285એ પહોંચી છે.

રાજ્યમાં કોરોના વાઇરસથી 22 દરદીઓનાં મૃત્યુ થતાં કુલ મૃતકાંક 2418એ પહોંચ્યો છે. આજે સુરતમાં દસ દરદીઓનાં મૃત્યુ અને અમદાવાદમાં પાંચ દરદીઓનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં કોરોના વાઇરસના ઍક્ટિવ કેસની સંખ્યા 13,793 છે. આજે 879 દરદીઓને રજા આપવામાં આવી છે.

સુરતમાં આજે 271 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 157 કેસ તથા વડોદરામાં 96 કેસ નોંધાયા છે.કોરોના અપડેટ : ભારતમાં 10 લાખથી વધુ દરદી સાજા થયા ભારતમાં તમામ વિસ્તારોમાં કોરોના વાઇરસનો ચેપ ભલે ઝડપથી ફેલાઈ રહ્યો હોય, સારી વાત એ છે કે દેશમાં દસ લાખથી વધુ ચેપગ્રસ્ત દરદીઓ સાજા પણ થઈ ગયા છે.

line

ભારત સરકારના આરોગ્યસચિવ રાજેશ ભૂષણે ગુરુવારે જાણકારી આપતાં જણાવ્યું કે 'આ સિદ્ધિ આપણાં તબીબો, નર્સો અને ફ્રન્ટલાઇન વર્કરોની અથાક મહેનતને કારણે હાંસલ થઈ શકી છે.'

તેમણે જણાવ્યું કે દેશભરમાં 10,20,000થી પણ વધુ લોકો કોરોના વાઇરસનો ચેપ લાગ્યા બાદ સાજા થયા છે. એપ્રિલમાં રિકવરી રેટ 7.85 હતો, જે આજે વધીને 64.4 ટકા થઈ ગયો છે.

તેમણે ઉમેર્યું, "રિકવરી રેટના મામલે 16 રાજ્યોની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. આમાંથી દિલ્હીનો રિકવરી રેટ 88 ટકા, લદ્દાખમાં 80 ટકા, હરિયાણામાં 78 ટકા, આસામમાં 76 ટકા, તેલંગણામાં 74 ટકા, તામિલનાડુ અને ગુજરાતમાં 73 ટકા, રાજસ્થાનમાં 70 ટકા, મધ્યપ્રદેશમાં 69 ટકા અને ગોવામાં 68 ટકા છે."

જોકે, ગુરુવારે જ સરકારે એ જાણકારી પણ આપી કે દેશભરમાં પ્રથમ વખત એક જ દિવસમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

ગુરુવાર સવારની માહિતી અનુસાર ગત 24 કલાકમાં દેશમાં 52,123 કેસ નોંધાયા. એટલું જ નહીં, આ દરમિયાન 775 દરદીઓનાં મૃત્યુ પણ થયાં.

આ સાથે જ ભારતમાં કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત દરદીઓનો આંક વધીને 16 લાખ પણ થઈ ગયો છે.

line

રામમંદિર : અયોધ્યામાં ભૂમિપૂજન પહેલાં પૂજારી કરોનાથી પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અયોધ્યામાં રામજન્મભૂમિના પૂજારી પ્રદીપદાસનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્રના જણાવ્યા અનુસાર તેઓ મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસના શિષ્ય છે.

તેમની સાથે જ રામજન્મભૂમિની સુરક્ષામાં લગાવાયેલા 16 પોલીસકર્મી પણ કોરોનાથી ચેપગ્રસ્ત થયા છે.

નોંધનીય છે કે જન્મભૂમિમંદિર માટે 5 ઑગસ્ટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજવાનો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થઈ શકે છે.

line

કોરોના અપડેટ : અમેરિકામાં મરણાંક દોઢ લાખને પાર

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

જહૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશ-બૉર્ડ પ્રમાણે અમેરિકામાં સંક્રમિતોની કુલ સંખ્યા હવે 44 લાખ 01 હજાર થઈ ગઈ છે, જ્યારે કે અહીં અત્યાર સુધી 1 લાખ 50 હજાર 447 લોકોના મૃત્યુ થયાં છે.

બ્રાઝિલમાં સંક્રમિતનો આંક હવે 24 લાખ 83 હજારથી ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુ પામનારાઓની સંખ્યા 90,000થી વધુ થઈ ગઈ છે.

યુરોપ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રાદેશિક ડિરેક્ટર ડૉકટર હૅન્સ ક્લુઝે બીબીસીને કહ્યું છે કે સ્વાસ્થ્ય અધિકારીઓ પ્રમાણે યુવાનોમાં હવે કોરોના વાઇરસ સંક્રમણનાં કેસ વધી રહ્યા છે, જેને કારણે સંક્રમણની સંખ્યામાં વધારો થઈ શકે છે.

ડૉક્ટર હૅન્સનું કહેવું છે કે અધિકારીઓએ યુવાઓ ઉપર ધ્યાન આપવાની જરૂર છે અને એમણે યુવાઓ સાથે સંવાદ સ્થાપિત કરવો જોઈએ.

અમેરિકામાં સંક્રામક રોગોના વિશેષજ્ઞ ડૉક્ટર ઍન્થની ફાઉચીએ કહ્યું છે કે હાલમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થવાનું એક કારણ જાણકારોની સલાહ ન માનવું છે.

બીબીસી સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેસ માસ્કને લઈને જે કંઈ પણ ટ્વીટ કર્યું હતું એનાથી કોરોના મહામારીને ફેલાતી અટકાવવામાં વધુ મદદ ન મળી શકી.

હૉંગકૉંગમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે જે પછી ત્યાંની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ભારે દબાણ પડી રહ્યું છે. શહેરના મુખ્ય કાર્યકારી અધિકારી કૅરી લૅમે ચેતવણી આપી છે કે આંકડા ઓછા ન થયા તો આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગવાની સ્થિતિ સુધી પહોંચી શકે છે.

કૅરી લૅમે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે અને કહ્યું છે કે શહેરમાં મોટા પાયે કોરોના વાઇરસ ફેલાઈ શકે છે જેને કારણે હૉસ્પિટલમાં જગ્યા નહીં વધે.

સાઉદી અરેબિયામાં હજયાત્રા માટે આ વર્ષે ઘણી ઓછી સંખ્યામાં હાજીઓ મક્કા પહોંચ્યા છે. દર વર્ષે આ સમય દરમ્યાન લગભગ 20 લાખ શ્રદ્ધાળુઓ હજ માટે જાય છે, પરંતુ આ વર્ષે ફક્ત દસ હજાર લોકો જ પાંચ દિવસની હજ કરી શકશે. શ્રદ્ધાળુઓને મક્કામાં ઝમઝમનાં પવિત્ર કૂવાનું પાણી બૉટલમાં પૅક કરીને આપવાની વ્યવસ્થા ગોઠવાઈ છે.

line

ગુજરાતમાં ચેપગ્રસ્તોનો કુલ આંક 60 હજાર નજીક - 29 જુલાઈ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના રેકર્ડ 1,144 નવા કેસો નોંધાયા છે અને 24 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી અનુસાર આ સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક 59,126 થઈ ગયો છે, જ્યારે કુલ મૃતાંક 2396 થઈ ગયો છે.

line

મારુતિને 15 વર્ષમાં પહેલી વાર નુકસાન

મારૂતિ

ઇમેજ સ્રોત, AFP

દેશની સૌથી મોટી ઑટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીને છેલ્લાં પંદર વર્ષમાં પહેલી વાર પ્રથમ ત્રિમાસિક ગાળામાં નુકસાન થયું છે. કોરોના લૉકડાઉનને લીધે કંપનીના ઉત્પાદન અને વેચાણ પર પણ ભારે અસર પડી છે.

30 જૂને પૂર્ણ થઈ રહેલા આ ગાળામાં કંપનીને 2.49 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. ગત વર્ષે કંપનીએ આ અવધિ દરમિયાન 14.36 અબજ રૂપિયાનો નફો રળ્યો હતો.

નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીના વેચાણમાં ગત વર્ષની સરખામણીમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો. આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપની માત્ર 76,599 યુનિટ ગાડીઓ જ વેચી શકી.

જોકે, કંપનીનું કહેવું છે કે તેણે લૉકડાઉનને લીધે 22 માર્ચે ઉત્પાદન અટકાવી દીધું હતું એટલે વેચાણના આંકડા તુલનાની દૃષ્ટિએ યોગ્ય નથી.

line

પ્રવાસનઉદ્યોગને કોરોનાથી 320 બિલિયન ડૉલરનું નુકસાન

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

દુનિયામાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 1 કરોડ 60 લાખને પાર થઈ ગઈ છે અને અત્યાર સુધી 6 લાખ 55 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકામાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા 43 લાખથી વધારે છે અને અત્યાર સુધી 1 લાખ 48 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.

બ્રાઝિલમાં 24 લાખ 42 હજારથી વધારે લોકોમાં સંક્રમણ ફેલાયું છે તો મરણાંક 87 હજારને પાર કરી ગયો છે.

ભારત કોરોના કેસોની બાબતમાં વિશ્વમાં ત્રીજે ક્રમે છે અને ભારતમાં 15 લાખથી વધારે કેસો છે. ભારતમાં 34 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતમાં 28 જુલાઈ સુધીમાંકોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 57,982એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં ઍક્ટિવ કેસની સંખ્યા 13198એ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,108 નવા કેસ નોંધાયા છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના 43,513 નવા મામલા દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 768 લોકોનાં મૃત્યુ થયાં છે.

ત્યારે દેશમાં સક્રિય કોવિડ-19 મામલાની સંખ્યા પાંચ લાખને પાર જતી રહી છે એટલે હાલ 5,09,447 લોકો રોગ સામે લડી રહ્યા છે.

જ્યારે નવ લાખ 88 હજાર 30 લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે. આની સાથે જ દેશમાં અત્યાર સુધી સંક્રમણના કુલ કેસની સંખ્યા 15 લાખ 31 હજાર થઈ ગઈ છે. દેશમાં આ બીમારીથી કુલ 34,193 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં કેસનો આંક 15 લાખને પાર થતાં સોશિયલ મીડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી છવાયા છે. વિપક્ષ સહિત અનેક લોકો આ 15 લાખના આંકને 2014ની લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ કથિત રીતે બ્લૅક મની અને દરેકના ખાતામાં 15 લાખ આવવાની વાત કરી હતી તેની સાથે સાંકળી રમજૂ અને કટાક્ષ કરી રહ્યાં છે.

કોરોના વાઇરસને કારણે પ્રવાસનઉદ્યોગને સૌથી મોટો ફટકો પડ્યો છે. પ્રવાસનઉદ્યોગનુ નુકસાન 320 બિલિયન ડૉલર આંકવામાં આવી રહ્યું છે. આ નુકસાન 2009ની વૈશ્વિક આર્થિક મંદી કરતાં ત્રણ ગણું વધારે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની હિમાયત કરી છે. જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ બાબતે ચેતવી ચૂક્યું છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રે પણ આ દવાના ફાયદાઓ અંગે ટ્વીટ કરતા ટ્વિટરે તેમનું અકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કર્યું છે.

line

ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યમાં 1,100થી વધુ કેસ - 28 જુલાઈ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કારણે 24 દર્દીનાં મૃત્યુ થયાં છે. જેમાંથી 12 દર્દી સુરતમાં જ મૃત્યુ પામ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,108 નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 57,982એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં ઍક્ટિવ કેસની સંખ્યા 13198એ છે.

રાજ્યમાં આજે 1,032 દર્દીઓને રજા આપવામાં આવી છે.

સુરતમાં આજે 293 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 156 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં ગ્રામ્યમાં આજે નવ કેસ જ નોંધાયા છે.

line

ચીની ડૉક્ટરનો પોતાના પર રસીનો પ્રયોગ

ચીનના ડૉક્ટર

ઇમેજ સ્રોત, Reuters/Thomas Peter

ચીનના સેન્ટર ફોર ડિસીઝ ઍન્ડ પ્રિવેન્શનના પ્રમુખ ગાઓ ફૂએ જણાવ્યું છે કે તેમણે પોતે પણ કોરોના વાઇરસની રસીનું ઇંજેક્ષન લીધું છે.

ગાઓ ફૂનું કહેવું છે કે આની પાછળનો ઉદ્દેશ એવો છે કે વૅક્સિનને મંજૂરી મળ્યા બાદ લોકો તેના ઉપયોગ માટે પ્રોત્સાહિત થાય.

તેઓ ચીની ઈ-કૉમર્સ કંપની અલીબાબા અને વૈજ્ઞાનિક જર્નલ પબ્લિશ કરનાર અમેરિકન પબ્લિશર સેલ પ્રેસ દ્વારા આયોજિત એક વેબિનારમાં ભાગ લઈ રહ્યા હતા.

તેમણે કહ્યું, "મેં પોતે પણ આ વૅક્સિનનું ઇંજેક્ષન લીધું છે, મને આશા છે કે આ કામ કરશે."

ચીનમાં સરકારની મંજૂરી મળે એ પહેલાં જ એક સરકારી કંપનીએ માર્ચ મહિનામાં તેમના કર્મચારીઓને પ્રયોગના ભાગરૂપે આ ઇંજેક્ષન લગાવ્યા હતા.

આ અંગે તજજ્ઞોએ ચિંતા પણ વ્યક્તિ કરી હતી. જોકે ગાઓ ફૂએ એ નથી જણાવ્યું કે તેમણે ક્યારે અને કેવી રીતે આ વૅક્સિનનો ડૉઝ લીધો.

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ વૅક્સિન : એ મહિલા જેમનાં પર કોરોનાની રસીનું પરીક્ષણ થશે

જોકે એ પણ સ્પષ્ટ નથી કે ગાઓ સરકાર દ્વારા મંજૂર કરાયેલી ટ્રાયલમાં સામેલ થયા હતા અને શું તેમણે ઇંજેક્ષન એ ટ્રાયલમાં જ લીધું હતું?

ગાઓ ફૂના દાવાએ લોકોનું ધ્યાન કોરોના વૅક્સિન વિકસિત કરવા માટે અમેરિકા અને બ્રિટન સાથે ચાલી રહેલી ચીનની પ્રતિસ્પર્ધા તરફ ખેંચ્યું છે.

ચીન, બ્રિટન અને અમેરિકા ત્રણે દેશોની કંપનીઓ કોરોના વૅક્સિન પહેલાં શોધી કાઢવા પર કામ કરી રહી છે.

આનું રાજકીય મહત્ત્વ છે અને સાથોસાથ જે પણ આ કામ પહેલા કરી શકશે, એના ફાળે આ સફળતાનો શ્રેય જશે.

દુનિયાભરમાં અંદાજે બે ડઝન વૅક્સિન વિકસાવવાના પ્રોજેક્ટ હ્યુમન ટ્રાયલના સ્તરે ચાલી રહ્યા છે, જે પૈકી આઠ જેટલા માત્ર ચીનમાં છે.

આ સંખ્યા કોઈ પણ દેશ કરતાં વધારે છે.

line

ભારતમાં 24 કલાકમાં 47 હજારથી વધુ નવા કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં કોરોના કેસોની સંખ્યા 14 લાખ 35 હજારને પાર કરી ગઈ છે તો અત્યાર સુધી 32,750થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 57 હજારને નજીક છે. 27 જુલાઈએ ગુજરાતમાં એક હજારથી વધારે કેસ સામે આવ્યા હતા.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓના નવા 47,704 કેસ સામે આવ્યા છે અને 654 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ પૉઝિટિવ કેસની સંખ્યા 14 લાખ 83 હજાર 157 થઈ ગઈ છે.

તેમાં ઍક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 96 હજાર 988 છે અને 9,52,744 લોકો સાજા થઈ ગયા છે.

આ બીમારીથી અત્યાર સુધીમાં કુલ 33,425 લોકોનાં મૃત્યુ થયાં છે.

આઈસીએમઆર અનુસાર, 27 જુલાઈ સોમવારે 5 લાખ 28 હજાર 82 સૅમ્પલ ટેસ્ટ કરાયા હતા. 27 જુલાઈ સુધી દેશભરમાં કુલ 1 કરોડ 73 લાખ 34 હજાર 885 સૅમ્પલ ટેસ્ટ કરાઈ ચૂક્યાં છે.

line

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચેતવણી

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે કોવિડ-19 સંક્રમણ દુનિયાભર માટે અત્યાર સુધીની સૌથી ગંભીર કટોકટીની સ્થિતિ છે. કોરોના મહામારીની ઝપટમાં અત્યાર સુધી 1 કરોડ 63 લાખથી વધારે લોકો આવી ચૂક્યા છે અને 6 લાખ 50 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રૉબર્ટ ઓબ્રાયન કોરોના પૉઝિટિવ થયા છે. અમેરિકામાં કોરોના પૉઝિટિવ તરીકે સામે આવનારા તેઓ પ્રથમ ઉચ્ચ અધિકારી છે.

હૉંગકૉંગમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના રૅકર્ડબ્રેક કેસો સામે આવતા કડક લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

સ્પેને ફરીથી કહ્યું કે કોરોના વાઇરસના સંક્રમણ છતાં પર્યટકો માટે દેશ સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે બ્રિટને સ્પેનથી પરત ફરનારા લોકો માટે 14 દિવસ ક્વોરૅન્ટીન ફરજિયાત કર્યું છે અને તેથી સ્પેનના પર્યટનઉદ્યોગ પર માઠી અસર પડી રહી છે.

ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો સંદિગ્ધ કેસ સામે આવ્યો છે. સરકારી મીડિયા મુજબ દક્ષિણ કોરિયાથી ગત અઠવાડિયે પરત ફરનાર એક વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે.

line

24 કલાકમાં ગુજરાતમાં કોરોના એક હજારથી વધુ કેસ નોંધાયા - 27 જુલાઈ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, EPA

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,052 કેસ નોંધાયા છે.

જ્યારે કોરોના વાઇરસના કારણે 22 દરદીઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે 1,015 દરદીઓને રજા આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 57 હજારને નજીક છે. રાજ્યમાં કુલ ઍક્ટિવ કેસની સંખ્યા 13,146 છે.

જ્યારે 41,380 લોકોને અત્યાર સુધીમાં રજા આપવામાં આવી છે. જ્યારે 2,348 લોકોનાં મૃત્યુ થયાં છે.

સુરતમાં કોરોના વાઇરસના 258 કેસ નોંધાયા છે, જ્યારે 184 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજકોટમાં આજે 74 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 25,474 દરદીઓના કોરોના વાઇરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

line

દેશમાં કોરોના મહામારીથી મૃત્યુ દર ઘટી રહ્યો છે - સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં કોવિડ-19 મહામારીને કારણે થતાં મૃત્યુનો દર ઘટી રહ્યો છે, એવું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં હાલ કોરોના મહામારીથી મૃત્યુદર 2.28 ટકા છે.

સાથે જ દેશમાં હાલ કોરોના વાઇરસના સંક્રમણ બાદ સ્વસ્થ થવાનો દર 64 ટકા થયો છે એમ પણ સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જણાવ્યું.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે આંકડા આપતાં જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કુલ નવ લાખ 17 હજાર 567 દરદીઓ આ મહામારીમાંથી સ્વસ્થ થયા છે.

દેશમાં ગઈકાલ સુધી નોંધાયેલા કુલ ઍક્ટિવ કેસની સંખ્યા ચાર લાખ 84 હજાર 114 છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા છેલ્લા આંકડાઓ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોના મહામારીના કુલ 14 લાખ 35 હજાર 453 કેસ નોંધાયા છે, તો આ મહામારીની ચપેટમાં આવ્યા બાદ કુલ 32,771 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

પાછલા 24 કલાકમાં જ દેશમાં 708 કોરોના સંક્રમિતોનાં મૃત્યુ થયાં.

line

ચીની ડૉક્ટરનો દાવો, 'માહિતી છુપાવી, પુરાવાનો નાશ કરાયો'

ચીનના ડૉક્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ચીનમાં શરૂઆતમાં કોરોના વાઇરસના કેસની ઓળખ કરનાર એક ડૉક્ટરે બીબીસીને કહ્યું કે એમને લાગે છે કે સ્થાનિક અધિકારીઓએ શરૂઆતી સંક્રમણના પ્રમાણને છુપાવ્યું હતું.

પ્રોફેસર વ્કોક યુંગ યુને વુહાનની અંદર તપાસ કરવામાં મદદ કરી હતી.

તેઓ કહે છે કે પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો અને ક્લિનિકલ ફાઇન્ડિંગના રિસ્પોન્સને પણ ધીમો કરી દેવામાં આવ્યો.

માનવામાં આવે છે કે વાઇરસ હુનાનનાં માર્કેટમાંથી ફેલાયો હતો.

જોકે પ્રોફેસર યુન કહે છે કે જ્યારે તપાસ કરનારાઓ આ માર્કેટમાં પહોંચ્યા, તો એમણે જોયું કે સ્થાનિક તંત્ર પહેલાંથી જ વિસ્તારને ડિસઇન્ફૅક્ટ કરી ચૂક્યું હતું. કોરોના વાઇરસની ઉત્પત્તિના મહત્વના પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો.

પ્રોફેસર યુને કહ્યું, "જ્યારે અમે હુનાન માર્કેટ ગયા, તો ત્યાં જોવા માટે કંઈ જ નહોતું કારણકે માર્કેટ પહેલાંથી સ્વચ્છ કરી દેવાયું હતું. તો તમે કહી શકો કે ઘટનાસ્થળ સાથે છેડછાડ કરવામાં આવી હતી."

"સુપર માર્કેટ સ્વચ્છ હતું, અમે એ જાણકારી જ ન મેળવી શક્યા કે વાઇરસ કયા યજમાનમાંથી મનુષ્યમાં ગયો."

સાથે જ એમણે કહ્યું કે મને શંકા છે કે તેઓ વુહાનમાં કંઈક છુપાવી રહ્યા છે. જે સ્થાનિક અધિકારીઓએ આ વિશે જાણકારી આપવી જોઈએ, એમને જલદી આ જાણકારી આપવાની પરવાનગી ન અપાઈ.

એમનું માનવું છે કે સૌથી મહત્ત્વનો સમય તો જાન્યુઆરીમાં જ પસાર થઈ ચૂક્યો હતો, કારણકે ત્યાં સુધી ચીનના વહીવટી તંત્રએ માન્યું જ નહોતું કે વાઇરસ એક મનુષ્યથી બીજા મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે.

ચીને જે રીતે શરૂમાં વાઇરસને હૅન્ડલ કર્યો અને જે રીતે ડિસેમ્બરના અંતે એક ડૉક્ટરને આ વાઇરસ વિશે ચેતવણી આપવા બદલ સજા કરાઈ એની ટીકા થતી રહી છે.

જોકે ચીન આ આરોપોને નકારે છે કે તેમણે કોરોના વાઇરસની ગંભીરતા અંગે જાણકારી છુપાવી હતી.

line

ભારતમાં કેસો 14 લાખ નજીક

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલાય અનુસાર 26 જુલાઈ સુધીમાં કોરોના વાઇરસના સંક્રમણના 13 લાખ 85 હજારથી વધુ કેસ થઈ ગયા છે.

અત્યાર સુધીમાં 32 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને આઠ લાખ 85 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે, જ્યારે ચાર લાખ 67 હજારથી વધુ કેસ ઍક્ટિવ છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર, દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 61 લાખને પાર પહોંચી ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 6 લાખ 46 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

- અમેરિકામાં 42 લાખ 27 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત, એક લાખ 46 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

- બ્રાઝિલમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 24 લાખ આસપાસ, મૃતકોની સંખ્યા 86 હજારથી પાર પહોંચી ગઈ છે.

- રશિયામાં 8 લાખ 11 હજાર લોકો કોરોના વાઇરસથી સંક્રમિત, તેમજ અત્યાર સુધીમાં 13,200થી વધુનાં મૃત્યુ થયાં છે.

- સાઉથ આફ્રિકા કોરોના વાઇરસના કેસ મામલે પાંચમા નંબરે છે. અહીં 4 લાખ 34 હજારથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે 6,500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

line

ગુજરાતમાં ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 55 હજારથી વધુ - 26 જુલાઈ

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની યાદી અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઇરસના 1110 નવા ચેપગ્રસ્ત દરદીઓ નોંધાયા છે. તો આ દરમિયાન વધુ 21 દરદીનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ રાજ્યમાં ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 55,822 થઈ ગયો છે, જ્યારે મૃતકોની કુલ સંખ્યા 2,326 થઈ ગઈ છે.

સમાચાર સંસ્થા પીટીઆઈએ રાજ્યના આરોગ્યવિભાગને ટાંકીને આ માહિતી આપી છે.

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

line

કોરોના અપડેટ : ભારતમાં હાલ કેવી સ્થિતિ છે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય આરોગ્યમંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં હાલમાં કોરોનો વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 1,38,5,522 થઈ ગઈ છે, જેમાંથી 4,67,882 સક્રિય કેસ છે.

વાઇરસના ચેપને લીધે અત્યાર સુધી 32,063 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 8,85,577 સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે.

ગત 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 48,661 નવા કેસો સામે આવ્યા જ્યારે 705 દરદીઓનાં મૃત્યુ થયાં.

તો આ દરમિયાન પ્રતિ દસ લાખ લોકોમાં પરીક્ષણ કરવાની સંખ્યા વધીને 11,485 કરી દેવાઈ છે.

દેશના અલગઅલગ રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ કંઈક આવી છે :

રાજસ્થાનમાં સામે આવેલા નવા 611 મામલા સાથે કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 35,909 થઈ ગઈ છે.

ઓડિશામાં 1,376 નવા કેસો નોંધાયા છે અને આ સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 25,389 થઈ ગઈ છે.

તેલંગણામાં નવા 1,593 કેસો નોંધાયા અને આ સાથે જ કુલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 54,059 થઈ ગઈ છે.

line

ભારતે કોરોનાથી તેનાં લાખો લોકોના જીવ બચાવ્યા : નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Ani

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી આખા દેશે એકજૂટ થઈને જે રીતે કોરોનાનો મુકાબલો કર્યો છે, એનાથી અનેક આશંકાઓ ખોટી સાબિત થઈ છે.

તેમણે કહ્યું કે કોરોનાનો ખતર હજી ટળ્યો નથી એટલે સૌએ સતર્ક રહેવાની જરૂર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "એક પણ વ્યક્તિની ગુમાવવી એ દુખદ છે પણ ભારત એના લાખો દેશવાસીઓનો જીવ બચાવવામાં સફળ રહ્યું છે."

"કેટલીક જગ્યાઓએ કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે એટલે આપણે હજી સતર્ક રહેવાની જરૂર છે."

line

વિશ્વમાં શી છે સ્થિતિ?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસનું સંક્રમણ દુનિયાભરમાં સતત ફેલાઈ રહ્યું છે. રવિવાર સવાર સુધીમાં દુનિયાભરમાં સંક્રમિતોની કુલ સંખ્યા એક કરોડ 59 લાખથી પણ વધી ચૂકી છે.

આ મહામારીની ચપેટમાં આવવાથી છ લાખ 43 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકામાં સંક્રમણ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. અમેરિકામાં સંક્રમિતોની કુલ સંખ્યા 41 લાખ 74 હજારથી ઉપર પહોંચી ગઈ છે.

અત્યાર સુધીમાં અમેરિકામાં એક લાખ 46 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

બીજા ક્રમે બ્રાઝિલમાં સંક્રમિતોની કુલ સંખ્યા 24 લાખ પાસે પહોંચી ગઈ છે. જો કે દેશમાં મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 85,000થી વધુ છે.

આ યાદીમાં ત્રીજા ક્રમે ભારત છે, અત્યાર સુધી 13 લાખ 37 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને મરણાંક 31 હજારથી વધી ગયો છે.

તો બીજી તરફ બ્રિટને સ્પેનથી આવનારા લોકો માટે બે અઠવાડિયાં સુધી હોમ-ક્વોરૅન્ટીનમાં રહેવાનો નિયમ બનાવ્યો છે.

સ્પેનમાં પાછલા કેટલાક દિવસોથી સતત કેસ વધી રહ્યા છે. માનવામાં આવે છે કે બ્રિટને તકેદારીના ભાગરૂપે આ પગલું લીધું છે.

line

સ્નિફર ડૉગ કરી શકે છે કોરોના સંક્રમિતની ઓળખ

સ્નિફર ડૉગ

ઇમેજ સ્રોત, EPA

જર્મનીના સંશોધકોનું માનીએ તો સ્નિફર ડૉગને જો તાલીમ આપવામાં આવે તો તે જાણી શકે છે કે કઈ વ્યક્તિ કોરોના વાઇરસથી સંક્રમિત છે.

આ વાત સાંભળવામાં વિચિત્ર લાગતી હશે પણ યુનિવર્સિટી ઑફ વેટનરી મેડિસિન હેનોવરના વૈજ્ઞાનિકોને તેમના અભ્યાસમાં આ અંગે ભાળ મળી છે.

આ રિસર્ચ સ્ટડી માટે જર્મનની આર્મીના આઠ સ્નિફર ડૉગ લેવામાં આવ્યા અને એક અઠવાડિયાની તાલીમ પછી આ કૂતરાં મ્યુક્સ અને સેલ્વિયાના આધારે કોરોના સંક્રમિતોને ઓળખવામાં સફળ થયાં.

વેટનરી મેડિસિન વિભાગના ચૅરપર્સન હોલ્ગર વોલ્ક પ્રમાણે આ એક પાઇલટ અભ્યાસ હતો પણ હવે આને વિસ્તૃત રૂપ આપવામાં આવશે, જેથી સ્નિફર ડૉગનો ઉપયોગ કોરોના સંક્રમિતોને ઓળખવામાં કરી શકાય.

લાઇન

25 જુલાઈ અને એ પહેલાંની અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો :

લાઇન
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો