ગોરખપુરના ડૉક્ટર કફીલ ખાનને કેમ જેલમાંથી મુક્તિ નથી મળી રહી?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી ગુજરાતી માટે
ત્રણ વર્ષ પહેલાં ગોરખપુરમાં બી.આર.ડી. (બાબા રાઘવ દાસ) મેડિકલ કૉલેજમાં ઓક્સિજનના અભાવને કારણે બાળકોના મૃત્યુના કેસમાં ચર્ચામાં આવેલા ડૉ.કફીલ ખાન કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કેસમાં છેલ્લા છ મહિનાથી જેલમાં બંધ છે.
એમને સી.જે.એમ. (ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ) કોર્ટ તરફથી જામીન પણ મળી ગયા હતા, પરંતુ જેલમાંથી છુટકારો પહેલાં જ તેમના વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરી દેવાયો.
ડૉક્ટર કફીલના ભાઈ અદીલ અહેમદ જણાવે છે કે તેમની ધરપકડ અને એન.એસ.એ.ની કાર્યવાહી વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમને જામીન મળી શક્યા નથી.
અદીલ અહેમદ જણાવે છે કે હાઈકોર્ટમાં જામીન પર સુનાવણી અત્યાર સુધી 11 વાર ટળી ચૂકી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં ડૉક્ટર કફીલની જામીન અરજી પર સુનાવણી હવે 27 જુલાઈએ થશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA વિરુદ્ધ ડૉક્ટર કફીલ ખાને અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.
આ મામલામાં કફીલ વિરુદ્ધ અલીગઢના સિવિલ લાઇન્સ થાણામાં કેસ નોંધવામાં આવ્યો હતો. 29 જાન્યુઆરીએ યુપી એસ.ટી.એફ.એ એમની મુંબઈથી ધરપકડ કરી હતી..
મથુરાની જેલમાં બંધ ડૉ. કફીલને 10 ફેબ્રુઆરીએ જામીન મળી ગયા હતા, પરંતુ ત્રણ દિવસ સુધી જેલમાંથી તેમની મુક્તિ થઇ ન શકી અને એ દરમિયાન અલીગઢ જિલ્લા વહીવટીતંત્રએ એમના ઉપર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA નેશનલ સિક્યૉરિટી ઍક્ટ) લાદી દીધો.
યુપી એસ.ટી.એફ. (સ્પેશિયલ ટાસ્ક ફૉર્સ) ડૉક્ટર કફીલની અત્યાર સુધી બે વાર ધરપકડ કરી ચૂકી છે. યુપી એસ.ટી.એફ.ના આઈ.જી. (ઇન્સ્પેક્ટર જનરલ) અમિતાભ યશે બીબીસીને જણાવ્યું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કફીલ વિરુદ્ધ અલીગઢમાં મામલો નોંધાયો હતો અને તેઓ વોન્ટેડ ગુનેગાર હતા. એમની અમે મુંબઈથી ધરપકડ કરી અલીગઢ પોલીસને સોંપી દીધા હતા. એ પહેલાં એમની ગોરખપુરના બીઆરડી મેડિકલ કૉલેજ મામલામાં પણ એસ.ટી.એફ. ધરપકડ કરી ચૂકી છે."
પરંતુ સૌથી મોટો સવાલ છે કે કોર્ટમાંથી જામીન મળ્યા છતાં કફીલ ખાનની મુક્તિમાં ત્રણ દિવસનો સમય કેવી રીતે લાગી ગયો અને જામીન પછી પણ તેમના ઉપર NSA કેવી રીતે લાગુ કરી દેવાયો ?
કફીલના પરિવારજનો સુપ્રીમ કોર્ટનો હવાલો આપી આરોપ લગાવી રહ્યા છે કે રાજ્ય સરકારના ઇશારે આ કાર્યવાહી થઈ છે. જ્યારે કે કોર્ટનો આદેશ છે કે જામીન મળ્યા બાદ NSA ન લગાવી શકાય.
NSAનો ગાળો ત્રણ મહિના લંબાવાયો

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
કફીલના ભાઈ અદીલ ખાન કહે છે, "10 ફેબ્રુઆરીએ સાંજે ચાર વાગ્યે કોર્ટે કફીલ ખાનને તાત્કાલિક મુક્ત કરવાના નિર્દેશ આપ્યા હતા, પરંતુ કોર્ટના આદેશ બાદ પણ તેમને છોડવામાં ન આવ્યા. જામીન પછી NSA લાગુ નથી કરી શકાતો તે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે."
"ડૉક્ટર કફીલ વિરુદ્ધ જે પણ કેસ છે એ બધામાં તેમને જામીન મળી ચૂક્યા છે. તેમ છતાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો કેવી રીતે લગાવી દેવાયો એ સમજની બહાર વાત છે."
અલીગઢ જિલ્લા વહીવટી તંત્ર આ મામલે ફક્ત એટલું જ કહે છે કે તેમના વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો કેસ નોંધવામાં આવ્યો છે અને હવે હાઈકોર્ટ જ આ વિષયમાં સાચા-ખોટાનો નિર્ણય કરશે.
પરંતુ આ મામલે સરકારી વકીલ મનિષ ગોયલ બીબીસી સાથે વાતચીતમાં કહે છે, "એનએસએ વધારવાનો નિર્ણય ઍડવાઇઝરી બોર્ડ કરે છે, એકલી સરકારનો નિર્ણય નથી હોતો. ઍડવાઇઝરી બૉર્ડમાં અગ્રણી લોકો હોય છે, કાયદાના નિષ્ણાત હોય છે."
"એન.એસ.એ. ફક્ત ત્રણ મહિના માટે હોય છે. ત્યાર પછી તેને ત્રણ-ત્રણ મહિના માટે વધારવામાં આવે છે. દર વખતે વધારવાનો ફેસલો ઍડવાઈઝરી બોર્ડની મંજૂરીથી જ થાય છે. કફીલ ખાનના કેસમાં એન.એસ.એસ. એકવાર વધારવામાં આવી ચૂક્યો છે એનો મતલબ કે આરોપમાં ગંભીરતા હશે એટલે જ એવું થયું છે."

ડૉક્ટર કફીલ ખાનની રા.સુ.કા.માં ધરપકડનો સમયગાળો 13 એપ્રિલે પૂરો થવાનો હતો, પરંતુ પહેલી એપ્રિલે જ ઍડવાઇઝરી બોર્ડએ રાસુકાનો સમયગાળો ત્રણ મહિના વધારવાની મંજૂરી આપી દીધી.
ડૉક્ટર કફીલના પરિવારજનોએ એમની ધરપકડ અને એન.એસ.એ.ની કાર્યવાહી વિરુદ્ધ 'કેદી પ્રત્યક્ષીકરણ'ની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, સર્વોચ્ચ અદાલતે એ કેસ અલ્હાબાદ હાઈકોર્ટને મોકલી આપ્યો.
આદીલ ખાન જણાવે છે, "અમે 22 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં રિટ મૂકી હતી, પરંતુ ત્યાંથી એને 18 માર્ચે એમ કહીને હાઈકોર્ટને મોકલી અપાઈ કે સુપ્રીમ કોર્ટની વ્યસ્તતા વધુ છે અને આની સુનાવણી હાઈકોર્ટમાં પણ થઈ શકે છે."
"પરંતુ અહીં કોઈને કોઈ કારણે સરકારી વકીલ તારીખ પર તારીખો લઈ રહ્યા છે અને ડૉ કફીલની મુક્તિ પર સુનાવણી થઈ શકી નથી રહી. 14મેથી અત્યાર સુધી કુલ 11 તારીખો પડી ચૂકી છે."
જેલમાંથી કફીલનો પત્ર

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ એટલે કે એન.એસ.એ. સરકારને કોઈપણ વ્યક્તિને અટકાયતમાં રાખવાની સત્તા આપે છે. આ કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિને એક વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે. જોકે ત્રણ મહિનાથી વધુ સમય જેલમાં રાખવા માટે સલાહકાર બૉર્ડની મંજૂરી લેવી પડે છે.
રાસુકા એ સ્થિતિમાં લગાડાય છે જ્યારે કોઈ વ્યક્તિથી રાષ્ટ્રની સુરક્ષાને જોખમ હોય અથવા તો કાયદો-વ્યવસ્થા બગડવાની આશંકા હોય.
જેલમાં બંધ રહેવા દરમિયાન કફીલે એક પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે જેલની અંદર કથિત રીતે અમાનવીય સ્થિતિઓનો ઉલ્લેખ કર્યો હતો. ડૉક્ટર કફીલનો આ પત્ર સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો.
પત્રમાં ડૉકટર કફીલે લખ્યું હતું કે 150 કેદીઓ વચ્ચે ફક્ત એક જ શૌચાલય છે, જ્યાં સામાન્ય સ્થિતિમાં કોઈ અંદર પણ જઈ ન શકે. તેમણે જેલમાં ખાન-પાન જેવી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગના કથિત રીતે ઉડી રહેલા ધજાગરાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આદીલ ખાન કહે છે, "સમજાતું નથી કે લૉકડાઉન દરમિયાન અને કોરોનાના આ સમયમાં ડૉ. કફીલ કેવી રીતે શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડી શકે છે. એમને ફક્ત રાજકીય કારણોને લઈને નિશાન બનાવાયા છે."
"કફીલને કાર્ડિયાકસંબંધી પરેશાનીઓ પણ છે, પરંતુ અનેક વાર વિનવણીઓ કરવા છતાં એમને યોગ્ય સારવાર આપવામાં નથી આવી રહી."
મુક્તિ માટે પ્રદર્શન

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
ડૉક્ટર કફીલની મુક્તિ માટે પાછલા દિવસોમાં સોશિયલ મીડિયા પર પણ અભિયાન ચલાવાયું હતું અને માત્ર થોડાક જ કલાકોમાં એક લાખથી વધુ ટ્વીટ કરાયા હતા. ગત બુધવારે લખનઉમાં કેટલાક વકીલોએ પણ તેમની મુક્તિ માટે પ્રદર્શન કર્યું હતું.
ત્યાં જ કૉંગ્રેસ પાર્ટીના લઘુમતી સેલે ડૉ. કફીલની મુક્તિ માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં પંદર દિવસ સુધી ઘરે-ઘરે જઈને મુક્તિ માટે સહી અભિયાન, સોશિયલ મીડિયા અભિયાન, મઝારો ઉપર ચાદર પોશી, રક્તદાન અને કેટલાક અન્ય કાર્યક્રમો આયોજિત કરાશે.
ડૉક્ટર કફીલનું નામ એ સમયે ચર્ચામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2017માં ગોરખપુરની બી.આર.ડી. મેડિકલ કૉલેજમાં ઓક્સિજનના અભાવે 60 બાળકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં.
ઉત્તરપ્રદેશ સરકારે બેદરકારી રાખવા, ભ્રષ્ટાચારમાં સામેલ હોવા સહિત અનેક આરોપ લગાવી ડૉક્ટર કફીલને સસ્પેન્ડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.
પાછળથી અનેક મામલાઓમાં તેમને સરકાર તરફથી ક્લીનચિટ મળી ગઈ હતી, પરંતુ એમનું સસ્પેન્સન રદ થયું હતું ન હતું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













