બિહાર બળાત્કાર પીડિતા : જજ સાહેબે મને કહ્યું, ''અસભ્ય છોકરી..તને કોઈએ સભ્યતા નથી શિખવાડી?''

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં યૌન હિંસાને લઇને કડક કાયદાઓ છે. પરંતુ શું કાયદાના પુસ્તકમાં લખ્યું છે એ જમીની હકીકત છે?
એક રેપ સર્વાઇવરને કાનૂની વ્યવસ્થા, સમાજ અને પ્રશાસન કેટલો ભરોસો અપાવી શકે છે કે આ ન્યાયની લડત એમની એકલાની લડાઈ નથી? પોલીસ, કચેરી અને સમાજમાં તેમનો અનુભવ કેવો હોય છે?
બિહારના અરરિયામાં એક રેપ પીડિતા અને તેમના બે મિત્રોને સરકારી કામકાજમાં વિઘ્ન નાખવાના આરોપમાં જેલમાં મોકલી આપવામાં આવ્યા. આ ત્યારે થયું જ્યારે કચેરીમાં જજની સામે નિવેદન નોંધવામાં આવી રહ્યું હતું.
આ સનસનીખેજ મામલામાં રેપ સર્વાઇવરને તો દસ દિવસ પછી જામીન આપવામાં આવ્યા પરંતુ બે લોકો જેઓ યુવતીની મદદ કરી રહ્યા હતા, જેમને ત્યાં પીડિતા કામ કરે છે એ તન્મયભાઈ અને કલ્યાણીબહેન હજુ જેલમાં જ છે.
બીબીસી સાથે વાતચીતમાં જેલમાંથી છૂટ્યાં બાદ પહેલીવાર રેપ પીડિતાએ ન્યાય મેળવવાની પોતાની લડતની વાત કરી.
એમની કહાણી બતાવે પણ છે કે આખરે બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ ન્યાય માટે અવાજ ઉઠાવતા કેમ ડરે છે? આગળની કહાણી એમનાં જ શબ્દોમાં.

ગૅંગ રેપ પછી...

ઇમેજ સ્રોત, Getty Images
મારું નામ ખુશી (બદલેલું નામ) છે. 6 જુલાઈની રાતના ગૅંગ રેપ પછી બહારની દુનિયા માટે આ જ મારું નામ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હું હજુ 10 દિવસ જેલમાં વિતાવીને પરત ફરી છું.
જી હાં તમે બરાબર સાંભળ્યું. બળાત્કાર મારો થયો અને જેલમાં પણ મારે જ જવું પડ્યું. મારી સાથે મારા બે મિત્રોએ પણ જેલ જવું પડ્યું. કલ્યાણીબહેન અને તન્મયભાઈ, જેઓ મારી સાથે દરેક સમયે ઊભાં હતાં.
આગળની લડાઈમાં પણ તેઓ મારી સાથે છે મને ખબર છે. એ બંનેને હજુ પણ જેલમાં જ છે. 10 જુલાઇએ બપોરનો સમય હશે. અમારે અરરિયા મહિલા થાણે જવાનું હતું.
ત્યાર પછી જજ સાહેબ પાસે મારું 164નું નિવેદન લખાવવાનું હતું. પોલીસકર્મીએ કહ્યું ધારા 164 હેઠળ બધાએ લખાવવાનું હોય છે.
અમે ચાલતા જ કલ્યાણીબહેન, તન્મયભાઈ અને કેટલાક લોકો સાથે અરરિયા જિલ્લા કોર્ટ પહોંચ્યાં. હું શાળામાં ભણી નથી પરંતુ 22 વર્ષની ઉંમરમાં મેં ઘણું બધું જોયું છે અને એમાંથી શીખ્યું છે.
હું તન્મયભાઈ અને કલ્યાણીબહેનનાં ઘરે કામ કરું છું. એમની સાથે એક સંગઠન સાથે પણ જોડાયેલી છું.
આ લોકો સાથે કામ કરીને મને એટલું સમજાયું છે કે કાયદાની નજરમાં આપણે બધા સરખા છીએ અને ન્યાય મળે છે.
એ દિવસે હું ઘણી ગભરાયેલી હતી. જજ સાહેબ સામે નિવેદન આપવાનું હતું.

અમે કોર્ટમાં ઉભાં હતાં..

જ્યારે કોર્ટ પહોંચ્યાં તો અમને ખબર નહોતી કે ત્યાં એ છોકરો પણ હશે જે મને એ રાત્રે મોટર સાઇકલ શીખવાડવાના નામે અન્ય છોકરાઓ પાસે છોડીને ભાગી ગયો હતો.
હું બોલાવતી રહી મદદ માટે પરંતુ તે ન રોકાયો. મારો મિત્ર છે. પ્રેમી નથી. માત્ર મિત્ર. મને સાઇકલ ચલાવતા આવડે છે. ઘણું ગમે છે સાઇકલ ચલાવવું.
એ છોકરાએ મને મોટર સાઇકલ શીખવાડવાનો વાયદો કર્યો હતો. હું શીખવા માંગુ છું મોટર સાઇકલ. કેટલું સારું લાગે છે પોતાની મરજીથી ક્યાંક પણ જઈ શકીએ છીએ.
કેટલાક દિવસો તો સારી રીતે શીખી એની સાથે. પછી 6 જુલાઇની રાત્રે એ જ બહાને મને ક્યાંક બીજે લઈને તે ચાલ્યો ગયો. ત્યાર પછી તો જે થયું મારી સાથે એ જ કારણે અમે કોર્ટમાં ઉભાં હતાં.
કોર્ટમાં એને ત્યાં ઊભેલો જોયો. એની માતા પણ ત્યાં જ હતી. તો હું ગભરાઈ ગઈ. મારી સામે તે રાતની તમામ વાતો ફરી ચાલવા લાગી.
શું એવું કંઈક થઈ શકે છે કે મારે તેનો સામનો ન કરવો પડતે? કોર્ટમાં શું મારું નિવેદન અલગ જગ્યા પર લઈ શકાતું ન હતું? મારું મન બેબાકળું થઈ ગયું.
મને થયું કે જલ્દીથી નિવેદન થઈ જાય અને અમે એ જગ્યાએથી નીકળી જઈએ.

શું મારું નિવેદન જલદી થઈ શકતું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
મારું માથું ભમી રહ્યું હતું. પરંતુ મારે ત્રણ-ચાર કલાક ત્યાં જ ગરમીમાં ઊભા રહીને રાહ જોવી પડી. શું કોઈ જગ્યાએ ખુરશી મળી શકતી હતી જેથી બેસીને હું મારી વ્યાકુળતા પર કાબૂ મેળવી શકું?
મને યાદ આવી રહ્યું હતું કે હું એ રાત પછી કેટલી પરેશાન થઈ ગઈ હતી. હું તો કોઈને જણાવવા જ માંગતી ન હતી કે મારી સાથે શું થયું.
મને ખબર હતી કે બળાત્કાર સાથે કેટલી બદનામી જોડાયેલી છે. બધા પરિવાર, આખો સમાજ શું કહેશે. શું મને જ દોષ આપશે. શું મારુ સાઇકલ ચલાવવું, એ સાંજે એ છોકરા સાથે મોટર સાઇકલ શીખવી, મુકત મને હરવું-ફરવું, સંગઠનની દીદી લોકોનો સાથ આપવો, પ્રદર્શનમાં જવું. શું આ બધામાં મારા રેપનું કારણ શોધશે?
આ જ બધું મારા મગજમાં ચાલી રહ્યું હતું અને ઘણું ખરું એવું થયું પણ.
મહોલ્લામાં લોકો બોલવા લાગ્યા કે આ છોકરી ભણેલી નથી છતાં સાઇકલ ચલાવે છે, સ્માર્ટફોન રાખે છે. મારામાં જ ખોટ કાઢવા લાગ્યાં.
પરંતુ મારી ફોઈ બોલી કે, જો હમણાં નહીં બોલે તો આ છોકરાઓ ફરી તને પરેશાન કરશે.

મેં હિંમત બતાવી

ઇમેજ સ્રોત, ANDRÉ VALENTE/BBC
મને પણ લાગ્યું કે મારી સાથે આ થઈ ગયું, કોઈ અન્ય સાથે ન થવું જોઈએ. કલ્યાણીબહેન અને તન્મયભાઈ, જેમનાં ઘરે હું કામ કરું છું તેમણે પણ કહ્યું કે મારે પોલીસ કેસ કરવો જોઈએ.
મેં હિંમત બતાવી. આટલું સહન કર્યું તો હજી વધારે સહન કરી લઈશું. પરંતુ કોર્ટમાં એ દિવસે કલાકો રાહ જોતા અને પેલા છોકરાને સામે જોઈને હું ગભરાઈ ગઈ.
તમે હોતે તો તમને કેવું લાગતે? આ ચાર દિવસમાં મેં કેટલી વાર તો રેપની રાતની ઘટના પોલીસને કહી હશે. અનેક વાર તો મને જ આ ઘટનાની દોષી ગણાવાઈ.
એક પોલીસકર્મીએ મારો આખો મામલો બધાની સામે વાંચી સંભળાવ્યો. તે પછી જેના વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી એના પરિવારવાળા મારી સાથે વાત કરવાની કોશિશ કરવા લાગ્યા. ત્યાં સુધી બોલ્યા કે લગ્ન કરી લો.
મારા પર એટલું દબાણ આવવા લાગ્યું કે મને લાગ્યું કે હું બીમાર પડી જઈશ. અખબારમાં મારું નામ, મારું સરનામું બધું જ છાપી દેવામાં આવ્યું.
શું કોઈ નિયમ છે જે આ બધાથી મને બચાવી શકતો હતો? શા માટે વારંવાર આ રીતની વાત જણાવવી પડી? શા માટે બધું મારા વિશે સૌની સામે જણાવાઈ રહ્યું હતું?
એવું લાગી રહ્યું હતું કે આખો મહોલ્લો, સમાજ બધા જે મને ઓળખે છે અને જે નથી પણ ઓળખતા તે બધું જ મારા વિશે જાણી ગયા. જે બદનામીનો ડર હતો એ જ થઈ રહ્યું છે.

જજ સાહેબ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા..

ઇમેજ સ્રોત, Getty Images
કોર્ટમાં એ દિવસે પણ પેરવી કરનાર બોલ્યા, ચહેરા ઉપરથી કપડું હટાવી લો.
મારો ચહેરો જોતાં જ કહ્યું, "અરે અમે તમને ઓળખી ગયા. તું સાઇકલ ચલાવતી હતી ને? અમે ઘણીવાર તને કહેવા માંગતા હતા. તને ટોકવા માંગતા હતા. પણ ન બોલ્યા."
મને નથી ખબર કે પેરવી કરનાર મને શું કહેવા માગી રહ્યાં હતાં. કોર્ટમાં લાંબી રાહ જોયા પછી અમને જજ સરે અંદર બોલાવ્યા. હવે ઓરડામાં ફક્ત હું અને તેઓ જ હતા. હું ક્યારેય પણ આવા માહોલમાં રહી નથી.
શું થશે શું કરવું પડશે શા માટે અહીં કલ્યાણી દીધી અને તન્મય નથી એવું મારા મગજમાં ચાલી રહ્યું હતું.
જજ સાહેબે આખી વાત સાંભળી અને સાથે લખ્યું પણ. પછી તેમણે જે લખ્યું હતું તે મને વાંચીને સંભળાવવા લાગ્યા. તેમના મોઢા પર રૂમાલ હતો. જે તેઓ મારું નિવેદન સંભળાવી રહ્યા હતા મને કંઈ જ સમજાતું ન હતું. હું વિચારી રહી હતી કે, શું હું જે બોલી હતી તે જ લખ્યું છે?
મેં કહ્યું, "સર મને સમજાયું નથી. તમે રૂમાલ હઠાવીને જણાવો." જજ સાહેબે રૂમાલ ન હઠાવ્યો. પરંતુ ફરી મારું નિવેદન સંભળાવ્યું. મારું મગજ સુન્ન થઈ ગયું હતું. પછી મને જજ સાહેબે એ નિવેદન ઉપર સહી કરવા માટે કહ્યું.
હું ભલે સ્કુલ નથી ગઈ પરંતુ એટલું તો જાણું છું કે જ્યાં સુધી વાત સમજમાં ન આવે, કોઈ પણ કાગળ પર સહી ન કરો. મેં ના કહી. હું ફરી બોલી, મને સમજમાં નથી આવ્યું.
કલ્યાણીબહેનને બોલાવી આપો. તેઓ મને વાંચી સંભળાવશે. હું સમજી જઈશ અને સહી કરી દઈશ.
જજ સાહેબ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. કહ્યું - "શું તને મારી પર ભરોસો નથી? અસભ્ય છોકરી. તને કોઈએ સભ્યતા નથી શિખવાડી?"

અમારી વાત કોઈ નહોતું સાંભળી રહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
મારું દિમાગ એકદમ સુન્ન થઈ ગયું હતું. મેં કંઈ ખોટું કહ્યું હતું? મેં કહ્યું, "નહીં, તમારી પર ભરોસો છે પરંતુ તમે જે વાંચી રહ્યા છો એ મને સમજમાં નથી આવી રહ્યું"
શું એવો કોઈ નિયમ નથી જેની મદદથી મને જ્યાં સુધી નિવેદન સમજમાં ન આવી રહ્યું હોય ત્યાં સુધી સમજાવી શકાય?
હું એટલી ડરી ગઈ હતી કે મેં સહી કરી દીધી અને બહાર કલ્યાણીબહેન પાસે જતી રહી. જજ સાહેબે ત્યાં સુધી એમના બીજા કર્મચારીઓ અને પોલીસને રૂમમાં બોલાવી લીધી હતી.
પછી એમણે કલ્યાણીબહેનને અંદર બોલાવ્યાં. અમે અંદર ગયા. જજ સાહેબ હજી ગુસ્સામાં હતા. મેં અને કલ્યાણીબહેને એમની માફી માગી પણ અમારી કોઈ વાત સાંભળવામાં ન આવી.
મને વારંવાર અસભ્ય છોકરી કહેવામાં આવી અને જજ સાહેબે કલ્યાણીબહેનને કહ્યું તમે લોકોએ આને સભ્યતા નથી શીખવી.
અમને થયું કાશ જજ સાહેબ અમારી વાત સાંભળે, કલ્યાણીબહેન અને તન્મયભાઈએ પણ જજ સાહેબને પોતાની વાત કરવાની કોશિશ કરી.
એમણે કહ્યું કે જો ખુશીને નિવેદન સમજમાં ન આવી રહ્યું હોય તો એને ફરી વાંચી સંભળાવવું જોઈએ.
જજ સાહેબે કહ્યું "કેટલું કામ પડ્યું છે અહીં દેખાતું નથી?"

આ લડાઈ મૂકીશું નહીં

ઇમેજ સ્રોત, Getty Images
જો હું ગરીબ ન હોત તો મારી વાત સાંભળવામાં આવતને? મને જરા મોટા અવાજે બોલવાની ટેવ છે શું મારું મોટાં અવાજે બોલવું ખોટું હતું?
મેં જજ સાહેબને કહ્યું હતું કે જ્યાં સુધી સુધી નિવેદન સમજમાં નહીં આવે હું સહી નહીં કરું. શું કાયદા મુજબ મારું આમ કહેવું ખોટું છે?
એ રૂમમાં એટલો ઘોંઘાટ હતો કે અમને સમજાઈ ગયું હતું કે અમારી વાત સાંભળવામાં નહીં આવે અને એ જ થયું. હું, કલ્યાણીબહેન અને તન્મયભાઈ ત્યાં જ ઊભાં હતાં.
અમારો વીડિયો બનાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે અમે લોકો સરકારી કામકાજમાં વિઘ્ન ઊભું કરી રહ્યાં છીએ અને એના કારણે અમારે હવે જેલ જવું પડશે.
મેં વિચાર્યું જ્યારે આટલું વેઠ્યું છે તો આપ વેઠીશું. મને દસ દિવસ પછી જામીન આપવામાં આવ્યા છે પરંતુ જેઓ મારી સાથે હતા એ હજી સુધી જેલમાં છે.
અમારી સામે જે કેસ દાખલ થયો એમાં લખવામાં આવ્યું છે કે અમે ગાળો બોલી અને નિવેદનનું કાગળ ફાડવાની કોશિશ કરી. જજ સાહેબે અમારી વાત સાંભળી?
મને ફક્ત ન્યાય જોઈએ છે. હું આ લડાઈ છોડીશ નહીં.
(બીબીસી સાથે થયેલી વાતચીતને આધારે)


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













