કઠવાડા કેમ અમદાવાદ શહેરનો હિસ્સો નથી બનવા ઇચ્છતું?

ઇમેજ સ્રોત, Dilip Chouhan
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કોઈ મોટાં શહેરની આસપાસમાં જે વિસ્તારો કે ગામડાં હોય અને ત્યાં શહેરીકરણની અસર હોય તો એ વિસ્તારો મોટાં શહેરની મહાનગરપાલિકા સાથે જોડાવા ઉત્સુક હોય છે.
આવા વિલીનીકરણથી ગટર, પાણી, વીજળી, રસ્તા વગેરે સુવિધાઓ સારી મળી શકે એવી લોકોમાં માન્યતા હોય છે. જોકે, આ માન્યતાથી વિપરીત કઠવાડા અમદાવાદ શહેરમાં ભળી જવા સામે વિરોધ કરી રહ્યું છે.
સરકારે જાહેર કરેલા 18 જૂનના એક જાહેરનામા મુજબ અમદાવાદ શહેરની હદમાં આવેલી બોપલ-ઘુમા નગરપાલિકા, ચિલોડા-નરોડા ગ્રામ પંચાયત તેમજ કઠવાડા ગ્રામ પંચાયતને અમદાવાદ મહાનગરપાલિકામાં સામેલ કરવામાં આવી છે.
જોકે, કઠવાડાના લોકોએ આનો વિરોધ કર્યો છે અને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે કઠવાડા ગ્રામ પંચાયતને અમદાવાદ સુધરાઈનો હિસ્સો ન બનાવવામાં આવે.
ગુજારત હાઈકોર્ટે આ બાબતે રાજ્ય સરકાર તેમજ અમદાવાદ સુધરાઈને નોટિસ મોકલી છે અને આગામી સુનાવણી ૧૮ ઑગસ્ટે છે.

કઠવાડાને શું વાંધો છે?

ઇમેજ સ્રોત, Dilip Chauhan
કઠવાડા ગ્રામ પંચાયતના સભ્ય દિલીપ ચૌહાણે આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "કઠવાડાની ગ્રામ પંચાયતે તો ગામનો ખૂબ સારો વિકાસ કર્યો જ છે. કઠવાડામાં રોડ, પેવર બ્લૉક, ગટર વ્યવસ્થા, એલઈડી સ્ટ્રીટ લાઇટ, પાણીના બોર વગેરે વ્યવસ્થાઓ છે જ. જો કોઈ ગ્રામપંચાયત નમૂનારૂપ કામ કરતી હોય તો એને પ્રોત્સાહિત કરવી જોઈએ, નહીં કે એને મહાનગરપાલિકામાં ભેળવી દેવી જોઈએ."
તેઓ કહે છે કે, "સુધરાઈનો ઉદ્દેશ એ જ હોય કે જે પંચાયતો નબળી હોય તેમને સમાવીને તેમનો વિકાસ કરવો. કઠવાડા ઓલરેડી વિકસિત છે જ અને પંચાયત સારૂં કામ કરી જ રહી છે, તો શા માટે એને અમદાવાદ શહેર સુધરાઈનો હિસ્સો બનાવવી જોઈએ? "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું છે કે "આસપાસની ઔદ્યોગિક વસાહતોને લીધે કઠવાડા ગામનો વિકાસ પહેલાથી જ સારો છે, પછી એને અમદાવાદ શહેર સુધરાઈમાં સામેલ કરવાની જરૂર વર્તાતી નથી."
દિલીપ ચૌહાણ કહે છે, "અમને તો લાગે છે કે અમારી આસપાસ જે ઔદ્યોગિક વસાહતો છે તેના ટેક્સના નાણાં મળે એ માટે અમારી ગ્રામ પંચાયતને અમદાવાદ સુધરાઈમાં સામેલ કરવાનું આયોજન થયું છે."
દિલીપ ચૌહાણનો આરોપ છે કે અમદાવાદ સુધરાઈએ 15 વર્ષ પહેલાં હદ વિસ્તરણ કર્યું હતું અને એ વખતે જે ગામોનો સુધરાઈમાં સમાવેશ કર્યો તેમના પણ હજી વિકાસકાર્યો થયા નથી.
તેઓ કહે છે કે, "મુઠિયા ગામ, હંસપુરા ગામ, રામોલ, હાથીજણ, વિનોબા ભાવેનગર વગેરે ગામો અને વિસ્તારો અમદાવાદ સુધરાઈની હદમાં આવ્યા છતાં ત્યાં ગંદકીથી લઈને અનેક પ્રકારની સમસ્યા પ્રવર્તી રહી છે. તો અમારી સમસ્યાઓ પર તો કેવી રીતે ધ્યાન આપી શકશે? "

પંચાયતીરાજનો ઉદ્દેશ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કોર્ટમાં અરજી કરનારના વકીલ વિક્રમ ઠાકોરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "જે મુદ્દા અરજીમાં ટાંકવામાં આવ્યા છે એને આધારે વાત કરું તો, અમદાવાદ મહાનગરપાલિકાની હદ વધારીને કઠવાડાને એમાં ભેળવી દેવાનું જે નોટિફિકેશન બહાર પાડતા પહેલા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સાથે કોઈ પરામર્શ થયો નથી."
"ગામના લોકોને પણ સાંભળવામાં આવ્યા નથી. બંધારણના આર્ટિકલ 243 સી હેઠળ જે સત્તા આપવામાં આવી છે એ મુજબ જો ટ્રાન્સિઝન વિસ્તાર એટલે કે ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તારમાં પરિવર્તિત થઈ રહેલો વિસ્તાર જે હોય એ નાનો શહેરી વિસ્તાર હોય તો એની મ્યુનિસિપાલિટી બને અને જો મોટો શહેરી વિસ્તાર હોય તો જ એનું કૉર્પોરેશન બને."
તેઓ ઉમેરે છે કે વસતીના ધોરણે જોઈએ તો કઠવાડાની અલગથી નગર પંચાયત બને, નહીં કે સીધો મહાનગર પાલિકામાં સમાવેશ થાય. કઠવાડા ગામ જે છે એ લાર્જર અર્બન એરિયાની વ્યાખ્યામાં જ નથી આવતું.
અરજી કરનારાઓની દલીલ છે કે બંધારણમાં પંચાયતીરાજને મજબૂત કરવાનો જે ઉદ્દેશ આપ્યો છે એ મુજબ કઠવાડા ગ્રામ પંચાયતને વસતીના ધોરણે નગર પંચાયત આપવી જોઈતી હતી એનો સીધો મહાનગરપાલિકામાં સમાવેશ ન થઈ શકે.
"કૉર્પોરેશનની હદ વધારીને કઠવાડાને એમાં સામેલ કરી દેવામાં આવે તો બધી સત્તા અમદાવાદ મહાનગર પાલિકા પાસે જતી રહે. આ તો પંચાયતીરાજના જે ઉદ્દેશને નબળા પાડવાનું આયોજન થયું કહેવાય."
વિક્રમ ઠાકોરે કહ્યું, " બીજો મુદ્દો એ કે બંધારણના આર્ટિકલ 243 સીમાં નવી કૉર્પોરેશન કે નગરપંચાયત બનાવવાની સત્તા છે પણ કોઈ હયાત મહાનગરપાલિકા હોય એને હદ વધારવાની સત્તા નથી. આ જે જાહેરનામું બહાર પાડ્યું છે એનાથી તો અમદાવાદ મહાનગર પાલિકાએ હદ વધારી છે. હદ વધારવા માટેની આ સતાઓ નથી."
વિક્રમ ઠાકોર ત્રીજો મુદ્દો જણાવતાં કહે છે કે "કોઈ પણ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં પરિવર્તિત કરવો હોય ત્યારે એ વિસ્તાર ટ્રાન્ઝિશન વિસ્તાર છે કે સ્મૉલર અર્બન વિસ્તાર છે કે લાર્જર અર્બન વિસ્તાર છે એના વર્ગીકરણની પ્રક્રિયા હાથ ધરવી પડે. બંધારણ અનુસાર એ સત્તા રાજ્યપાલ પાસે છે. અહીં એ માપદંડનું પાલન થયું હોય એવું જોવા મળતું નથી."
"કઠવાડાની બાજુમાં સીંગરવા ગામ છે. એની વસતી કઠવાડા કરતાં વધારે છે. જો કાયદા મુજબ પ્રક્રિયા કરવાની હોય તો સીંગરવાને પહેલા મહાનગરપાલિકામાં સામેલ કરવાનું થાય. જે પ્રકારની હિલચાલ છે એ જોતાં કઠવાડાને કોઈ રાજકીય હેતુસર અમદાવાદ મહાનગરપાલિકાનો હિસ્સો બનાવવાનો હોય એવું લાગે છે."

અમદાવાદ સુધરાઈનો જવાબ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અમદાવાદને એક મૉડલ સિટી ગણવામાં આવે છે.
કઠવાડા ગામ જો મૉડલ સિટીની સુધરાઈનો હિસ્સો બનતું હોય તો એમાં વાંધો શો છે?
અમદાવાદ સુધરાઈમાં ભાજપનું શાસન છે અને કઠવાડા જે દસ્ક્રોઈ તાલુકામાં આવે છે ત્યાં પણ ભાજપનું જ શાસન છે.
તેથી જો કઠવાડા શહેરમાં ભળે તો પણ શાસન તો એક જ રહેવાનું છે?
આ સવાલોના જવાબમાં દિલીપ ચૌહાણ કહે છે, "આ બધી વાત બરાબર છે, પણ કઠવાડા ગ્રામ પંચાયત તો કોઈ પાર્ટીના ચિહ્ન પર ચૂંટાઈ નથી. ગામમાં કોઈ નાનોમોટો પ્રશ્ન હોય તો પક્ષપાતના રાજકારણ વગર એનો ઉકેલ આવી જતો હોય છે."
તેઓ ઉમેરે છે, "અમે કોર્ટમાં જે અરજી કરી છે એમાં રજૂઆત કરી છે કે અમારી પંચાયત રહેવા દો. જો વસતીના ધોરણે એ ગ્રામ પંચાયત ન રહી શકે એમ હોય તો નગર પંચાયત કરી આપો."
"કઠવાડાની વસતી 24,900 છે. ક્રમ મુજબ તો કઠવાડા ગ્રામ પંચાયત એ નગર પંચાયત થવી જોઈએ નહીં કે સીધી એને અમદાવાદ મહાનગર પાલિકામાં સામેલ કરવામાં આવે. અમદાવાદ સુધરાઈ જે છે એના 48 વૉર્ડ છે."
"પંચાયતોને સુધરાઈમાં સાંકળવાની વાત કરી છે પણ વૉર્ડ પણ વધારવાના નથી. કઠવાડાને જે વૉર્ડમાં સામેલ કરવામાં આવે એ વોર્ડના જ પોતાના પ્રશ્નો જો વણઉકેલ્યા રહેતા હશે તો છેવાડાના કઠવાડાના પ્રશ્નો તો ક્યારે ઉકેલાશે?"
"અમે લોકોએ હાઈકોર્ટમાં જે અરજી કરી છે એમાં એ વાત પણ કરી છે કે કે જો વસતીના ધોરણે ગ્રામ પંચાયતને બદલે નગર પંચાયત કરવામાં આવે તો નગરપતિ પણ ગામના જ હશે અને વિકાસની જવાબદારી ગામ હસ્તક રહેશે."
" જન્મ મરણના દાખલાથી માંડીને તમામ નાનીમોટી જવાબદારી ગામ વહન કરે છે. હવે ગામ જો અમદાવાદ સુધરાઈમાં દાખલ થાય તો અમારે નાના કામ માટે પણ છેક શહેર સુધી લંબાવવું પડે."
અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે આ અંગે 23 જુલાઈએ પત્રકારોને જવાબ આપતાં કહ્યું હતું કે "કઠવાડા અને ચિલોડા બંનેનો વિસ્તાર નાનો છે. એનો પણ સર્વે થયો છે. જવાબદારી પણ કૉર્પોરેશના અધિકારીને આપવામાં આવી છે. નાના ચિલોડા અને કઠવાડા બંને જગ્યાએ કોઈ પણ કચાશ નહીં રાખવામાં આવે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












