ગુજરાતમાં મુસ્લિમો ઈદ પર પ્રાણીઓની કુરબાની અંગે શું કહી રહ્યા છે?

ગુજરાત હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટના યશ શાહ અને વડોદરાની એક સંસ્થા 'પ્રનીન ફાઉન્ડૅશન' દ્વારા બકરી ઈદને લઈને જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમાં તેમેણે કોરોના વાઇરસની વર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં પ્રાણીઓની કુરબાની પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા દાદ માગી હતી.

ગુજરાત હાઈકોર્ટેના ન્યાયાધીશ વિક્રમનાથ અને જે. બી પારડીવાલાની પીઠે આ સુનાવણી કરી હતી.

જેમાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સંબંધિત મુદ્દે બહાર પડાયેલા જાહેરનામા જેવાં જ જાહેરનામાં રાજ્યના તમામ જિલ્લામાં બહાર પાડવામાં આવે એવું હાઈકોર્ટે જણાવ્યું હતું.

line

અમદાવાદ પોલીસનું જાહેરનામું

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 24 જુલાઈના રોજ ક્રિમિનિલ પ્રોસિજર કૉડની કલમ 144 અંતર્ગત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ જાહેરસ્થળે કે જાહેરજનતાને દેખાય તેમ પશુની કુરબાની કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

તેમજ જાહેરનામામાં કુરબાની બાદ પ્રાણીઓનાં માંસ કે હાડકાં જાહેરસ્થળ પર ફેંકવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. તે સિવાય નમાજ પઢવા માટે મસ્જિદમાં એકઠા ન થવાનું પણ જણાવાયું હતું.

line

'હાઇકોર્ટનો નિર્ણય યોગ્ય'

વકીલાતનો અભ્યાસ કરી ચૂકેલા નદીમ મંસૂરીએ આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય છે. શાકભાજી લેવા જાઓ ત્યારે શું દરેક વાત ડૉક્ટરને પૂછવી શક્ય છે? એમજ માંસ લેતી વખતે ડોક્ટરને પૂછવા કે સર્ટિફિકેટ મેળવવા ન જઈ શકાય."

"કોવિડ- 19ની પરિસ્થિતિ દરમિયાન લોકો ભેગા ન થાય તે નિર્ણય યોગ્ય છે."

"જાહેરસ્થળો પર કુરબાની ન આપવવાનો નિર્ણય પણ યોગ્ય છે. સામાન્ય રીતે રમજાન ઈદમાં લોકો ભેગા થતા હોય છે. જ્યારે બકરી ઈદમાં લોકો એટલા પ્રમાણમાં એકઠા થતા નથી. મારા મતે મસ્જિદમાં નમાજ ન પઢવી એ પણ યોગ્ય છે, કારણ કે એમ કરવાથી સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી શક્ય નહીં બને."

"આ સ્થિતિમાં મુસ્લિમ તરીકે સાવચેતી રાખવી જરૂરી છે. ઘરે નમાજ પઢવાથી ધાર્મિક રીતે કોઈ નુકસાન નથી."

line

'સરકાર હાઈટેક અને હાઇજેનિક કતલખાનાં બનાવે'

દાનિક કુરૈશી

ઇમેજ સ્રોત, Danish Quraishi/fb

ઇમેજ કૅપ્શન, દાનિશ કુરૈશી

અમદાવાદમાં ગાર્મેન્ટ મશીનરીનો વેપાર કરતાં દાનિશ કુરેશી જણાવે છે, "ગાઇડલાઇન પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી જ હતી. મુસ્લિમો તેને અનુસરવાના જ હતા. એ વચ્ચે આ પ્રકારની જાહેરહિતની અરજીની જરૂરિયાત શી હતી?"

આ ઉપરાંત કતલખાનાં અંગે વાત કરતાં તેઓ જણાવા છે, ગુજરાત સરકાર પાસે કતલખાનાં માટે કોઈ માળખું નથી.

તેમના મતે અમદાવાદના જમાલપુરમાં જે કતલખાનું છે તે કોઈ પણ રીતે હાઇજેનિક નથી. સરકારે મુસ્લિમો માટે હાઇ-ટૅક અને હાઇજીનિક કતલખાનાની વ્યવસ્થા કરવી જોઈએ.

અમદાવાદનમાં રહેતાં ઝકિયા વાણિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "લગભગ દર વર્ષે ઈદના સમયે આ પ્રકારના પ્રશ્નો અને વિરોધ જોવા મળે છે. સૌપ્રથમ તો હું કહેવા માગીશ કે ભારત જેવા વૈવિધ્યસભર અને બિનસાંપ્રદાયિક દેશમાં એક તહેવારનું નામ વર્ષોથી ખોટું બોલાઈ રહ્યું છે, સરકારી રજાઓની યાદીમાં પણ તેને 'બકરી ઈદ' કહેવામાં આવે છે, પરંતુ તે અસલમાં ઈલ-ઉલ-અઝહા છે."

line

નિકાસનારા માંસનો વિરોધ કેમ નહી?

ઝકીયા

ઇમેજ સ્રોત, Zakiya Vaniya

ઇમેજ કૅપ્શન, ઝકિયા વાણિયા

ઝકિયા ઉમેરે છે, "જો વિરોધની વાત કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન રેસ્ટોરાંમાં, આંતરરાષ્ટ્રીય ફૂડ-ચૅઇનોમાં, સ્થાનિક ધોરણે તેમજ ઍક્સપૉર્ટના બિઝનેસમાં માંસનો ઉપયોગ થાય જ છે."

"ઈદના દિવસે જે લોકો આર્થિક રીતે સક્ષમ હોય તે કુરબાની આપે છે અને આ માંસને પણ ફરજિયાતપણે ત્રણ ભાગમાં વહેંચવાનો હુકમ છે. પોતાના માટે, મિત્રો-પરિવાર માટે અને ગરીબો માટે. તો પછી માંસ જે ખોરાકનો એક પ્રકાર છે તે ગરીબો સુધી પહોંચે તેમાં વિરોધ કેમ? અને આ વિરોધ માત્ર ઈદ સુધી સીમિત કેમ?"

"ઘણા લોકોને જાણ નથી કે તમામ સક્ષમ લોકો પોતાનાં ઘરે કુરબાની નથી આપતા, તેઓ સંસ્થાઓનાં માધ્યમથી અત્યંત પછાત અને ગરીબ ગામડાં અથવા શહેરી વિસ્તારોમાં પોતાના ત્રણેય ભાગનું માંસ પહોંચાડતા હોય છે."

"મારા મતે, માંસાહારના કારણે વિરોધ થતો હોય તો તે માત્ર એક દિવસ સુધી સીમિત નથી, તે આખું વર્ષ અને તમામ ધર્મના લોકો દ્વારા આરોગવામાં આવે છે. પરંતુ ઘણી વાર આ વિરોધ પાછળનો હેતુ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ નથી હોતો તે સ્પષ્ટપણે જણાઈ આવે છે, ખાસ કરીને હાલના સમયમાં."

line

'ધાર્મિક સ્વાતંત્ર્યતાનો હક'

મુજાહીદ નફીઝ

ઇમેજ સ્રોત, Mujaheed Nafiz

ઇમેજ કૅપ્શન, મુજાહીદ નફીઝ

આ મુદ્દે વાત કરતાં મુસ્લિમ કર્મશીલ મુજાહિદ નફીઝ જણાવે છે, "જાણી જોઈને સાંપ્રદાયિક માહોલને બગાડવા માટે કેટલાક લોકો આ પ્રકારની અરજી કરતા હોય છે. બકરી ઈદ ઇસ્લામ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી શરૂ થયેલી પરંપરા છે. જોવા જઈએ તો જે પ્રાણીઓની કુરબાની આપવામાં આવે છે તે કાયેદસર હોય છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલાં કતલખાનાંમાં અથવા ખાનગી જગ્યા પર કુરબાની થતી હોય છે."

"પોલીસ દ્વારા પરિપત્ર તો દર વર્ષે આવે જ છે જેનું લોકો પાલન કરતા હોય છે. ગુજરાત હાઈકોર્ટનો આદેશ આવકાર્ય છે. કુરબાની એ બંધારણમાં આપવામાં આવેલા ધાર્મિક સ્વતંત્રતા અધિકારમાં સામેલ છે."

line

ઈદની ઉજવણી

પરિવારના સમૂબ ભોજનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુસ્લિમો પરિવાર અને મિત્રો સાથે સમૂહ ભોજન કરી ઈદ ઉજવે છે

વિશ્વમાં વસતા લાખો મુસ્લિમો બલિદાનના પ્રતીક તરીકે બકરી ઈદની ઉજવણી કરે છે.

આને ઈદ-ઉઝ-ઝોહા કે ઈદ-ઉલ-અઝહા કહેવાય છે. આ ઈદ એ સમયે ઊજવાય છે જ્યારે મુસ્લિમો હજ યાત્રાએ જાય છે.

ઈદનો મતલબ ખુશી જેને અરબીમાં ઉજવણી પણ કહેવાય છે.

મુસ્લિમ કેલેન્ડરના બે મોટા તહેવારો બકરી ઈદ અને રમજાન ઈદ છે. બન્ને ઈદ અલગઅલગ તહેવાર છે અને તેના અર્થ પણ જુદા છે.

એક ઈદ રમજાન મહિના સાથે જોડાયેલી છે જ્યારે બીજી ઈદ મુસ્લિમો દ્વારા કરવામાં આવતી હજ યાત્રા સાથે જોડાયેલી છે.

રોજા અને હજયાત્રા એ મુસ્લિમ ધર્મનાં પાંચ મુખ્ય તત્ત્વોમાં સામેલ છે. બાકીની ત્રણ બાબતમાં આસ્થા, ઈબાદત, અને દાનનો સમાવેશ થાય છે.

line

બલિદાનનો તહેવાર બકરી ઈદ

બકરાનું ટોળુ

ઇમેજ સ્રોત, ahmet_ozgur

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ ઈદ ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિના ઝિલહિજ્જની દસમી તારીખે મનાવવામાં આવે છે.

આ ઈદ મુસલમાનોના એક પયગંબર અને હજરત મહમદના પૂર્વજ હજરત ઇબ્રાહિમની કુરબાનીને યાદ કરવા માટે મનાવાય છે.

મુસલમાનોનો વિશ્વાસ છે કે અલ્લાએ ઇબ્રાહિમની પરીક્ષા લેવા માટે પોતાની સૌથી ગમતી વસ્તુની કુરબાની માગી હતી.

ઇબ્રાહિમે પોતાના યુવાન દીકરા ઇસ્માઇલને અલ્લાના રાહમાં કુરબાન કરવાનો નિર્ણય કરી લીધો.

જોકે, એ જયારે પોતાના દીકરાને કુરબાન કરવાના હતા ત્યારે અલ્લાએ એમની જગ્યાએ એક બકરીને (દુમ્બા-ઘેટાંની એક પ્રજાતિ) રાખી દીધી. અલ્લા માત્ર એમની પરીક્ષા લઈ રહ્યા હતા.

દુનિયાભરમાં મુસલમાન આ જ પરંપરાને યાદ કરતા ઈદ-ઉઝ-ઝોહા કે ઈદ-ઉલ-અઝહા મનાવે છે.

આ દિવસે પશુની (કુરબાનીના પશુ માટેની પણ ખાસ શરતો છે) કુરબાની આપવામાં આવે છે. જેને ભારતમાં બકરી ઈદ તરીકે ઓળખવામાં આવે છે.

આ ઈદનો સંબંધ હજથી પણ છે, જયારે દુનિયાના લાખો મુસલમાનો દર વર્ષે પવિત્ર શહેર મક્કા જાય છે. બકરાની કુરબાની હજનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો